ગુજરાતી સિનેમા Interviews

‘લવની ભવાઈ’ અને ‘શરતો લાગુ’ના લેખકો સાથે વાતચીત

ઑડિયન્સને સારું કન્ટેન્ટ જોઈએ છે…

‘લવની ભવાઈ’ અને ‘શરતો લાગુ’ની લેખક બેલડી મીતાઈ શુક્લ અને નેહલ બક્ષી સાથે વાતચીત

‘લવની ભવાઈ’ ફિલ્મના ત્રણેય પાત્રો લોકો સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયા છે. મલ્હારનું સાગરનું પાત્ર લોકોએ ઑબ્વિઅસલી વધારે પસંદ કર્યું છે. તેની મજાક, તેનો પ્રેમ લોકોએ સ્વીકાર્યા છે તો આદિત્ય એટલે કે પ્રતિક ગાંધીનો ગંભીર, બેલેન્સ અભિનય પ્રેક્ષકોને ગમી ગયો છે. ‘તેનું સૌથી મોટું કારણ એ છે કે ફિલ્મના ત્રણેય કલાકારો સ્ક્રિપ્ટને વળગી રહ્યા હતા.’ મીતાઈ કહે છે, ‘સંદીપ પટેલે સ્પષ્ટ સુચના આપી હતી કે, સ્ક્રિપ્ટ આખી તૈયાર થઈ જાય પછી જ તેઓ કલાકારો સામે નરેટ કરશે. બીજું એ કે, ફ્લૉર પર સ્ક્રિપ્ટમાં એકપણ ફેરફાર નથી થયો. સંદિપ અંકલ અને આરતીબેને અમને બેઉને સ્ક્રિપ્ટ એક્સપ્લોર કરવામાં પૂરેપૂરી છૂટ આપી હતી…

Nehal bakshi & Mitai shukl
નેહલ બક્ષી અને મીતાઈ શુક્લ

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ગયા અઠવાડિયે મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી અભિનિત ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ રિલીઝ થઈ. ‘શરતો લાગુ’ ગયા વર્ષે મે મહિનામાં આવેલી ‘ચી વા ચી સૌ કા’ નામની મરાઠી ફિલ્મની ઑફિશિયલ રિમેક છે, જેમાં પાણીપ્રેમી સત્યવ્રત અને પ્રાણીપ્રેમી સાવિત્રી નામના બે યુવાનોની લવસ્ટોરી છે. ફિલ્મનો સેન્ટર આઈડિયા સાવિત્રી લગ્ન કરતા પહેલા સત્યવ્રત અને તેના પરિવાર સામે બે મહિના સાથે રહેવાની શરત મૂકે છે- તે છે.

ફિલ-ગુડ ફિલ્મ ‘શરતો લાગુ’ની સ્ક્રિપ્ટ, ડાયલૉગ અને સ્ક્રિનપ્લે મીતાઈ શુક્લ અને નેહલ બક્ષીએ લખ્યા છે. આ પહેલા આ લેખક-બેલડીએ અદભૂત પ્રણય-કથા ‘લવની ભવાઈ’ લખી છે. મીતાઈ ૯૮.૩ રેડિયો ચેલનમાં કૉપી રાઈટર તરીકે કામ કરતા હતા અને નેહલ બક્ષી આર.જે. હતા. મીતાઈ પટકથા-લેખક તરીકેની પોતાની સફરની શરૂઆત વિશે જણાવે છે કે, ‘એક દિવસ સંદિપ અંકલ(ડિરેક્ટર સંદિપ પટેલ)નો મને ફોન આવ્યો કે આપણે સાથે ચા પીએ! અમે બેઠા અને સંદિપ અંકલે એક વાર્તા નરેટ કરવાનું ચાલું કર્યું. છેલ્લે કહ્યું કે મારી ઈચ્છા છે કે આ વાર્તા તું લખે! મેં કહ્યું કે, હું રેડિયોના સ્પૉટ અને પ્રોમો લખું છું, આખી પીક્ચર કઈ રીતે લખી શકું?! સંદીપ અંકલે કહ્યું કે, તું ચિંતા ન કર. તું લખી શકીશ!’

મીતાઈ આગળ કહે છે કે, ‘ખરેખર સંદીપ અંકલ મારી ફેસબુક પરની પોસ્ટ્સ જોતા હતા. હું ફેસબુક પર વન-લાઈનર અને નાના-મોટા જૉક્સ લખતો એના પર તેમની નજર પડી હતી અને તેમને લાગ્યુ હતું કે હું આ સ્ક્રિપ્ટ લખી શકીશ. તો કહી શકાય કે ફેસબુક પર પીજે લખતા લખતા આ ફિલ્મ મળી ગઈ મને!’

તમને યાદ હશે, ‘લવની ભવાઈ’ ફિલ્મનું મુખ્ય પાત્ર આર. જે અંતરાનું એટલે કે ફિલેમ સેન્ટ્રીક હતું. અને તેના પ્રેમમાં love ni bhaaviબે યુવાનો, સાગર અને આદિત્ય પડે છે. મીતાઈ કહે છે કે, ‘આપણે ત્યાં મોટાભાગની ફિલ્મોમાં હિરોઈન એ માત્ર સુંદર દેખાવા માટે જ હોય છે. અને તેનું પાત્ર જો થોડું પણ મજબૂત હોય તો તે ફિલ્મને વિમેન-સેન્ટ્રિક કહી દેવામાં આવે! આપણે ત્યાં મોટાભાગે સ્ત્રીની વાત પણ પુરુષો જ લખતા હોય છે! પણ અમને ફિમેલ એક્સપ્રેસન જોઈતો હતો. એટલે મેં વાર્તા લખવાની શરૂઆત કરી પછી નેહલને તેને આ ફિલ્મ વિશે વાત કરી. અને અમે સાથે લખવાનું શરૂ કર્યું.’ મીતાઈ અને નેહલે રેડિયો ચેનલમાં ૮ વર્ષથી વધુ સાથે કામ કર્યું છે.

ગયા વર્ષે ૧૭મી નવેમ્બરે ‘લવની ભવાઈ’ રિલીઝ થઈ. મીતાઈ અને નેહલ કહે છે કે, ‘૧૫મી તારીખે મુંબઈમાં ફિલ્મનું પ્રિમિયર હતું. ફિલ્મ જોયા બાદ અમે સંતુષ્ઠ હતા. ફિલ્મ માત્ર એક અઠવાડિયા ચાલી હોત તો પણ અમને આટલો જ સંતોષ થયો હોત, કેમ કે અમે પ્રમાણિકાથી કામ કર્યું હતું. લખ્યા બાદ અમને અફસોસ નહતો કે અહીં વધુ સારું થઈ શક્યુ હોત કે આ સીન બરાબર નથી લખાયો.’ આગળ નેહલ ઉમેરે છે કે, ‘મને તો ફિલ્મો જોવાનો ભયંકર શોખ. પણ લખવાનું કોઈ દિવસ વિચાર્યું પણ નહતું અને આખી ફિલ્મ લખી નાખી એટલે મારા માટે તો આ સપના જેવું હતું…’

‘લવની ભવાઈ’ ફિલ્મના ત્રણેય પાત્રો લોકો સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયા છે. મલ્હારનું સાગરનું પાત્ર લોકોએ ઑબ્વિઅસલી વધારે પસંદ કર્યું છે. તેની મજાક, તેનો પ્રેમ લોકોએ સ્વીકાર્યા છે તો આદિત્ય એટલે કે પ્રતિક ગાંધીનો ગંભીર, બેલેન્સ અભિનય પ્રેક્ષકોને ગમી ગયો છે. ‘તેનું સૌથી મોટું કારણ એ છે કે ફિલ્મના ત્રણેય કલાકારો સ્ક્રિપ્ટને વળગી રહ્યા હતા.’ મીતાઈ કહે છે, ‘સંદીપ પટેલે સ્પષ્ટ સુચના આપી હતી કે, સ્ક્રિપ્ટ આખી તૈયાર થઈ જાય પછી જ તેઓ કલાકારો સામે નરેટ કરશે. બીજું એ કે, ફ્લૉર પર સ્ક્રિપ્ટમાં એકપણ ફેરફાર નથી થયો. સંદિપ અંકલ અને આરતીબેને અમને બેઉને સ્ક્રિપ્ટ એક્સપ્લોર કરવામાં પૂરેપૂરી છૂટ આપી હતી. સો, ‘લવની ભવાઈ’ પાછળ રાઈટર-ડિરેક્ટર્સએ ૮થી ૧૦ મહિના આપ્યા છે, સખત મહેનત કરી છે…’

વાત કરી એમ તાજેતરમાં આવેલી ‘શરતો લાગુ’ મરાઠી ફિલ્મની સત્તાવાર રિમેક છે. એ વિશે વાત કરતા મીતાઈ જણાવે છે કે, ‘સૌથી પહેલા તો અમારા માટે એ પ્રશ્ન હતો કે રિમેક કરવી કે નહીં. કેમ કે, રિમેક એટલે માત્ર ડાયલૉગ ચેન્જ કરવા એમ નહીં. ‘શરતો લાગુ’ને અમે સંપૂર્ણ ગુજરાતી બૅકડ્રોપમાં ઢાળીને ફરીથી લખી છે. ઈવન, અમુક સિચ્યુએશનમાં ફેરફાર પણ કર્યા છે. જેમ કે, ફિલ્મમાં જે પાડોશીનું પાત્ર છે તે મૂળ મરાઠી ફિલ્મમાં છે જ નહીં.’

sharato-lagu-et00079061-03-07-2018-05-52-49એસોશિએટ પ્રોડ્યુસર મલ્હાર ઠાકર અને ડિરેક્ટર નીરજ જોશીએ જ્યારે ફિલ્મનો સેન્ટ્રલ આઈડિયા જણાવ્યો ત્યારે જ મીતાઈ અને નેહલે નક્કી કરી લીધું કે આ ફિલ્મ કરવી છે. તેઓ જણાવે છે કેઃ ‘આ ફિલ્મનો મુખ્ય પૉઇન્ટ જ રસપ્રદ હતો, કે એક છોકરીને છોકરા સાથે ફાવશે કે કેમ તે માટે તે તેના પરિવાર સાથે રહેવાની શરત મૂકે છે. એટલે અહીં કોઈ સ્વાર્થી લીવ-ઈન રિલેશનશિપની વાત નથી. છોકરીને છોકરાના મમ્મી-પપ્પા સાથે પણ ફાવવું જોઈએ તેવી શરત છે. અમે નક્કી કર્યું કે આ વાર્તા અમે કહેશું.’

મીતાઈ શુક્લ અને નેહલ બક્ષીએ લખેલી બંને ફિલ્મોમાં મલ્હાર ઠાકર છે. બીજી ફિલ્મમાં તો મલ્હાર ઠાકર એઝ અ પ્રોડ્યુસર પણ છે. મીતાઈ તેના વિશે કહે છે કે, ‘મલ્હારને લઈને બે પ્રકારની વાતો થઈ રહી છે. એક બાજુ લોકો કહે છે કે તે એકનું એક(કૉમેડી) કરે છે, કંઈક નવું કર હવે! અને બીજી બાજુ લોકો કહે છે કે, અમને આમાં મજા આવે છે. તું આવું જ કર ભાઈ! અહીં વાત એ છે કે, કલાકારની વર્ષો પછી એક સ્ટાઈલ, એક બ્રાન્ડ બંને છે જે જોવા લોકો થીએટર સુધી પહોંચે છે. ગોવિંદા નેવુંના દાયકામાં જે પ્રકારની કૉમેડી કરતો હતો એ કોઈ નહતું કરી શક્તું અને લોકો તેની સ્ટાઈલને પ્રેમ કરતા હતા. આજે પણ કરે છે. અહીં મલ્હાર જે કૉમેડી કરી શકે છે એવું કોઈ નથી કરી શક્તું. તેમ છતાં હું કહીશ કે ‘લવની ભવાઈ’ના ઈન્ટરવલ પછીના જે લાગણીશીલ દ્રશ્યો હતા તેમાં દેખાઈ આવે છે કે મલ્હાર હસવાની સાથે રડાવી પણ ગજબ શકે છે! એટલે જ ‘શરતો લાગુ’ લખતી વખતે અમે નક્કી કર્યું હતું કે અહીં સાગર(‘લવની ભવાઈ’નું પાત્ર) નથી કરવાનું. અને મલ્હાર પોતે પણ આ વાતને લઈને સભાન છે. તેને ખ્યાલ છે. આટલું સ્ટારડમ હોવા છતાં તે એક પણ સેકન્ડ માટે પોતાનું ધાર્યું નથી કરતો! શુટ વખતે ડિરેક્ટરનું અને નરેશન વખતે તે અમારું સાંભળે છે! તે એક્ટર તરીકે કાન ખુલ્લા રાખે છે તે તેની સૌથી મોટી સ્ટ્રેન્થ છે.’

આજે દર અઠવાડિયે એવરેજ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે. આ જથ્થાબંધ પ્રોડક્શનના કારણે ક્વોલિટી જળવાતી નથી. એમાં આ બે યુવાનો-મીતાઈ અને નેહલ, તેમનું ઝીણવટભર્યું લેખન અને બારિક નિરીક્ષણ ફિલ્મમાં અલગ તરી આવે છે. હાલાંકી ‘શરતો લાગુ’ ‘લવની ભવાઈ’ જેટલી મજેદાર નથી પણ નબળી પણ નથી. તેમાં પણ કૉમેડીના ચમકારા અને લાગણીશીલ દ્રશ્યો ઉપસી આવ્યા છે. પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે જણાવતા તેઓ કહે છે કે, ‘અમે એક ગુજરાતી વેબ સિરીઝ લખી છે, જેનું શુટિંગ આવતા મહિનાથી શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં અગેઈન, મલ્હાર ઠાકર છે અને તેની સાથે માનસી પારેખ છે. આ વેબ સિરીઝ વર્કિંગ કપલની રોજ-બ-રોજની જિંદગી રજૂ કરશે. બીજા એક પ્રોજેક્ટનું કામ સંદિપ પટેલ સાથે ચાલી રહ્યું છે. તેની શરૂઆત થઈ છે હજુ તો!’

પેક અપઃ આજે ઑડિયન્સ જે રીતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રતિભાવ આપી રહી છે તે જોઈને લાગે છે કે અહીં કામ કરવાનો આ જ સાચો સમય છે. ઑડિયન્સ ભુખી છે સારા કન્ટેન્ટ માટે. બસ આપણે રસોડામાં વધારે સમય આપવાનો છે. કેમ કે જો એમને એક વખત તમારી રસોઈ નહીં ભાવે તો તે બીજી વખત નહીં આવે. બોલીવુડ, અન્ય ઈન્ડસ્ટ્રી; તેમની પાસે ઘણા ઑપ્શન છે! -મીતાઈ શુક્લ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 02-11-2018

mitai-nehal bakshi 02-11
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 02-11-2018

0 comments on “‘લવની ભવાઈ’ અને ‘શરતો લાગુ’ના લેખકો સાથે વાતચીત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: