Literature

સૌમ્ય જોશીના નાટક ‘વેલકમ જિંદગી’ વિશે

બાળકો પહેલા બોલ અને પછી વિચારો ફેંકે છે…

પણ એક સમયે પિતા અને પુત્ર વચ્ચે ‘જનરેશન ગેપ’ ક્યાંકથી ઘૂસી આવે છે. સંતાનને ક્યારેક એમ થાય છે કે પપ્પા મારું સાંભળતા નથી કે એમને કાંઈ જ ખબર નથી પડતી કે એ અન્યના પપ્પાની જેટલા સ્માર્ટ નથી. ને પિતા આ પરિવર્તનશીલ અને ઝડપી યુગમાં તરત જ કશું સ્વીકારી નથી શકતાં. તેઓ ‘જૂનો જમાનો’ અને ‘નવો જમાનો’- એ બે વચ્ચે લટક્યા કરે છે. પિતા અને સંતાન વચ્ચે વ્હિકલની ગતિથી કરીને સાથી અને કેરીયરની પસંદગી… વગેરે દરેક વસ્તુની વ્યાખ્યાઓ બદલાતી રહેતી હોય છે. વ્હાલ, પ્રેમ અને આદર બંને બાજુ છે. બંને બાજુ સમજણ પણ છે. પણ ક્યાંક તફાવત છે, કશુંક ખૂટે છે. એ ખૂટતી ક્ષણ ‘વેલકમ જિંદગી’એ આબાદ જીલી છે.                 

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

219-DSC_9662
વેલકમ જિંદગી નાટક ભજવતી વખતે સૌમ્ય જોશી(ડાબે) અને અભિનય બેંકર

એક મધ્યમવર્ગીય મુંબઈગરાની વાત છે. પોતે, પત્ની અને એક પુત્ર એમ ત્રણ જણ સાથે રહે. લગભગ દરેક મુંબઈગરાની જેમ એ સવારની વહેલી ટ્રેન પકડી નોકરીએ જાય અને રાતના મોડો પાછો આવે. નિષ્ઠાથી નોકરી કરતાં એ મધ્યમવર્ગીય પિતાએ હમેશાં પોતાના બાળકને સુતેલું જ જોયું છે. જે બાળક ધીરે ધીરે મોટું થઇ રહ્યું છે, એની જાણ બહાર! પુત્ર અને પિતા બંને સજ્જનો છે, સારા માણસો છે છતાં કોઈ કૉમ્યુનિકેશન કે પ્રત્યાયનનાં અભાવે બંને વચ્ચે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. મોટો થઈ ગયેલો એ પુત્ર એક સમયે ઘર છોડીને જતો રહે છે. હવે માં-બાપ એકલા છે. માં દીકરાનો વિયોગ સહન કરે છે. એ બાપ અને દીકરા, જે કહી શકાય કે પોતાની રીતે બંને સાચા છે એમની વચ્ચે પીસાય છે. આ વાત થઇ રહી છે જેણે રંગભૂમિની તાસીર અને તસવીર બદલી છે એવા સજ્જ સર્જક અને નાટ્યકાર સૌમ્ય જોશીના અમદાવાદ અને મુંબઈમાં તરખાટ મચાવનાર, અફલાતુન અને અદભૂત નાટક ‘વેલકમ જિંદગી’ની. મધ્યમવર્ગનો ચિતાર આપતું હોવાથી ભપકા વગરનું સેટિંગ્સ, જાણીતા કલાકારો, વસ્ત્રો અને આભૂષણો વગર પણ સફળતાના શિખરે પહોંચેલું નાટક. કવિ, લેખક, દિગ્દર્શક અને નાટ્યકલાકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય જોશી અહીં ખુદ પિતાનું પાત્ર ભજવે છે. અભિનય બેન્કર પુત્રનું અને જીજ્ઞા વ્યાસ માતાનું. ‘વેલકમ જિંદગી’ નાટકનું પુસ્તકરૂપે પ્રકાશન પણ ૨૦૧૨માં પરેશ રાવલના હસ્તે થયેલું છે.

આમ તો અહીં વાત આ નાટકની નહોતી કરવી. પિતા વિશે કહેવું હતું. પણ… આ ‘પણ’ વચ્ચે આવ્યું! પિતા-બાપ-પપ્પા-બાપુજી-ડેડી-ફાધર… વિશે બોલતા અટકી જવાય છે. જિંદગીમાં આવેલી તકલીફો, અકસ્માતોની પળો, બીમારી કે માંદગીના દિવસો, નાનાં-મોટા આઘાત, પરિસ્થિતિઓ કે સંજોગો સામે ઝઝૂમીને ટટ્ટાર ઉભાં થયા હોઈએ એ ક્ષણો મગજમાં ઘૂમરાય છે. આ બધે જ સમયે, દરેક જગ્યાએ… તમારી પાસે ને તમારી સાથે રહેનારનો અને તમારા ખભા પર હાથ રાખીને કે પીઠ પર ધબ્બો મારીને ‘હું છું સાથે’ કહેનારનો ચહેરો દેખાય છે. સંતાનો માં-બાપની સેવા કરે એ તો આપણને ખ્યાલ છે. પણ એવું લાગે છે કે એક બાપ હમેશાં એનાં બાળકની પરોક્ષ રીતે સેવા કરતો હોય છે. છતાંય દરેક દીકરા કે દીકરીના ન કહેવાયેલા અને પોતાને ન સમજાયેલા ‘રોલમેડેલ’ -પપ્પાના અસ્તિત્વ વિશે વાત કરતાં અટકી જવાય છે. અટકવું પડે છે.

આમ પણ પિતા અને પુત્ર વચ્ચેની લાગણી શબ્દો દ્વારા ભાગ્યે જ વ્યક્ત થતી હોય છે અથવા થઇ શકે છે. એ અઘરું છે. વ્યક્ત કરવું, લખવું… અઘરું પડે છે. તમે એનાં કોઈ પ્રસંગો, કિસ્સાઓ કે હકીકતો બયાન કરી શકો. પણ એમનો તમારા પ્રત્યેનો પ્રેમ, પ્રેમથી વધારે એમના તરફથી મળતી ‘સેફ્ટી’, એક લાઈફટાઈમ બેસ્ટ ફ્રેન્ડશીપ… એ વિશે કહેવું, એમને એ માટે ‘થેંક યુ’ કહેવું વામણું લાગે છે. શબ્દો પાંગળા લાગે છે.

photo        બાળક સાવ નાનો હોય, સમજુ ન હોય ત્યારે પિતા સાવ નજીક બેસે, રમે, મસ્તીઓ કરે. બધું જ લાવી આપે છે. બાળક મોટું થાય ત્યારે પિતા થોડા દૂર જાય છે. એમને ચિંતા એટલી જ હોય એનાં દીકરા કે દીકરીની પણ એ સમયે, જયારે બાળક થોડો સમજણો થઇ રહ્યો હોય કે કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતો હોય ત્યારે એ પણ ઉંમરનાં એક પડાવ પર હોય છે. એમની મર્યાદાઓ હોય છે. ‘બાળક જન્મે ત્યારે પપ્પા ખુશ થઈને મીઠાઈ વહેંચે, શાળાએ તેડવા-મુકવા જાય, નૌકરી કરે-કમાય , બહાર ફરવા લઇ જાય…’ વગેરે વગેરે પ્રકારની બાબતો તો છે જ અને રહેવાની જ. પણ એક સમયે પિતા અને પુત્ર વચ્ચે ‘જનરેશન ગેપ’ ક્યાંકથી ઘૂસી આવે છે. સંતાનને ક્યારેક એમ થાય છે કે પપ્પા મારું સાંભળતા નથી કે એમને કાંઈ જ ખબર નથી પડતી કે એ અન્યના પપ્પાની જેટલા સ્માર્ટ નથી. ને પિતા આ પરિવર્તનશીલ અને ઝડપી યુગમાં તરત જ કશું સ્વીકારી નથી શકતાં. તેઓ ‘જૂનો જમાનો’ અને ‘નવો જમાનો’- એ બે વચ્ચે લટક્યા કરે છે. પિતા અને સંતાન વચ્ચે વ્હિકલની ગતિથી કરીને સાથી અને કેરીયરની પસંદગી… વગેરે દરેક વસ્તુની વ્યાખ્યાઓ બદલાતી રહેતી હોય છે. વ્હાલ, પ્રેમ અને આદર બંને બાજુ છે. બંને બાજુ સમજણ પણ છે. પણ ક્યાંક તફાવત છે, કશુંક ખૂટે છે. એ ખૂટતી ક્ષણ ‘વેલકમ જિંદગી’એ આબાદ જીલી છે.

father-son-walking      નાટકમાં એ છઠ્ઠા ધોરણમાં ભણતો બાળક એનાં પપ્પા પાસે ફૂટબોલ મંગાવે છે. પપ્પા નોકરીમાં, કામમાં રોજ એ લેવાનું ભૂલી જતાં હોય છે. વીસ દિવસ સુધી એ દસ વર્ષનું બાળક વાટ જોય છે. એ સમજુ હોય છે. જાણતો હોય છે કે પપ્પા વૈતરું કરે છે. રોજ સવારે ૬ વાગ્યે ઓફિસે જાય છે અને સાંજે ૭-૮ વાગ્યે પાછા આવે છે. એને ફૂટબોલ જોઈતો હતો પણ જિદ્દ ન હતી, એ દુઃખી ન હતો. પછી એક દિવસ મમ્મી સાથે જઈ, એક દુકાનેથી નવું ફૂટબોલ લાવે છે. એ બાળકના હાથમાં ફૂટબોલ આવ્યું ત્યારથી એની આંખો ઘરના દરવાજા તરફ આતુરતાથી પપ્પાની રાહ જોવામાં લાગી ગઈ. એ બાળકને અત્યારે એવા વ્યક્તિની, મિત્રની જરૂર હતી જે એની સાથે ફૂટબોલ રમે. પપ્પા આવ્યા ને તરત જ બાળકે એમની તરફ ફૂટબોલ ફેંકીને કહ્યું, ‘પપ્પા, કેચ!’ એ સમયે આખો દિવસ નોકરી કરીને આવેલા એ પિતા, એમના એક હાથમાં ફાઈલ, બીજા હાથમાં અટૅચી. એ ફૂટબોલનો કેચ ન કરી શક્યા. ફૂટબોલના લાગવાને કારણે એમના ચશ્માં પડ્યા, તૂટ્યા. એમણે તરત જ સામી પ્રતિક્રિયારૂપે, ગુસ્સામાં બાળકને એક લાફો મારી એ ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો.

હું આખું નાટક તમારી સમક્ષ ખોલવા નથી માંગતો. એ જાણવા અને માણવા જેવું, મગજને ખોલી નાખે

welcome_zindagi
‘વેલકમ જિંદગી’ નાટકનું પોસ્ટર

એવું નાટક છે. નાટક પૂરું થયા પછી પડદો પડે ત્યારે આપણા મન અને મગજ પરથી પડદો હટી જાય એવું નાટક છે. વિદાય સમાંરભનાં દિવસે એ પિતા પોતાના પુત્રની વાત કરે છે. એ જયારે ૩ મહિનાનો હતો ત્યારે ડીપ્થેરીયા થયો હતો. અત્યારે એ પુત્ર ઘેરથી ભાગી ગયો છે. ત્યારે બાપ કહે છે કે એ વખતે મારી જે ઊર્જા હતી એ કોઈ ભીમ, બકાસુર કે હરક્યુલસ જેવી દૈવી, પાશવી કે રાક્ષસી હતી. થાકોળો નહી, કંટાળો નહી, આળસ નહી. અને તોડી નાખે એવી એનર્જી… આખી રાત જાગી, બીજે દિવસે નોકરી અને પાછા ઘરે પહોંચવાની ઉતાવળ. દીકરો મોટો થયો, સમજુ થયો ત્યાં સુધી આમ જ ચાલ્યું. દિલ ફાડીને દીકરાને ચાહ્યો, રાખ્યો, ઉછેર્યો, મોટો કર્યો… પછી એ બાપ ગમગીનીથી, વેદનાથી જે ફૂટબોલ નહતો આપી શક્યો એની વાત કરે છે. અફસોસ સાથે કહે છે કે મારો દીકરો જીદ્દી જરાય નહી, એની ડિમાંડ પ્રમાણમાં નહીવત. મારે એને ફૂટબોલ આપવો જ હતો. રોજ નોકરીએથી પાછો આવતો, ટ્રેનમાં ચડતો ને વિચારતો કે લઈ લઉં. પણ દિવસો નીકળતા ગયા. પછી એ પિતા એક વાક્ય ઉચ્ચારે છે જે દરેક બાપ, અને બાપ બન્યા પછી દરેક પુત્ર અનુભવવાનો છે. એ કહે છે કે, ‘ત્યારે હું નવું નવું થાકવા માંડ્યો હતો!’ એ રાક્ષસી ઊર્જા, એ કામ કરવાનો-દોડાદોડી કરવાનો સમય જતો રહ્યો હતો. આ બધે વચ્ચે એક દિવસ ઘરે પહોંચીને એ જોય છે કે એનાં દીકરાના હાથમાં નવો ફૂટબોલ છે. એ થાકેલા બાપ બાજુ અચાનક દીકરો ફૂટબોલનો ઘા કરે છે. બાપ ગુસ્સામાં લાફો મારી, ફૂટબોલ ફેંકી દે છે. અને પછીનાં શબ્દોમાં એક બાપનો દીકરા પ્રત્યેનો અનહદ પ્રેમ, નિભાવી પડતી દુનિયાદારી, ખતમ થઇ ચૂકેલી યુવાની અને આછી-આવતી દેખાઈ રહેલી વૃદ્ધાવસ્થા ઝીલાય છે. એ કહે છે કે, એ લાફો મારાં ચશ્માં તૂટ્યા એનો ન હતો, એ લાફો કદાચ હું ફૂટબોલ ન’તો લાવી શક્યો એનો હતો! એ ચીડ એ સાત વાગ્યે થાકી જતાં બાપ પરની હતી. હું ન’તો લાવી શકતો, પણ ફૂટબોલ મારે જ આપવો હતો. એ ફૂટબોલ મને એનાં તરફ ફેંકવો હતો ને કહેવું હતું: ‘બેટા કેચ!’ એ ચીડ.. બોલ ફેંકવાની એ ઘટના ઊંધી થઈ એની હતી!

આખા નાટકનાં એક એક ડાયલોગ, એક એક પળ માણવા જેવી છે. છેલ્લે એ બાપ કહે છે કે, તમે ગમે એટલા થાક્યા હો પણ એટલી ઊર્જા તો રાખજો જ કે તમે ઘેર પહોંચ્યા હો ને તમારો બાળક તમારી બાજુ બોલ ફેંકી ને કહે: ‘પપા, કેચ!’ તો તમે કહી શકો કે: ‘થ્રો બેટા, થ્રો!’ કારણ કે, બાળકો પહેલાં બોલ ફેંકે છે ને પછી ફેંકે છે: ‘થોટ્સ!!’ અને જે થોટ્સ(વિચાર) ફેંકે છે ત્યાં સુધી આપણી કેચ પ્રેક્ટીસ છૂટી ગઈ હોય છે!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:31-10-2018

saumy joshi na natak welcome jindgi... 31-10 Edited.jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 31-10-2018

 

 

0 comments on “સૌમ્ય જોશીના નાટક ‘વેલકમ જિંદગી’ વિશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: