Movies Review

કાશીઃઈન સર્ચ ઑફ ગંગા

શર્મનભાઈ, સાવ આવું કરવાનું?!

Rating: 0.3 Star

Kaashi-–-In-Search-of-Ganga-1-306x393‘3 ઈડિઅટ્સ’ અને ‘રંગ દે બંસતી’ના કલાકાર શર્મન જોશીની આ કદાચિત અત્યાર સુધીની સૌથી નબળી ફિલ્મ છે. આનાથી નબળી ફિલ્મ કેવી હોય તે વિચારીનેય શરીરમાં કંપારી છૂટી જાય છે! સસ્પેન્સ-થ્રીલરના બદલે ‘કાશી’ ઈરાદાવિનાની કૉમેડી અને આપણા માટે ટ્રૅજેડી બની ગઈ છે. જેમણે પણ આ ફિલ્મ ભૂલથી જોઈ લીધી છે તેમની સાથે મારી સાંત્વના છે. અને હંમેશ રહેશે.             

‘કાશીઃ ઈન સર્ચ ઑફ ગંગા’નું ટ્રેલર સાવ નાખી દેવા જેવું નહોતું. શર્મન જોશી છેલ્લે ફૂવડ ઈરૉટિક અને સો-કૉલ્ડ ફિલ્મોમાં દેખાતો હતો(અર્જુન મુખરજીની ‘3 સ્ટોરીઝ’ના અપવાદ સિવાય), તેના બદલે તેનું આ પાત્ર કંઈક અર્થસભર અને અપીલિંગ હશે તેવું લાગતું હતું. બસ, લાગતું હતું!

કાશી(શર્મન જોશી) નામનો કાશી(બનારસ/વારાણસી)માં રહેતો એક યુવાન છે જે ગંગાકિનારે લોકોને દફનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. હા, ‘મસાન’ ફિલ્મમાં હતું એવું. પણ આ ફિલ્મ ‘મસાન’થી જોજનો દૂર છે; એટલી દૂર કે દેખાય જ નહીં! અહીં ‘મસાન’ ફિલ્મનું નામ લેવાથીય હાય લાગે એટલી દૂર છે! કાશી પોતાના માતા-પિતા અને બહેન ગંગા(પ્રિયંકા સિંહ) સાથે રહે છે. વારાણસીમાં દેવીના(ઐશ્વર્યા દેવન) નામની ‘નયી દુનિયા’ અખબારની જર્નાલિસ્ટ રિસર્ચ માટે આવે છે. તે કાશીને મળે છે. અને મળતા જ ‘ડ્રિંક’ અને ફ્લર્ટ કરીને તથા એકાદ-બે ગીત ગાઈને પ્રેમમાં પડે છે. એક દિવસ કાશીને દેવીના સમાચાર આપે છે કે, કોલેજ ગયેલી તેની બહેન ગંગા હજુ સુધી ઘરે નથી પહોંચી. કાશી માટે તેનો પરિવાર સર્વસ્વ છે. તે ગંગાને શોધવાનું શરૂ કરે છે. તેનો સાથ આપે છે દેવીના.

ફિલ્મના અન્ય પાત્રોમાં દુષ્ટ રાજકારણી બલંવત પાંડે(ગોવિંદ નામદેવ), બનારસના બગડેલા યુવાનોમાં બબીના(ક્રાંતિ પ્રકાશ ઝા), રંગીલા(પારિતોષ ત્રિપાઠી) તથા વકિલ વિનોદ સિંહા(મનોજ જોશી) અને નગેન્દ્ર મિશ્રા(અખિલેન્દ્ર મિશ્રા) છે. વકિલ હોય તો જજ પણ હોવાના. જજ તરીકે મનોજ પાહવા છે. હા, સપોર્ટિંગ કાસ્ટ જબરદસ્ત છે. કાસ્ટિંગ ડિરેક્ટરે સ-રસ ચહેરાઓ પસંદ કર્યા છે, પણ આ ઐતિહાસિક ક્ષણે બીચારા આ તમામના ખાતામાં જિંદગીની સૌથી ખરાબ ફિલ્મનું નામ ઉમેરાયું છે! આ બધા ભેગા થઈને તમારી જિંદગીની અણમોલ 125 મિનિટ ઝૂંટવવા આવ્યા છે, તમે ન આપતા.

ગંગા ગાયબ થાય છે પછી કાશી અને દેવીના તેને સ્કૂલ, તેની બહેનપણીના ઘરે, વારાસણી, મસૂરી વગેરે જગ્યાએ શોધવાનું શરૂ કરે છે. પોલીસ સ્ટેશનમાં જાય છે. પણ તે નથી મળતી. વાર્તામાં આગળ જતા ધાર્યા ન હોય એવા એકાદ-બે વળાંક છે, પણ એક્ઝિક્યુશન થર્ડ-ક્લાસ છે. સમજો ને, ‘નમસ્તે ઈંગ્લૅન્ડ’થી પણ નબળું.(કેમ સમજશો? ‘નમસ્તે ઈંગ્લૅન્ડ’ તમે જોયું છે?!) ‘કાશીઃઈન સર્ચ ઑફ ગંગા’ પિક્ચરનો સેન્ટ્રલ આઈડિયા અથવા વન-લાઈન સ્ટોરી રસપ્રદ છે. તેની ખેંચીને વાર્તા લખો તો કાગળ પર વાંચવાની બહુ મજા આવે. સસ્પેન્સ-થ્રીલર પ્રકારની વાર્તા કે નવલિકા પણ કદાચ લખાય. પણ આ યુનિક લાગતા વિષય પરથી અગાઉ ફિલ્મો બની ચૂકી છે અને ન બની હોય તો પણ આ રીતે તો ન જ ચાલે. અહીં વાર્તાને  એક્સપાયરી ડેટ વટાઈ ચૂકેલી ટ્રીટમેન્ટ અપાઈ છે. અહીં સ્ટાર્ટિંગ ક્રેડિટ્સ સાથે શર્મન જોશી સન્ની દેઓલની કક્ષાનો ડાન્સ કરે છે.(શું કામ કરે છે?!) એક પણ ફાઈટ સીકવન્સમાં શર્મન જોશી જામતો નથી. તેના મૂવ્સ નકલી લાગે છે. તેની બહેન, મમ્મી-પપ્પા, પોલિસ અને રાજકારણી સાથેની વાતચીત, ગુસ્સો, વગેરે બધું ફેક લાગે છે. તે સ્ટ્રગલ કરી રહ્યો હોય એવું લાગે છે. ફિલ્મમાં કુલ સાત ગીત છે, એમાંના પાંચ તો લગભગ ઈન્ટરવલ પહેલા જ આવી જાય છે. ગીતો હૉરિબલ છે, શર્મન સહિત બધાનું પરફૉર્મન્સ ટેરિબલ છે!

સાઉથની અભિનેત્રી એશ્વર્યા દેવનની બૉલીવુડમાં આ પહેલી ફિલ્મ છે. તેને ડાયલૉગ બોલવામાં જ મહેનત પડે છે. સામાન્ય રીતે ફિલ્મમાં કંઈ જ ન હોય તો, શર્મનની અગાઉની ‘હેટ સ્ટોરી’ છાપ ફિલ્મોની જેમ, સુંદર અભિનેત્રીના જોરે થોડીઘણી ચાલતી હોય છે, અહીં એનો પણ અભાવ છે. સ્કિલ્ડ અને ટૅલન્ટેડ અભિનેતા શર્મન જોશીએ પ્રયત્ન કર્યો છે પણ આ પાત્ર માટે તેઓ મિસફિટ છે. કોઈ એન્ગલથી તેઓ કાશીના કાશી નથી લાગતા. તેઓ બમ્બૈયા અને ભોજપૂરી એક્સન્ટમાં બોલવાની ટ્રાય કરે છે ત્યારે સખત વિચિત્ર લાગે છે. બાકીના મનોજ પાહવા, મનોજ જોશી,  ગોવિંદ નામદેવ, અખીલેન્દ્ર મીશ્રા, ક્રાંતિ પ્રકાશ ઝા સહિતના તમામ કલાકારોને સારી રીતે વેડફવામાં આવ્યા છે. ઢંગનો એક પણ ડાયલૉગ, દ્રશ્ય કે સિચ્યુએશન નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બિનજરૂરી લાઉડ છે.

મનીશ કિશોરે લખેલી સ્ક્રિપ્ટમાં કહ્યું એમ, ઈન્ટરવલ પછી થોડાક શૉકિંગ એલિમેન્ટ્સ ધરાવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, પણ ત્યાં સુધી ફિલ્મની ધાર બુઠી થઈ ગઈ છે. તેના કારણે શૉકિંગ ટ્વિસ્ટ પણ ફની લાગ છે! ઈન્ટરવલ પછીનો કોર્ટરૂમ ડ્રામા પણ અતિશય ક્લિશે અને મેલોડ્રામેટિક રીતે રજૂ થયો છે. આખી ફિલ્મ દરમિયાન તમે ફિલ્મના કારણે નહીં પરંતુ ફિલ્મ પર અને ફિલ્મ જોવા તમે બેઠા છો એટલે તમારા પર હસ્યા કરો છો! એક સમય પછી તો ગિલ્ટ ફિલ થવા માંડે કે આ ફિલ્મમાં તમે બેઠા છો! ગોકળ ગતિએ અને જે રીતે રહસ્ય ઉજાગર થાય છે એ જોતા સસ્પેન્સ ઝૉનરની મશ્કરી કરવામાં આવી હોય એવું લાગે છે!

હિન્દી ફિલ્મોમાં એકાધિક વાર જોઈ ચૂક્યા છીએ એ જ વારાસણીના લોકેશન્સ અહીં ફરી જોવા મળે છે. અલબત્ત, સિનેમૅટોગ્રાફી પણ ડલ છે. એકચ્યુલી આ ફિલ્મ નબળી બનાવવા માટે તમામ ડિપાર્ટમેન્ટે ભરપૂર મહેનત કરી છે! પાર્થ ભટ્ટનું એડિટિંગ એમા શરૂઆતી ક્રમમાં આવે. ફિલ્મમાંથી ત્રણેક ગીત જ કાઢી નાખવા જેવા હતા. ઉપરાંત બિનજરૂરી પ્રણય-દ્રશ્યો, ફાઈટ સીકવન્સ, કોર્ટરૂમ ડ્રામા; અરે! આખી ફિલ્મ કાઢી નાખવા જેવી હતી!

કાશી નામનો યુવાન ગંગા નામની બહેનની તલાશમાં ભટકે છે. પાત્રોના નામકરણ જોતા ‘કાશી શહેરમાંથી ગંગા નદી અદ્રશ્ય થઈ ગઈ છે’, ‘કાશી શહેર ગંગા નદીને શોધી રહ્યું છે…’ -ફિલ્મમાંથી આવા કંઈક લેયર્ડ મેટાફોર્સ નીકળશે એવું લાગતું હતું પણ ડિરેક્ટરસાહેબ ધીરજ કુમારે આપણા ધીરજની ભયંકર કસોટી કરી છે અને અંતે એવું કશું જ નથી કાઢતા. ફિલ્મ મહાન લાગે એ માટે ‘રાબેતા મુજબ’ ફ્લૅશબૅકમાં છે. શર્મન જોશી શરૂઆતમાં જેલમાં ઊભો-બેઠો-સુતો ચમચી ઘસતો હોય છે. તેની ધાર કાઢતો હોય છે. એ ધાર વડે જ ડિરેક્ટરે આપણને છોલી નાખ્યા છે. કોઈ પૂછે પણ છે, ‘આ શું કરે છે?’ તેને જવાબ મળે છેઃ ‘પૂરા દિન ચમ્મચ ઘીસતા હૈ તો ક્યા હુઆ? કમ સે કમ નૉનસેન્સ મેં એન્ગેજ તો નહીં રહેતા.’(હેં?!) આ લેવલના ફિલ્મમાં ડાયલૉગ્સ છે.

બૉસ, રિબાવી રિબાવીને સજા આપવી કોને કહેવાય તે હવે સમજાયું. (અહીં ‘સજા ભોગવવી’ વાંચવું)

જોવી કે નહીં?

અનિદ્રાના દર્દીઓએ ખાસ જોવી. ઊંઘ આવી જશે.

જાણ માટેઃ આ ફિલ્મ આ લખનારે આખા થિયેટરમાં એકલા બેસીને જોઈ છે. આ તો શું કે, કોઈ એવૉર્ડ મળતો હોય તો…

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  28 October 2018)

kaashi 28-10
Mid-day, Mumbai. Page No. 14, Date: 28-10-2018

0 comments on “કાશીઃઈન સર્ચ ઑફ ગંગા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: