Movies Review

બાઝાર

મંદી છે ભાઈ… બહુ મંદી છે! 

Rating: 1.7 Star

cf433590255f28a59966ed31a4af9122ગુજરાતી જૈન શકુન કોઠારીના પાત્રમાં સૈફ અલી ખાન એકમાત્ર આ ફિલ્મનું જમા પાસું છે. તેના મોઢે જૂજ અચ્છા ડાયલૉગ્સ આવ્યા છે. બાકી આ ‘બાઝાર’માં ચડાવ કરતા ઉતાર વધારે છે અને એ પણ નુક્શાનકર્તા ઉતાર! શકુન કોઠારી માટે પૈસો જ સર્વસ્વ છે. એના વતી મારી સલાહ છે, દોઢસો-બસોનું રોકાણ આ ‘બાઝાર’માં કરવા જેવું નથી. ક્યારેય તેજી ન આવે એવી મંદી છે!

1987માં ઓલિવર સ્ટોનની એક અફલાતૂન ફિલ્મ આવી હતી, નામ ‘વૉલ સ્ટ્રીટ’. જેમાં બડ ફોક્સ નામનો એક જુનિયર સ્ટૉક બ્રોકર ન્યુ યૉર્કની એક કંપનીમાં કામ કરતો હોય છે. તેને પોતાના હીરો ગૉર્ડન ગીકો સાથે કામ કરવાનું પહેલા સપનું અને પછી ઈચ્છા હોય છે. ગૉર્ડન ગીકો વૉલ સ્ટ્રીટનો શહેનશાહ છે. તે તેની લાલસા અને ચતુરાઈ માટે જાણીતો છે, અને આ બે હથિયાર થકી જ આ મુકામ પર પહોંચ્યો છે. ગોલ્ડન ગીકોનું પાત્ર વેટરન અભિનેતા માઈકલ ડગ્લાસે અદભૂત રીતે ભજવ્યું હતું. એટલું અદભૂત કે આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો એકેડમી એવૉર્ડ મળ્યો હતો.

ડેબ્ડુટન્ટ ડિરેક્ટર ગૌરવ ચાવલાની સ્ટોક માર્કેટ થ્રિલરના ઝોનરમાં મૂકી શકાય(શુકામ મુકવી ક્યાંય?)  એવી ‘બાઝાર’નું બેઝિક પ્રિમાઈસ આ જ છે. ગુરુ-ચેલા એન્ગલથી શરૂ થતી બાઝારમાં બાદમાં કઈ રીતે બેઉ એકબીજાની આમને-સામને આવી જાય છે તેની વાર્તા છે. 1987ની ‘વૉલ સ્ટ્રીટ’ ઉપરાંત એડમ મૅકકેની 2007-08ના ફાઇનૅન્શિયલ ક્રાઈસિસ પર આધારિત ફિલ્મ ‘ધ બિગ શોર્ટ’(વર્ષઃ2015) અને 2013માં આવેલી લિઓનાર્ડો ડિ’કૅપ્રિયોની ધ ‘વુલ્ફ ઑફ ધ વૉલ સ્ટ્રીટ’ પણ ક્યાંક યાદ આવે છે. પણ તે માત્ર યાદ આવે છે; ‘બાઝાર’ સંપૂર્ણ બોલીવૂડીયન ફિલ્મ છે, એવી ફિલ્મ જેનું ભારતીયકરણ સખત નબળું થયું છે!

વારતા

મધ્યમવર્ગિય પરિવારનો એક છોકરો રિઝવાન અહમદ(રોહન મેહરા) જે અલાહબાદમાં સામાન્ય સ્ટૉક બ્રોકર છે. તેનું સપનું છે સ્ટૉક માર્કેટના જાબાંઝ ખેલાડી શકુન કોઠારી(સૈફ અલી ખાન) જેવું બનવાનું. અમરેલી જિલ્લાના(હવે સુરત)એક નાના ગામમાંથી આવેલા શકુન કોઠારીને રિઝવાન આદર્શ માને છે. આઉટસાઇડર હોવા છતાંય શકુને પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે શૅરબજારમાં.  રિઝવાનના પિતા વફાદારી અને સરળતામાં માને છે, પણ રિઝવાનને મુંબઈ જવું છે. તે અલાહાબાદથી મુંબઈ જાય છે, પણ સ્ટ્રગલ માટે નહીં; સેટલ થવા માટે. આ વાત આપણને તે બે વખત કહે છે. મુંબઈમાં વસતો શકુન કોઠારી ગુજરાતી છે એટલે તેની એન્ટ્રી ‘મિચ્છા મિ દુકડં’ના ક્ષમાપના ધાર્મિક કાર્યક્રમથી થાય છે. એ વખતે આપણને ઉત્કર્ષ મઝુમદાર જેવા દિગ્ગજ ગુજરાતી કલાકારને જોતા ખુશી થાય છે પણ આગળ વધતા ખબર પડે છે કે, તેમના ફાળે ખાસ કંઈ આવ્યું નથી.

તો.. રિઝવાન ટ્રેડિંગ કરતી એક કંપનીમાં કામ કરે છે. તેની સુંદર કલિગ અને ઝટ ગર્લફ્રેન્ડ બની જતી પ્રિયા રાય(રાધિકા આપ્ટે) મદદ કરે છે. બે-ત્રણ ઈન્સિડન્ટ પછી તે શકુન કોઠારી સામે આવીને ઊભો રહી જાય છે. ત્યાં સુધી તે અલાહાબાદના છોરામાંથી મુંબઈનો ડ્યુડ ચૂક્યો છે. તેની એકસન્ટ અને લુકનો ‘વિકાસ’ જેટલું ઝડપી અલાહાબાદમાંથી પ્રયાગરાજ થયું એટલી ઝડપે થાય છે!( આદિત્યનાથ અને રોહન મેહરા; બેઉ ગજબ કે’વાય નહીં!) અહીંથી શૅરબજારનો ખંધો, ચાલાક અને સફળ ખેલાડી શકુન કોઠારી તથા નવાસવા પણ શાતિર દિમાગ ધરાવતા રિઝવાન અહમદની સાથેની જર્ની શરૂ થાય છે. શકુનની પત્નિ મંદિરા કોઠારીના પાત્રમાં ચિત્રાંગદા સિંહ છે.

કેમ છો? નથી મજામાં!

આ પેટાહેડિંગ માર્યું તે ‘કેમ છો? મજામા!’ ગીત મ્યુઝિક ડિરેક્ટર્સે સારા હેતુથી જ બનાવ્યું હશે પણ ફિલ્મમાં તે લિટરરી ‘લાગે’ છે. ભયંકર લાઉડ મ્યુઝિક છે આખી ફિલ્મનું. ગીતો સાવ ભંગાર છે. તનિશ બાગચી, યો યો હની સિંહ, કનિકા કપૂર, સહિતના બધાએ ભેગા મળીને જૂલમ કર્યો છે આપણા કાન ઉપર. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જ્હોન સ્ટિવર્ટ ઈડુરીનું છે અને ત્રાસ છે. દરેક પાત્ર કંઈપણ બોલે એ પહેલા એટલી લાઉડ બિટ્સ વગાડવામાં આવે કે જાણે શુંય બોલવાના હોય! જેમ કે, રોહન મેહરા બિલ્ડિંગ ઉપર સુસાઈડ કરવા માટે ઊભો હોય તો એટલું લાઉડ મ્યુઝિક વાગે અને પછી પાછો તે કહે, ‘મેં કુદને નહીં, ઉડને આયા હૂં!’ (હેં?!)

એકચ્યુલી માત્ર મ્યુઝિક નહીં, અમુક પ્લૉટ્સ અને સિચ્યુએશન્સ બાદ કરતા આખી ફિલ્મ જ લાઉડ થઈ ગઈ છે. ડિરેક્ટર અને રાઈટરને રજત અરોરા અને મિલન લુથરિયાનો અતિ ડાયલૉગ અને અતિ ફુટેજપણાનો રોગ લાગ્યો હોય એવું લાગે છે. ‘બાઝાર’નું ટ્રેલર લાઉડ હોવા છતાંય સ્માર્ટ અને સ-રસ હતું. પણ આખી ફિલ્મ એ ટ્રેલર જેવી જ લાઉડ, બિનજરૂરી ફાસ્ટ અને ઢંગધડા વગરના ટર્ન વાળી હોય તો રસ ન જળવાય. ફિલ્મનું નરેશન નબળું છે. તે ફર્સ્ટ પર્સન એટલે કે રિઝવાન(રોહન મેહરા) દ્વારા નરેટ થઈ છે. ચાલતા દ્રશ્યની વચ્ચે વચ્ચે અટકીને આપણને નરેશન આપવામાં આવે છે. આ રસ્તો ઈફેક્ટિવની જગ્યાએ કંટાળાજનક અને વાર્તા-પ્રવાહમાં ભંગાળ પાડતો સાબિત થયો છે. (‘ધ બિગ શૉર્ટ’માં ર્યાન ગૉસલિંગ આ રીતે નરેટ કરે છે.)

ફિલ્મનો ફર્સ્ટ હાફ આમ તો પાત્રને એસ્ટાબ્લિશ્ડ કરવામાં જ પસાર થાય છે. શકુન કોઠારીનું વ્યક્તિત્વ, તેની સ્ટાઈલ, તેની બોલવાની-વિચારવાની-વાત કરવાની છટા આ બધું દર્શાવાયું છે. તે કઈ રીતે ગમે તેટલા કપરા સંજોગોમાં પણ પોતાનો રસ્તો કાઢી જ લે છે આ બધું ઉદાહરણ આપીને સમજાવામાં આવ્યું છે. પણ જોઈએ તેટલું કન્વિન્સિંગ અને ઈફેક્ટિવ નથી લાગતું. તેની એન્ટ્રીનો કહ્યો તેમ ‘મિચ્છામી દુકડં’વાળો સીન પણ ઠિકઠાક છે. પોસ્ટ હાફમાં ફિલ્મ થોડી સ્પીડ પકડે છે. થોડા ટર્ન એન્ડ ટ્વિસ્ટ આવે છે. સ્ટૉક માર્કેટની દુનિયામાં ઉતાર-ચડાવ ઉપરાંત ખટપટ, રાજકારણ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, મૅનિપ્યુલેશન વગેરે દર્શાવવામાં આવે છે. આ તમામ વાતોમાં શૅરબજારના રસિયાઓને કદાચ મજા પડે. એવું પણ બને કે ખબર પડતી હોય તો લૉજિકના અભાવે અને લાઉડીકરણના કારણે વધારે કંટાળો આવે! બાકી જેને શૅર-ટ્રેડિંગ-કંપની-પ્રોફિટમાં ઈન્ટરેસ્ટ જ નથી તેમના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન સિવાય કોઈ ભાવ જોવા નહીં મળે! પાછું માંડ તમે સનસેક્સ, માર્કેટ, શેર્સ, ઈનસાઈડર ઈન્ફોર્મેશન, ટ્રેડિંગ વગેરે શબ્દો ગળે ઉતારીને વાર્તા કઈ બાજુ જાય છે તે સમજવાની કોશિશ કરો ત્યાં જ એકાદ બેસુરું ગીત કાન સાથે અથડાય છે. પાછું રિઝવાન શૅરબજારની સાથે પ્રિયા રાય સાથેના સંબંધમાં પણ આગળ વધે છે; પોતે ડિસ્ટ્રેક્ટ થાય છે અને આપણને કરે છે!

હા, ગુજરાતી સંસ્કારી અને ચતુર વાણિયા શકુન કોઠારીના પાત્રમાં સૈફને જોવાની મજા પડે છે. તે આમ પણ સ્ટાઈલીશ કપડા અને નવાબ શૈલીના પાત્રોમાં જબરજસ્ત જામે છે. અહીં તે વચ્ચે વચ્ચે ગંભીરતાથી ગુજરાતી ડાયલૉગ્સ બોલે છે, જે જરાય સુટ નથી કરતા. વચ્ચે તો ‘રમકડાની ગાડી આવી, શું શું લાવી? જાડો જાડો હાથી લાવી…’ આ બાળકાવ્ય પણ બોલે છે! સ્વર્ગસ્થ વિનોદ મેહરાના દિકરા રોહન મેહરાની આ પહેલી ફિલ્મ છે. તેનું પાત્ર અહીં સૈફની પેરેલલ ચાલે છે. ‘છોકરો હોશિયાર છે, પણ હજુ વાર છે!’ રાધિકા આપ્ટેનું કેરેક્ટર રોહનની ગર્લફ્રેન્ડ અને તેના જેવી જ મહત્વાકાંક્ષીનું છે; સુપર્બ નથી, ચાલે. એની જગ્યાએ બીજું કોઈપણ હોત તોય ચાલત. ચિત્રાગંદા સિંહ, ઉત્કર્ષ મઝુમદાર સહિતના બાકીના પાત્રો ઠીક છે. સેબીના અધિકારી રાણા દાસગુપ્તાના પાત્રમાં મનીષ ચૌધરી છે. આ પાત્ર સખત નબળું લખાયું છે. આખી ફિલ્મ દરમિયાન તે શકુનને ‘ન પકડવાના’ પ્રયત્નો કર્યા કરે છે!

જોવી કે નહીં?

વેલ, શકુન કોઠારી પહેલા આંગડિયામાં કામ કરતો એટલે આપણને આંગડિયા- લંગડ- હવાલા તથા IIM અમદાવાદ, ઘી-ખીચડી, મિચ્છા મિ દુકડં, જયશ્રી કૃષ્ણ જેવા શબ્દો, ગુજરાતી છાપાઓ, સુરતની ડાયમન્ટ કંપનીઓ,  અમરેલી-સુરત, વગેરે આ બધું જોવા-સાંભળવા મળે છે. શકુનની કામ કરવાની રીત જૂની છે ને તેની નીચે કામ કરતા માણસો પણ જૂના છે. આજે પણ તે સૉફ્ટવેર નહીં, ચિઠ્ઠીનો ઉપયોગ કરે છે. વગેરે આ તમામ બાબતો તમને ટચ કરે છે. અમુક સિચ્યુએશન્સ અને ડાયલૉગ્સ મજા કરાવે છે. સૈફ અલી ખાનની શકુન કોઠારી તરીકેની આભા(લાઉડ મ્યુઝિકના લાભથી) થોડો સમય રચાય છે, પણ સાવ થોડોક વખત. ફિલ્મ પાછી ભ્રષ્ટ રાજકારણીઓ, પૈસા કમાવવા આવેલા હોશિયાર સ્ટૉકબ્રોકર, ટ્રેડિંગ, ન્યુઝ ચેનલો અને વાહિયાત ગીતોના ટ્રેક પર આવી જાય છે.

ઈન શૉર્ટ, ‘બાઝાર’માં કંઈ જ નવું નથી. ડિરેક્ટર ગૌરવ ચાવલાએ ફિલ્મ સ્ટાઈલીશ અને ઝડપી બનાવવી લાયમાં સખત લાઉડ, ઑવરસ્માર્ટ અને ઑલમોસ્ટ પ્રિડિક્ટેબલ બનાવી નાખી છે. ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે પણ તે ભજવાતા, ક્ષણ ક્રીએટ થતા એટલોબધો સમય લેવામાં આવ્યો છે કે તમને અંદાજો આવી જાય છે કે આ પાત્ર હવે શું બોલશે!

સો, શૅરબજારમાં બહુબધો રસ હોય, સૈફ અલી ખાન ગમતો હોય, ટ્રેલર જોઈને ઈચ્છા થઈ હોય અને આ રિવ્યુ વાંચીને પણ મન ન માનતું હોય તો ટ્રાય કરી જોવાય!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  27 October 2018)

baazaar 27-10
Mid-day, Mumbai. Page No. 24, Date: 27-10-2018

0 comments on “બાઝાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: