Movies Review

બધાઈ હો

મનોરંજનની મીઠાઈ પર મેસેજનો વરખ

Rating: 3.3 Star

ઓલ્ડ એજ પ્રેગનન્સીના હટ-કે વિષય પર બનેલી ‘બધાઈ હો’ પકડી રાખે એવી અને એન્ટરટેનિંગ છે. ગજરાજ રાવ અને નીના ગુપ્તાની જોડીને જોવાની મજા પડે છે. દ્રશ્યો સર્જવામાં ડિરેક્ટર ઑલમોસ્ટ સફળ રહ્યા છે. ઈન્ટરવલ પછી ક્યાંક ટ્રૅક લથડે છે પણ ઑલઓવર હસાવતી-રડાવતી એક મજાનો સંદેશ આપી જતી હળવીફૂલ ફિલ્મ છે. જોવાય.     

1536638336-badhai_news

આ મહિનાની ચોથી ઑક્ટોબરે સી. પ્રેમ કુમારની એક તમિલ રોમેન્ટિક ફિલ્મ આવી હતી, નામઃ ‘96’. ‘વિક્રમ વેધા’વાળા વિજય સેતુપથી અને ત્રિશા ક્રિશન્ન અભિનિત ‘96’ની વાર્તા એકદમ સરળ હતી. 10મા ધોરણમાં સાથે ભણતા, એકબીજા માટે લાગણી ધરાવતા પ્રેમીઓ એ વખતે ન મળી શક્યા અને વર્ષો પછી મળ્યા ત્યારે કેવી અને શું પરિસ્થિતિ સર્જાય છે તેની વાત હતી. આટલી વાત કહેવામાં ડિરેક્ટરે ત્રણ કલાક લીધા. પણ ફિલ્મની એક પણ મિનિટ તમને ડલ નથી લાગતી. કેમ કે, દરેક દ્રશ્ય જીવાય છે. લાગણીનીતરતી ક્ષણો અનુભવાય છે. દર થોડી વારે આવતા દ્રશ્યો તમને અડી જાય છે. હસતા, રડતા અને વિચારતા કરી જાય છે. એવું જ થયું છે ‘બધાઈ હો’માં.

‘બધાઈ હો’ની વાર્તા તો ટ્રેલરમાં જે બતાવાઈ છે એ જ-એક લીટીની છે. પણ મોમેન્ટ્સ હૈ બોસ! ભારતીય રેલ્વેમાં ટિકિટચેકર તરીકેની ફરજ બજાવતા આધેડ વયની વ્યક્તિના મધ્યમવર્ગીય પરિવારની જીવાતી જિંદગી ઝિલાઈ છે. મૂળ વિષય તો હટ-કે છે જ, તેનું એક્ઝિક્યુશન આર. પ્રસન્નાની ‘શુભ મંગલ સાવધાન’ યાદ અપાવે તેવું હળવું અને મજેદાર છે. કહો કે, હિલેરિઅસ છે!

ફિલ્મની શરૂઆત દિલ્હીની લોધી કૉલોનીના એક ઘરમાં રમાતી હાઉઝીથી થાય છે! આજુબાજુના ઘરની મહિલાઓ બેઠી હોય છે અને તેમની સામે નંબર પાડી રહ્યો છે ચિડાયેલો નકુલ(આયુષ્યમાન ખુરાના). આ તેનું, રાધર, તેના મમ્મી-પપ્પાનું ઘર છે. તેના પપ્પા જિતિંદર કૌશિક(ગજરાજ રાવ) ઉત્તર રેલ્વેમાં ટિકિટચેકર અને માતા પ્રિયંવદા(નીના ગુપ્તા) ગૃહિણી છે. ઘરમાં નકુલનો કિશોરાવસ્થામાં તાજો તાજો આવેલો નાનો ભાઈ ગુલ્લર(શાર્દૂલ રાણા) છે અને ખતરનાક ને મોંફાટ દાદી(સુરેખા સિકરી) છે. તેની કલિગ અને ગર્લફ્રેન્ડ રીની(સાન્યા મલ્હોત્રા) છે. દિલ્હી છે એટલે દિલ્હીનો લહેજો છે, પાડોશીઓ છે, દોસ્તારો છે, બિઅર છે. બધું બરાબર ચાલે છે ત્યાં નકુલના પપ્પા તેને ‘ગુડ ન્યુઝ’ આપે છે. ‘ઘરમાં (અ-કાળે) મહેમાન આવવાનો છે’!

ઈતની સી બાત હૈ. નકુલ પોતે લગ્નની ઉંમરનો છે ત્યાં તેના પિતાનું સંતાન; પોતાનો ભાઈ કે બહેન પાંચ મહિના પછી ધરતી પર અવતરવાનો છે. આ વાત નકુલને શરમમાં મૂકી દે છે. તેના સહિત ઘરના તમામ લોકો મૂંજવણમાં છે. દાદીમાં પહેલા ભડકે છે અને પછી ફાટે છે. પાડોશી વિચિત્ર નજરે જૂએ છે, સમાજમાં મશ્કરી થાય છે. બસ, મોટી ઉંમરે થતી પ્રેગનન્સીનો મુદ્દો અનફૅમિલ્યર હોવાથી તેની સાથે કઈ રીતે ડિલ કરવું, શું રિએક્ટ કરવું, રિએક્ટ કરવું કે ન કરવું?!, અભિનંદન કઈ રીતે આપવા, વગેરે પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને તેમાંથી સર્જાય છે હાસ્ય. નિરાળું અને નિષ્પન્ન હાસ્ય. બાસુ ચૅટરજી અને હૃષીકેશ મુખર્જીની ફિલ્મો યાદ આવી જાય તેવું હાસ્ય.

ડિરેક્ટર અમિત રવીન્દ્રનાથ શર્માએ છેલ્લે તેલુગુ ફિલ્મ ‘ઓક્કાડુ’ની રિમેક ‘તેવર’ બનાવી હતી, જે વાહિયાત હતી. આ ઉત્તમ છે. પહેલું કારણ તેમણે બૉલીવુડમાં અઢળક વાર દેખાઈ ચૂકેલું દિલ્હી ફરી દર્શાવ્યું છે પણ નૅચરલ અને વાસ્તવિક વેમાં. જિતિંદર કૌશિકની સરકારી નોકરી છે માટે તેમને ગવર્મેન્ટે ફાળવેલું પીળા રંગની દિવાલવાળું મકાન, સોફાને મૅચિંગ પડદાઓ, દિવાલ પર હનુમાનની છબીઓ, અસ્તવ્યસ્ત અને સાવ નાનું રસોડું, જ્યાં જિતિંદરની પત્ની મહોલ્લાની બાકીની સ્ત્રી સાથે વાતો કરે છે, એટલો જ અવ્યવસ્થિત રૂમ; સ્ક્રિનપ્લે રાઈટર અક્ષત ઘિલડિયાલનું આ તમામ ડીટેલિંગ ખરા અર્થમાં ઊડીને આંખે વળગે છે. ઉપરાંત ફિલ્મની સ્ક્રિપ્ટમાં બારિકાઈ અને ડિરેક્શનમાં સુક્ષ્મ નિરીક્ષણોની ભરમાર છે! અહીં ચુગલીખોર પાડોશીઓ, સ્વાર્થી સગાઓ, મધ્યમવર્ગીય પરિવારના ભપકાદાર લગ્નો, સાડા તેર વર્ષ જૂની ગાડી અને દિલ્હીનો ટીપિકલ ડૉક્ટર બગ્ગા છે. તો મધ્યમવર્ગીયને બંધબેસતા એકાધિક સીન્સ છે. જેમાં જિતિંદર પોતાના નોકરને ટીપ આપવાની ના પાડે છે. પોતાના પરિવાર માટે આંબાની પેટી લઈ આવે છે ને આખો પરિવાર સાથે બેસીને ગોટલા ચૂસે છે. પોતાની મા અને પત્ની માટેનો પ્રેમ પોતે સૅન્ડવીચ બન્યા હોવા છતાંય પુરુષ કઈ રીતે દર્શાવે તે અહીં બોલ્યા વિના રજૂ થયું છે.

સૌથી મહત્વની વાત એ છે કે, સેટ-ડિઝાઈનિંગ, કૉસ્ચ્યુમ, પાત્રોના લુક આ બધું જ નૅચરલ લાગે છે. એકપણ વસ્તુ બનાવટી નથી લાગતી. ઑલમોસ્ટ ફિલ્મ કૉમેડીથી ફાટફાટ છે પણ એકપણ કૅરૅક્ટર ફની દેખાય તે માટે પ્રયત્ન નથી કરતો. જોકે, તેનો શ્રેય અફલાતૂન કલાકારોને પણ એટલો જ જાય છે.

અમિત શર્માએ અહીં ‘શુભ મંગલ સાવધાન’ની જેમ સિચ્યુએશનલ કૉમેડી સર્જી છે. જિતિંદર(ગજરાજ)ને જ્યારે કન્ફર્મ થાય છે કે પ્રિયંવદા, જેને તેઓ પ્રેમથી ‘બબલી’ કહીને બોલાવે છે, પ્રેગનન્ટ છે ત્યારનું તેનું રિએક્શન, ત્યાર પછી બે દીકરા સમક્ષ તે વાત કરવી, તેમની મોંફાટ માતાને તે જણાવવું; આ બધા જ દ્રશ્યો દાદુ લખાયા છે, ભજવાયા છે. એકાધિક સીન્સ એવા છે જેમાં પાત્રોના માત્ર ચહેરા જોઈને તમને હસવું આવે છે. આ સમાચાર સાંભળ્યા પછી નકુલ(આયુષ્યમાન), તેનો નાનો ભાઈ ગુલ્લર(શાર્દૂલ) આ બેઉના હાવભાવ જબ્બર કેપ્ચર થયા છે. ઈવન, નકુલની ગર્લફ્રેન્ડ(સાન્યા) અને તેની માતા(શીબા ચઢ્ઢા)પણ આ વાતને જે રીતે હૅન્ડલ કરે છે તે રસપ્રદ છે.

કહ્યું એમ, આ બધી અલગ-અલગ ક્ષણ છે, પણ સદનસીબે ટુકડાઓમાં વહેંચાયેલી નથી એટલે જોવાની ઔર મજા પડે છે. શાંતનું શ્રીવાસ્તવ, જ્યોતી કપૂર અને અક્ષત ઘિલડિયાલે વાર્તાનો મર્યાદિત સ્કૉપ હોવા છતાં ડીટેઈલ્ડ, વેલ મૅનેજ્ડ અને રિફ્રેશિંગ સ્ક્રિપ્ટ લખી છે. તેમણે એક એક પાત્ર અને તેના ડાયલૉગ્સ પર સખત કામ કર્યું છે. સૌથી હિલેરિઅસ ડાયલૉગ દાદીમાં બનતા સુરેખા સિકરીના ફાળે આવ્યા છે. તેઓ દિકરાને, વહુને, પૌત્રોને, જે મળે તેને, સતત ટૉન્ટ માર્યા કરે છે. એક પૉઈન્ટ પછી તમે તેમના રિએક્શનની રાહ જૂઓ છે. છેલ્લે આવી મજા ‘રેઇડ’ના પુષ્પા દાદીમાં આવી હતી, અહીં વધુ મજા આવે છે. માત્ર એક ઉદાહરણઃ જ્યારે દાદીમાને તેની વહુ પ્રેગનેન્ટ છેની જાણ થાય છે ત્યારે તેઓ દીકરાને ઉદ્દેશીને એકલા એકલા જોરજોરથી બબડે છેઃ ‘કિતને સાલો સે ગવર્મેન્ટ કી નૌકરી કર રહા હૈ. વો કહેતે રહે હમ દો હમારે દો… તુને ગવર્મેન્ટ કી બાત હી ન સુની. તો સાલો સે નોકરી તુને કૈસે કી!’ ફિલ્મમાં કહ્યું એમ વન-લાઈનર્સ બેસ્ટમબેસ્ટ છે. જિતિંદરના આ ‘પરાક્રમ’ વિશે સાંભળીને એક સગો કહે છે, ‘ગુલઝાર બના ફિરે ના, ઉસકા નતીજા હૈ!’

 ‘બધાઈ હો’ની ખાસિયત એ છે કે, આ પર્ટિક્યુલર હીરો-ડ્રિવન કૉન્સેપ્ટ નથી. ફિલ્મના મુખ્ય ચાર પાત્રો છે અને તે ચારેય હિરો છે. ઊલટાના આયુષ્યમાન-સાન્યા મલ્હોત્રા કરતા વધુ મજા અહીં બ્રિલિયન્ટ એક્ટર ગજરાજ રાવ અને નીના ગુપ્તાને જોવાની આવે છે. શરૂઆતની ચંદ મિનિટો પછી આ દિગ્ગજો જ ફિલ્મના સેન્ટર સ્ટેજ પર હોય છે. ઘણા સમયે મિડલ-એજ્ડ પેરેન્ટ્સનો રોમૅન્સ સ્ક્રિન પર આટલો સ-રસ જોવા મળ્યો છે. એમાં પણ ડિરેક્ટરે બૅકગ્રાઉન્ડમાં 80 અને 90ના દાયકાના રોમૅન્ટિક ગીતો વગાળ્યા છે. ઈમેજિન કરો, લગ્નના માહોલમાં નીના ગુપ્તા આંખોથી ઈશારો કરે અને ગજરાજ રાવ નાચવા માંડે, આહા! કેટલા પ્રેમાળ લાગે! એમાં પણ ગજરાજ રાવની એક્ટિંગ સોને પે સુહાગા! તેઓ માત્ર તેમની બૉડી લૅન્ગવેજ, મૅનરિઝમ અને એક્સપ્રેશનથી જ તમને હસાવી અને રડાવી દે છે. નીના ગુપ્તા પણ સેમ. આયુષ્યમાન ખુરાના દિલ્હીના છોકરાના રોલમાં પહેલાથી જ એફર્ટલેસ છે! આયુષ્યમાન દ્વારા પ્રેમિકા સામે પ્રેમનો ઈઝહાર કે તેની મમ્મી પાસે તેના માંગાની વાત, આ આપણે પહેલા જોયેલું છે, પણ અહીં મજા પડે છે. સાન્યા મલ્હોત્રાના ખાતે ઓછું કામ આવ્યું છે પણ જેટલું પણ છે સારું છે.

113 મિનિટની ‘બધાઈ હો’ ઈન્ટરવલ પછી થોડી મેલોડ્રામા તરફ ઢળે છે. તેના અમુક સીન્સ થોડા લાંબા લાગે એવા છે. એક સૅડ સોન્ગ પણ છે, જેની જરૂર નહોતી. એકચ્યુલી ત્યાં સુધી ફિલ્મ એટલી સટિક છે કે, થોડો પણ બ્રેક આવે તો ખ્યાલ આવી જાય અને ન ગમે. આયુષ્યમાન-સાન્યાનો લવ ટ્રૅક પણ થોડો ડિસ્ટર્બ કરે છે. આપણને એમ થાય ફરી સ્ક્રિન પર પેલા ‘મોટા પ્રેમીઓ’ દેખાય તો સારું! વેલ, પૂરી થતા સુધી ફરી એ જ આપણને પકડી રાખે એવું અને એન્ટરટનમેન્ટ લેવલ પાછું આવી જાય છે. અંતમાં ડિરેક્ટરે સ્માર્ટલી ઈમોશન ક્રિએટ કર્યું છે.

અભિષેક અરોરાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે. ‘બધાઈયાં તેનું’ અને ‘સાજન બડે સેન્ટી’ ગીત સાંભળવા-જોવા ગમે છે. ફિલ્મને નડતા નથી, એક સેડ સોન્ગ થોડું ખુંચે છે.

જોવી કે નહીં?

વેલ, ‘બધાઈ હો’ ‘શુભ મંગલ સાવધાન’ જેવી આઉટ એન્ટ આઉટ કૉમેડી નથી. વચ્ચે વચ્ચે ગંભીર પણ છે, ઈમોશનલ પણ છે. આ ફિલ્મ હસાવે છે તો સાથે બે-એક વખત ફરજિયાત તમારી આંખો ભીની પણ કરી નાખે છે.

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. માતા-પિતા બની ગયા પછી શું છોકરાવને ભણાવવાની અને તેમને સેટ કરવાની જ ચિંતા કરવાની? રૉમાન્સ નહીં કરવાનો? સંતાન મોટા થઈ જાય પછી મમ્મી-પપ્પા એકબીજાને પ્રેમ(વાંચોઃસેક્સ) ન કરી શકે? આવો કંઈક સંદેશ સ્પષ્ટ રીતે આ ફિલ્મ આપે છે. સાન્યા અને આયુષ્યમાન વચ્ચે આ લઈને એક મેચ્યોર કન્વર્ઝેશન પણ થાય છે. તે આ ફિલ્મનો લાઈટલી કહેવાયો બેસ્ટ મેસેજ અને સિન છે.

તો… સ્વીટ એન્ડ સુપર્બ મિડલ-એજ લવસ્ટોરી અને તમામ કલાકારોનો ઉમદા અભિનય (ખાસ તો ગજરાજ રાવ, નીના ગુપ્તા અને સુરેખા સિકરીને સ્ક્રિન પર જોવા) માણવા માટે ઝટ પહોંચી જાઓ! વિષય અલગ છે, એટલે જેને આ વિષય જ ટ્રેલર જોઈને ન ગમ્યો હોય(વિચિત્ર લાગ્યો હોય એ લોકો નહીં) તેવા દૂર રહે. બાકી, બૅબી શાવરના આ પ્રસંગમાં મનોરંજનની ગૅરન્ટી છે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  21 October 2018)

badhai ho 21-10
Mid-day, Mumbai. Page No. 14, Date: 21-10-2018

 

0 comments on “બધાઈ હો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: