Movies Review

નમસ્તે ઇંગ્લૅન્ડ

નમસ્તે ઇંગ્લૅન્ડ મનોરંજન કા ધી એન્ડ

Rating: 1.0 Star

અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની નમસ્તે ઇંગ્લૅન્ડ તમામ પાસાંઓમાં નબળી છે. નમસ્તે લંડનની સીક્વલ ખાલી નામની છે. અક્ષયની ઍક્ટિંગ કે કૅટરિનાની બ્યુટી કે સીટીમાર ડાયલૉગ્સ કે કૉમિક સિચુએશન્સ કે લાગણીભીનાં દૃશ્યો; અહીં કશું જ નથી. અહીં અર્જુન કપૂરનો એક જ એક્સપ્રેશન આપતો ચહેરો છે. ૧૪૦ મિનિટનો કંટાળો છે

Namaste-England-Hindi-2018-20181003055757-500x500૧૧ વર્ષ પહેલાં આવેલી વિપુલ અમૃતલાલ શાહની ‘નમસ્તે લંડન’ના સેકન્ડ હાફમાં એક સીન હતો, જેમાં અક્ષયકુમાર એક અભિમાની અંગ્રેજને અસલી ઇન્ડિયાની સફર કરાવે છે. સુરેશ નાયરે લખેલા ડાયલૉગ અને વિપુલ શાહનું એક્ઝિક્યુશન એટલું ઇમ્પૅક્ટફુલ હતું કે અક્ષયના એ મોનોલૉગ પછી રિશી કપૂરની સાથે આપણે પણ તાળીઓ પાડવા મંડીએ છીએ. ઇંગ્લૅન્ડની કે ભારત સિવાયના કોઈ પણ દેશની ધરતી પર ભારતનાં ગુણગાન ગવાતાં આપણે હિન્દી ફિલ્મોમાં એકાધિક વખત જોયાં છે છતાં ‘નમસ્તે લંડન’માં મજા પડી હતી. એ ફિલ્મ પછી મનોજકુમારની ‘પૂરબ ઔર પશ્ચિમ’ પણ આ લખનારે ખાસ CD લગાવીને જોઈ હતી.

એ ફિલ્મની કથાવસ્તુ, પ્રિમાઇસ બધું જ સામાન્ય હતું; પણ કલાકારોના અભિનય, સંગીત અને ફિલ્માંકનમાં એક પ્રકારની તાજગી હતી. એટલે પહેલી નજરે વાર્તાની રીતે અબોવ ઍવરેજ અને વિચિત્ર લાગતી એ ફિલ્મ લોકોને ગમી ગઈ હતી. બે ગુજરાતીઓ હિમેશ રેશમિયાનાં ગીતો અને સલીમ-સુલેમાનનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત હતું. આજે પણ રાહત ફતેહ અલી ખાનના અવાજમાં મેં જહાં રહું… ગીત કૉલર ટuુન તરીકે સાંભળવા મળી જાય છે! હવે વાત વિપુલ શાહે જ એની સીક્વલ તરીકે બનાવેલી ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ની. ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’માં એ તમામ વસ્તુઓ છે જે ‘નમસ્તે લંડન’માં નહોતી! કંટાળો, તર્કહીનતા, કંગાળ ઍક્ટિંગ, ઇમ્પૅક્ટનો અભાવ, બેસૂરું મ્યુઝિક, બેજાન ડાયલૉગ્સ, વગેરે-વગેરે…

કહેવા માટે આ સીક્વલ છે, બાકી બૉલીવુડની રાબેતા મુજબની ફિલ્મોની જેમ કશું જ જૂની ફિલ્મ સાથે જોડાયેલું નથી. માત્ર લંડનની જગ્યાએ અહીં ઇંગ્લૅન્ડ કરી નખાયું છે.

વારતા

ફિલ્મની શરૂઆત થાય છે પંજાબની ધરતી પર જસમીત (પરિણીતી ચોપડા) અને પરમ (અર્જુન કપૂર)ના પ્રેમથી. પરમ દશેરાથી હોળી સુધીના વિવિધ તહેવારોમાં જસમીતને જુએ છે, ટીઝ કરે છે અને ધૂમ ધડાકા સૉન્ગ ગાયા કરે છે, એના પર નાચ્યા કરે છે અને અંતે બેઉ મળે છે. ઝટ પ્રેમ થાય છે, ફટ લગ્ન થાય છે. પણ જસમીતના દાદા પુરુષપ્રધાન સમાજનો સિમ્બૉલ છે અર્થાત્ તેમના કુટુંબમાં છોકરીઓને કામ કરવાની સખત મનાઈ છે. પણ જસમીતને જ્વેલરી-ડિઝાઇનર બનવું છે. એમાંય ફિલ્મનું નામ ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ છે એટલે તેને કામ કરવા ઇંગ્લૅન્ડ જવું છે! બસ એમ જ, જવું છે. એટલે તો આ બેઉ – પરમ ને જસમીત પરણ્યાં છે. થાય છે એવું કે જસમીતના દાદા પરમના પરિવાર પાસે પણ જસમીત લગ્ન પછી કામ નહીં કરે એ પ્રકારની શરત મૂકી દે છે. અક્ષય-કૅટરિનાવાળી ફિલ્મ જોઈ હોય એટલે તમને ખ્યાલ આવી જ જાય કે કંઈક ટ્વિસ્ટ આવશે. એ અગ્લી ટ્વિસ્ટના પ્રતાપે જસમીત લંડન જતી રહે છે અને પરમ અહીં જ રહી જાય છે.

સેકન્ડ હાફમાં પરમ ઇંગ્લૅન્ડ જાય છે અને…

નથી ભઈ કંઈ ભલીવાર, છોડોને. આપણે બીજી કંઈક વાતો કરીએ.

નમસ્તે, પડો રસ્તે

વિપુલ શાહની ‘નમસ્તે લંડન’ અનાયાસે બનેલી અદ્ભુત ફિલ્મ હતી. એમાં કોઈ પ્રયત્નો નહોતાં. ગીતો પણ સુમધુર હતાં. કહ્યું એમ વાર્તા સરળ હતી; પણ અક્ષય, રિશી, કૅટરિના, તેનો લવર વગેરે પાત્રો તમને ટચ કરતાં હતાં. તેમની સાદગી, ગુસ્સો, પ્રેમ, નફરત તમે સમજી શકતા હતા. બાપ-દીકરા ઉપેન પટેલ અને જાવેદ શેખનો સબ-પ્લૉટ પણ રસપ્રદ હતો. અહીં એ બધી જ વસ્તુઓ પ્લાસ્ટિકની છે. નકલી છે. અર્જુન કપૂર વચ્ચે-વચ્ચે લંડનના અક્ષયકુમારની જેમ હસ-હસ કરે છે. લિટરરી તે ભૂંડો લાગે છે! ડાયલૉગ્સ હૉરિબલ છે. (હજી માંડ ‘જલેબી’ના ડાયલૉગ્સ સાંભળીને કાનને કળ વળી હતી!) ફસ્ર્ટ હાફમાં પંજાબનાં ખેતરો, પરિણીતીના પંજાબી ડ્રેસિસ, અર્જુન કપૂરનો એકસરખો ચહેરો, ચોંટાડેલા વાળ, ટ્રૅક્ટર, રૂઢિચુસ્ત અને દરિયાદિલ બાપ વગેરે દેખાય છે. સેકન્ડ હાફમાં ઇંગ્લૅન્ડની પાર્ટીઓ અને ફ્ય્ત્s દેખાય છે. સેકન્ડ હાફમાં મેલોડ્રામાનો ડોઝ ઓર વધી ગયો છે. જસમીતની પાછળ પરમને પણ ઇંગ્લૅન્ડ આવવું છે, પણ તેને એક પગમાથા વગરના કારણસર વીઝા નથી મળતા એટલે તે ગેરકાયદેસર ક્યાંય ને ક્યાંય, કેટલાય દેશો ઘૂમીને ઇંગ્લૅન્ડ આવે છે. જસમીતે લંડનમાં રહેવા માટે ખોટાં મૅરેજ કયાર઼્ છે વગેરે. આ બધું તર્કવિહોણું લાગે છે. લાગતું નથી, છે જ. ઍક્ચ્યુઅલી, ફિલ્મમાં એક પણ એવો ઢંગનો સીન કે મોમેન્ટ નથી જેમાં સેન્સ હોય. ઍરપોર્ટ પર અચાનક અર્જુન અને પરિણીતી રડવા માંડે છે.(અર્જુન રડતો કેવો લાગે એવું કંઈ ન પૂછતા!) રડતાં-રડતાં અર્જુન કપૂર બોલે છે: મુજે બકવાસ કરને સે મત રોકો વરના મેં રો પડુંગા! (હેં!) ફિલ્મની ફ્લૅટ, કંગાળ અને લૉજિક વગરની ãસ્ક્રપ્ટ રિતેશ શાહ અને સુરેશ નાયરે લખી છે. એક ભયંકર વિચિત્ર ડાયલૉગ તો ટ્રેલરમાં પણ આવે છે.

‘નમસ્તે ઇંગ્લૅન્ડ’માં શરૂઆતથી જ સ્ત્રીઓએ કામ કરવું જોઈએ, તું છોકરો છે તને શું ખબર પડે?, સ્ત્રીઓ માત્ર બાળકો પેદા કરવા માટે નથી વગેરે પ્રકારના સંદેશાઓ આપવામાં આવે છે. પણ એ સતત બોલી-બોલીને. છેલ્લે ‘જલેબી’માં પણ આવું જ થયું હતું. આ મેસેજિસ દર્શાવવા માટે જે સિચુએશન્સ અને ડાયલૉગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જૂની હિન્દી પિક્ચરો જેવાં છે. વિમેન એમ્પાવરમેન્ટ અને ભારતીયોને વિદેશ, રાધર ઇગ્લૅન્ડ જવાનું ઑબ્સેશન, આ બે મુદ્દાઓ ફિલ્મમાં ઊપસાવવામાં આવ્યાં છે પણ એની રજૂઆત, ફિલ્માંકન તકલાદી છે. અર્જુન કપૂર અક્ષય જેવો ભારત દેશનાં વખાણ કરતો મૉનોલૉગ બોલે છે પણ આપણને કંઈ જ ફરક નથી પડતો. તેની પત્ની વિદેશ છે, પોતે એકલો રહી ગયો છે. રડે છે, પણ આપણને કંઈ ફરક નથી પડતો. પરિણીતીના ભાગે સરસ મજાના પંજાબી ડ્રેસ પહેરવા સિવાય બીજું કંઈ કામ નથી આવ્યું. આ બેઉની જોડીને ‘ઇશકઝાદે’માં લોકોએ પ્રમાણમાં વધાવી હતી. અહીં નબળી ãસ્ક્રપ્ટ અને ડિરેક્શનના કારણે બધું જ ખાડે ગયું છે. (અર્જુન ખાડામાંથી ક્યારે બહાર આવ્યો હતો? એને ઘણા-ઘણા મુબારકાં!) સપોર્ટિંગ કાસ્ટમાં સેકન્ડ હાફમાં જસમીત (પરિણીતી)ના હસબન્ડ સૅમના રોલમાં આદિત્ય સિલ છે. તેના દાદાજીનો એક સબપ્લૉટ છે. એ દાદાજીના પાત્રમાં વિનોદ નાગપાલ છે. ઇંગ્લૅન્ડમાં ફુટડી અલિશાના પાત્રમાં અલંક્રિતા સહાય છે. વીઝા કન્સલ્ટન્ટ ગુરનામ સિંહના વેરી શૉર્ટ રોલમાં સતીશ કૌશિક છે. પણ તમે આ પૈકીના એકેય પાત્ર સાથે તાદાત્મ્ય નથી સાધી શકતા.

મ્યુઝિક મનન શાહ, બાદશાહ અને રિશી રિચનું ને બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રસાદ સાસ્તેનો છે. જાવેદ અખ્તરે ગીતો લખ્યાં છે, પણ અનફૉર્ચ્યુનેટલી એ પુરાણો જાદુ તાજો નથી કરી શક્યાં.

વિપુલ શાહે અહીં પંજાબથી ઇંગ્લૅન્ડ મોટા પ્રમાણમાં થતા ઇલીગલ ઇમિગ્રેશન પર પ્રકાશ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. અર્જુન કપૂરનું પાત્ર જ્યારે એ રીતે ઇંગ્લૅન્ડ જઈ રહ્યું હોય છે ત્યારે અન્ય મુસાફરોને જુએ છે. એક સરદારજી કહે છે કે રોટી માટે ત્યાં જવું પડે છે. અર્જુન બોલે છે કે રોટી તો ગુરુદ્વારામાં પણ મળે છે ને જોઈએ એટલી મળે છે. આપણે જઈએ છીએ ગાડી અને બંગલોની તલાશમાં. બસ, આખી એકસો ને ચાલીસેક મિનિટની ફિલ્મમાં આ એક વાત ગમે એવી છે. આના પછીથી પરમ જસમીતના મગજમાં ચડેલું ઇંગ્લૅન્ડનું ભૂત ઉતારવાનું અને આપણા મગજ પર પાછા હથોડા મારવાનું શરૂ કરી દે છે.

જોવી કે નહીં?

અર્જુન કપૂર અને પરિણીતી ચોપડા જેવા જાણીતા ચહેરાઓ અને ‘નમસ્તે લંડન’ જેવી રીકૉલ વૅલ્યુ ધરાવતી ફ્રૅન્ચાઇઝી તથા ‘વક્ત’ અને ‘આંખેં’ જેવી ફિલ્મોના ડિરેક્ટર વિપુલ શાહ, આ તમામ પૉઝિટિવ છેડા ભેગા થયા હોવા છતાંય આખી ફિલ્મ સખત કંટાળાજનક બની છે. નબળું લેખન, એનાથી નબળું નિરૂપણ, ક્લુલેસ કલાકારો અને પરાણે ઘુસાડેલાં ગીતોના કારણે ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ સ્ટ્રિક્ટ્લી ન જોવા જેવી ફિલ્મ બની છે.

…તો પરિણીતી અને અર્જુનના ફૅન હો, નવરાત્રિ બાદની નવરાશ હોય અને ખાસ જોવી જ હોય તો… પણ બીજી કોઈ ફિલ્મ જોવાય!

નોંધ: ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’ ઝીફાઇવ પ્લૅટફૉર્મ પર ટૂંક સમયમાં આવી જ જશે. ત્યાં સુધી ‘નમસ્તે લંડન’ બીજી વખત જોઈ નખાય! એનાં ગીતો તમને ૨૦૦૭નું બીજું ઘણુંબધું યાદ અપાવી દેશે. આ જોશો તો ખરાબ યાદોનો ઉમેરો થશે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  20 October 2018)

નમસ્તે ઇંગ્લૅન્ડ 20-10
Mid-day, Mumbai. Page No. 26, Date: 20-10-2018

0 comments on “નમસ્તે ઇંગ્લૅન્ડ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: