Movies Review

હેલિકૉપ્ટર ઈલા

હેલિકૉપ્ટર સારું છે, પણ ઉડતું નથી

Rating: 2.0 Star

‘પરિણીતા’ અને ‘મર્દાની’ ફેમ પ્રદીપ સરકારની હેલિકૉપ્ટર ઈલા બિલોવ એવરેજ છે. સિંગલ મધર અને સંતાન વચ્ચેના સંબંધ, પરવરિશ અને પ્રેમના અતિરેકનો મેસેજ ઉમદા છે પણ નરેશન અને ફિલ્માંકન નબળું છે. સબપ્લૉટ્સની સામગ્રી સારી છે પણ તેને મિક્સ કરીને પીરસાયેલી વાનગી સ્વાદવિહીન ફીકી છે. આ અઠવાડિયે બાકીના ઑપ્શન છે જ, આ હેલિકૉપ્ટરમાં પોતાના જોખમે ને ખર્ચે બેસાય.. 

126771બાપા-કાગડો!

‘ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ’માં એક વાર્તા છે, ‘બાપા-કાગડો!’ જેમાં એક વાણિયાનો છ-સાત વરસનો પડપૂછિયો છોકરો છે. જે રોજ બાપાની દુકાને જાય અને કંઈક ને કંઈક પૂછ્યા કરે. બાપા ક્યારેય ન ખિજાય. એક દિવસ છોકરાએ બાપાનો ખોળો ખૂંદતે ખૂંદતે દુકાનની સામેના ઝાડ પર એક કાગડો જોયો અને બોલ્યોઃ ‘બાપા-કાગડો!’ એક વાર, બે વાર, વારંવાર. પણ બાપ જરૉય ચિડાય નહીં. તે શાંતિથી, પ્રેમપૂર્વક જવાબ આપે. એ દિવસે છોકરો જેમ જેમ બોલતો ગયો તેમ તેમ બાપા ચોપડામાં લખતો ગયો. છોકરો થાક્યો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો, હા ભાઈ કાગડો!’ લખાયેલું હતું! આ વાતને વર્ષો વિતી ગયા. છોકરો ત્રીસ વર્ષનો-શેઠ બની ગયો. વાણિયો ઘરડો થઈ ગયો. તેને દૂકાને જોતાવેંત જ છોકરો બોલતો કે, ‘આ ડોસો અહીં ક્યા આવ્યો? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે!’ બાપાએ એક દિવસ લાગ જોઈને કાગડો જોતા જ કહ્યું, ‘બેટા કાગડો!’ છોકરો તો ડોસાના પ્રશ્નથી જ વિચારે ચડ્યો અને ચિડાઈને બોલ્યો, ‘હા બાપા! કાગડો.’ ડોસાએ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, વારંવાર કહ્યું. છોકરો ભભૂકી ઉઠ્યો. તેણે કાગડો ઉડાડી મૂકવા કહ્યું. બાપાએ શાંતિથી પેલો ચોપડો મંગાવ્યો અને છોકરા સામે ધરી દીધો.

વેલ, બાપ-દીકરાની આ અત્યંત જાણીતી વાર્તા છે. આજ તર્જ પર નેશનલ એવૉર્ડ વિનર ‘શિપ ઑફ થિસિઅસ’ ફેમ આનંદ ગાંધીનું એક ગુજરાતી નાટક છે, ‘બેટા કાગડો!’ જેના પરથી ‘પરિણીતા’ અને ‘મર્દાની’ના સર્જક પ્રદીપ સરકારે મુખ્ય ભૂમિકામાં કાજોલને લઈને બનાવી છે: ‘હેલિકૉપ્ટર ઈલા’. વાર્તા અત્યારે પણ વાંચવાની જેટલી મજા આવી એટલી મજા ફિલ્મ જોયા પછી નથી આવતી. નાટક થોડું અલગ હશે; ફિલ્મમાં પ્રેમના અતિરેકના કારણે થતી ગૂંગળામણ ઉપરાંત પુત્રની આસપાસની દુનિયામાં જ ખોવાયેલી રહેતી માતા પોતાને ગમતું ક્યારે કરશે એ ‘સેલ્ફ-ડિસ્કવરી’ અને ‘મુક્તિ’ની વાત પણ વણી લેવામાં આવી છે. પણ સ્ક્રિનપ્લે તાવ આવી ગયો હોય એવો સુસ્ત અને મંદ છે. નરેશન ફ્લૅટ છે અને વાર્તાનું ફિલ્માંકન જરૉય અસરકારક નથી. જેના લીધે કાજોલ જેવી અભિનેત્રી અને નેશનલ એવૉર્ડ વિનર ટૅલન્ટેડ બંગાળી કલાકાર રિદ્ધિ સેન વેડફાયા છે.

વાલીપણું

સુનિતા રાવના ‘પરી હૂં મેં’ સૉન્ગથી ફિલ્મ ઉઘડે છે. ઈલા(કાજોલ)તે સાંભળી રહી હોય છે અને આપણને ખ્યાલ આવે છે કે, તેનું પણ ક્યાંક સિંગર થવાનું સપનું હતું.  તેણે પાછલી ઉંમરે કૉલેજમાં એડમિશન લીધું છે એટલે લોકો અજૂગતી નજરે જૂએ છે. ટ્રેઈલરમાં બતાવે છે એ મુજબ તેનો દીકરો વિવાન(રિદ્ધિ સેન) પણ એ જ કૉલેજમાં છે, તે મમ્મીને જોઈને ચિડાય છે. અહીંથી ફ્લૅશબૅક શરૂ થાય છે જે જાય છે, નાઈન્ટીઝમાં.

કાજોલ કહે છે કે, ‘તબ મે ફેમસ થી!’(સાચી વાત છે!) ફ્લૅશબૅકમાં આપણને કાજોલની સિંગર બનવા માટેની સ્ટ્રગલ જોવા મળે છે. તેમાં તેને સાથ આપે છે બૉયફ્રેન્ડ અને ત્યાર બાદ પતિ બનતો અરુણ(તોતા રૉય ચૌધરી). નાઈન્ટીઝ છે એટલે ત્યારનો રેટ્રો લૂક, સ્ટુડિયોઝ અને હિન્દી-પોપ મ્યુઝિક આપણને સંભળાય છે. ઈલા ખુદ અલીશા ચિનૉયનું ‘રુક રુક રુક’નું ડમી વર્ઝન ગાય છે!(બહુ જ ખરાબ!) ઈલા થોડી ફેમસ પણ થાય છે. લગ્ન કર્યા એટલે વિવાનનો જન્મ થાય છે અને એક વિચિત્ર કારણસર અરુણ બેઉને મૂકીને જતો રહે છે! ત્યારથી ઈલા, વિવાનની મધર અને ફાધર બંને છે. તેના માટે પઝેસિવ નથી પણ પ્રેમ છે. એવો પ્રેમ જે વિવાનને ગૂંગળાવી રહ્યો છે. જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં ‘હેલિકૉપ્ટર પેરેન્ટિગ’ કહે છે. એટલે કે, સંતાનોની આસપાસ સતત હેલિકૉપ્ટરની જેમ મંડરાતું રહે તેવું વાલીપણું. દીકરો માથી ચિડાયેલો છે અને તેને માની ચિંતા પણ છે, માને દીકરાની અત્યંત ચિંતા છે. દર્શકોને પોતાના ધીરજની ચિંતા છે. ડિરેક્ટર-રાઈટર્સને એ ચિંતા છે કે આ ફિલ્મનો મેસેજ લોકો સુધી બરાબર પહોંચશે કે કેમ; એટલે તેઓ ગોખાવવા માટે એક ને એક વાત વાંરવાર ઠોક્યા રાખે છે!

કેવી છે ફિલમ?

પ્રમાણમાં સારી એવી ‘મર્દાની’ના 4 વર્ષ બાદ પ્રદીપ સરકાર ડિરેક્ટરની સીટ પર આવ્યા છે. તે ફિલ્મમાં રાણી મુખર્જીના અભિનયના વખાણ થયા હતા. અહીં કાજોલનું કૅરૅક્ટર ઑવર-રિએક્ટેડ અને અને લાઉડ લખાયું છે. કહ્યું એમ, બહુધા દ્રશ્યો રિપેટિટિવ છે. ટ્રેઈલરમાં બતાવે છે એ પ્રમાણે(‘અંધાધુન’ જેવી ફિલ્મોને બાદ કરતા આજકાલ ટ્રેઈલરમાં મહત્વનું બધું જ બતાવી દેવાય છે!) માએ દીકરા માટે નાસ્તો તૈયાર કરેલા ડબ્બાનો એક સિન છે. એ સિનમાં એક વખત હસવું આવે, બીજી વખત સીન એમ ને એમ પસાર થાય અને ત્રીજી વખત કંટાળો આવે. અહીં આવું થયું છે. ફિલ્મના પહેલા દ્રશ્યથી જ કાજોલ ‘કભી ખુશી કભી ગમ’ની અંજલિ શર્મા જેવી લાગે છે, જે હવે મોટી થઈને ચાલીસીમાં આવી ગઈ છે! પણ એમાં કન્વિન્સિગ હતી, અહીં નથી. અહીં કાજોલ કૂતરાથી ડરે છે એવા બે દ્રશ્યો છે. બેઉમાં તે ડરવાનો નાટક કરતી હોય તેવી લાગે છે. તે હૉસ્પિટલના બિછાને હોય તો પણ તેના લિપસ્ટિક, વાળ, મેક-અપ અપ-ટુ-ડેટ છે!

ઈલાના ફ્લૅશબૅકમાં આપણને અનુ મલિક, મહેશ ભટ્ટ, ઈલા અરુણ,  શાન, અલીશા ચિનૉય સહિતનાનો કૅમિયો જોવા મળે છે. નાના દેખાય એ માટે મહેશ ભટ્ટે બ્લેક ડાઈ કરી છે. ભયંકર વિચિત્ર લાગે છે! આ તો બ્લૅક શર્ટ હતું એટલે બાકી ઓળખવામાં પણ વાર લાગે છે! અહીં લોચો એ થયો છે કે, ફિલ્મની મૂળ વાત સાઈડલાઈન થઈ ગઈ છે અને ઈલાની સિંગર તરીકેની જર્ની ફ્રન્ટ ફૂટ પર આવી ગઈ છે. અડધી ફિલ્મ સુધી આપણને ઈલા-અરુણ(યસ!)ની લવસ્ટોરી દેખાય છે. બીજો લોચો એ છે કે, વાત સિંગિગની થઈ રહી છે અને ફિલ્મનું મ્યુઝિક કચરો છે. કાજોલનો અવાજ પામોલી ઘોષ બની છે અને તે અસંગત લાગે છે. માનવામાં જ નથી આવતું કે ઈલા ગૉડ ગિફ્ટેડ સિંગર છે, ભલે અમિતાભ બચ્ચન કહે! (હા, KBC અને બીગ બીનો પણ કૅમિયો છે. બિલેડેટ હૅપી બર્થ ડે સર!) બીજું જરાય માનવામાં ન આવે એવું અરુણ, પત્ની-બાળકને મૂકીને ચાલ્યો જાય છે તેના પાછળનું કારણ છે. આમ તો તેને સાયકોલૉજિકલ ડિસોઓર્ડર જ કહેવાય! પાત્રાલેખન ઉભડક છે તેનું બેસ્ટ ઉદાહરણ અરુણ છે!

ફિલ્મ જેના માટે બની છે તે મુખ્ય મુદ્દો એકપણ વાર ઈફેક્ટિવ રીતે રજૂ નથી થઈ શક્યો. મા-દીકરાના જે તકરાર કે સંઘર્ષના દ્રશ્યો છે તે તમે ફિલ નથી કરી શક્તા. ઈવન, આગળ જતા તો મા-દીકરો સાવ ક્ષુલક લાગે તેવી વાત પર ઝઘડી પડે છે. હા, આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર છે એવું યાદ અપાવતી એકાદ-બે મેચ્યોર મોમેન્ટ્સ છે. કાજોલનો પર્કી યંગ અવતાર, 90નો હિન્દી-પૉપ એરા, છોટી સી બાતને યાદ કરતો એક સિન, મહેશ ભટ્ટને અન્ડરવર્લ્ડમાંથી આવતા ફોનનો ઉલ્લેખ, એમટીવી ઈન્ડિયા લૉન્ચની રેડ કાર્પેટ ઈવેન્ટ, વગેરે મજેદાર માણવી ગમે તેવી ક્ષણો છે જે ઝડપથી પસાર થઈ જાય છે. વિવાનને તેની મમ્મી કઝિન બ્રધરને ફોન કરવાનું કહે છે તે સિન સુપર્બલી બિલ્ટ-અપ કરાયો છે.

ફિલ્મની પટકથા આનંદ ગાંધીની સાથે મિતેશ શાહે લખી છે, જે કોઈ કારણસર ભયંકર ગૂંચવાઈ છે! એક સિનમાં પિતા દીકરાને પોતાની ડાયરી આપે છે. કહે છે કે, વાંચજે નિરાંતે! આપણને મા-દીકરાનું ઈમોશનલ બૉન્ડિગ જોવા મળે છે, ડાયરીનો એક ક્લૉઝ-અપ જોવા મળે છે અને પછી ડાયરીનો કોઈ ઉલ્લેખ જ નથી આવતો! ઈલા આગળ ભણવા માટે દીકરાની કૉલેજમાં જ એડમિશન લે છે એ સબપ્લૉટ પણ વ્યવસ્થિત એક્સપ્લોર નથી કરાયો. કૉલેજની વિદ્યાર્થીઓ વચ્ચેની ઈલાની મશ્કરી, વગેરે ક્લિશે છે. અમુક તો અનઈન્ટેન્સનલી કૉમેડી થઈ ગઈ છે! ‘નીલ બટ્ટે સન્નાટા’માં આ જ વેમાં સિંગલ પેરન્ટ અને સંતાન વચ્ચેનો સંબંધ વધુ વાસ્તવિક રીતે રજૂ થયો હતો. હેલિકૉપ્ટર ઈલાનો ક્લાઈમેક્સ હદથી વધારે વેવલો છે! એટલે કે મહા મેલોડ્રામા છે એમાં. રિદ્ધિ સેન, ટાટા રૉય ચૌધરી, કૉલેજની ડ્રામા ટીચર બનતી નેહા ધુપિયા(સેમ એઝ ‘તુમ્હારી સુલુ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’), પ્રિન્સિપાલ બનતો ઝાકિર હુસેન વગેરે પાત્રો એવરેજ લખાયા છે. હા, વિવાનની પંજાબી દાદીનું પાત્ર ભજવતા કામિની ખન્ના રિલીફ આપે છે.

જોવી કે નહીં?

       કાજોલ અહીં અતિ ઉત્સાહી અને ખુશમિજાજ યુવતી અને પછી એવી જ માતાનું પાત્ર ભજવે છે. તેનું પાત્ર થોડું, સાવ થોડું શાંત-કન્ટ્રોલ્ડ રખાયું હોત તો સારું લાગત. અહીં તે બધું ‘વધુ પડતું’ કરતી હોય તેવું લાગે છે. એકલી માતાએ દીકરાને પોતાનું બધું જ જતું કરીને ઉછેર્યો હોય અને તે મોટો થઈને તેને સમજી ન શકે, તેના પર ગુસ્સે થાય; દીકરો પણ માતાની લાગણીના અતિરેકમાં ગૂંગળાય, તેને સામેથી સ્પેસ આપે. કહે કે, ‘તારી જિંદગી માત્ર હું જ નથી, તું પણ છો; તું પોતાની જાતને ખોજ.’ આ તમામ આઈડિયા અને વાતો ઈફેક્ટિવ છે પણ એટલી ઈફેક્ટિવ રીતે પ્રદીપ સરકાર દર્શાવી નથી શક્યા. એમાંય ઈલાની આત્મખોજની સફરે જવાવાળી વાત, તે દ્રશ્યો તદ્દન નકલી લાગે છે.

સો, સબપ્લૉટરૂપી તમામ સામગ્રી અદભૂત હતી પણ તેને મિક્સ કરીને જે વાનગી બની તે ફીકી બની છે. આખી ખાઈ શકાય કે કેમ તે પણ પ્રશ્ન છે. તો કાજોલના ફૅન હો તો તમારા ખર્ચે અને જોખમે જઈ શકો છો. મેસેજ ઉમદા, એક્ઝિક્યુશન નબળું છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  13 October 2018)

હેલિકૉપ્ટર ઈલા 13-10
Mid-day, Mumbai. Page No. 26, Date: 13-10-2018

0 comments on “હેલિકૉપ્ટર ઈલા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: