જે માત્ર સમાજની દ્રષ્ટિએ ખોટું છે, અનૈતિક છે એ કામ ન કરવું તે માણસના વિચાર અને વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. એટલી વિવેકબુદ્ધિ નથી હોતી અમુક મનુષ્યમાં એટલે તો કાયદાઓ બન્યા છે.
-‘અક્ષરત્વ’ કૉલમ
(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)
રોજબરોજની જિંદગીમાં માણસ જાત જાતના અનેક કામો કરતો હોય છે. તે શારિરીક પણ હોય અને માનસિક પણ. વિચારવું એ પણ એક માનસિક કામ છે. ક્યારેક તો એટલું વિચારાઈ જાય કે તેનોય થાક લાગે! વિચારી વિચારને કંટાળી જવાય! એટલે જ શૂન્યાવસ્થા, યોગ, ધ્યાન, પ્રાણાયામ, સંધ્યા વગેરે બધું બધા કરે છે. ધ્યાન ધરવામાં ઘણાને ડર લાગતો હોય છે. પોતાની આંખો બંધ કરીને પોતાને જ જોવાથી ડર લાગે છે આપણને. એક શબ્દ છેઃ ‘અમન’. તેનો સામાન્ય ઉપયોગ શાંતિ માટે થાય પણ શબ્દ છૂટો કરીને લખીએ તો ‘અ-મન’ એમ લખાય. જ્યાં મન નથી તે એટલે અ-મન. જ્યાં મન નથી, જ્યાં વિચારરહિત અવસ્થા છે ત્યાં શાંતિ છે! મન તો મર્કટ છે, અને મર્કટ અસ્થિર છે, અશાંત છે.
પૃથ્વી પર જીવતા તમામ જીવોમાંથી માત્ર મનુષ્ય જ વિચારી શકે છે. અન્ય જીવો-સજીવો પર સંશોધન થયા હશે પણ તેની કોઈ નક્કર સાબિતી નથી. માણસ વિચારે છે એટલે પ્રાણીઓથી અલગ પડે છે. એટલે જ તેને ક્યારેક અવિચારી પગલું ભરે ત્યારે ‘તું તો સાવ જનાવર જેવો છો’ કહેવાય છે. જનાવરો વિચારતા હોત તો આ વાક્ય બૅન થઈ ગયું હોત! માણસે વિચારવાનું શરૂ કર્યું, પોતાના વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું, પછી કોમ્યુનિકેશન શરૂ થયું અને આ માણસોથી ખદબદતી દુનિયા અસ્તિત્વમાં આવી. હવે, મગજમાં ઉદભવતા વિચારો(આઈડિયા)નું એવું છે કે તે કંઈપણ હોઈ શકે! મનુષ્યને જેમ જેમ વિચારો આવતા ગયા તેમ તેમ નવી નવી શોધો, રસ્તાઓ, ખ્યાલો, વિકલ્પો, પરિવર્તનો, ભગવાનો, બીજા માણસો, વગેરે બધું જ અસ્તિત્વમાં આવતું ગયું, બનતું ગયું, થતું ગયું.. વિચારવાનું અટકવાનું નથી. કોઈ ફિલ્મનો પ્લૉટ લખવાનો છે તો વિચારો. કોઈ કંપનીની જાહેર-ખબર માટે બે લાઈન લખવાની છે તો વિચારો. કોઈ શોધ-સંશોધન કરવાનું છે તો આઈડિયા આપો. આ ચાલતું રહેવાનું છે.
વિચારોની કોઈ હદ અને માપ નથી. તે આવ્યા કરે! સારા હોય તો અપનાવાય અને સારા ન હોય તો છોડાય તે માણસની સમજ અને વિવેકબુદ્ધિ પર આધારિત છે. ‘ સંજય દત્તની સંજૂ’ ફિલ્મ જોઈને કોલેજમાં ભણતા એક છોકરાને વિચાર આવે કે, પિતાની રિસ્પેક્ટ કરાય અને ડ્રગ્સ ન લેવાય, નહિંતર જિંદગીની પત્તર રગડાઈ જાય. બીજા છોકરાને એવો વિચાર આવે કે, તેલ પીવા ગયું બધું; પૈસા હોય તો ગર્લફ્રેન્ડ્સ પણ આવે અને હિરો પણ બનાય. ડ્રગ્સ તો લેવાય, બાપા છોડાવી દે!- આ બેમાંથી ક્યા વિચારનો અમલ કરવો તે અગેઈન, વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે.
થોડા ઊંડા ઉતરીએ. મારે જે વાત કરવી છે તેના માટે ઊંડુ ઉતરવું જરૂરી છે. મનુષ્યને સરળતા રહે તે માટે તેણે જ વ્હિકલની શોધ કરી. ઉત્પાદન વધતું ગયું તેમ ટ્રાફીકની સમસ્યા થઈ. પછી મનુષ્યના વિચારમાંથી જ ચાર રસ્તે મૂકાતા સિગ્લનનો જન્મ થયો. અને એ જ મનુષ્યના વિચારોએ બીજી કોઈ ગાડી ન હોય ત્યારે, હોય તો કોઈ જોનાર ન હોય ત્યારે તે સિગ્નલ તોડવાનું શરૂ કર્યું. હવે એમ કોઈ ન કરે તે માટે કાયદા બન્યા. માણસોએ જ બનાવ્યા બીજા માણસો માટે. એ રીતે દેશ અને રાજ્ય મુજબ ચિક્કાર અલગ અલગ કાયદાઓ બન્યા છે, જેનું ‘ઉલ્લંઘન કરવાથી દંડ થાય છે, સજા મળે છે.’
દરેક ન કરવા જેવા કામ માટે કાયદાઓ બન્યા છે. માણસ પોતે પોતાની રીતે વિચારીને અટકી જાય તો બરાબર છે, અન્યથા કાયદો તેને સમજાવે. વિચારવા મજબૂર કરે. આ બધા વિચારો હમણા પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનાહિત ગણતી આઈપીસીની કલમ ૪૯૭ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી તેના પછી આવેલા છે! તે કલમ હેઠળ પરિણીત મહિલા સાથે અન્ય કોઈ પુરુષ સંબંધ બાંધે તો તેને ગુનો ગણવામાં આવતો. પુરુષ પર કેસ ચાલતો હતો અને મહિલાને વિક્ટિમ એટલે કે પીડિત માનવામાં આવતી હતી. હવે આ કાયદાનો છેદ ઊડી ગયો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, એડલ્ટરી ભલે ગુનો નથી પણ સમાજની દ્રષ્ટિએ ખોટું છે. તેના આધારે છૂટાછેડા થઈ શકશે. ઉપરાંત એક જીવનસાથી લગ્નેતર સંબંધના કારણે જીવન ટૂંકાવી લે તો તેને બીજાની આત્મહત્યા માટે ઉશ્કેરવા તરીકે જોવાશે.
ઉપરના છેલ્લા ત્રણ વાક્યો વિરોધાભાષી લાગે તેવા છે. આપણે કોઈ સમાજશાસ્ત્રી કે કાયદાશાસ્ત્રી નથી પણ જે વસ્તુ સમાજની દ્રષ્ટિએ ખોટી છે તેને ગુનાની કેટેગરીમાંથી કાઢી નાખવી તે કેટલું યોગ્ય છે? વેલ, રિસ્પોન્સ એવો આવી રહ્યો છે કે, સ્ત્રી અને પુરુષ હવે સમાન થયા. પહેલા માત્ર પુરુષને પાંચ વર્ષની સજા થતી, સ્ત્રીને બેકસૂર છોડી મૂકાતી, હવે કોઈને પણ સજા નહીં થાય! માથાના દુખાવાના ઈલાજ માટે માથુ જ કાઢી લેવા જેવું થયું હોય એવું લાગે છે અહીં! એવું લાગવાનું કારણ પણ કોર્ટના ચુકાદાની જેમ સ્પષ્ટ છેઃ જે માત્ર સમાજની દ્રષ્ટિએ ખોટું છે, અનૈતિક છે એ કામ ન કરવું તે માણસના વિચાર અને વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. એટલી વિવેકબુદ્ધિ નથી હોતી અમુક મનુષ્યમાં એટલે તો કાયદાઓ બન્યા છે.
આ મુદ્દા પર વિચારતા સામાન્ય માણસની સાદી સમજ આ મુજબ હોઈ શકેઃ જેમણે લગ્ન નથી કર્યા, નથી કરવાના, તેઓ ગમે તેની સાથે પ્રેમ, સેક્સ, વૉટએવર કરી શકે છે. પણ તેમ કરવાથી જેમણે લગ્ન કર્યા છે તેમની જિંદગી તહસનહસ થઈ જાય તે નૈતિક, સામાજિક, આર્થિક અને શારિરીક, બધી રીતે ખોટું છે! વિદેશના દાખલાઓ કે આપણા પૌરાણિક દ્રષ્ટાંતો આપવાથી આજની પરિસ્થિતિ સુધરવાની કે બદલવાની નથી. આજે અતિ સગવડ અને અતિ ઉપલબ્ધતાના દોરમાં માણસનું મગજ સીધાથી વધારે આડું ને ત્રાંસુ ચાલે છે. આડા અને ત્રાંસા સંબંધો પહેલા પણ હતા જ. પણ તે સંબંધો ગૂપચૂપ અને નિયંત્રિત હતા. કારણ કે, ‘ચારિત્ર્યના માપદંડ’ તરીકે સેક્સને જોવાતું, રાધર, જોવાય છે. હવે ધીમે ધીમે ચારિત્ર્યની ચિંતા ઘટતી જાય છે. જોકે, ટૂંકા કપડાની જેમ કમર નીચેનું એક અંગ ચારિત્ર્યનું સર્ટિફીકેટ ન હોઈ શકે એ સાચું, પણ તેના કારણે થતા રોજ-બ-રોજના જીવનમાં કંકાસનું શું?
આઈન્સ્ટાઈનથી લઈને પિકાસો અને રાજ કપૂરથી લઈને રોનાલ્ડો સુધીના જાણીતા અઢળક નામો એવા છે જે એક્સ્ટ્રા મેરીટલ અફેર અથવા પતિ કે પત્ની સાથેના દુર્વવ્યવહારના લીસ્ટમાં આવે. અન્ય દેશોમાં અને ભારતમાં પણ અમુક જગ્યાએ આ બાબતને નોર્મલ ગણવામાં આવે છે. બાયોલોજી મુજબ માણસને પ્રેમ જોઈએ, સેક્સ જોઈએ અને તેમાં નાવીન્ય પણ જોઈએ! પાછા દુનિયાના મહાન માણસોએ તો બે કે ત્રણથી વધુ લગ્ન કર્યા હોય એટલે તેમને જોઈને તે જસ્ટિફાય થતું લાગે.
પણ વર્ષો પૂર્વે લગ્નસંસ્થાનો ઉદભવ અને આડા સંબંધોને અનૈતિક રીતે જોતું સામાજિક માળખું તેની સાથે જોડાયેલા લોકોની જિંદગી બરબાદ ન થાય એ માટે કદાચ રચાયું હશે. લગ્ન કે સમાજ ન હતો ત્યારે વધારે અસ્તવ્યસ્ત રહેતા હશે લોકો. જીવનમાં મજા અને શાંતિથી જીવવું જરૂરી છે, લગ્નેતર સંબંધ બાધો એટલે કેટલીય જાતની માનસિક પીડા અને ત્રાસ શરૂ થાય. આના નિવારણરૂપે જ મનુષ્યના વિચારને કન્ટ્રોલ કરવા માટે, તેના પર નિયંત્રણ મૂકવા માટે આ નૈતિકતાના નામના સિગ્નલ સર્જાયા હશે.
છેલ્લી વાતઃ કદાચ સ્ત્રી કે પુરુષ પોતાના જીવન-સાથી સાથે ખુશ ન હોય અને અન્ય ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધે તો તે ગુનો નથી. ઑકે, કબૂલ. પણ તે ત્રીજી વ્યક્તિ પરણિત હોય તો તેના પતિ કે પત્નીનો શો વાંક? આનો બદલો લેવા તે શું બીજા સાથે સંબંધ બાંધે? સ્વંય વિચાર કીજીયેગા…
@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)
Date:10-10-2018

0 comments on “સીધા અને આડા સંબંધોઃ નૈતિક, સામાજિક અને કાયદાકીય રીતે”