Movies Review

અંધાધુન

અફલાતૂન

Rating: 4.0 Star

‘બદલાપુર’ ફૅમ શ્રીરામ રાઘવનની ટાઈટ થ્રિલર ‘અંધાધુન’ એ-વન છે. સસ્પેન્સ-થ્રિલર ઝોનરના ચાહકો માટે જલ્સો છે આ ફિલ્મ. 139 મિનિટની ફિલ્મ ઑલમોસ્ટ મોરચે જીતે છે. આયુષ્માન-તબ્બુ સહિતના તમામ કલાકારોની એક્ટિંગ, સ્ટોરી ટેલિંગ અને અણધાર્યા વળાંકો જોવા માટે ખાસ ટાઈમ કાઢીને પહોંચી જાવ…

AndhaDhun-Poster‘એક હસીના થી’, ‘જૉની ગદ્દાર’, ‘બદલાપુર’: આ ત્રણેય ફિલ્મો વચ્ચે એકાધિક સામ્યતાઓ છે. ત્રણે થ્રિલર છે; રાધર નિઓ-નુઆર થ્રિલર છે. ત્રણેયના ડિરેક્ટર શ્રીરામ રાઘવન છે. આ જ શ્રેણીમાં ચોથી ફિલ્મનો ઉમેરો થયો છેઃ ‘અંધાધુન’. ‘એક હસીના થી’ આજથી 14 વર્ષ પહેલા આવી હતી, ‘જૉની’ તેના ત્રણ વર્ષ બાદ અને ‘બદલાપુર’ આજથી ત્રણ વર્ષ પહેલા. એ સમય પ્રમાણે ‘એક હસીના થી’ અને ‘જૉની ગદ્દાર’ કલ્ટ થ્રિલર હતી. બદલાપુર’નું લેવલ જ ક્રાઈમ-થ્રિલરથી ક્યાંક ઉપર હતું અને ‘અંધાધુન’ રાઘવનની નબળી ‘એજન્ટ વિનોદ’ સહિત પાંચે ફિલ્મોમાં બેસ્ટમબેસ્ટ છે. આ ચારેય ફિલ્મોમાં બીજી એક પણ સામ્યતા છેઃ તેમાં રાઘવનની ફિલ્મોની પ્રણાલી મુજબ ખૂન-ખરાબા, હિંસા, છેતરપિંડી, વિશ્વાસઘાત, ડાર્ક-કૉમેડી છે; મર્ડર છે, પણ ફિલ્મનું ઝોનર મર્ડર-મિસ્ટ્રી નથી, હાડોહાડ થ્રિલર છે. એટલે કે, ફિલ્મમાં મર્ડર કોણે કર્યું છે અને શું કામ કર્યું છે તે આપણને ખબર જ છે, કઈ રીતે કર્યું છે કે કર્યા પછી અપરાધીની મનોઃસ્થિતિ શું છે તે દર્શાવવામાં રાઘવનની ગજબ હથરોટી છે. યાદ કરો, ‘બદલાપુર’ના લાએક મોહમ્મદ તુંગેકર(નવાઝ)ને.

અંધાધુનમાં ડિરેક્ટર મર્ડર કરનારને તરત જ આપણી સામે લાવી દે છે. તેનો મોટિવ પણ પછીની મિનિટોમાં ઊઘાડો પડી જાય છે. પણ તે ટેન્સ સિચ્યુએશનમાં કોઈ અનઅપેક્ષિત પાત્ર જઈ ચડે અને તેમાંથી ગૂંચ ઉકેલીને કઈ રીતે બહાર નીકળે છે તે ડિરેક્ટરસાહેબ દર્શાવે છે. અને બૉસ, શું દર્શાવે છે! (અહીં વાતો ઓછી અને વિઝ્યુઅલ વધારે છે.)

આજે વાર્તા કહેવામાં જોખમ છે! આ લવયાત્રી તો છે નહીં, કે વાર્તા કહીને ફિલ્મ વિશે છણાવટ કરી શકાય. પણ જાડી રૂપરેખા તો આપવી જ પડશે. ફિલ્મની શરૂઆત એક સસ્પેન્સ એલિમેન્ટથી થાય છે. ટાઈલટ પડ્યા બાદ પુનાના પ્રભાત રોડ પર એક બ્લાઈન્ડ પિયાનો-વાદક આકાશ(આયુષ્માન ખુરાના) એકલો રહે છે. તે પર્સનલી પિયાનો શીખવીને, કૉન્સર્ટમાં જઈને પૈસા કમાય છે. તેને પૈસા ભેગા કરીને લંડન જતા રહેવું છે. આકાશ એક દિવસ અકસ્માતે પુનાના જ એક બાર ઑનરની દીકરી સૉફી(રાધિકા આપ્ટે) સાથે ટકરાય છે. બેઉ મળે છે. આકાશ પેલા બારમાં પિયાનો વગાડવાનું શરૂ કરે છે. ત્યાં આકાશને વીતેલા જમાનાના અભિનેતા પ્રમોદ સિન્હા(ખરેખર વીતેલા જમાનાના અભિનેતા અનિલ ધવન) તેને સાંભળે છે અને ઘેર પ્રાઈવેટ પરફૉર્મન્સ માટે આમંત્રણ આપે છે. પ્રમોદ સિન્હાની બીજી વારની અને ખૂંખાર પત્ની છે સિમી(અદભૂતમ તબુ).

આકાશ(આયુષ્માન) મગરપટ્ટાની બહુમાળી ઈમારતના એક ફ્લૅટનો દરવાજો ખખડાવે છે અને સિમી(તબુ) દરવાજો ખોલે છે અને આકાશ અંદર પ્રવેશે છે અને શ્રીરામ રાઘવન નામનો જાદુગર આપણી સમક્ષ સિને-માના જાદુની અવનવી ટ્રિક્સ બતાવવાનું શરૂ કરે છે…

અંધાધુનના ટ્રેલરે લોકોમાં જબરી ઉત્કંઠા જગાડી હતી. અંધ પિઆનીસ્ટ ખરેખર અંધ છે કે નહીં? તબ્બુ એટલે કે સિમી તેની પત્ની છે કે પ્રેમિકા? રાધિકા એટલે કે સોફી આકાશની પ્રેમિકા છે?

વેલ, ફિલ્મ શરૂ થયા પછી સમજાશે કે નાયક અંધ છે કે નહીં તે મહત્વનો પ્રશ્ન જ નથી. રાઈટર્સે એટલી ત્વરાથી સ્ક્રિપ્ટ અને સ્ક્રિનપ્લે લખ્યા છે કે, તમે વાર્તા-પ્રવાહમાં ખોવાઈ જાવ છો અને રાઘવનનું એક્ઝિક્યુશન લા-જવાબ છે. ફરી એક વખત સાબિત થઈ ગયું કે તેઓ થ્રિલર સ્ટોરી ટેલિંગના માસ્ટર છે. પહેલા શૉટથી અંતિમ શૉટ સુધી તમે બેધ્યાન નથી થઈ શક્તા. પુજા લાધા સુરતીનું એડિટિંગ ભયંકર તંગ છે.(ફિલ્મના ચાર પૈકી એક રાઈટર પણ તે છે.) હા, ઈન્ટરવલ પછીનો થોડોક સમય, જેમાં અન્ય ત્રણેક પાત્રોની એન્ટ્રી થાય છે, ત્યારે સ્ક્રિપ્ટ થોડીક ડલ થાય છે. ‘બતાવવા’ની જગ્યાએ ‘કહેવાનું’ શરૂ થાય છે. ત્યારે નરેટિવ થોડું ગૂંચવાય છે. ફર્સ્ટ હાફ જેટલું શાર્પ હ્યુમર નથી રહેતું, પણ તે થોડી વાર. તરત જ ફિલ્મ પોતાનો ટ્રૅક પકડી લે છે.

અંધાધુનની આગળ જોનર તરીકે થ્રિલરની સાથે બ્લૅક કૉમેડી પણ લખાવું જોઈએ. ફિલ્મની શરૂઆતથી જ થ્રિલની સાથે ડાર્ક, બ્લેક, એબ્સર્ડ, (વિકૃત!) કૉમેડીનો વઘાર તમને દેખાય છે. ફિલ્મમાં નિષ્ઠુર કતલ થાય છે, ગુનેગારો બેકસૂર ફરે છે, પોલિસ ખુદ ઠગ છે, નાયક જૂઠ્ઠો છે અને એક પછી એક અણધાર્યા ટ્વિસ્ટ આવ્યા કરે છે, છતાંય તમારા શ્વાસ અદ્ધર નથી થતા. કેમ કે, આ બધું એન્ટિસિપેશનના ભાગરૂપે છે. એટલે કે તમને આવું કંઈક થવાની અપેક્ષા છે જ. અને શ્વાસ અદ્ધર ન થવાનું મોટું કારણ છેઃ તમે દર થોડી થોડી વારે હસો છે! કોઈની ડેડબૉડી સૂટકેસમાં ભરવામાં આવી રહી છે અને તે સિન જોઈને તમે હસી રહ્યો છો! ધૅટ્સ કોલ્ડ બ્લૅક હ્યુમર. ફિલ્મમાં સમરકંદ બુખારા ઓવારી જઈએ તેવા આ પ્રકારના દ્રશ્યો એકાધિક છે. પાંચથી સાત મિનિટ ચાલતા આવા એકાદ-બે સિન્સ માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ!

અંધાધુન 2010માં આવેલી ઓલિવિયર ટ્રેઈનર્સની ફ્રેન્ચ શૉર્ટ ફિલ્મ ‘ધ પિયાનો ટ્યુનર’નું ઑફિશિયલ એડપ્ટેશન છે, જેમાં એક યંગ મ્યુઝિશિયન પોતે જીતેલા બર્નસ્ટીન પ્રાઈઝ પછી એક નિર્ણય લે છે. તે બાદ તેના જીવનમાં ચિત્રવિચિત્ર ઘટનાઓ આકાર લે છે. એક્ચ્યુલી, તે આકાર લેતી ચિત્રવિચિત્ર ઘટનાઓ વચ્ચે ફસાઈ જાય છે. 13 મિનિટ અને 47 સેકન્ડની ‘ધ પિયાનો ટ્યુનર’ની વાર્તા અહીં કહી દઈશ તો પણ ‘અંધાધુન’ની મજા મરી જશે. તેમાંથી રાઘવને માત્ર એક એલિમેન્ટ લીધું છે અને બાકીની કહાની પોતે અરીજીત બિશ્વાસ, પૂજા લાધા સુરતી, યોગેશ ચંદેકર અને હેમંત રાઓ સાથે ઘડી છે. આ શૉર્ટ ફિલ્મ યુ-ટ્યુબ પર અવેલેબલ છે. ફ્રેન્ચ ફિલ્મનું સસ્પેન્સ ‘અંધાધુન’ના શરૂઆતના અડધા કલાકમાં જ ખૂલ્લી જાય છે. રાઘવન સ્ટાઈલમાં જોવાની તે અલગ મજા છે!

એજન્ટ વિનોદનું ‘રાબતા’ ગીત તમને યાદ હશે. તેમાં એક બ્લાઈન્ડ પિયાનો-વાદક છોકરી આખા ગીત દરમ્યાન પિયાનો વગાડ્યા કરે છે અને આજુબાજુ કેટલાય લોકોને સૈફ-કરિના મારી નાખે છે! શ્રીરામે આ સિન ‘અંધાધુન’ બનાવતી વખતે મગજમાં રાખ્યું હશે. આપણને જોતી વખતે તે યાદ આવે છે!

અંધાધુનના એક એક કૅરૅક્ટર પર ખાસ્સું એવું લખી શકાય એમ છે. પિયાનો પ્લેયર તરીકે આયુષમાને સુપર્બ પરફૉર્મ કર્યું છે. તે અક્ષય વર્મા નામના પિઆનિસ્ટ પાસે બે મહિના વિધિવત શીખવા લોસ એન્જલેસ ગયો હતો તે અહીં દેખાય છે. તેની એક્ટિંગ કન્ટ્રોલ્ડ અને લેયર્ડ છે. લેયર્ડ વિશે વધુ વાત કરીશ તો સ્પોઈલ થશે! રાધિકા આપ્ટેનું કામ સ-રસ છે, પણ રોલ ટૂંકો છે. એક્ચ્યુલી આખી ફિલ્મ દરમ્યાન તેનું પાત્ર જ નિર્દોષ છે તેમ કહી શકાય. બાકી તમામ પાત્રો રાઘવનની દુનિયાના એટલે કે બ્લૅક એન્ડ વાઈટ- ગ્રે શેડ ધારિત છે. ઈવન, એક નાનું બાળક છે તે પણ ઠગ છે! સૌથી બેસ્ટ એક્ટિંગ નન અધર ધૅન તબુની છે. ફિલ્મ પૂરી થયા બાદ તેના ફોટા જોઈને પણ ડર લાગે! તે પોતાના ઘરમાં કરચલાને ઠંડો કરીને રોસ્ટ કરે છે. તે કામૂક છે, કાતિલ છે અને ડેન્જરસ છે. ઉપરાંત અશ્વિની કાલેસકર, ઝાકિર હુસ્સેન, માનવ વિજ અને છાયા કદમ સહિતની ધૂંઆધાર સપોર્ટિંગ કાસ્ટ છે. માનવ વિજે સુપર્બલી અને હ્યુમરસ્લી કામ કર્યું છે!

ડિરેક્ટરે 70 અને 80ના દાયકાની ચેતના અને દરવાજા જેવી પલ્પ ક્લાસિક ફિલ્મોના સ્ટાર અનિલ ધવનને પ્રમોદ સિન્હાના પાત્રમાં રજૂ કર્યા છે. પ્રમોદ સિન્હા એક કાલ્પનિક પાત્ર છે પણ તેના ઘરમાં ફોટા (અનિલ ધવનના) રિઅલ છે. તે પોતાનું ભૂતકાળ વાગોળ્યા કરે છે, જયા ભાદુરી સાથેની પોતાની ફિલ્મો જોયા કરે છે. આપણને પિયાનો પર અનિલ ધવનના તેરી ગલિયો મેં ના રખેંગે કદમ અને યે જીવન હૈ.. પણ સાંભળવા મળે છે. અનિલ ધવને સુપર્બ કામ કર્યું છે. ડિરેક્ટરે એ વખતે દુરદર્શન પર આવતા મ્યુઝિક શો ‘છાયાગીત’ અને ‘ચિત્રહાર’ને પણ યાદ કર્યા છે. મ્યુઝિક અમિત ત્રિવેદી, રફ્તાર અને ગિરીશ નાકોડનું છે. બૅકગ્રાઉન્ડમાં મોટાભાગે સિચ્યુએશન્સને અનરૂપ પિયાનોવાદન સંભળાય છે.

જોવી કે નહીં?

‘અંધાધુન’ એટલે આડેધડ. અવ્યવસ્થિત. સમજ્યા-વિચાર્યા વગર કંઈ પણ કરી નાખવું. ફિલ્મના તમામ પાત્રો ગમે ત્યારે ગમે તે કરી નાખે છે. દરેક વ્યક્તિ બીજીને છેતરે છે, પણ ડિરેક્ટર અવેર છે, તેઓ એમ નથી કરતા. આ તમામ પાત્રો ડિરેક્ટરના કન્ટ્રોલમાં છે. ફિલ્માંકન એટલુ ચબરાકીથી થયું છે કે, સસ્પેન્સ એલિમેન્ટ સતત માથે તલવારની જેમ લટકતું હોવા છતા તમે ખામી નથી પકડી શક્તા. વિઝ્યુઅલ ટ્રીટ છે આ ફિલ્મ. ફ્લૅશબૅક પણ એક માત્ર આવે છે તે પણ વેલ મેનેજ. શાહરુખની ‘ડૉન 2’ની જેમ નહીં કે, વસ્તુ કાપીને છેલ્લે બતાવી દો એટલે એ સસ્પેન્સ!

તો… સસ્પેન્સ-થ્રિલર અને શ્રીરામ રાઘવનના ચાહકો જોઈ નાખે. ‘બદલાપુર’ જેમને ગમી હોય તેમને આ વધુ ગમશે. એ ન ગમી હોય અથવા ઓછી ગમી હોય તેમને પણ ગમશે! ભૂલો કે કચાશ ન્યૂનતમ છે. વાર્તા અને ક્રાફ્ટ માટે, અફલાતૂન સ્ટોરી-ટેલિંગ માટે અને 139 મિનિટ બધું ભૂલીને રોમાંચક રાઈડમાં ખોવાઈ જવા માટે જોવાય…

છેલ્લી વાતઃબદલાપુર’ની શરૂઆતમાં ‘કુહાડી ઘા ભૂલી જાય છે, ઝાડ નથી ભૂલતું’-આ આફ્રિકન કહેવત લખેલી આવે છે. ‘અંધાધુન’માં લખેલું આવે છેઃ ‘વૉટ ઈઝ લાઈફ? ઈટ ડિપેન્ડ્સ ઑન લિવર!

(અંગ્રેજી સબટાઈટલ્સ સાથે ફ્રેન્ચ શૉર્ટ ફિલ્મ ‘ધ પિયાનો ટ્યુનર’ જોવા માટે અહીં ક્લિક કરો.)

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  07 October 2018)

andhadhun 07-10
Mid-day, Mumbai. Page No.15, Date: 07-10-2018

0 comments on “અંધાધુન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: