Movies Review

લવયાત્રી

દુઃખદાત્રી… ત્રાસયાત્રી…

Rating: 1.8 Star

220px-Loveyatri_posterઆયુશ શર્મા-વરીના હુસ્સેન અને ડિરેક્ટર અભિરાજ મીનાવાલાની પહેલી ફિલ્મ ‘લવયાત્રી’ ધીમી અને સ્પાર્ક વિનાની છે. નેવુંના દાયકાની લવસ્ટોરીને ફરી કોઈ ચાર્મ વિના રજૂ કરાઈ છે. મુખ્ય બેઉ કલાકારો એક્ટિંગ કરે છે. ગરબા ને ગીતો સાંભળવા ગમે એવા છે. એ મોટા પડદે જોવા-સાંભળવા હોય તો જવાય. બાકી, બે મિનિટનું મૌન.

એક ગરિબ પણ દિલનો સારો છોકરો હતો. એક NRI પૈસાદાર પિતાની સુંદર છોકરી હતી. છોકરાએ છોકરીને જોઈ. જોતાવેંત પ્રેમ થયો. તરિકાઓથી પટાવી. છોકરીના પિતા કડક સ્વભાવના. તેણે છોકરાને પાછો વાળ્યો. પ્રેમીપંખીડાઓ છૂટા પડ્યા. એક દિવસ છોકરીના પિતાએ કહી દીધું, ‘જા બેટા, જીલે અપની જિંદગી.’ બેઉ ભેગા થઈ ગયા. ખાધું, પીધું ને રાજ કીધું.

આવી કંઈક વાર્તા છે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની’. ઈન ફૅક્ટ, નેવુંના દાયકામાં આવેલી બૉલીવૂડની મીઠડી લવસ્ટોરીમાંની મોટાભાગની વાર્તા આવી જ રહેતી. NRI પરિવારો, હિન્દુ તહેવારો, ભારતીય મૂલ્યો, મોટા કુટુંબો, ઉદ્ધત અને કડક સ્વભાવના બાપાઓ. ઉદીત નારાયણ અને કુમાર સાનુના દૌરની વાત હમણા કરવાનું કારણ? સલમાન ભાઈએ પોતાના બનેવી આયુષ શર્માને લૉન્ચ કરવા બનાવેલી ‘લવરાત્રી’, આઈ મિન ‘લવયાત્રી’ની વાર્તા આ જ છે! એકપણ વસ્તુ નવી નથી. ત્રાસદાયક વાત એ છે કે, તે જૂનું ફ્રેશ પણ નથી. સ્ક્રિપ્ટ કંગાળ છે અને ફિલ્માંકન સ્પાર્ક વિનાનું, ભાવરહિત ફ્લૅટ છે.

લંડન બેઝ્ડ લૉન્ડ્રી ચેઈનનો માલિક સમીર પટેલ(રોનીત રોય) નવરાત્રિ દરમ્યાન દિકરી મનીષા, જેનું નામ ત્યાં જઈને મિશેલ(વરીના હુસ્સેન) થઈ ગયું છે, સાથે ભારત આવ્યો છે. ટુ બી પ્રિસાઈસ, ભારતના ગુજરાતના વડોદરા શહેરમાં બેઉ આવ્યા છે. એટલે કે જૅકી ભગનાણીની ‘મિત્રોં…’ બાદ ફરી હિન્દી ફિલ્મનું બૅકડ્રોપ ગુજરાત છે. પણ અહીં અડધી ફિલ્મમાં ગુજરાત છે. બીજી બાજુ વડોદરાનો ગરબા ટીચર છોકરો શુશ્રુત(આયુષ શર્મા) છે, જેને તેના મિત્રો ‘સુસુ’ કહીને બોલાવે છે. તેમને એમ છે કે, ‘સુસુ’ નામ કૂલ લાગે છે! આખી ફિલ્મ દરમ્યાન રાઈટર-ડિરેક્ટરે એમ વિચાર્યું હશે કે લોકો ‘સુસુ’ નામ સાંભળીને હસસે. (કહ્યું ને, નાઈન્ટિઝની મુવી જેવું છે બધું અહીં!) હા તો, ‘સુસુ’ ‘મિત્રોં’ના ગુજરાતી નાયક જેવો જ મહાત્વાકાંક્ષા વિનાનો, નકામો છોકરો છે. તેના પણ બે મિત્રો છે. એક નેગેટિવ(પ્રતિક ગાંધી) અને બીજો પોઝિટિવ; ઓહ સોરી, બીજાનું નામ રૉકેટ(સજીલ પારેખ) છે. આ પાડેલા નામો છે, બહુ મૂંઝાતા નહીં. બંનેના નગેન્દ્ર અને રોનક જેવા કંઈક સાચા નામ પણ છે. સુસુના સલાહકાર મામાના રોલમાં છે રામ કપૂર. તેમની ‘રસિક ડ્રેસ ભંડાર’ નામની દુકાન છે અને તેઓ સિંગર પણ છે! નવરાત્રિમાં ગીતો ગાય છે અને ઢોલ પણ વગાડી જાણે છે! કહેવાની જરૂર નથી કે રામ કપૂર આ પાત્રમાં ભયંકર વિચિત્ર લાગે છે. સુસુ જ્યારે પ્રેમ કરવામાં હતોત્સાહ થઈ જાય ત્યારે મામા તેને સલાહ આપે. સલાહ સાંભળીને સુસુ ફરી ફિલ્મ આગળ ધપાવવા તૈયાર થઈ જાય!

હા તો થાય છે એવું કે, સુસુ અને મિશેલ પહેલા નોરતે જ મળે છે. સુસુ સલમાન ભાઈની મુવી હોઈ મિશેલને જોતા જ હવામાં ઉડે છે. નવરાત્રિ ચાલુ છે, લોકો ગરબે ઘુમી રહ્યા છે, પણ સુસુ હવામાં છે અને… અને કંઈ નહીં, ઈલ્યુઝન તૂટે છે ને સુસુ નીચે પડે છે! છોકરી ગમી ગઈ છે ભાઈને. નવરાત્રિ છે એટલે જૂના, નવા, મિક્સ કરેલા, ઉઠાવેલા, વઘારેલા, ડીજેવાળા, બધા પ્રકારના ગરબાઓ-ગીતો સાંભળવા મળે છે. શરૂઆતમાં આવતું તનિશ બાગચીએ રિ-ક્રિએટ કરેલું ‘ઢોલીડા’ ગીત સાંભળવાની મજા પડે છે. નવરાત્રિ ગ્રાઉન્ડના ડ્રોન શૉટ્સ એકાધિક છે. રંગબેરંગી કપડામાં ગોળ ચક્કર ફરતા, ગરબે ઘૂમતા લોકોને ઉપરથી જોવાની મજા ચોક્કસ પડે, પણ કેટલી વાર?

જેમ નવરાત્રિના દિવસો પસાર થતા જાય છે તેમ મિશેલ અને સુસુ એકબીજાની નજીક આવતા જાય છે. ત્યાં જ દાળમાં કાંકરો પડે તેમ પ્યૉર ગુજરાતીઓ બોલે તેવી હિન્દી બોલવાના પ્રયત્ન કરતા મિશેલના પપ્પા સુસુને ચકડોળ ઉપર બોલાવે છે! હા, ખરેખર! વડોદરામાં ક્યાંક ભરાયેલા મેળામાં રાઝ આવ્યું હશે, તો પટેલભાઈને એમ થયું કે, છોકરાને એમા બેસાડું! સ્ક્રિપ્ટ અને ડાયલૉગ્સ કેટલા નબળા અને સિલી છે એનો બેસ્ટ નમૂનો આ મેરી ગો રાઉન્ડ પરનો સિન છે. રોનિત રોય ચકડોળ ઉપર આયુષને ઉચ્ચ-નીચ, અમીર-ગરિબ, લંડન-ભારતની વાત સમજાવે છે. વિધીની વક્રતા એ છે કે, સેકન્ડ હાફમાં છોકરો જ્યારે છોકરી પાછળ લંડન આવે છે તો બાપ ત્યાં પણ છોકરાને ત્યાંનું ચકડોળ બતાવે છે! બોલો!

થનાર સસરાની કાનભંભેરણીથી થનાર જમાઈ નારાજ થઈને થનાર પત્ની પર ગુસ્સો કાઢે છે. બેઉ જૂદા થઈ જાય છે, બીજા દિવસે મિશેલ લંડન ચાલી જાય છે. હવે તમને થોડી રાહત અને શાંતિ થાય છે. કેમ? કેમ કે, ઈન્ટરવલ પડે છે.

નાનકડી રાહત બાદ ફરી રગશિયું ગાડું ઉપડે છે લંડન જવા. છોકરી લંડન છે, છોકરો નાસીપાસ છે. પણ આપણી પાસે મામા છે. મામા તેને મૉટિવેશન લેક્ચર આપે છે અને બનેવીની ફિલ્મ હોઈ ત્યાં જવાની પણ સગવડ થઈ જાય છે. ત્યાં જઈને શું સુસુ તેની સુસીને એટલે કે મિશેલ(કોને ઓબામા સાહેબ યાદ આવે છે?)ને શોધી શકશે? ફરી પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકશે? એ જાણવા માટે તમારે ઈન્ટરવલ સુધી ફિલ્મ જોવી જરૂરી છે.

સર્વવિદીત છે કે આયુષ અને છ વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી આવેલી વરિના હુસ્સેનની આ પહેલી ફિલ્મ છે. ડિરેક્ટર અભીરાજ મીનાવાલાની પણ આ પહેલી ફિલ્મ છે. આયુષે ટ્રેડિશનલ બોલિવૂડ એન્ટ્રી પાડી છે. ડિરેક્ટરે તેને નચાવ્યો, હસાવ્યો, રડાવ્યો છે, તેના એબ્સના દર્શન કરાવ્યા છે. જૂજ દ્રશ્યમાં આયુષની સ્ક્રિન પ્રેઝન્સ કળાય છે, બાકીનામાં તે પ્રયત્નપૂર્વક કરી રહ્યો હોય તેવું લાગે છે. અમુક દ્રશ્યોમાં તે સરપ્રાઈઝ રિએક્શન જ આપ્યે રાખે છે. જાણે શૉકમાં હોય કે, સલમાન જીજુએ મારા પર પૈસા કેમ રોક્યા? હેં? છતાંય વરિના હુસ્સેનથી તે જોજનો આગળ છે. વરિના સુંદર લાગે છે. બસ.

અન્ય કલાકારોમાં ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી ‘નેગેટિવ’ના પાત્રમાં જામે છે. જાણીતો ચહેરો હોવાથી ગુજરાતી પ્રેક્ષકોને જોવો ગમશે. તે, સજીલ પારેખ અને આયુષના મિચ્યુઅલ દ્રશ્યોમાં મજા આવે છે. અમુક જૉક સારા લખાયા છે. બાકી સિરીયલ જેવું લાગે છે. અન્ય પાત્રોમાં દેસાઈ, મનોજ જોશી, અલ્પના બુચ સહિતના ગુજરાતી કલાકારો છે. પણ મુખ્ય તો બે જ જણ છે. રાઈટરે અમુક પ્રશ્નો ફોર્સફૂલી ઘુસાડ્યા છે અને પછી માની ન શકાય તેવી સરળતાથી સૉલ્વ કરી નાખ્યા છે. જેમ કે, અરબાઝ-સોહેલ ખાનનો કૅમિયો.(સ્પૉઈલર નથી, ટ્રેઈલરમાં આવે છે. શું? તમે આખું ટ્રેઈલર પણ નથી જોયું?) આ બંને ભાઈઓ ગુજરાતી હોવાથી લંડનમાં સરળતાથી સુસુને લૉકઅપમાંથી મુક્ત કરી દે છે! સોહેલ-અરબાઝ ‘જાને તુ યા જાને ના’માં ‘રાંજોરના રાઠોડ’ બન્યા હતા, એવું કંઈક હ્યુમર અહીં ક્રિએટ થઈ શક્યું હોત. વડોદરાનું બૅકડ્રૉપ છે એટલે મહાકાળીના સેવઉસળ ને ‘જાયકાની જાત્રા’થી કરીને દુલેરાયના પેંડા સુધીના ઉલ્લેખો આવે છે. પ્રતાપ ટૉકીઝથી કરીને ફતેહગંજ દેખાય છે. ગુજરાતી કલ્ચર, આદતો અને ડાયલેક્ટ નિરેન ભટ્ટે સ્ક્રિપ્ટમાં સિફતપૂર્વક વણી લીધા છે. તે જોવામાં ગુજરાતીઓને (કંટાળ્યા ન હોય તો કદાચ) મજા પડશે.

ઈન્ટરવલ સુધીના ગરબાના દ્રશ્યો, અમુક કૉમેડી સિકવન્સ, એકલ-દોકલ ડાયલૉગ્સ; આવા છૂટકમૂટક સિન્સ ઈમ્પેક્ટફૂલ છે. પણ સ-રસ મજાની વાત ચાલતી હોય ત્યાં અચાનક પકડ છૂટી જાય છે. ઈન્ટરવલ બાદ ફિલ્મ વડોદરામાંથી લંડન શિફ્ટ થાય છે, પણ તે પોતાનો ટૉન, મોટો અને કંટાળો આપવાનું છોડતી નથી. ભાઈ ત્યાં પણ ‘છોગાડા તારા…’ કરે છે. આ સૉન્ગ જોવાની મજા પડે છે, છેવટ સુધી ટકી શકાય તો.

જોવી કે નહીં?

ઑલમોસ્ટ 100 મિનીટ પછી, સેકન્ડ હાફમાં એક સિન છે, જેમાં આયુષ શર્મા કહે છે કે, ‘આ બધું ખોટું છે.’ વરિના પૂછે છે, ‘આ બધું એટલે શું ભાઈ? આયુષ જવાબમાં ફિલ્મમાં શરૂઆતથી જે જે થયું તે બધું જ બોલે છે. ગણતરી કરાવે છે અને કહે છે કે, ‘હું તને મળ્યો, આપણે વાતો કરી’ આ બધું ખોટું થયું. છેવટે એ પણ ઑડિયન્સની વેદના સમજી ગયો. એ કહે છેઃ ઈસમે સે કુછ ભી નહીં હોના ચાહીએ થા!

વેલ, ઘિસી-પિટી વાર્તા પરથી પણ ફ્રેશ અને મજાની ફિલ્મ ચોક્કસ બની શકે. પણ એક્ટિંગની મર્યાદા, નાવીન્યનો અભાવ અને ત્રુટિઓથી ભરચક પટકથા તથા જૂના ગીતો અને ટ્યુનને લઈને બની બની ને શું બને? સલમાને છેલ્લે, આદિત્ય પંચોલીના પુત્રને લઈને ‘હિરો’ બનાવી હતી અને હવે આ ‘લવયાત્રી’. વડોદરા શહેર, વરીના હુસ્સેનની સુંદરતા, ઘણા બધાએ ભેગા થઈને સર્જેલું મ્યુઝિક, આયુષનો ડાન્સ અને છૂટક મોમેન્ટ્સ માણવી હોય તો…

નોંધઃ પ્રાઈમ પર આવવાની છે.

છેલ્લી વાતઃ નેપોટિઝમમાં હું નથી માનતો. સલમાન આ રીતે બધાને લૉન્ચ કરી કરીને રીતસરનો માનવા મજબૂર કરે છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  06 October 2018)

loveyatri 06-10
Mid-day, Mumbai. Page No.18, Date: 06-10-2018

0 comments on “લવયાત્રી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: