ગુજરાતી સિનેમા Interviews

સંજય ગોરડિયા સાથે વાતચીત

‘હું ક્યારેય પણ ફોટા લઈને કોઈ પાસે કામ માગવા ગયો નથી.’ : સંજય ગોરડિયા

Sanjay gordiya (3)
ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા સંજય ગોરડિયા સાથે વાતચીત

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

મૂળ ઊના પાસે આવેલા દેલવાડાના સંજય ગોરડિયા મુંબઈ તથા અમદાવાદની ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ છે. તેમના કૉમેડી નાટકો ખૂબ ભજવાય છે અને જોવાય પણ છે. તાજેતરમાં જ તેમના ‘સુંદર બે બાયડીવાળો’ નાટકનો શો અંજાર ખાતે યોજાયો હતો. હાલ અદભૂત ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’માં તેઓ દેખાયા હતા. તેમની સાથે થયેલી વાતચીતના અંશો પેશ છે.

કેવો રહ્યો ‘વેન્ટિલેટર’માં કામ કરવાનો અનુભવ?

નવો અને અઘરો રહ્યો! કેમ કે, કોઈ ફિલ્મમાં ફૂલ લેન્થ મારો આ પહેલો રોલ હતો એમ કહી શકાય. નાટકો વર્ષો સુધી કર્યા છે. તેમાં અમારે રિહર્સલ કરીને ભજવવાનું હોય. ફિલ્મોમાં તો ડિરેક્ટર કટ કહે એટલે નવેસરથી કરવું પડે. એટલે તે સાતત્ય જાળવવું મારા માટે થોડું અઘરું હતું.

હિન્દી ફિલ્મો તમે કેમ બહુ જૂજ કરી છે?

જૂઓ, મેં ‘ઈશ્ક’ અને ‘મન’માં કામ કર્યું, તે મારા મિત્ર ઈન્દ્રકુમારે મને બોલાવ્યો હતો એટલે. હું ક્યારેય પણ ફોટા 51979401લઈને કોઈ પાસે કામ માગવા ગયો નથી. એવું નથી કે મને અભિમાન કે એવું કંઈ છે; પણ પહેલા કામ માગવાની આ જ રીત હતી! હવે તો કાસ્ટિંગ એજન્ટો આવી ગયા છે, બાકી અમારે તો કામ માગવુ જ પડે. જોકે, અત્યારે તો થીએટરમાં એટલો બિઝી છું કે, કામ માગવાની સ્ટ્રગલ હું ઈચ્છું તોય કરી શક્તો નથી.

તમે વર્ષોથી થીએટર કરો છો, પહેલી વખત સ્ટેજ પર પગ મૂક્યો ત્યારનો અનુભવ?

વર્ષ ૧૯૮૦નું હતું. પહેલું પ્રોફેશનલ કામ મારું બાળનાટક ‘છેલ અને છગો’ હતું. અમે બહુબધા રિહર્સલ કર્યા હતા. પણ જ્યારે ખરેખર ઓડિયન્સ સામે પહેલી વખત સ્ટેજ પર પગ મૂક્યો ત્યારે પ્રકાશથી મારી આંખો અંજાઈ ગઈ હતી! સ્ટેજની લાઈટો જોઈને હું થોડો નર્વસ થઈ ગયો હતો. તમે ગમે તેટલા રિહર્સલ કરી લો, સ્ટેજનો અનુભવ કંઈક અલગ જ હોય છે. ૩૮ વર્ષ થઈ ગયા આ વાતને.

એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા તે પહેલા…

કહ્યું એમ, ૧૯૮૦માં એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો. એ પહેલા હું એક દવાની દુકાનમાં કામ કરતો હતો! બન્યું હતું એવું કે, હું અગિયારમાં ધોરણમાં ફેઈલ થયો. ત્યાર પછી ભણવાનું છોડી દીધું! અને કાકાની આર્યુવેદની દવાની દુકાન હતી, તેમાં સાડા ત્રણસો રૂપિયે પગારમાં લાગી ગયો.

અચ્છા. તો દવાની દુકાનેથી સ્ટેજ પર કઈ રીતે આવ્યા?

હા, એ રસપ્રદ વાત છે. તમે સામાન્ય દવાની દુકાને એટલે કે મેડીકલમાં પ્રિસ્ક્રિપ્શન આપો એટલે એ ભાઈ જ તમામ દવાઓ લઈને તમને આપે. દવાબજારની કામ કરવાની સિસ્ટમ થોડી જૂદી હોય. તેમાં તમે દવા માગો એટલે થળા પર બેઠેલો માણસ બૂમ પાડે અને બાકીના તે દવા શોધીને આપે. દવા બજારમાં સાંજે બહુ ભીડ રહેતી એટલે હું વચ્ચે ઊભો રહેતો અને કાઉન્ટર પર બેઠેલો વ્યક્તિ જે વસ્તુ માગતો તેનો હું પડઘો પાડતો! આ કામ હું કલાત્મક રીતે કરતો! આ મેસેજ પાસ કરતા કરતા મને અંદરથી એવું થયું કે મારે નાટકોમાં અભિનય કરવો જોઈએ.

તમે એસએસસી પાસ છો. તો ગુજરાતી ભાષા પરના પ્રભુત્વનું કારણ?

મારું વાંચન બહું જ સારું હતું અને છે. આજે પણ હું નિયમિત વાંચુ છું. બીજું એ કે, પ્રાથમિક શિક્ષણ મેં મુંબઈમાં લીધું અને તે ગુજરાતી ભાષામાં જ લીધું.

(સંજયભાઈ હસતા હસતા ઉમેરે છે) અને એ પણ ખરું કે, મુંબઈના ગુજરાતીઓનું ગુજરાતી સારું જ હોય!

તમારા આગામી પ્રોજેક્ટ્સ?

મારું અત્યારે ‘સુંદર બે બાયડીવાળો’ નામનું એક નાટક ચાલી રહ્યું છે તથા ‘મેડ ઈન ચાઈના’ નામની એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું.

પેક અપઃ

           ગુજરાતી ફિલ્મો માટે હું અર્બન અને ટર્બન જેવું વિચારતો નથી. ફિલ્મ બે જ પ્રકારની  હોયઃ સારી અથવા ખરાબ. ઘણી અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ એ જ ચવાઈ ગયેલા વિષયો, જોક્સ, ગંદી ફોટોગ્રાફી અને ગંદા પરફોર્મન્સ હોય જ છે ને! અને એ પણ સારા સારા મેકરો દ્વારા બનેલી ફિલ્મોમાં. એ જમાનામાં પણ, જેને આપણે ટર્બન કહીએ છીએ, સરસ ફિલ્મો બનતી જ હતી. મેં પાસપોર્ટ, કૅશ ઓન ડિલીવરી, છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જોઈ છે અને મને ગમી છે. -સંજય ગોરડિયા

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 05-10-2018

 

1CDD0A6
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 05-10-2018

0 comments on “સંજય ગોરડિયા સાથે વાતચીત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: