Literature

‘આદેશ જિધર કા દેતે હૈં… ઈતિહાસ ઉધર રુક જાતા હૈ…’

‘કવિતાનો એકાદ અંશ એવો છે જેને સ્વયં બાપુ પણ પસંદ નહીં કરે. પરંતુ તેમનું એકમાત્ર એ જ રૂપ તો સત્ય નથી જેને તેઓ માને છે.’-રામધારી સિંહ ‘દિનકર’

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

gandhi-1519892329૨૦૧૮માંથી ૧૮૬૯ બાદ કરીએ એટલે ૧૪૯ બચે છે. ૧૮૬૯ની ૨જી ઓક્ટોબરે બાપુ જન્મ્યા. આજે હોત તો તેમને ૧૫૦ વર્ષ થયા હોત! ‘બાપુ’ એટલે મહાત્મા ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધી. એ વ્યક્તિ જે ખરા અર્થમાં કેપેબલ અને પ્રસિદ્ધ હતી, છે અને રહેશે. આજકાલ લાયકાત વગર પણ લોકો લોકપ્રિયતા ભોગવી રહ્યા છે, ત્યારે આ વાત વધુ મહત્વની બની જાય છે!

એની વે, આજે ગાંધીજી વિશે કંઈ નથી લખવું. દર વખતે તેમના જન્મદિવસે અને તેઓ ગયા એટલે કે ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ-‘ગાંધી નિર્વાણ દિને’ બહુબધું લખાય છે. બોલાય છે. પ્રોગ્રામો થાય છે. મોટેરાઓ એમના ગાંધીની વાત કરે છે, જુવાનીયાઓ એમની નજરે ગાંધીને જૂએ છે. નેતાઓ નવી નવી યોજનાઓ ગાંધીના નામે બહાર પાડે છે. તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલી રહ્યા છે, તેવું જનતાના મગજમાં ઠસાવે છે. તાજેતરમાં આવેલી ‘સુઈ ધાગા’ ફિલ્મ પણ ગાંધી વિચાર પર આધારિત છે. શાળામાં નાના ધોરણોમાં ગાંધીજી પરનો એક નિબંધ ફરજિયાત કરી દેવો જોઈએ. એ બહાને બાળકો તેમના વિશે વાંચે, તેમણે લખેલું વાંચે અને સમજે. પોતે વાંચશે તો સમજશે કે સાચું શું છે, ખોટું શું છે. સૌથી વધારે માન્યતાઓ અને અફવાઓનો ભોગ પણ ગાંધીજી બન્યા છે…

હમણાં જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા હિન્દી ભાષાના લેખક, કવિ તથા નિબંધકાર રામધારી સિંહ ‘દિનકર’ને વાંચવાના થયા. ૨૩ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ વર્ષ ૧૯૦૮માં. આઝાદી વખતે, ૧૯૪૭માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કાવ્યસંગ્રહનું નામઃ ‘બાપુ’. કાવ્યસંગ્રહ પ્રગટ થયો તેના છ મહિના બાદ ગાંધીજીની હત્યા થઈ. જેમ ગાંધીજી ગયા પછી, દિવસો જતા વધુ પ્રાસંગિક થઈ રહ્યા છે એવું જ રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા વિશે કહી શકાય.

એ વખતે ભારતમાં દરેક જગ્યાએ સાંપ્રદાયિકતા ભળકી રહી હતી.( ‘…તો અત્યારે કેવી હાલત છે?’ આવું કોણ બોલ્યું?!) બીજા વિશ્વયુદ્ધના વિનાશકારી પરિણામો દુનિયા ભોગવી રહી હતી. ચોતરફ હિંસાના એ દોરમાં એક એવી વ્યક્તિ હતી જે સંપૂર્ણપણે અહિંસાને વળગેલી હતી. એ વ્યક્તિએ અહિંસા, પ્રેમ અને કરુણાની અલખ જગાડેલી હતી. એ વ્યક્તિ એટલે નન અધર ધેન ‘બાપુ’! તેમની સોચ અને પહોંચ એટલી લાંબી અને ઊંચી હતી કે તેના પળઘા આજ સુધી પડી રહ્યા છે અને વર્ષોપર્યંત પડતા રહેવાના છે.

૩૯ વર્ષી રામધારી સિંહ આ જોઈને અભિભૂત હતા. કહે છે કે, તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રોપગેન્ડા

download
રામધારીસિંહ ‘દિનકર’

વિભાગમાં કામ કર્યું હતું. યુદ્ધ સાથે જોડાયેલી તમામ બાબતોથી તેઓ અચ્છી તરહ વાકેફ હતા. એટલે જ કદાચ તેમની કવિતાઓનો મોટો ભાગ યુદ્ધની આરાજકતા અને અહિંસા વિરુદ્ધ સર્જાયો છે. ખરેખર વીરતા અને વીરતા પાછળ છૂપાયેલી કાયરતા વચ્ચેના બારિક તફાવતને ‘દિનકર’ સમજતા હતા. ગાંધીને અહિંસક અને કરુણાથી છલોછલ હોવાના કારણે અમુક લોકો કાયર કહીને સંબોંધે છે, પણ ખરેખર વીર, નીડર કોણ છે તે થોડા ભીતર ઉતરીએ તો સમજાઈ જશે.

રામધારી સિંહ ‘દિનકર’ની કવિતાની શરૂઆત અહીંથી થાય છેઃ

संसार पूजता जिन्हें तिलक, रोली, फूलों के हारों से,
मैं उन्हें पूजता आया हूँ बापू ! अब तक अंगारों से ।
अंगार, विभूषण यह उनका विद्युत पी कर जो आते हैं,
ऊँघती शिखाओं की लौ में चेतना नई भर जाते हैं ।

उनका किरीट, जो कुहा-भंग करते प्रचण्ड हुंकारों से,
रोशनी छिटकती है जग में जिनके शोणित की धारों से ।
झेलते वह्नि के वारों को जो तेजस्वी बन वह्नि प्रखर,
सहते हीं नहीं, दिया करते विष का प्रचंड विष से उत्तर ।

अंगार हार उनका, जिनकी सुन हाँक समय रुक जाता है,
आदेश जिधर का देते हैं, इतिहास उधर झुक जाता है ।
आते जो युग-युग में मिट्टी-का चमत्कार दिखलाने को,
ठोकने पीठ भूमण्डल की नभ-मंडल से टकराने को ।

‘દિનકર’ સાહેબની અન્ય કવિતાઓની જેમ આ કવિતામાં પણ એ જ શબ્દો, ભાવો અને ઉપમાઓના દર્શન થાય છે જે તેમની વિશેષ ઓળખ રહી છે. એ જ તીવ્રતા અને આવેગ છે અહીં. પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે ખુદ લખ્યું છે કે, ‘કવિતાનો એકાદ અંશ એવો છે જેને સ્વયં બાપુ પણ પસંદ નહીં કરે. પરંતુ તેમનું એકમાત્ર એ જ રૂપ તો સત્ય નથી જેને તેઓ માને છે. આપણી જાતીય જીવનના પ્રસંગ પર તેઓ જે સ્થાન પર ઊભા છે તેને પણ ભૂલાવી શકાય તેમ નથી.’ જાતીય પ્રસંગ એટલે અહીં સામાજિક અને રાષ્ટ્રીય પ્રસંગ, જે ભય, અશાંતિ, ધ્રુણા અને હિસાંથી ખરડાયેલો હતો, છે. આવી પરિસ્થિતિમાં ગાંધી માત્ર આશાનું કિરણ હતા કેમ કે, તેમની હાજરીથી ભય અને હિંસા દૂર ભાગતા. મનુષ્ય તો ખરા જ, પશુ-પંખી પણ ગાંધીની હાજરીમાં નિર્ભયતાનો અનુભવ કરતા. નિશ્ચિંત થઈ જતા.

‘દિનકર’ કહે છે,

‘कोई न भीत, कोई न त्रस्त; सब ओर प्रकृति है प्रेम भरी,
निश्चिन्त जुगाली करती है, छाया में पास खड़ी बकरी।’

એક જગ્યાએ કવિ કહે છે કે, પ્રખર બુદ્ધિશાળી લોકો જ આ દુનિયા માટે સંકટરૂપ બન્યા છે. તેમના જ્ઞાન પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે! કવિને ઈસા અને ગાંધી જેવા લોકોની સરળતા અને તેમનો ત્યાગ તથા પ્રેમ જ આકર્ષે છે. તેઓ કહે છે

मानवता का इतिहास, युद्ध के दावानल से छला हुआ,
मानवता का इतिहास, मनुज की प्रखर बुद्धि से छला हुआ।
मानवता का इतिहास, मनुज की मेधा से घबराता सा,
मानवता का इतिहास, ज्ञान पर विस्मय-चिह्न बनाता सा।

मानवता का इतिहास विकल, हांफता हुआ, लोहू-लुहान;
दौड़ा तुझसे मांगता हुआ, बापू! दुःखों से सपदि त्राण।

પરંતુ આપણે જાણીએ છીએ તેમ ગાંધી જેવી વિરલ વ્યક્તિઓનું જીવન સરળ નથી હોતું. તેમના પર અસંખ્ય આંગળીઓ ઉઠે છે, પ્રશ્નો થાય છે, વિરોધ થાય છે. અરે! વિરોધીઓ તો શું, પોતાનાઓ મારવા પર ઉતરી આવે છે! ગાંધીના જીવનમાં એવા ઘણા પ્રસંગો હતા જ્યાં તેમને ઉકસાવવામાં આવ્યા કે તેઓ કોઈ પ્રતિઘાત કરી બેસે. કોઈ એવી ભૂલ કરે! પણ આ ગાંધી હતા. તેમણે આ બધી પરિક્ષાઓ સહજ રીતે પાર કરી. કવિ ‘દિનકર’ કહે છે,

ली जांच प्रेम ने बहुत, मगर बापू तू सदा खरा उतरा,
शूली पर से भी बार-बार, तू नूतन ज्योति भरा उतरा।

प्रेमी की यह पहचान, परुषता को न जीभ पर लाते हैं,
दुनिया देती है जहर, किन्तु, वे सुधा छिड़कते जाते हैं।

जाने, कितने अभिशाप मिले, कितना है पीना पड़ा गरल,
तब भी नैनों में ज्योति हरी, तब भी मुख पर मुस्कान सरल।

***

રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા ખાસ્સી મોટી છે, અદભૂત છે. ઉતરાર્ધમાં તેમણે ગાંધીના મૃત્યુ વિશે વાત કરી છે. કહ્યું એમ, તેમનો ‘બાપુ’ કાવ્યસંગ્રહ છપાયો તેના છ મહિના બાદ જ ગાંધીની હત્યા થઈ. આ ઘટનાએ કવિ ‘દિનકર’નું હૃદય દુઃખ અને ક્ષોભથી ભરી દીધું. તેમની કલમ ફરીથી ચાલી. જીવતા ગાંધી માટે બહુબધું તેમના માહ્યલામાંથી નીકળ્યું હતું, હવે ગાંધી નથી રહ્યાની વેદના નીકળી. ગાંધીની હત્યાના કારણે થયેલી પીડા અને આત્મગ્લાનિ કાગળ પર વહી નીકળી અને ૧૯૪૮માં ‘બાપુ’ કવિતા સંગ્રહની બીજી આવૃત્તિ છાપવામાં આવી. તે કવિતાઓ… ફરી ક્યારેક! (શીર્ષક પંક્તિ: કવિ ‘દિનકર’)

*જે બાત!*

હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ. -ગાંધીજી

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:03-10-2018

Aadesh jidhar ka dete hai... 03-10
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 03-10-2018

0 comments on “‘આદેશ જિધર કા દેતે હૈં… ઈતિહાસ ઉધર રુક જાતા હૈ…’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: