Movies Review

સુઈ ધાગા

રેશમનો દોરો અને કાટ લાગેલી સોય

Rating: 2.8 Star

2018_9image_10_40_53808107013-ll

વરુણ ધવન અને અનુષ્કા શર્મા સ્ટારર સુઈ ધાગા મનોરંજક રીતે આત્મગૌરવ અને આત્મનિર્ભરતાની વાર્તા કરે છે. ઍક્ટિંગ તમામની સરસ છે, ગીતો મજાનાં છે; પણ ક્યાંક વચ્ચે-વચ્ચે સિલાઈ ખૂલી જાય છે. સ્ટારકાસ્ટ અને ટ્રેલર જોઈને બહુબધી અપેક્ષાઓની ગાંઠ બાંધી લીધી હોય તો એ છોડીને જોઈ શકાય. સોય મજબૂત છે, દોરો થોડો ટૂંકો પડ્યો!

૨૦૧૫માં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકરને ચમકાવતી એક સરસ મજાની ફિલ્મ આવી હતી ‘દમ લગા કે હઈશા’. જે ભારત બહાર ‘માય બિગ ફૅટ બ્રાઇડ’ના નામે રિલીઝ થઈ હતી. આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર હતા શરત કટારિયા. તેઓ ત્રણ વર્ષ બાદ એ જ પ્રકારની નાના ગામમાં આકાર લેતી બે સામાન્ય પાત્રો વચ્ચેની અસમાન્ય પ્રેમકહાણી લઈને આવ્યા છે. નામ : ‘સુઈ ધાગા’.

ફિલ્મના પ્રમોશનમાં વરુણ-અનુષ્કાએ પેટ ભરીને સ્કિલ ઈન્ડિયા, મેડ ઇન ઈન્ડિયાની વાતો કરી છે. ફિલ્મમાં એવું કંઈ ભારપૂર્વક આવતું નથી. હા, આત્મસન્માન અને આત્મનિર્ભરતાની વાત જરૂર છે, હલકીફૂલકી લવસ્ટોરી પણ આવે છે; પરંતુ… ડિરેક્ટર-રાઇટરની પાછલી ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ જેવી ઇમ્પૅક્ટ ‘સુઈ ધાગા’ નથી મૂકી શકતી. બેશક સારી છે, સંદેશો આપે છે. પણ…

આવોને ડીટેલમાં વાત કરીએ!

વારતા

ફિલ્મનું શૂટિંગ ચંદેરી ગામમાં થયું છે જ્યાં તાજેતરમાં આવેલી રાજકુમાર રાવની સ્ત્રી ફિલ્મનું થયું હતું. જોકે ‘સુઈ ધાગા’માં ગામના નામનો કોઈ ઉલ્લેખ નથી આવતો. (એકાદ વાર ગાઝિયાબાદ કે દિલ્હીનો આવે છે.) વાર્તાનો ઉઘાડ મૌજી (વરુણ ધવન)ના વૉઇસ ઓવરથી થાય છે. એક મજાના લૉન્ગ શૉટમાં આપણને મૌજીના પરિવારનો પરિચય આપવામાં આવે છે. તેની ભોળી અને વિનમ્ર પત્ની મમતા અને તેને ઑર્ડર આપીને પોતાનું સાસુપણું નિભાવતી, સતત કોઈ ટેન્શનમાં ગ્રસ્ત રહેતી મૌજીની મમ્મી; આ બેઉ સાસુ-વહુ સાથે રસોડામાં સવારનો નાસ્તો તૈયાર કરી રહી છે અને મોઢેથી જ કકળાટિયા લાગતા પિતા કપડાં ધોઈ રહ્યા છે. મૌજી મોજીલો છે, ભોળો છે; પણ બેવકૂફ નથી. તે તેના દાદા જેના માટે જાણીતા હતા એ દરજીનું કામ જાણે છે, પણ પોતે રેડીમેડ સિલાઈ મશીન વેચતી દુકાનમાં નોકરી કરે છે. તેનો મોટો ભાઈ પરિણીત છે. પૈસાની જરૂર છે એટલે આત્મસન્માન નેવે મૂકીને પણ મૌજી બંસલની દુકાનમાં નોકરી કરે છે, શેઠના દીકરાની બધી જ ઠઠ્ઠા મશ્કરીઓ સહન કરે છે. ટ્રેલરમાં બતાવે છે એ મુજબ તેમના મનોરંજન કાજે મૌજી કૂતરું, વાંદરું કંઈ પણ બની શકે છે!

એક દિવસ જાહેરમાં મૌજીને આમ કરતો જોઈને મમતાને દુ:ખ લાગે છે. તે મૌજીને સમજાવે છે. એવું કામ કરવાનું કહે છે જેનામાં પૈસા સાથે ઇજ્જત પણ મળે. મૌજી રસ્તા પર નાની જગ્યાએ સિલાઈ મશીન નાખીને બેસે છે. મમતા તેની મદદ કરે છે. વચ્ચે બે વાર અટૅક આવતાં મા હૉસ્પિટલમાં દાખલ થાય છે. પિતા, ભાઈ-ભાભી બધાં આડાં ઊભે છે. વિલન તરીકે એક જાયન્ટ કંપનીના દુષ્ટ માલિકો કારીગરોનું શોષણ કરે છે. તો શું આ તમામ અવરોધો અને અડચણ પાર કરીને મૌજી-મમતા એક દિવસ સફળ થશે? પોતાના સિલાઈ મશીન દ્વારા તૈયાર કરેલાં કપડાંઓને આખી દુનિયા સ્વીકારશે? તેમને કામ મળશે? વેલ, જવાબ તમે જાણો જ છો!

ખૂલી હુઈ સિલાઈ

આ ફિલ્મની સૌથી મોટી તકલીફ ત્યાં, તમે જાણો છોમાં જ છે. ફિલ્મમાં બધું જ અતિશય પ્રિડિક્ટેબલ છે. સ્ક્રિપ્ટ અને પાત્રાલેખન એ રીતે થયેલાં છે કે તમે દૂર-દૂર સુધી બધું જ જોઈ શકો છો. અંત કેવો હશે એ તમે આરામથી કળી શકો છો, ધારી શકો છો. ડિરેક્શન વેલ મૅનેજ્ડ છે, પણ ઇન્ટરવલ બાદ અમુક જગ્યાએ સ્ક્રિપ્ટ કંટાળો ઉપજાવે છે. શરત કટારિયાએ મેડ ઇન ઇન્ડિયા કે સ્કિલ ઇન્ડિયા કે ઑન્ટ્રપ્રનરશિપ પર વધુ ફોકસ કરવાની જરૂર હતી. એના બદલે ફિલ્મમાં બે પાત્રોની લવ-સ્ટોરી દર્શાવવામાં આવી છે જે જોવી ગમે જ છે, પણ થોડા ઉમેરણની જરૂર હતી. એમ ન થતાં આ ફિલ્મ ‘પૅડમૅન’ના ઝોનમાં જઈ પડે છે. જેમાં એક યુવાન કોઈ સાહસ કરે, તેની પત્ની મદદ કરે, એ સફરમાં બેઉ વચ્ચે નોકઝોક અને ઝઘડા થાય, બધા એનો વિરોધ કરે અને અંતે સૌ સ્વીકારી લે. આ સિંગલ સ્ટોરી-લાઇન પર ‘સુઈ ધાગા’ ચાલે છે, જેના કારણે ફિલ્મ વચ્ચે-વચ્ચે ડચકાં ખાય છે. સિમ્પથી ઉઘરાવવાના ચક્કરમાં વરુણ ધવનનું પાત્ર ક્યાંક ઓવરડ્રામેટાઇઝનું શિકાર પણ થઈ ગયું છે. યશરાજની જ ‘સીક્રેટ સુપરસ્ટાર’ કે ‘ચક દે… ઇન્ડિયા’ કે ‘સુલતાન’ની જેમ ‘સુઈ ધાગા’ પૂરેપૂરી અન્ડરડૉગ ફિલ્મ બની છે. ‘દમ લગા કે હઈશા’ પણ યશરાજની જ હતી, જેમાં છેલ્લા પડાવમાં સ્પર્ધા યોજાઈ હતી અને ઑબ્વિયસલી નાયક-નાયિકા જીત્યાં હતાં!

બાકી સબ બઢિયા હૈ!

શરત કટારિયાએ સર્જેલી ‘દમ લગા કે હઈશા’ જોશો કે તેણે માત્ર લખેલી ‘ભેજાફ્રાય ૧’ અને ‘ભેજાફ્રાય ૨’ અને ‘તિતલી’ જોશો અને તમને ખ્યાલ આવી જશે કે તેઓ મિડલક્લાસ ફૅમિલીને પડદા પર ઢાળવામાં ગજબ હથરોટી ધરાવે છે. તેઓ સામાન્ય માણસોની રોજબરોજની દુનિયાને ગજબ ત્વરાથી રજૂ કરી શકે છે. સામાન્ય માણસની મર્યાદાઓ અને ખોડને તેઓ હળવી પણ વ્યંગાત્મક અને સચોટ રીતે બતાવે છે. મૌજી, મમતા અને મૌજીનાં માતા-પિતા આ ચારેય જણ એકબીજા સાથે જે માથાકૂટ અને લમણાઝીંક કરે છે, જે વાતચીત કરે છે એ સમગ્ર ઇન્ટરૅક્શન અને ડાયલૉગ્સ અફલાતૂન છે. એ આપણી, સામાન્ય માણસોની જિંદગીમાંથી ચોરેલી મોમેન્ટ્સ છે! શરૂઆતની ૧૦ મિનિટમાં જ સબ બઢિયા હૈ કહેતા મૌજી અને તેના પરિવારને જોઈને તમને થાય કે આ લોકોને તો આપણે ઓળખીએ છીએ! તેઓ એકબીજા સામે બોલ્યે રાખે છે છતાંય એકબીજાના છે એ લાગણી આપણને થાય છે. ફિલ્મના ઑલમોસ્ટ સીનમાં આ ઇમોશનલ ઇન્ટિમસી બરકરાર રાખવામાં ડિરેક્ટર-રાઇટર શરતભાઈ સફળ રહ્યા છે.

ફિલ્મનું ડીટેલિંગ સારું છે, પણ બહુ નહીં; કેમ કે મૌજી અને મમતા એટલે વરુણ અને રૂપાળી અનુષ્કાનાં કપડાં તેઓ સિલાઈ મશીન ચલાવનારા ગામના ગરીબ લોકો છે એ સાબિત કરવા ખાસ બનાવાયાં હોય એવું લાગ્યા કરે છે. જોકે ગામનાં લોકેશન્સ અનિલ મહેતાએ કૅમેરામાં અચ્છી તરહ ઝીલ્યા છે. શરત કટારિયાએ મોમેન્ટ્સ બિલ્ડ-અપ સરસ કરી છે. ખાસ કરીને ઇન્ટરવલ પહેલાંનો સીન અને ક્લાઇમૅક્સ. બેઉ દૃશ્ય જોવાની મજા પડે છે, પણ એક સજાગ સિનેદર્શકને ખ્યાલ આવી જશે કે આ જાણીબૂઝીને પણ ત્વરાથી બિલ્ટ-અપ કરાયું છે. બાપ-દીકરા વચ્ચેનો સંબંધ પણ અદ્ભુત રીતે દર્શાવાયો છે.

ઍક્ટિંગ તમામની કાબિલેદાદ છે. મમતા અને મૌજીનાં લગ્ન થઈ ગયાં છે, પરંતુ ડિસફંક્શનલ ફૅમિલીના કારણે તેઓ એકબીજાને ઓળખતાં સુધ્ધાં નથી. તેમની વચ્ચે ઘણા અવરોધો છે. પ્રતીકાત્મક રીતે જોઈએ તો શરૂઆતનાં દૃશ્યોમાં તેઓ વાતચીત કરે છે ત્યારે પણ વચ્ચે બારી અથવા ગ્રિલ દર્શાવાઈ છે! બસમાં બાપ-દીકરો અને સાસુ-વહુ બાજુ-બાજુમાં બેસે છે, પણ જ્યારે મૌજી અને મમતા બેઉ થોડાં આત્મનિર્ભર થાય છે, પોતાના માટે મૌજીને માન થાય છે ત્યારે તેમનો પ્રેમ પણ આરંભે છે. પિતાના રોલમાં રઘુવીર યાદવે સુપર્બ બૅટિંગ કરી છે. માતા બનતાં યામિની દાસે પણ કમાલ કરી છે. ડિરેક્ટરે મા-બાપ વચ્ચેનો પ્રેમ પણ લડતાં-ઝઘડતાં દર્શાવ્યો છે!

ફિલ્મ ચાર ગીતો સહિત બે કલાક ને બે મિનિટની છે. ચારુ શ્રી રૉયનું એડિટિંગ બરાબર છે, પણ સ્ક્રિપ્ટ ક્યાંક-ક્યાંક નબળી પડી છે. એના કારણે ઘણી જગ્યાએ હજી સારું થઈ શક્યું હોતની ફીલ આવે છે. ઍક્ચ્યુઅલી આ પ્રકારના સેટ-અપમાં આઉટ ઍન્ડ આઉટ કૉમેડી અને મેસેજ આપતી ફિલ્મ છેલ્લે ‘શુભ મંગલ સાવધાન’ આવી હતી. ‘સુઈ ધાગા’ એટલી અસરકારક નથી જ. વરુણ ગ્રોવરે લખેલાં અને અનુ મલિકે કમ્પોઝ કરેલાં ગીતો કર્ણપ્રિય છે.  ખાસ કરીને જ્યારે ક્લાઇમૅક્સમાં ટાઇટલ સૉન્ગ વાગે છે ત્યારે મૌજી અને મમતાને જોવાની ઓર મજા પડે છે. અંતરાના શબ્દો પણ વરુણે અર્થસભર લખ્યા છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક  ‘પરશ્યુટ ઑફ હૅપિનેસ’ ફેમ ઍન્ડ્રે ગેઉરાનું છે.

સીવડાવવું કે નહીં?

પોતાની ચિત્રવિચિત્ર ખાસિયતો અને મર્યાદાઓ ધરાવતી ટિપિકલ ઇન્ડિયન ફૅમિલીને શરત કટારિયાએ ‘શુભ મંગલ સાવધાન’માં બખૂબી પોટ્ર્રેટ કરી હતી. અહીં એટલી અસરકારક નથી થઈ, પણ આત્મનિર્ભરતા અને આત્મસન્માનની વાત મનોરંજક રીતે અહીં રજૂ થઈ છે. ફિલ્મના અંતે એમ્બ્રૉઇડરી અને હૅન્ડલૂમના રિયલ કારીગરોના ફોટોઝ પણ જોવા મળે છે. પાત્રમાં ઓગળી જનારો વરુણ ચંદ મિનિટો માટે જ સિલાઈ મશીન ચલાવતો દેખાય છે અને અનુષ્કા તેની સાથીદાર બને છે. બેઉનાં ગેટ-અપ અને લુક ફિટે બેસે છે, માત્ર અનુષ્કા થોડી વધારે બ્રાઇટ લાગે છે.(એ હશે જ, પણ અહીં જરૂર નહોતી!)

તો અત્યંત સ્વાદિષ્ટ ભોજન આરોગતાં-આરોગતાં વચ્ચે ક્યાંક નાનકડી કાંકરી દાંતમાં આવી જાય… તો કાંકરીને શાંતિથી મોંમાંથી કાઢીને થાળીની બાજુમાં મૂકી દેવાય! આમ જો કરી શકતા હો તો ‘સુઈ ધાગા’ તમારા માટે છે. સ્ટારકાસ્ટ અને ટ્રેલર જોઈને બહુબધી અપેક્ષાઓની ગાંઠ બાંધી લીધી હોય તો એ છોડીને જોઈ શકાય. સોય મજબૂત છે, દોરો થોડો ટૂંકો પડ્યો.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 29 September 2018)

sui dhaga 29-09
Mid-day, Mumbai. Page No.-, Date: 29-09-2018

0 comments on “સુઈ ધાગા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: