Movies Review Uncategorized

મન્ટો

પાંચ વર્ષ, પાંચ વાર્તાઓ; એક બેખૌફ જિંદગી!

Manto: 3.4 Star

m

ડિરેક્ટર નંદિતા દાસે સાહિત્યકાર સઆદત સહન મન્ટોની ડ્રામેટિક જિંદગી નૉનડ્રામેટિકલ સ્ટાઈલમાં રજૂ કરી છે. ‘મન્ટો’ જન્મથી મૃત્યુ સુધીની વાર્તા નથી, પરંતુ તેમની જિંદગીના પાંચ વર્ષો તથા તેમની વાર્તાઓ દર્શાવાઈ છે. માટે મન્ટોસાહેબના શબ્દોના કાયલો ખાસ જૂએ અને બાકીના તેમને વાંચીને થિએટર પહોંચે. સાહિત્ય, ફિલૉસોફી, મેટફર્સ, સર્જન-સર્જકમાં રસ ન હોય તેઓ છેટા રહે.  

ઊંચો, પાતળો, ગોરો ગોરો, હાથ પરની નસો ઊપસેલી, પગો એકદમ પાતળા પણ બેડોળ નહીં. મોં પર ધુંધવાટ, અવાજમાં બેચેની, લખવામાં વ્યાકુળતા, વ્યવહારમાં કટુતા, ચાલવામાં ઝડપ-તેમને પહેલી વાર જોયા ત્યારે મારા મન પર આવી છાપ પડેલી. 

આ કથન છે લેખક કૃષ્ણચન્દ્રનું તેમના મિત્ર મન્ટોને પહેલી વખત મળ્યા ત્યારનું!

1946ની આસપાસ મુંબઈમાં ‘પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન’ ચાલતું. મન્ટો તેના સાથે ખાસ જોડાયેલા નહતા પરંતુ તેના સભ્યો મહિલા-લેખક ઈસ્મત ચુગતાઈ અને કૃષ્ણચન્દ્ર મન્ટોના સારા મિત્રો થતા. એ કૃષ્ણચન્દ્રે ‘મન્ટો અમારો દોસ્ત’ નામના પુસ્તકના પહેલા ચૅપ્ટરમાં ઉપરોક્ત વાત લખી છે. ‘મન્ટો અમારો દોસ્ત’ શિર્ષક પણ ઈસ્મતે મન્ટો પર લખેલા પત્રોમાંથી આવેલું છે. ઈસ્મત પત્રના સંબોધનમાં લખતી, ‘મન્ટો મેરા દોસ્ત મેરા દુશ્મન’!

આ તમામ વાત નંદિતા દાસની ઉર્દૂ સાહિત્યકાર સઆદત હસન મન્ટોના જીવન પર આધારિત ફિલ્મ ‘મન્ટો’માં બખૂબી રીતે દર્શાવાઈ છે. સાહિત્યના પ્રેમીઓ માટે, એમાં પણ ઉર્દૂસાહિત્યના આશિકો માટે આંખ અને કાનનો જલ્સો છે. કલ્પના કરો, ઈરાની કૅફેની એક ટેબલ પર મન્ટો, ઈસ્મત ચુગતાઈ અને બીજા એકાદ બે સર્જકો બેઠા છે અને વિશ્વભરની વાતો કરી રહ્યા છે, મજાકો કરી રહ્યા છે…

>>             2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણ બાદની પરિસ્થિતિ પર નંદિતા દાસે 2009માં ‘ફિરાક’ નામની અસરકારક ફિલ્મ બનાવી હતી. આ તેમની પહેલી ફિલ્મ હતી. 9 વર્ષ બાદ તેઓ સીધા ‘મન્ટો’ લઈને આવ્યા છે. મન્ટોની પુત્રીઓ નિગત પટેલ, નુઝહત અર્શદ અને નુસરત જલાલ તથા સગાસંબંધીઓને મળીને, પાકિસ્તાન જઈને તથા મન્ટોના સાહિત્યનું ઊંડું સંશોધન કરીને 4 વર્ષે ફિલ્મ મન્ટો બની છે.

કોઈ ક્રિકેટર, બૉક્સર કે હૉકી પ્લેયર પર ફિલ્મ બને તો એમાં તેમની જિંદગી એક સશક્ત વાર્તા દ્વારા દર્શાવાય. અહીં ખુદ વાર્તાકારના જીવનની વાત છે. જેમની વાર્તાઓનો એ સમયે વિરોધ થયો હતો, વાર્તા પર અશ્લીલતાના કેસો થયા હતા અને એ જ વાર્તાઓ આજે સાહિત્યપ્રેમીઓના મગજ જકજોરી નાખે છે. ડિરેક્ટર-રાઈટર નંદિતા દાસે અહીં સિનેમૅટિક માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો છે. તેમણે મન્ટોની પાંચ વાર્તાઓને ફિલ્મ સાથે વણી લીધી છે, અને એ પણ વાર્તાપ્રવાહને જરાસરખી આંચ ન આવે તે રીતે!

ફિલ્મનો ઉઘાડ થાય છે મન્ટોની વાર્તા ‘દસ રૂપયે’થી, જેમાં યુવાનીનો ઉંબરો પણ નથી ચઢી એવી એક છોકરીને તેની માતાએ વૈશ્યાવૃત્તિમાં ધકેલી દીધી છે. પણ તે છોકરી તો સ-રસ મજાની ગાડી પાછળ ગાંડી છે. તે વાર્તા પૂરી થાય, તમારા મનમાં કોઈ પ્રશ્ન જાગે ત્યાં જ મન્ટો(નવાઝુદ્દીન સિદ્દીકી)નો અવાજ સંભળાય. તે તેની પત્ની સાફિયા(રસિકા દુગ્ગલ)ને કંઈક સંભળાવી રહ્યો છે.

મન્ટો ફિલ્મ કોઈ બિન્દુથી શરૂ થઈને કોઈ જગ્યાએ પૂરી થતી હોય તેવી વાર્તા નથી. તેમાં મન્ટોની જીવન-ઝરમર છે. તેની આસપાસની દુનિયા તથા મનોઃસ્થિતિ છે. 1912થી 1955 વચ્ચે લપેટાયેલા મન્ટોના 42 વર્ષોમાંથી નંદિતા દાસે તેના પાછળના પાંચેક(1946થી 51) વર્ષ પસંદ કર્યા છે. તે જ્યારે વાર્તાકાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યો હતો અને મુંબઈમાં ફિલ્મોની સ્ક્રિપ્ટ તથા ડાયલૉગ લખતો, પ્રોડ્યુસર તથા છાપાના માલિકા પાસે પોતાના લખાણના પૈસા માટે ધક્કા ખાતો, પોતાના સમકાલીનો સાથે બેસીને વાતો કરતો, દારૂ-સિગારેટ તબિયતથી પીતો, આ બધું નંદિતાએ મુંબઈના બે વર્ષ દરમિયાન દર્શાવ્યું છે. ત્યારના સુપરસ્ટાર અને મન્ટોના નિકટના મિત્ર શ્યામ ચઢ્ઢા(તાહિર રાજ ભસીન) સાથેના મન્ટોનો પ્રેમ-તકરારનો સંબંધ દર્શાવાયો છે. મન્ટોની એ સમયની વાર્તાઓના પ્રેરણાસ્ત્રોત શ્યામ હતો. એક દ્રશ્યમાં તે મન્ટોને કહે છે કે, ‘તું ક્યારેક તો અફસાના લખવાનું બંધ કર! તારી આસપાસ જીવતા દરેક લોકો તારી વાર્તાના પાત્રો નથી!’ ફિલ્મમાં દર્શાવ્યા મુજબ ભાગલા બાદ મન્ટો ભારત છોડીને પાકિસ્તાન જાય છે તેનું સૌથી મોટું કારણ તેનો દોસ્ત શ્યામ હોય છે. કહેવાની જરૂર નથી કે નવાઝ અને તાહિર રાજ ભસીન, બેઉની એક્ટિંગ કાબિલે-દાદ છે. નવાઝ તો અવ્વલ છે, તાહિર પણ પાત્રમાં રીતસરનો ઘૂસી ગયો છે. ચોળાયેલો કુર્તો, જાડા ફ્રેમના અને પછી ગોળ સાદા ગ્લાસ, સ્હેજ ડાઘાવાળા દાંત અને એ દાંતવાળા મોંમાથી વછૂટતા અને સોંસરવા નીકળી જતા વ્યંગપૂર્ણ વાક્યો, આ બધામાં નવાઝને શોધવો પડે છે; માત્ર મન્ટો દેખાય છે!

  ફિલ્મના અમુક અદભૂત દ્રશ્યો એ સમયની યાદો તાજી કરાવે છે. 47માં દેશને આઝાદી મળી ત્યારે રાતના ઉજવણીના અવાજોમાં મન્ટો સાફિયાને ઉઠાડીને તારામંડળોથી ભરાયેલું આકાશ જૂએ છે. અશોક કુમાર ઉર્ફે દાદામુની(ભાનુ ઉદય)એ આઝાદીની ખુશીમાં એક મહેફિલનું આયોજન કર્યું છે, જેમાં જૅઝ મ્યુઝિક સાથે ગઝલ પ્રસ્તુત થઈ રહી છે. સેલિબ્રેશન પાર્ટીમાં મન્ટોના મિત્ર શ્યામ ઉપરાંત નૌશાદ, જદ્દનબાઈ અને તેની દિકરી નરગિસ,  કે. આસિફ, વગેરે 40ના દાયકાના સિતારાઓ હાજર છે. મન્ટોની પ્રસિદ્ધી અને શાન-ઓ-શૌકત એ સમયે આસમાને હતી. પાર્ટીમાં કે.આસિફ મન્ટોને આજીજીના સ્વરમાં કહે છે કે, ‘તમને મારી સ્ક્રિપ્ટ કેવી લાગી તે તો કહો.’ મન્ટો કહે છે કે, ‘હું ફિ વગર રિવ્યુ નથી કરતો!’ પેલો ફિ આપે છે અને મન્ટો જવાબ છે, ‘બકવાસ!’ કે. આસિફે ત્યારે જ હું મુગલે-આઝમ પર કામ કરી રહ્યો છું તેવી જાહેરાત કરી હતી!

વેલ, આવી બહુધા મોમેન્ટ્સ છે, જ્યાં તમે મુંબઈના સિતારોની જીવાઈ ગયેલી જિંદગી ફરી જીવતા હો તેવી લાગણી થાય છે. આજે 70-80ની ઉંમરે પહોંચેલા લોકોને નૉસ્ટૅલ્જિક ફિલ પણ થાય!

ફિલ્મનો મસમોટો પ્લસ પૉઈન્ટ પણ આ જ છે. 40નો સમયગાળો રી-ક્રીએટ કરવા માટે ફિલ્મની દરેક ફ્રેમમાં સેપીયા-ટોનનો ઉપયોગ કરાયો છે. રીટા ઘોષની પ્રોડક્શન ડિઝાઈન, ડિઝાઈનર શીતલ ઈકબાલ શર્માના કૉચ્ચ્યુમ તથા સિનેમૅટોગ્રાફર કાર્તિક વિજયના કૅમેરાએ મળીને સંપૂર્ણપણે ત્યારનું કુદરતી વાતાવરણ ઊભું કર્યું છે. ખાસ કરીને પાર્ટીશન પહેલાનું સમૃદ્ધ બૉલીવુડ અને ત્યાર પછીનું ભાંગી ગયેલું પાકિસ્તાન. નંદિતાએ 40નો ‘પિરીયડ’ દર્શાવવા નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. જેમ કે, ત્યારે રેલ્વે સ્ટેશન પર સ્મોક કરવાની છૂટ હતી. ‘બેબી ટચ’ એ વખતે ફેશિયલ હૈર રીમૂવરની જાણીતી બ્રાન્ડ હતી. નંદિતા દાસ દ્વારા સ્માર્ટલી લખાયેલી સ્ક્રિપ્ટ, શ્રીકર પ્રસાદની ટાઈટ એડિટિંગ અને કાર્તિક વિજયના કૅમેરાવર્કના કારણે ફિલ્મના દ્રશ્યોનું ટ્રૅન્ઝિશન અદભૂત થયું છે. ખાસ તો ત્યારે જ્યારે ફિલ્મમાં મન્ટોની જ વાર્તાનું ફિલ્માંકન દ્રશ્ય શરૂ થાય. જેમ કે, મન્ટો મુંબઈની ગલીમાં ફરી રહ્યા છે. સિગારેટ કાઢે છે અને સામેથી એક પાત્ર તે જલાવી દે છે. તે પાત્ર મન્ટોની વાર્તાનું છે! અને તે વાર્તા શરૂ થાય છે…

મન્ટોના પાત્રો તેને ગલીમાં, છાવણીમાં અને અડધે રસ્તે, ક્યાંય પણ મળી જાય છે! ‘દસ રૂપયે’ ઉપરાંત ફિલ્મમાં ‘સૌ કેન્ડલ પાવર કા બલ્બ’, ‘ખોલ દો’, ‘ઠંડા ગોશ્ત’ અને મોસ્ટ ફેમસ ‘ટોબા ટેક સિંહ’ વાર્તાનું પિક્ચરાઈઝેશન થયું છે. આ ચારેય વાર્તા મન્ટોના જીવનના ગ્રાફ અને મનોજગત પ્રમાણે બહાર આવે છે, અને તેમ છતાં કોઈ અલાયદી શૉર્ટ સ્ટોરી જોતા હોઈએ તેવું લાગે છે. ‘ઠંડા ગોશ્ત’ વાર્તા માટે મન્ટો સામે લાહોરની કોર્ટમાં અશ્લીલતાનો કૅસ ચાલ્યો હતો. જેના કારણે મન્ટો ભાંગી પડ્યો હતો. દારૂ વધુ પીવા માંડ્યો હતો. કોર્ટ સેશનમાં આપણને ફૈઝ અહમદ ફૈઝ દેખાય છે. કવિ અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા આબિદ અલી આબીદના પાત્રમાં જાવેદ અખ્તર દેખાય છે. અંતમાં એન્ડ ક્રેડિટ્સ સાથે ફૈઝની રચના ‘બોલ કે લબ આઝાદ હૈ’ સંભળાય છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઝાકિર હુસ્સૈનનું છે, એવરેજ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને રસિકા દુગ્ગલ સિવાયના તમામ પાત્રો બહુ ઓછો સમય સ્ક્રીન પર દેખાય છે. પણ જેટલો પણ સમય દેખાય છે ઈફેક્ટિવ લાગે છે. એ શૉર્ટ રોલ અથવા કેમિયોમાં દિવ્યા દત્તા, રણવીર શૌરી, શંશાક અરોરા, અભિનય બૅંન્કર, જય ભટ્ટ, તિલોત્તમા શોમ, પરેશ રાવલ, રિશી કપૂર, ચંદન રૉય સન્યાલ, ઈમાનઉલ્લાહક, નીરજ કાબી, સ્વાનંદ કિરકિરે, પૂરબ કોહલી છે. કદાચ અમુકના નામ રહી પણ ગયા હોય! ફિલ્મનું કાસ્ટિંગ, કૉચ્યુમ એટલા પરફેક્ટ છે કે, જે-તે અભિનેતાઓને ઓળખતા પણ વાર લાગે!

       ફિલ્મનું સારું પાસું એ છે કે તે ચુસ્ત એડિટિંગના કારણે માત્ર 112 મિનિટની છે. મસમોટો માઈનસ પૉઈન્ટ એ છે કે, ઉર્દૂ સાહિત્યના કે મન્ટોના હાડોહાડ પ્રેમીઓને જ આ ફિલ્મ પચશે. એટ લિસ્ટ ફિલ્મમાં પિક્ચરાઈઝ થયેલી તેમની વાર્તાઓ વાંચેલી હશે તો જોવાની મજા પડશે. અન્યથા બની શકે કે, તે દરેક વાર્તાઓનો અંત ઉપરથી જાય! ખાસ તો છેલ્લે આવતી ‘ટોબા ટેક સિંહ’ અને ફિલ્મનો ક્લાઈમૅક્સ એ રીતે સેટ કરાયાં છે કે, તે વાર્તા વિશે ખ્યાલ નહીં હોય તો વિચિત્ર અને અજુગતું લાગશે. ફિલ્મ પૂરી પણ અસંગત રીતે, અચાનક થઈ જાય છે.

         સંતાનનું મૃત્યુ, ટી.બી, ભુખમરો, અદાલતોના ચક્કર, ભાગલાનું અને મુંબઈ છોડ્યાનું દુઃખ, આ બધાના કારણે અર્ધવિક્ષિત અને મહદ અંશે પાગલ જેવી અવસ્થા મન્ટોની થઈ ગઈ હતી. આ તબક્કો ફિલ્મમાં નથી દર્શાવાયો. પિક્ચરાઈઝ થયેલી વાર્તાઓમાં પણ ‘ઠંડા ગોસ્ત’ અને ‘ખોલ દો’ સિવાયની ત્રણ એટલી હૃદયદ્રાવક નથી લાગતી જેટલી વાંચતી વખતે લાગે છે. કોઈ લિટરરી પર્સન પર બનેલી ફિલ્મ આપોઆપ ટાર્ગેટેડ ઑડિયન્સ માટેની ફિલ્મના ખાનામાં બેસી જાય છે. તે દરેક વ્યક્તિને અપીલ નથી કરી શક્તી. વારંવાર બોલાતા મીનિંગફૂલ ઉર્દૂ શબ્દો, શાયરીઓ, મેટફર્સ, દુઃખ,દર્દ, સર્જકની દારૂના રવાડે ચઢી ગયેલી પાછલી જિંદગી, આ બધું દરેકને નથી ગમતું. પચતું.

જોવી કે નહીં?

નંદિતા દાસે બડી શિદ્દતથી એક આલ્લા દરજ્જાના ઉર્દૂ વાર્તાકાર અને સાહિત્યકારની ડ્રામેટિક જિંદગી નૉનડ્રામેટિકલ સ્ટાઈલમાં રજૂ કરી છે. તેમણે મૃત્યુ પામેલા ‘સઆદત હસન’ અને જીવી ગયેલા ‘મન્ટો’ને સિનેમૅટિક ટ્રિબ્યુટ આપી છે. માટે મન્ટોસાહેબના શબ્દોના કાયલો ખાસ જૂએ અને બાકીના તેમને વાંચીને થિએટર પહોંચે. હા, મન્ટોને ન જાણનારાઓને કદાચ ફિલ્મ જોયા બાદ તેમના વિશે અને તેમનું વાંચવાની ઈચ્છા થઈ જાય ખરી!

@Parth Dave

(Review for Mid-day, Mumbai:  23 September 2018)

manto 23-09
Mid-day, Mumbai. Page No.-, Date: 23-09-2018

 

0 comments on “મન્ટો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: