ઝબૂક-ઝબૂક
Rating: 2.4 Star
સારામાં સારા એલઈડી લાઈટ બલ્બ લઈને આવ્યા હોઈએ, ઘરે વ્યવસ્થિત જગ્યા પસંદ કરીને પ્લગમાં ગોઠવ્યા હોય; પણ ઝબકે જ નહીં, ઝબકે જ નહીં… અને જ્યારે, દોઢ કલાક પછી ઝબકે ત્યાં સુધી બહું મોડું થઈ ચૂક્યું હોય! આવી છેઃ ‘બત્તી ગુલ મીટર ચાલુ’. એક્ટિંગ, વાર્તાનો હેતુ તથા ઈન્ટરવલ પછીના અમુક દ્રશ્યો સુપર્બ છે. પટકથા સખત ખેંચાયેલી અને નબળી છે.
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં અક્ષય કુમાર-ભૂમિ પેડણેકર અભિનિત ‘ટૉઈલેટ: એક પ્રેમ કથા’ નામની ફિલ્મ આવી હતી, જેમાં ડિરેક્ટર નારાયણ સિંહે ‘હર ઘર શૌચાલય’નો વિષય અને સરકારનો ‘સ્વચ્છ ભારત અભિયાન’ કૅમ્પેન સિફતપૂર્વક રજૂ કર્યો હતો. ફિલ્મે સારો એવો વકરો પણ કર્યો, એવૉર્ડ્સ પણ ઉસેડ્યા અને પ્રશંસા પણ પામી હતી. એ જ ડિરેક્ટર આ વખતે ‘ઘર ઘર વીજળી’નો વિષય લઈને આવ્યા છે. આજે પણ ભારતના ઘણા અંતરિયાળ ગામડાઓમાં વીજળી ગુલ થઈ જાય છે અને મીટર ચાલુ રહે છે!
તો બે કપૂરો અને એક શર્માને ચમકાવતી ‘બત્તી ગુલ મીટર ચાલુ’ કેવી છે? વિષય ઉમદા છે, હેતુ એ-વન છે પણ એક્ઝિક્યુશન અને સ્ક્રિપ્ટમાં આ વખતે નારાયણ સિંહ અને પટકથા-લેખકો માર ખાઈ ગયા છે. બલ્બ વચ્ચે વચ્ચે ઊડી જાય છે! આવોને, ફિલ્મની જેમ ખેં…ચીને વાત કરું!
અમર્યાદ વારતા
ના, વારતા તો બે લીટીની જ છે અને ટૂંકમાં જ કહીશ પણ ફિલ્મમાં તે સાત દિવસની કથાની જેમ ચાલ્યા કરે છે. ફિલ્મની શરૂઆત ઉત્તરાખંડના તેહરી ગામમાં યોજાયેલી એક તીરદાંજીની સ્પર્ધાથી થાય છે. લલિતા નૌતીયાલ (શ્રદ્ધા કપૂર) અને સુંદર મોહન ત્રિપાઠી(દિવ્યેંદુ શર્મા) તેમના દોસ્ત સુશિલ કુમાર પંત(શાહિદ કપૂર)ના ઘરની બહાર તેની રાહ જોતા ઊભા છે. સુશિલ કુમાર અકા SK સ્પર્ધામાં ભાગ લેવા આવવાનો છે અને ઑબ્વિઅસ્લી જીતવાનો છે!(સ્પૉઇલર નથી, ટ્રેલરમાં જ છે!) તે જીતે છે અને તેના વિસ્તારને 6 મહિના સુધી જનરેટર દ્વારા વીજળી મળશે તેવી જાહેરાત થાય છે. આ સિનથી ડિરેક્ટરસાહેબ સ્થાપિત કરવાની કોશિશ કરે છે કે તેમને કઈ દિશા તરફ જવું છે, શું વાત કરવી છે, પણ પછીના દ્રશ્યથી જ ગરબડ શરૂ થાય છે. વીજળીની સમસ્યા સાઈડમાં રહી જાય છે અને લવ-ટ્રાયેન્ગલ શરૂ થાય છે!
એની વે, આપણે ‘સીધી વાત નો બકવાસ’નો ઉપક્રમ જાળવીને વાત કરીએ તો લલિતા નૌટિયાલ, જેને મિત્રો પ્રેમથી ‘નૉટી’ કહીને બોલાવે છે, તેનું ગામમાં બુટિક છે. સમજો ને, ‘સ્ત્રી’માં જે કામ રાજકુમાર રાવ કરતો હોય છે તે અહીં શ્રદ્ધા કરે છે. સુશિલ પંત જરાય સુશિલ નથી, તે પોતાની વકિલાતનો ખોટો ઉપયોગ કરીને ગામના લોકલ બિઝનેસમેનોને બ્લૅકમેઈલ કરે છે અને તેમની પાસેથી પૈસા ઉઘરાવે છે. સુંદર પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ કરે છે. બિઝનેસ જામી જાય છે અને એક દિવસ તેને અધધધ 54 લાખનું બિલ આવે છે! ગામમાં વારંવાર પાવર કટ તો થતો જ રહે છે, માટે સુંદરે જનરેટર પણ રાખ્યું છે. સુંદર ઈલેક્ટ્રિસીટી કંપનીમાં વાત કરે છે, તેઓ નથી માનતા. ભાઈ ફિલ્મનો હિરો નથી એટલે ડરી જાય છે અને આત્મહત્યા કરી લે છે. તેનો મિત્ર સુશીલ(શાહિદ) નઠારામાંથી એન્ગ્રી યંગ વકિલનું રૂપ ધારણ કરી લે છે અને કૅસ લડે છે…
લૉ વૉલ્ટેજ
ફિલ્મનો હાથી જેવડો મસમોટો પ્રૉબ્લેમ એ છે કે, આ જે ઉપર વાર્તા કરી તે આખી ટ્રેઈલરમાં બતાવી દેવામાં આવી છે. બીજું એ કે, ત્રણ મિનિટના ટ્રેઈલરમાં દર્શાવેલી વાર્તા કહેવામાં ફિલ્મમાં દોઢ કલાક જેટલો સમય લેવાયો છે! બાકીના દોઢ કલાકમાં એટલે કે ઈન્ટરવલ પછી કોર્ટરૂમ ડ્રામા શરૂ થાય છે, જેમાં ફિલ્મ થોડી ઝડપ પકડે છે. બીજી તકલીફ પાત્રોના મોઢે બોલાતા ઉત્તરાખંડની લૉકલ ભાષાના ઉચ્ચારવાળા ડાયલૉગ્સ છે. કદાચ તે ઓથેન્ટિક પણ હશે, પરંતુ તમને સેટ થતાં બહુ વાર લાગે છે. ઈવન, ડાયલૉગ રાઈટર્સ ઉત્તરાખંડ ડાયલેક્ટના માસ્ટર હોય તેવું પ્રૂવ કરવા માગતા હોય તેમ ‘ઠેહરા’(છોકરી હોય તો ‘ઠેહરી’!) અને ‘બલ’ જેવા શબ્દો અગણિત વાર રીતસરના ઠૂંસ્યા છે! ઈવન, એક જગ્યાએ ટેક્સ્ટ મેસેજમાં પણ આ બે શબ્દો વાંચવા મળે છે! ‘ટૉઈલેટ: એક પ્રેમ કથા’ની જેમ જે ચોક્કસ વિષય પર આ ફિલ્મ બની છે ત્યાં સુધી પહોંચવામાં જ ખાસ્સો ટાઈમ નીકળી જાય છે. ડાયલૉગ તથા સ્ક્રિપ્ટ રાઈટર સિદ્ધાર્થ-ગરિમાએ ત્રણ મુખ્ય પાત્રો વચ્ચેનું બૉન્ડિગ દર્શાવવામાં બહુ જ સમય લીધો છે. તેના કારણે નેરેશન ફીકું અને સુસ્ત બનું ગયું છે. એમાં પાછા ‘વેન યુ ગેટિંગ ગોલ્ડ વાય ગો ફૉર તામ્બા, વેન યુ ગેટિંગ ગબ્બર વાય ગો ફૉર સામ્બા’ આવા શબ્દોધારિત ગીતો આવે છે! મૂળ વાત એ છે કે, ફિલ્મના એડિટર ખુદ નારાયણ સિંહ જ છે, અને તેમણે કાતર ચલાવવામાં બહુ જ કંજૂસાઈ કરી છે. નુસરત સા’બનું ‘દેખતે દેખતે’નું રિપ્રાઈઝ વર્ઝન તથા ‘હર હર ગંગે’ સાંભળવા ગમે તેવા છે, બાકીના ગીતો બકવાસ છે. મ્યુઝિક ઠિક છે.
ફિલ્મ કહ્યું એમ બીજા ભાગમાં ભાગે છે. હાઈ-વૉલ્ટેજ કોર્ટરૂમ ડ્રામા પહેલા ભાગના દોજખને ભૂલાવવામાં થોડી મદદ કરે છે. સુશિલ તેના દોસ્ત સુંદર માટે પ્રાઈવેટ ઈલેકટ્રિસીટી કૉર્પોરેશન સામે કૅસ લડે છે. કોઈ માથાકૂટ ન થાય એટલે કંપની પ્રાઈવેટ રાખી છે પણ પછીના ડાયલૉગ્સ અને વિધી ગવર્મેન્ટનો વિરોધ કરાતો હોય તેમ થઈ છે! કંપનીની ગ્રાહકો પ્રત્યેની ઉદાસીનતા અને બેપરવાઈ એ રીતે દર્શાવાઈ છે કે, દરેક સામાન્ય માણસ વિક્ટિમ બની જાય. શાહિદની સામે લડતી વકિલ ગુલનારના પાત્રમાં યામી ગૌતમ છે. ટિપીકલ બૉલીવુડિયન સિટીમાર ડાયલૉગ્સ શાહિદના મોઢે મૂકાયા છે. પણ ફરી પાછા ઉચ્ચાર આપણને નડે છે. કેટલા નડે છે એ તમને કહું. એક દ્રશ્યમાં મોટા સિટીમાં રહેતી હોવાથી યામીનું પાત્ર ગુલનાર એક શબ્દ સમજી નથી શક્તું, તે જજ તેને સમજાવે છે! જો વકિલ ખુદ ન સમજી શક્તી હોય તો આપણે કેમ સમજી શકીએ! (જસ્ટ જૉકિંગ!) એટ લિસ્ટ, મેકર્સે સબટાઈટલ તો રાખવા હતા! શ્રદ્ધા કપૂર ‘સ્ત્રી’ની જેમ અહીં ગામની મોહક છોકરી બની છે. પણ તેની પટકથા વધુ સ્માર્ટ હતી, અહીં ફિયાસ્કો છે. શાહિદ અને દિવ્યેંદુનું કામ સ-રસ છે. ત્રણેયની કેમેસ્ટ્રી જોવાની મજા પડે છે. નડે છે માત્ર અમુક સસ્તુ હાસ્ય સર્જવા માટે બોલાયેલા બિલૉવ ધ બેલ્ટ ડાયલૉગ્સ. આટલા સ-રસ મેસેજવાળી ફિલ્મમાં શા માટે મહિલા જજ, જે પાત્ર સુશ્મિતા મુખર્જીએ ભજવ્યું છે, તેને વિચિત્ર અને કૉમેડી બતાવ્યું છે. કોર્ટરૂમ ડ્રામા દરમ્યાન સુશિલ તેના અપોનન્ટના ફિગરને લઈને મસ્તી કરે છે, તે પણ વિચિત્ર લાગે છે. કોર્ટ સેશન સહિત ફિલ્મ ઘણી જગ્યાએ અતિ ડ્રામેટિક અને લૉજિકથી પર થઈ ગઈ છે!
‘લાઈટ’ આવી!
એવું નથી કે આખી ફિલ્મનો વૉલ્ટેજ ડાઉન છે. શાહિદ, દિવ્યેંદુ સહિતના ઑલમોસ્ટ કલાકારોની એક્ટિંગ સુપર્બ છે. એકથી વધારે વાર કહ્યું એમ વિષય જબરદસ્ત છે. ક્લાઈમેક્સમાં આવતો શાહિદ કપૂરનો મોનોલોગ અદભૂત છે. કોર્ટરૂમ ડ્રામા તથા ઈમોશનલ સીન્સમાં શાહિદે સુપર્બ પરફૉર્મ કર્યું છે. ‘ટૉઈલેટ: એક પ્રેમ કથા’ની જેમ ઑવર ઉપદેશાત્મક અહીં કશું જ નથી થયું. વીજળી સપ્લાય કરતી કંપનીઓ કઈ રીતે ગ્રાહકોને છેતરી રહી છે તે દર્શાવ્યું છે, પણ આછકલું. (તેનો ઉપાય કદાચ બીજા ભાગમાં દર્શાવાશે!) ફિલ્મની સાથે બે વ્યક્તિઓની વાર્તા પણ ચાલી રહી છે, જેઓ સંપૂર્ણ સ્ટોરી નરેટ કરી રહ્યા છે. તેમના નામ છે ‘વિકાસ’ અને ‘કલ્યાણ’! આ મેટાફોર્સનો ઉપયોગ નારાયણ સિંહ જે રીતે કરવા માગતા હતા તે નથી થઈ શક્યો. તેની ઈમ્પૅક્ટ નથી પડતી. તેનું કારણ પાછું હેવી ડ્યુટી સ્ક્રિનપ્લે અને એક્ઝિક્યુશનમાં લોસ્ટ ઈન ટ્રાન્સલેશન છે. ફિલ્મમાં એક જગ્યાએ ‘બડે બઢિયા દિન, આયે ઠહેરે’ પ્રકારનો ડાયલૉગ છે, જે ‘અચ્છે દિન’ સ્લૉગનની ઉડાવે છે. પણ ચ્વિંગમની જેમ ત્રણ કલાક સુધી ચાવેલી સ્ક્રિપ્ટમાં આ ડાયલૉગ પણ ચવાઈ ગયેલો લાગે છે.
જોવી કે નહીં?
ઉતરાખંડના તેહરી ગામ તથા ઋષીકેશના દ્રશ્યો સિનેમૅટોગ્રાફર અંશુમાન મહલે મજાના કંડાર્યા છે. ફિલ્મ ટીપીકલ હિન્દી ફિલ્મોની જેમ લેક્ચર-મૉડમાં નથી જતી રહેતી તે સારું છે. ગીતો અને અમુક પ્લૉટ્સ બિનજરૂરી છે. ટૂંકમાં, એક ઉમદા હેતુનું નબળું ફિલ્માંકન થયું છે.
સો, જે મીટર અઢિ કલાકની અંદર ડાઉન થઈ જવું જોઈતું હતું તે 175 મિનિટ સુધી અવિરતપણે ચાલ્યું છે! એટલે જો તમારામાં ધીરજ હોય, એક અલગ જ એક્સન્ટ સતત સાંભળ્યા કરવાની હિંમત હોય, બિનજરૂરી નિરર્થક ગીતો જોવા-સાંભળવા હોય અને શાહિદ-શ્રદ્ધાના ચાહક હો, તો તમે આ ફિલ્મ જોઈ શકો છો.
@Parth Dave
(Review for Mid-day, Mumbai: 22 September 2018)

0 comments on “બત્તી ગુલ મીટર ચાલુ”