Movies Review

મિત્રોં

ખૂશ્બુ ગુજરાત કી!

Rating: 2.7 Star

Mitron-Hindi-2018-20180831135137-500x500ફિલ્મના કલાકારો કરતા તેનું વાતાવરણ જોવાની વધુ મજા પડે છે. શરૂઆતથી કચ્છ, અમદાવાદ, દીવ દર્શન શરૂ થઈ જાય છે. હલકી-ફૂલકી સિમ્પલ લવસ્ટોરી જોવાની ઈચ્છા હોય તો જોઈ શકાય. ઈન્ટરવલ પછી બોર કરે છે. કંઈ નવું નથી.  

આજથી બે વર્ષ પહેલા જુલાઈ મહિનામાં ડિરેક્ટર-રાઈટર થરુન ભાસ્કર ધાસ્યમની એક રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ આવી હતી, નામઃ ‘પેલી ચુપલુ’. વિજય દેવરકૉન્ડા અને રીતુ વર્માને ચમકાવતી આ તેલુગુ ફિલ્મે બે નેશનલ એવોર્ડ જીત્યા હતા. એમાંનો એક ફિલ્મના ખરેખર ‘બેસ્ટ સ્ક્રિનપ્લે અને ડાયલૉગ્સ’ને મળ્યો હતો. આ ફિલ્મની ઑફિશિયલ રિમેક આપણી ‘મિત્રોં’ છે. ‘મિત્રોં’ બનાવનાર નીતિન કક્કરે 2014માં  ‘ફિલ્મીસ્તાન’ બનાવી હતી, જેને પણ હિન્દીમાં બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ‘મિત્રોં’ની સ્ટોરી અને ડાયલૉગ્સ ‘ફિલ્મીસ્તાન’ના હિરો શારિબ હાશ્મીએ લખ્યા છે.

…તો મોદી સાહેબના પ્રવચનના પ્રથમ શબ્દ ‘મિત્રોંઓઓઓ…’ પરથી લીધેલ શબ્દ અને અદભૂત તેલુગુ ફિલ્મમાંથી વિધિવત લીધેલી સંપૂર્ણ વાર્તા અને દ્રશ્યો દ્વારા બનેલી ‘મિત્રોં’ કેવી છે?

આઈએ મિત્રોંઓઓઓ… મેં આપ કોં બતાતાં હું…

વારતા જેવું કંઈક

રસપ્રદ વાત એ છે કે, મૂળ તેલુગુ ફિલ્મ જૂઓ તો તમને બૉલીવુડ જેવી ફિલ આવે છે અને આ હિન્દી ફિલ્મ જૂઓ તો તમને ગુજરાતી જેવી ફિલ આવે છે! કેમ કે, ડિરેક્ટર-રાઈટર નીતિન કક્કર તથા શારિબ હાશ્મીએ ફિલ્મને સંપૂર્ણ ગુજરાતી બૅકડ્રોપમાં ઢાળી દીધી છે. ફિલ્મની શરૂઆત કચ્છના સફેદ રણ, કાળો ડૂંગર, આશાપુરાનું મંદિર, હાજીપીરની દરગાહ, પરંપરાગત પહેરવેશ અને મેળાની આંશિક ઝાંખી કરાવતા થાય છે. અને ત્યાંથી સીધા અમદાવાદનું માણેક ચોક અને ગરબા દેખાય છે. એટલે શરૂઆતના ચંદ શૉટ્સથી જ ગુજરાતની ધરતીની સુગંધ તમને આવવા માંડે છે. તમને ‘પોતાના જેવું’ લાગવા માંડે છે!

અમદાવાદનો એક ઑટોમોબાઈલ એન્જિનિયર છોકરો જય(જેકી ભગનાની) તેના માતા-પિતા સાથે એક અમદાવાદની જ એમબીએ ગ્રેજ્યુએટ છોકરી અવની(ક્રિતીકા કામરા)ને જોવા જાય છે. બંને એક નજીવી ભૂલથી રૂમમાં બંધ થઈ જાય છે અને વાતો કરવાની શરૂ કરે છે. અહીંથી બેઉના ફ્લૅશબૅક ખૂલ્લે છે. છોકરાને શેફ બનવું હતું. તેણે અગાઉ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરીને રેસિપી શીખવવાની ટ્રાય કરી હતી. તે નોકરી અને છોકરી બેઉમાં નિષ્ફળ ગયો હતો. અવનીને બીઝનેસ શરૂ કરવો હતો, પણ તેના એક્સ બોયફ્રેન્ડે તેને ચીટ કરી હતી. નાના-નાના, સાઉથની ફિલ્મો માટે નોર્મલ કહેવાય એવા ટ્વિસ્ટ બાદ બેઉ ફૂડ ટ્રક ચાલુ કરવાનું નક્કી કરે છે. જેનું નામ છેઃ ‘મિત્રોં’! કેમ? એમ જ!

મેરે પ્યારે ફિલ્મીયારોં…

આ ફિલ્મની પોઝિટિવ વાત એ છે કે, કંઈ નવું ન હોવા છતાં પણ તે ફ્રેશ લાગે છે. ફર્સ્ટ હાફની ટ્રિટમેન્ટ રસપ્રદ છે. અવની અને જય, બેઉ એકબીજાના ભૂતકાળ ખોલે છે તે સીન જોવા ગમે છે. ડિરેક્ટરે સ્માર્ટલી મલ્ટિપલ લેવલે નરેશન કર્યું છે. સાથે શારિબ હાશ્મીના ક્રિસ્પી હિન્દી ડાયલૉગ્સ ઉમેરાયા છે. તેણે કોઈ ફૂવડ, સ્થુળ કે ડબલ મિનિંગના બદલે સિફતપૂર્વક ગુજરાતી લઢણ અને ગુજરાત બેઝ્ડ ડાયલૉગ્સ અને સિચ્યુએશન્સ મૂકી છે. ડાયલેક્ટ અને એક્ટિંગ સ્કૉર હેંમત ખેરે સંભાળ્યું છે. સારી વાત એ છે કે, ડાયલેક્ટમાં અમુક જગ્યાને બાદ કરતા ક્યાંય અતિશયોક્તિ નથી કરાઈ. ઓલમોસ્ટ પાત્રો ગુજરાતના ખરેખર લોકો બોલે છે તેવું જ ગુજરાતી બોલે છે! એનું કારણ એ છે કે, જે-તે પાત્રો પોતે જ ગુજરાતી છે. જેકિ ભગનાનીના મિત્રો રોનક અને દીપુ બનતા પ્રતિક ગાંધી અને શિવમ પારેખ ગુજરાતી નાટ્યજગતના જાણીતા નામો છે. પ્રતિક ગાંધી તો તખ્તાનો ધૂરંધર અભિનેતા સાબિત થઈ ચૂક્યો છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ દમદાર કામ કરી રહ્યો છે. ઉપરાંત ચેતન દૈયા, આશિષ કક્કડ, સહિતના ગુજરાતી કલાકારોની ટોળકી છે અહીં. જોકે એવું ‘YPD ફિર સે’માં હોવા છતાં ત્યાં આખો ગુજરાતી મહોલ્લો સ્ટિરિયોટાઈપ થઈ ગયો હતો, સદનસીબે અહીં એવું નથી થયું.

હા, પેલો ટ્રેઈલરમાં આવે છે તે જેકી ભગનાનીનો મોનોલોગ એટલો અપિલિંગ નથી લાગતો. બીજું એ કે, તે અને ક્રિતીકા મજાની હિન્દી બોલતા હોય અને વચ્ચે અચાનક ગુજરાતી શબ્દો કેમ ઘુસાડી દે છે? એ માટે કે તેઓ ગુજરાતી ફેમિલીથી બિલોન્ગ કરે છે? આના કારણે ઘણી વખત થાય છે એવું કે, એક જ વાક્યમાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ત્રણે ભાષા મિક્સ થયેલી સંભળાય! અને આવું થાય ત્યારે જોનારને ભયંકર અજુગતું લાગે! કદાચ જે-તે પ્રદેશના લોકોને ગમે, પણ બાકીનાને દીઠું ન ગમે. જેમ કે, ‘મનમર્ઝિયાં’; તેના ગીતો સહિત બધું પંજાબ બેઝ્ડ છે, તે ત્યાંના સિવાયનાને જલ્દી નહીં પચે. ‘મિત્રોં’માં શરૂઆતના જે મીની ટ્વિસ્ટ છે તે ટ્વિસ્ટ કરતા સ્ટુપિડીટી વધારે લાગે છે. પણ ફિલ્માંકન એટલું ફાસ્ટ અને એન્ગેજિંગ છે કે તે તરફ ઝટ ધ્યાન નથી જતું.

છેલ્લે ‘વેલકમ ટુ કરાંચી’માં દેખાયેલો જેકી આળસુ અને બિચારા એન્જિનિયરના પાત્રમાં છે. તે ડર્યા કરે છે, અટકી અટકીને બોલે છે, મૂંજાયેલો રહે છે; આ તમામ જેસ્ચર જેકિએ બખૂબી નુભાવ્યા છે. તે સ્ક્રિન પર સારો નહીં પણ ભોળો લાગે છે! ટીવી એક્ટ્રેસ ક્રિતીકાની આ ડેબ્યુ ફિલ્મ છે. તે સુંદર લાગે છે અને જય સહિત તેના બેય મિત્રો પર પણ રાજ ચલાવે છે! જયના રાડારાડ કરતા ગુજરાતી પિતાના પાત્રમાં નીરજ સુદ મજા કરાવે છે. પ્રતિક બબ્બરનો એક નાનકડો રોલ છે.

‘મિત્રોં’ શૉટ બાય શૉટ તમિલ ફિલ્મનું રિ-ક્રિએશન છે. ડાયલૉગ્સ ટ્રાન્સલેટ કરાયા છે, પણ કહ્યું તેમ સ-રસ થયા છે. ફિલ્મ ફર્સ્ટ હાફમાં દોડે છે, પરંતુ સેકન્ડ હાફમાં લથડે છે. ખાસ તો જય અને અવનીનું ભેગા થવું, છૂટા પડવું, જયનું પૈસા કમાવવા કોઈ સાથે લગ્નની હા પાડવી, પછી ના પાડવી, અવનીની ઓસ્ટ્રેલીયા જવાની ઈચ્છા, આ બધું એક પૉઈન્ટ પછી કંટોળો જન્માવે છે. સ્ક્રિપ્ટ વિખેરાય છે અહીંથી. બધા કિનારા સર કરવામાં સ્ક્રિપ્ટ પોતાનામાં જ ગુંચવાઈ ગઈ છે!

જેકીનો ટ્રેક રેકૉર્ડ જોશું તો ખ્યાલ આવશે કે તેની ફિલ્મોના ગીતો પ્રમાણમાં સ-રસ હોય. (મ્યુઝિક અહીં પણ સારું છે. ‘કમરિયા’ અને ‘ધીસ પાર્ટી ઈઝ ઓવર’ તો ચાર્ટ બાસ્ટર છે, પણ ક્ષણિક.) તેની એક્ટિંગ અને ડાન્સ પણ સારો હોય, પણ એટ ધ એન્ડ ઑફ ધ ફિલ્મ તમને ઠિકઠાક લાગે. અહીં એવું જ થયું છે. 119 મિનિટની ફિલ્મ હોવા છતાંય લાંબી અને ઈન્ટરવલ પછી ખેંચાતી લાગે છે.

જોવી કે નહીં?

અમદાવાદની ત્રણ માળના મકાનોવાળી જૂની પોળો, પતંગો, મેટાડોર, સુકવાતા પીડા-લાલ રંગના કાપડ, વગેરે ગુજરાતને બૅકગ્રાઉન્ડમાં ઉપસાવતા દ્રશ્યો મજાના લાગે છે. પ્રોડક્શન ઊંચુ છે, એટલું કે જેકિ સામાન્ય કોઈ શાક વઘારે તો એના પણ રેસ્ટોરન્ટની જાહેરાત થતી હોય તેમ સ્લો-મૉશન શૉટ્સ લેવામાં આવ્યા છે. ફિલ્મનું નામ ‘મિત્રોં’ શા માટે રખાયું છે તે પ્રશ્ન છે. ટ્રેઈલરમાં એક જગ્યાએ પ્રતિક ‘કોન્ફિડન્સ હો તો મોદી જૈસા’ એવો ડાયલૉગ બોલે છે. ફિલ્મમાં ‘મોદી’ની જગ્યાએ ડબ્ડ થઈને ‘નેતા’ થઈ ગયું છે!

ટૂંકમાં, તમને ગુજરાતી વઘારવાળી હલકી-ફૂલકી લવસ્ટોરી ગમતી હોય તો જોઈ શકો છો. કંઈ અદભૂત નથી, પરંતુ ખરાબ પણ નથી.  જેકિ ભગનાનીના ફૅન હશો તો તો જવાના જ, પણ ન હો અને ગુજરાત જોવું હોય તો પણ જોઈ શકો છો. એક જગ્યાએ બૅકગ્રાઉન્ડમાં ‘સનેડો સનેડો’ પણ વાગે છે, જે જરાય સુટ નથી થતું! એ હાલો!

મેસેજ: ‘મિત્રોં’નો મેસેજ એક લીટીમાં એટલો જ છે(જે ફિલ્મમાં એક વખત જ બોલાય છે) કે, યુવાનોને લગ્ન માટે ફોર્સ ન કરો. તેમને જીવવા દો.

@Parth Dave

0 comments on “મિત્રોં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: