Movies Review

મનમર્ઝિયાં

કન્ફ્યુઝ્ડ પ્રેમીઓ

Rating: 2.0 Star

MV5BNTU3ZjEzMTYtYThjMC00ZjljLWJjYjEtZGU5M2U5ODcwNTY4XkEyXkFqcGdeQXVyNTE4ODU0NzA@._V1_‘મનમર્ઝિયાં’ પ્રેમમાં ગૂંચવાયેલા યુવાનોની દાસ્તાન રજૂ કરે છે. દરેક પાત્ર પોતાના મનનું માને છે. મરજી પડે તેમ પ્રેમ, સેક્સ, ઝઘડા કરે છે. અનુરાગ કશ્યપે પણ મનની મરજી ચલાવી છે. તમે પણ ચલાવજો. જેનો કોઈ નિવેડો ન હોય એવી, નિરંતર ચાલ્યા કરતી પંજાબી ગીતોથી ખચાખચ લવ-સ્ટોરી જોવી હોય તો…

 

2013માં ઓ હેન્રીની વાર્તા પર આધારિત વિક્રમાદિત્ય મોટવાણીની ‘લૂંટેરા’ ફિલ્મ આવી હતી, જે એકતા કપૂરની સાથે ‘ફેન્ટમ ફિલ્મ્સ’ એટલે કે અનુરાગ કશ્યપ એન્ડ મંડણીએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં અમિતાભ ભટ્ટાચાર્ય લિખીત એક ગીત હતું, ‘મનમર્ઝિયાં…’ જેનો સામાન્ય અર્થ થાયઃ મનની મરજીઓ! થોડો સચોટ અર્થ કરીએ તો પોતાની ધૂનમાં સવાર, બીજા કોઈની પરવા કર્યા વિના મન જે કહે તે કર્યા કરવાનું એટલે મનમર્ઝિયાં. પાંચ વર્ષ પછી ફૅન્ટમ ફિલ્મ્સ અને આનંલ એલ. રાય સાથે મળીને મનમર્ઝિયાં નામની ફિલ્મ લઈને આવ્યા જે અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે. જેમાં તેમણે તેમના મને જે કહ્યું તે જ કર્યું છે, પ્રેક્ષકોની પર્વા કર્યા વિના. જોકે, તમામ દોષ તેમને નહીં જ આપી શકાય, કેમ કે ફિલ્મની વાર્તા, સ્ક્રિનપ્લે તથા ડાયલૉગ્સ કનિકા ઢિલોનના છે. તેમણે બેઉએ ભેગા મળીને 157 મિનિટ સુધી પ્રેક્ષકોને અતિશય મૂંજવણમાં રાખ્યા છે.

આવો, તમને ડિટેઈલ્ડમાં થોડી વાર્તા અને બાકી આપવીતી કહું.

 પ્રયણ-ત્રિકોણ

શૈલીના નામે ઓળખાતા શૈલેન્દ્રસિંહ સોઢીએ લખેલું અને હર્ષદિપ કૌર તથા જાઝિમ શર્માએ ગાયેલું ‘ગ્રે વાલા શેડ’ સૉન્ગથી ફિલ્મની શરૂઆત થાય છે. એકચ્યુલી આ ફિલ્મની વચ્ચે ગીતો નથી, ગીતો વચ્ચે ફિલ્મ છે. ટોટલ 13 ગીત છે. જોકે, તે અલગથી નહીં પણ વાર્તાની સાથે આવે છે, એટલે બહુ વાંધો નથી આવતો.( એક પૉઈન્ટ પછી ‘બહુ’ વગરનો વાંધો ચોક્કસ આવે છે.) તો તે ગીતથી પડદો ઉઘડે છે. અનુરાગ કશ્યપ કંઈક અલગ, નવું અને હટ-કે કરનારા ડિરેક્ટર છે એટલે શરૂઆતથી જ બે છોકરીઓ ડાન્સ કરે છે. જે છેવટ સુધી વચ્ચે વચ્ચે ડાન્સ કર્યા કરે છે. શરૂઆતમાં જોવી ગમે છે.

તો, રુમી(તાપસી પન્નૂ) અને વિકી(વિકી કૌશલ) અમૃતસરના બે બિન્દાસ્ત પ્રેમિઓ છે. જેઓ એકબીજાને તોફાની પ્રેમ કરે છે. તોફાની એટલે ખુલ્લમખુલ્લા પ્રકારનો. હૉર્મોન્સ પર કાબૂ ન રાખી શકે એવો. આપણને એક સમયે આ બેઉ એકબીજા માટે જેને પ્રેમ સંબોંધે છે તે પ્રેમ છે કે સેક્સ તેવો ડાઉટ જાય તેવો પ્રેમ કરે છે! જોકે, એટલે જ તેઓ પ્યારને ‘ફ્યાર’ કહે છે. રુમી હોકિ પ્લેયર હતી, પણ રમવાનું છોડી દીધું છે અને ઘરની સ્પોર્ટ્સની દુકાનમાં કામ કરે છે. સ્વતંત્ર છોકરી છે. વિકી સંધુ બ્લુ રંગના વાળવાળો ડિજે છે. બંને વિશે આખા અમૃતસરને ખબર છે એટલે રુમી માટે છોકરો શોધવાની વાત ચાલે છે. તેમ ન  થાય તે માટે રુમી, વિકીને તેના ઘરે માંગું નાખવા બોલાવે છે. પણ ભાઈ વિકીને એક વિચિત્ર પ્રોબ્લેમ છે, તેને પ્રેમ કરવો છે પણ જવાબદારી નથી ઉપાડવી! (છે ભાઈ આવી તકલીફ!) સો, તે તેના ઘરે નથી આવતો અને રુમી તેના ગુસ્સામાં લંડન બેઝ્ડ બેન્કર રોબી(અભિષેક બચ્ચન) સાથે લગ્ન કરવાની હા પાડી દે છે. રોબી ખરેખર રુમીને પ્રેમ કરે છે. રુમી ખરેખર પેલા ડીજે વિકીને પ્રેમ કરે છે, વિકી પણ પ્રેમ કરે છે પણ કહ્યું તેમ જવાબદારી નથી ઉપાડવી તેને. રોબી જવાબદારી ઉપાડવા તૈયાર છે પણ રુમી તૈયાર નથી.

આવું બધું અષ્ટમપષ્ટમ છે યાર! વચ્ચે પંજાબી ગીતો છે. અમુક સારા છે, અમિત ત્રિવેદીનું મ્યુઝિક મજાનું છે, પણ શરૂઆતની 30 મિનીટ પછી ફિલ્મ પટકાઈ જાય છે! દિશાનો કોઈ પત્તો નથી અને આ અતિશય કૉમ્પલિકેટેડ અને કન્ફ્યુઝ્ડ લવ ટ્રાયન્ગલનો પાથ ક્યારે પૂરો થશે તેની રાહ તમે જોવા માંડો છો. ના, પલડું કઈ બાજુ નમશે એની તમને ફિકર જ નથી, કેમ કે તમે બોર થઈ ચૂક્યા છો!

જેવી જેની મરજી

અનુરાગ કશ્યપે તાજેતરમાં વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ ડિરેક્ટ કરી હતી. તેની પટકથા વરુણ ગ્રોવર એન્ટ ટીમે લખી હતી. સેક્રેડ ગેમ્સ અને અમુક છુટક શૉર્ટ ફિલ્મો સિવાય અનુરાગ જે ફિલ્મ ડિરેક્ટ કરે તેની વાર્તા અને મોટાભાગે ડાયલૉગ્સ તે ખુદ જ લખે છે. અન્યથા કૉ-રાઈટર તરીકે તો તેનું નામ હોય જ. ‘મનમર્ઝિયાં’નું સંપૂર્ણ લેખન કનિકા ઢિલોને કર્યું છે. અનુરાગે માત્ર કેપ્ટનની શીટ સંભાળી છે. ફિલ્મમાં સિલ્વેસ્ટર ફોનસેકાના કેમેરા એન્ગલ, ક્લોઝ અને લૉન્ગ શૉટ્સ આલા દરજ્જાના છે. અનોખા નથી પણ વેલ મેનેજ છે. મેઘના ગાંધીની પ્રોડક્શન ડિઝાઈન અદભૂત છે. અગાઉ વાત કરી તે કપન વૂમન ડાન્સર્સ(જૂડવા બહેનોઃ પૂનમ અને પ્રિયંકા શાહ!) છે જે વાર્તાની સાથે ચાલતા ગીતોમાં દેખાયા કરે છે. તકલીફ એ છે કે, વાર્તા ચાલે છે પણ રસ્તાની બદલે ટ્રેડ મિલ પર. શરૂઆતની 30 મિનિટ સુધી વિકીના રૂપમાં વિકી કૌશલના જેસ્ચર જોવાની મજા પડે છે. તેનું બિન્દાસ્તપણું, અનિયંત્રિત ડાન્સ, ડિજેનો સ્વેગ, વગેરે. અને સામે રુમીના રૂપમાં બોલ્ડ તાપસી પન્નૂ, તેના અને વિકીના વાસ્તવિક અને અમુક હિલેરિયસ ડાયલૉગ્સ, વગેરે એન્ગેજ રાખે છે. પણ…પછી પકડ છૂટી જાય છે. કેમ કે, આખી ફિલ્મ દરમિયાન એ જ ચાલ્યા રાખે છે.

ઘણી ફિલ્મો એવી હોય છે જેમાં કંઈ જ ન થતું હોય છતાંય કંઈક થતું હોય. છેલ્લી એવી ફિલ્મ યાદ કરીએ તો ‘ઑક્ટોબર’. ‘મનમર્ઝિયાં’ બહુબધી મહેનત પછી પણ બૉલીવૂડની ક્લિશે લવ ટ્રાયન્ગલ પેટર્નમાં જ પડે છે. અહીં વાર્તામાં તો કંઈ નથી જ થતું અને પાત્રમાં પણ કોઈ પ્રકારનો અંદરૂની વિકાસ નથી થતો. છેલ્લા દાયકામાં હિન્દી ફિલ્મોમાં બહુ દેખાયો છે તે કમિટમેન્ટ ફોબિયા અને મેરેજ ફોબિયા, જેનાથી યુવાનો દૂર ભાગી રહ્યા છે, તે અહીં કનિકા અને અનુરાગે ફરી બતાવ્યો છે. બચના એ હસીનો, બ્રેક કે બાદ, બેફિક્રે, વગેરે ફિલ્મો યાદ આવે. અને પછી  એ પણ યાદ આવે કે અંતે તો વાર્તા એ જ રીતે પૂરી થવાની છે!

‘મનમર્ઝિયાં’ જોયા પછી પ્રશ્નો ઘણા ઉદભવે છે. પહેલો પ્રશ્ન સામાન્ય દર્શકને એ જ થાય કે, ‘ભઈ પ્રોબ્લેમ શું છે?!’ અને થોડો ઊંડો ઉતરે, કોમ્પલિકેટેડ રિલેશનશિપના તાણાવાણા સમજતો હોય અને અહીં સમજવાની, તેને ઉકેલવાની કોશિશ કરે તો તેને એ વિચાર આવે કે, ‘વિકીના મમ્મી-પપ્પાને વાંધો નથી તો તેને શું વાંધો છે રુમીના ઘરે વાત કરવામાં? માત્ર જવાબદારી નથી ઉપાડવી એટલે?! અને પછી રિઅલાઈઝ થાય છે ત્યારે તે પોતાની જાતને સાબિત કેમ નથી કરતો?

ફિલ્મમાં વિકી અને તાપસીની એક્ટિંગ સારી છે. તેમનું પાત્રાલેખન ક્યાંક ખૂંચે છે. વિકીનું કેરેક્ટર નબળું લખાયું છે અને તાપસીનું ક્લિશે છે. બીજો એક મસમોટો પ્રશ્ન એ પણ છે કે, હિન્દી ફિલ્મમાં ફિમેલ કેરેક્ટરને મજબૂત અને સ્વતંત્ર દર્શાવવા માટે તેને સિગારેટ અને દારુ પીતી, કોઈપણ સાથે અથવા કોઈએક સાથે ગમે ત્યારે સેક્સ કરતી અને લોકો સાથે તોછડું વર્તન કરતી દર્શાવવી જરૂરી છે? રુમીને તેના ઘરેથી બધી જ છૂટ અપાઈ છે. તે સ્વતંત્ર છે, તેના મા-બાપ નથી તેની સિમ્પથી પણ તે ઉઘરાવે છે, તો પછી કોઈ પ્રેશર વિના તે આટલી કન્ફ્યુઝ્ડ કેમ છે?! (કે પછી પ્રેશર નથી એટલે જ કન્ફ્યુઝ્ડ છે!) આ બે કલાકારો ઉપરાંત જૂનિયર બચ્ચન પણ છે, જેણે શાંત અને પોઝિટિવ વ્યક્તિનું કેરેક્ટર પોટ્રે કર્યું છે. તે આજના યુગનો મર્યાદા પુરુષોત્તમ રામ બન્યો છે. એક સિનમાં તાપસી તેને કહે પણ છે કે, ‘તે જન્મથી જ આવો રામજી ટાઈપ છે?!’ અહીં કરવા હોય તો ઘણા અર્થઘટનો થાય તેમ છે. આવી ફિલ્મોમાં યુવાનોની સ્વતંત્રતા અને લિબર્ટિના નામે મેસેજ જ કંઈક ભળતોસળતો બહાર નીકળે છે ઘણી વખત.

અહીં સપોર્ટિંગ કાસ્ટમાં એક પણ કેરેક્ટર ટિપીકલ કેરિકેચરિશ પંજાબી નથી બન્યો એ સરપ્રાઈઝિંગલી સુખ છે! મેરેજ બ્યુરો ચલાવનાર કાકાજીના પાત્રમાં સૌરભ સચદેવ, રોબીના ભાઈના પાત્રમાં વિક્રમ કોચર અને રુમીની કઝિનના પાત્રમાં અશનુર કૌર છે. ઉપરાંત રુમીનો તેના દાદા સાથેનો સંબંધ ઉપસાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરાયો છે. દાદાનું પાત્ર અરુણ બાલીએ ભજવ્યું છે. આ વિકી, રુમી, રુબીના ઘરવાળાઓ એટલે કે આખી સપોર્ટિંગ કાસ્ટ ત્રણેયને મળતા-છૂટા પડતા-ઝઘડતા આપણી જેમ જોયા કરે છે!

જોવી કે નહીં?

‘મનમર્ઝિયાં’ અનુરાગ કશ્યપ સ્ટાઈલની ફિલ્મ નથી. ‘મુક્કેબાઝ’ થોડી લાઈટ હતી અને આ તેના ઝોનરથી સાવ હટીને છે, લવ સ્ટોરી છે. પણ હળવી લવ-સ્ટોરી નથી; ફિલ્મના દરેક દ્રશ્યમાં ડાર્ક અન્ડરટૉન રખાયો છે. પ્રેમ અને સેક્સ બેઉ રિઅલિસ્ટીક વેમાં બતાવાયા છે, સાથે ફર્સ્ટ હાફના ડાયલૉગ્સ થોડા એન્ટરટેઈન કરે, હસાવે તેવા છે.

ફિલ્મનું બૅકગ્રાઉન્ડ પંજાબ છે એટલે પંજાબી મ્યુઝિક છે. જેમને પંજાબી ગીતો સાંભળવા ગમતા હોય તેઓ  13 ગીતો (કદાચ)પાસ કરી શકશે.  …તો જે અનુરાગના ચાહકો હોય, જેમને આવો કન્ફ્યુઝ્ડ પ્રેમ જોવો હોય, જેનો છેવટ સુધી કોઈ નિવેડો નથી આવતો, તેઓ જઈ શકે છે.

છેલ્લી વાતઃ રોકસ્ટાર, લવ આજકાલ, તાજેતરની લૈલા મજનુ; ટૂંકમાં ઈમ્તિઆઝ અલી અને લગભગ આનંદ એલ. રાયની ફિલ્મોના આશિકો પણ ગૂંચવાયેલા હોય, પ્રેમમાં મૂંજાયેલા હોય. પણ અહીં તો મનની મરજી કરવામાં એ એટલા મૂંજાયેલા, ગૂંચવાયેલા, અને હેમ્લેટ છે કે ફિલ્મ પૂરી થયા પછી એ લોકો તો છૂટી જાય છે, આપણે મૂંજાઈ મરીએ છીએ.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 15 September 2018)

manmarziyan 15-09
Mid-day, Mumbai. Page No.20, Date: 15-09-2018

 

0 comments on “મનમર્ઝિયાં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: