ગુજરાતી સિનેમા

નસીરુદ્દીન શાહ ‘ઢ’ ફિલ્મ માટે ખરેખર જાદુ શીખ્યા છે!

નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘ઢ’ ૨૮મી સપ્ટેમ્બરે રિલીઝ

નસીરુદ્દીન શાહ અને મનીષ સૈની.jpg
મનીષ સૈની સાથે નસીરુદ્દીન શાહ, શૂટિંગ દરમિયાન

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

આ વર્ષના એપ્રિલ મહિનામાં ૬૫માં નેશનલ એવોર્ડ જાહેર થયા હતા, જેમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને રિજનલ લેન્ગવેજમાં ‘બેસ્ટ ફિચર ફિલ્મ ઈન ગુજરાતી’નો એવૉર્ડ મળ્યો હતો.(‘મધ્યાંતર’ તારિખ: ૦૮-૦૬-૧૮)તે ‘ઢ’ ફિલ્મ આગામી ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘ઢ’ ફિલ્મના ડિરેક્ટર મૂળ હરિયાણાના મનીષ સૈની છે.

‘ઢ’ ફિલ્મ સ્કુલમાં ભણતા ત્રણ બાળકોની આસપાસ ફરે છે, જેમને ભણવામાં જ રસ નથી! ત્રણેય એક દિવસ સ્કૂલથી ભાગીને જાદુનો શો જોવા જાય છે. બીજા દિવસે રિઝલ્ટ આવે છે અને ત્રણેય લગભગ તમામ વિષયમાં નાપાસ થાય છે! કોઈ શિક્ષક કહે છે કે, તમને તો કોઈ જાદુ જ બચાવી શકશે! અહીંથી તે છોકરાઓની જાદુગર સાથેના સંબંધની શરૂઆત થાય છે, તેઓ જાદુગરને પત્ર લખે છે. ફિલ્મમાં ત્રણ બાળકોના પાત્ર કહાન, કરન પટેલ અને કુલદીપ સોઢા ભજવી રહ્યા છે, જ્યારે જાદુગરના પાત્રમાં નસીરુદ્દીન શાહ છે.

તાજેતરમાં ‘ઢ’ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર મનીષ સૈનીને નસરુદ્દીન શાહ સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ‘નસીર સર બહુ ઓછું બોલે છે. મેં જ્યારે તેમને ટ્રેઈલર મોકલ્યું ત્યારે તેમણે માત્ર ‘વેરી નાઈસ’ કહ્યું! એમને ટ્રેઈલર ગમ્યું પણ તેઓ દિગ્ગજ કલાકાર છે અને તેમણે એટલું કામ કર્યું છે કે તેમના માટે આ બધું નોર્મલ છે.’

આ ફિલ્મમાં જાદુગરના પાત્ર માટે નસીરુદ્દીન શાહને લેવાનું કઈ રીતે સુઝ્યું એ વિષે મનીષ સૈની કહે છે કે, ‘મેં જ્યારે કૉન્સેપ્ટ અને સ્ક્રિપ્ટ લખી હતી ત્યારે જ મને નસીર સર દેખાતા હતા! હું એમનો ચહેરો જ ઈમેજિન કરતો હતો. અમે વિચાર્યું પણ નહતું કે તેઓ નહીં આવે અથવા ના પાડશે તો બીજા કોને કાસ્ટ કરીશું!’

રસપ્રદ વાત એ છે કે, ‘નસીરુદ્દીન શાહ ‘ઢ’ ફિલ્મ માટે ખરેખર જાદુ શીખ્યા છે! મનીષ સૈનીએ તેમને જાદુગરની વાત કરી અને કહ્યું કે તમારે તે માટે જાદુ શીખવા પડશે. મનીષભાઈ કહે છે કે. તે દ્રશ્યમાં અમે બે કૅમેરા રાખ્યા હતા, એક ઓડિયન્સ પર અને બીજો જાદુગર પર. બીજું એ કે, ફિલ્મમાં જાદુગરના દ્રશ્યોમાં ક્યાંય વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ નથી થયો. માત્ર એક ધડાકા સિવાય તમામ સિન્સ સાચા છે. માટે નસીરુદ્દીન શાહે અમદાવાદમાં ખાસ જાદુગરની પ્રેક્ટિસ કરી હતી અને પછી રોલ પ્લે કર્યો હતો.’

ફિલ્મમાં નસીરુદ્દીન ઉપરાંત ત્રણેય બાળકોએ પણ સારી એક્ટિંગ કરી છે તે ટ્રેઈલર પરથી દેખાઈ આવે છે. તેમાંથી ગુનગુન બનતા અભિનેતાએ તો કૅમેરો પહેલી વાર ફેસ કર્યો છે.

આ ફિલ્મને નેશનલ એવોર્ડ ઉપરાંત અન્ય ફેસ્ટિવલમાં એવોર્ડ્સ મળ્યા છે. મનીષ સૈની કહે છે કે, ‘પણ મેં મારી ફિલ્મ ફેસ્ટિવલને નજરમાં રાખીને નથી બનાવી. સામાન્ય રીતે ફેસ્ટિવલ ઑરિએન્ટેડ ફિલ્મ આર્ટના નામે ગંભીર અને રોતલ હોય છે. મારી એવી નથી. પૂરી થયા પછી દર્શકોના ચહેરા પર હાસ્ય આવી જાય તેવી ફિલ્મ છે.’ ફિલ્મના ડાયલૉગ પાર્થ ત્રિવેદીએ લખ્યા છે.

મનીષ સૈની આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતા કહે છે કે, ‘મારી પાસે ત્રણ સ્ક્રિપ્ટ રેડી છે. એમાંથી બે ગુજરાતી છે અને એક હિન્દી છે. પણ ગુજરાતી બેઉ સ્ક્રિપ્ટનું કન્ટેન્ટ ‘ઢ’ ફિલ્મની કક્ષાનું જ છે.’ ‘ઢ’નું મ્યુઝિક ‘મેઘધનુષ’ બૅન્ડે આપ્યું છે અને એક ગીત અલતાફ રાજાએ ગાયું છે.

પેક અપ:

ક્વિક રિવ્યુ

નટસમ્રાટઃ જયંત ગિલાટર દિગ્દર્શિત અને સિદ્ધાર્થ રાંદેરિયા, દિપીકા ચિખલિયી તથા મનોજ જોશી અભિનિત ‘નટસમ્રાટ’ પ્રમાણમાં સારી છે. ડાયલૉગ્સમાં મરાઠી ફિલ્મ જેટલી મજા નથી આવતી પરંતુ પ્રોડક્શન લેવલ અદભૂત છે. મૂળ વાર્તા સ-રસ હતી, અહીં તેમાં સિદ્ધાર્થ રાંદેરિયાના જ નાટક ‘અમારી દુનિયા તમારી દુનિયા’નો વઘાર છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને આવી મેચ્યોર ફિલ્મની જરૂર છે. થોડું વધું સારું એક્ઝિક્યુશન થઈ શક્યું હોત. પણ ચોક્કસ જોવાય. મનોજ જોશી બેસ્ટ છે બાપ!

સ્ત્રીઃ હસતા હસતા ડરવું હોય અને ડરતા ડરતા હસવું હોય તો આ ફિલ્મ તમારા માટે છે. ઘણા સમયે સ્માર્ટ ડાયલૉગ્સ અને ટ્રિકી સિચ્યુએશન્સથી ભરપૂર ફિલ્મ આવી છે. રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરને ચમકાવતી આ ફિલ્મ જોઈ જ નાખો. ફ્રેશ થઈ જશો.

યમલા પગલા દિવાના ફિર સેઃ બકવાસ. વાહિયાત. ન જોવી.

પલટનઃબૉર્ડર’ અને ‘એલઓસી કારગિલ’ ફૅમ જે.પી દત્તાની ભારત-ચીન વચ્ચે ૧૯૬૭માં નાથુ લા અને ચો લા પાસ ખાતે થયેલા યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘પલટન’ ઠિક છે. શરૂઆતની પંદર મિનિટ અને અંતનું યુદ્ધ તથા એક ગીત સિવાય સારી ક્ષણો બહુ ઓછી છે. ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’ના ચાહકોને જે.પી. દત્તાસાહેબ નિરાશ કરે છે આ વખતે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 14-09-2018

nasiruddin shah gujarati film mate... 14-09.jpg
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 14-09-2018

0 comments on “નસીરુદ્દીન શાહ ‘ઢ’ ફિલ્મ માટે ખરેખર જાદુ શીખ્યા છે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: