Literature

દરેક વસ્તુઓના વિકલ્પ શોધાઈ રહ્યા છે…

પહેલા માણસ કામ કરતો એટલે શરીર થાકતું. કામ ઓછું થયું એટલે શરીરને થકવવા જિમ આવ્યા. આજે કાનમાં ઈઅર ફોન અને પગ યંત્ર ઉપર ચાલે છે. પહેલા નારંગી ખાતા, આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં ઓરેન્જ જ્યુશ પીવે છે! પહેલા ગાયનું દુધ હતું આજે કોથળીનું દુધ પીવાય છે! ‘વિકાસ’ની હરણફાળમાં ઓરિજિનાલીટી ખોવાઈ રહી છે 

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

header-website-changenowભારતમાં પુખ્ત વ્યક્તિની વય ઑફિશિયલી ૧૮ છે. બાળકમાં રાજકારણીઓને મત આપવાની બુદ્ધિ ૧૮ વર્ષે આવી જાય અથવા આવે છે એવું ભારતમાં મનાય છે. આને લઈને દેશ મુજબ અલગ અલગ કાયદાઓ છે. ઘણા બાળકોમાં ૧૮ પહેલા જ એટલી અક્કલ આવી જાય છે કે તે ‘સમજણો’ થાય તે પહેલા જ જેલના સળીયા પાછળ પડ્યો હોય છે અને અમુક બાળક ૧૮ તો શું ૨૮ના થાય તો પણ એવા જ રહે છે! એવા એટલે કમઅક્કલ. વાત એમ છે કે, આપણી ૨૧મી સદીને ૧૮ વર્ષ થયા છે. એટલે કે, તે પુખ્ત થઈ ચૂકી છે. સમજણી થઈ ચૂકી છે. જો ચુંટણી થાય તો આવતા વર્ષથી વૉટ આપી શકવા સક્ષમ થઈ ચૂકી છે!

આ સદીએ આપણને ઘણું આપ્યું છે, ઘણા પરિવર્તનો થયા છે. એક્ચયુલી પરિવર્તન જ સંસારનો નિયમ છે. અને એટલો જડબેસલાક નિયમ છે કે, નિયમોમાં પણ પરિવર્તનો થયા કરે છે! ટૂંકમાં, એક જ વસ્તુ સ્થિર છેઃ ‘પરિવર્તન!’ વેલ, ૨૦મી સદી બાદ ટેક્નોલોજી ક્ષેત્રે જે ક્રાંતિ થઈ; કોમ્પ્યુટર આવ્યા, મશીનો આવ્યા, થર્ડ જનરેશન આવી, પછી તો મોબાઈલ અને આવેલા કોમ્પ્યુટર સાથે તેને જોડી રાખતું ‘કરોડિયાનું જાડું’ એટલે કે ‘નેટવર્ક’ એટલે કે ઈન્ટરનેટ આવ્યું! આજે ઈન્ટરનેટે તમામ બાબતોની વ્યાખ્યાઓ બદલી નાખી છે. ઘર, રૂમ, ક્લાસરૂમ, હોટલ, હોસ્પિટલ, થિએટર, હોટલ આ બધાની સર્વિસીસમાં મસમોટા ફેરફાર થઈ ચૂક્યા છે. આજે, શિક્ષકો ઓનલાઈન ભણાવે છે. યુટ્યુબ પર ટીચિંગની ચેનલો શરૂ થઈ ચૂકી છે. પ્રિસ્ક્રિપ્શન જોઈને ડૉક્ટરો ઓનલાઈન સલાહો આપે છે અને દવા ઘેર બેસીને ઓર્ડર થાય છે. સેમ એઝ ફુડ. કોઈપણ પ્રકારનું ખાવાનું આપણને સ્વિગી, ઉબર ઈટ્સ અને ઝોમેટો જેવી આંત્રપ્રેન્યોર્સે શરૂ કરેલી સર્વિસીસ પહોંચાડે છે. ફિલ્મો હવે થિએટરમાં આવે તેના બે મહિનામાં નેટફ્લિક્સ અને એમેઝોન પર આવવા મંડી છે. નેટફ્લિક્સ જેવી જાયન્ટ સ્ટ્રીમિંગ કંપનીઓ ખુદ પૈસા રોકીને આંતરરાષ્ટ્રીય લેવલની ફિલ્મો બનાવી રહી છે. થોડા વર્ષો પહેલા થિએટરમાં રિલ બદલવી પડતી હતી. એ માટે બે ઈન્ટરવલ પડતા, લાઈટો જતી. એ બધું હવે મૃતપાય થઈ ચૂક્યું છે.

આજે ૧૦ રૂપિયાની ચાય પીને વ્યક્તિ તેના પૈસા ઓનલાઈન પે-ટીએમ દ્વારા ચૂકવે છે. પેટ્રોલ પંપ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય છે. આપણી જીવન જરૂરિયાતની ઓલમોસ્ટ વસ્તુઓ ‘ઘરબેઠા’ મળી રહી છે. પહેલા માત્ર ઘર બેઠા પરિક્ષાઓ દેવાતી, હવે બધું જ થાય છે! ઈન્ટરનેટની ઝડપમાં થયેલા તોતિંગ વધારા અને સસ્તા દરના કારણે દર ત્રીજી કે ચોથી વ્યક્તિના સેલફોન કે લેપટોપ-કોમ્યુટરમાં તે હાજર છે. તેના કારણે ‘અતિ’ની સમસ્યા શરૂ થઈ છે, જે હજુ વધવાની છે. દુનિયામાં જેટલી વ્યક્તિઓ છે, તેટલા અભિપ્રાયો હોવાના. અગાઉ વ્યક્તિ તે અભિપ્રાયો લખીને રજૂ કરી શક્તી તો તે અખબારોમાં તંત્રીને પત્રમાં લખીને મોકલતી. લખવા સક્ષમ ન હોય, તો જે-તે છાપાની ઑફિસે જઈને વાત કરતી. પણ હવે ‘અતિ’ સરળીકરણના કારણે તે સોશિયલ મીડિયામાં લખવાનું, જણાવવાનું શરૂ કરી દે છે. ફાયદા ઘણા છે પણ ડેન્જર ઝોન પણ છે. દરેક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા વિશે એલફેલ લખવા મંડે છે. આ અતિમાં સારું, ક્વૉલિટીવાળું શું છે તે શોધવું અઘરું થઈ પડે છે. દરિયો છે, દરિયામાંથી મોતી શોધવા જેવી વાત છે આ.

ઉપર જે ટેક્નિકલ, ‘દરેક વસ્તુ ઘરબેઠા મળે છે’ની વાત કરી તેમાં તો હજુય ઘણો ‘વિકાસ’ થવાનો બાકી છે. આઈઆઈટીમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ દ્વારા નવી એપ્સ બનાવી રહ્યા છે. કચ્છ સુધી આ બધું આવી જ રહ્યું છે. ડીમાર્ટ, બ્રાન્ડ ફેક્ટરી, બીગ બજાર, આ બધા નમૂનાઓ છે શહેરીકરણથી આગળના સ્ટેપના. આમાં ક્યાંય ખોટું નથી, પણ અમદાવાદ જેવા મેગાસિટીમાં રહેનારો વ્યક્તિ એમ કહે છે કે, મારે ગામડામાં રહેવું છે. ગામડા જેવી મજા અહીં નથી. ફ્રેશ થવા ત્યાં જવું જ પડે; અને ગામડા શહેર બની રહ્યા છે! ત્યાં શહેર જેવી સગવડો આવી રહી છે. તો પછી એક દિવસ એવો આવશે કે જ્યારે ગામ રહેશે જ નહીં.

પહેલા માણસ કામ કરતો એટલે શરીર થાકતું. કામ ઓછું થયું એટલે શરીરને થકવવા જિમ આવ્યા. આજે કાનમાં ઈઅર ફોન અને પગ યંત્ર ઉપર ચાલે છે. પહેલા નારંગી ખાતા, આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં ઓરેન્જ જ્યુશ પીવે છે! પહેલા ગાયનું દુધ હતું આજે કોથળીનું દુધ પીવાય છે! ‘વિકાસ’ની હરણફાળમાં ઓરિજિનાલીટી ખોવાઈ રહી છે- અને આ બધી વાતો તો બહુ જૂની કહેવાય એવી છે. હાલ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલું આગળ વધી ગયું છે કે, માણસને પ્રેમ કરે તેવા મશીનો શોધાઈ રહ્યા છે, બનાવાઈ રહ્યા છે! મોબાઈલમાં જે પૂછીએ તેનો જવાબ આપતી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ‘સિરી’ કે ‘બીક્સબી’ શું છે? અંગ્રેજીમાં ‘હર’ નામની એક સાયન્સ ફિક્શન ફિલ્મ બની હતી, જેમાં એક એકલોઅટૂલો માણસ આવી વર્ચ્યુઅલ ટેકનોલોજીની પેદાશ ફિમેલ વૉઈસના પ્રેમમાં પડી જાય છે. અને અંતે તેનાથી છૂટા પડતા ભયંકર દુઃખ અનુભવે છે! ગયા અઠવાડિયે ‘સર્ચિંગ’ નામની મૂળ હૈદરાબાદના સત્યાવીસ વર્ષના યુવાને એક અદભૂત અને અનોખી અમેરિકન થ્રિલર ફિલ્મ બનાવી, જે ઓલમોસ્ટ ફેસબુક, ફેસટાઈમ, યુ-ટ્યુબ, વગેરેની આસપાસ પૂરી થઈ જાય છે! એટલે કે આખી ફિલ્મ દરમિયાન તમને પડદા પર ડિજિટલ સ્ક્રિન જ દેખાય છે ! આ તો કંઈ નથી, ઈટલીમાં ગયા અઠવાડિયે અદ્દલ સ્ત્રી જેવી લાગતી ઢિંગલીઓનું કૂટણખાનું ખૂલ્યું છે! અને ત્યાં પહેલા જ દિવસે હાઉસફૂલના પાટીયા લગ્યા હતા! આ અધધધ ‘વિકાસ’માં પ્રેમ ખોવાયો છે કે શું? સાધનો વધતા શાંતિ અદ્શ્ય થઈ ગઈ છે કે શું? કે પછી એટલે જ શાંતિની શોધ માટે બધી વસ્તુઓના ત્યાગની વાતો આપણા વડવાઓ કરી ગયા છે?

***

 દરરોજ કંઈક ને કંઈક નવી શોધ થાય છે. દેખતા ન હોય તેને બહુ જ ફાયદો થાય તેવા ગ્લાસિસ શોધાયા છે. ચહેરાના દરેક પ્રકારના રંગ માટે મેક-અપ કિટ શોધાઈ છે. અહીંની વાત કરું તો ડબ્બામાં બંધ પાવડરને પાણીમાં ભેળવીને દુધ બનાવવામાં આવે છે, જે અદ્દલ ગાયના દુધ જેવું જ લાગે છે. હવે આપણે ઉપયોગ કરીએ છીએ તે મોટાભાગની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તે રિસર્ચ લેબમાં બને છે. હાલ લેબમાં એવા માસ પર સંશોધન ચાલી રહ્યું છે, જેનાથી કોઈ પશુનો જીવ નહીં લેવો પડે. તે આભાસી માસ એવું હશે જે ખાવાથી નોન-વેજિટેરીયનની ભૂખ સંતોષાશે! પશુઓ અને પર્યાવરણની રક્ષા માટે આ શોધ ચાલી રહી છે.

દરેક વસ્તુનો વિકલ્પ શોધાઈ રહ્યો છે. અવેજીની જગ્યા ભરાઈ રહી છે. માણસની બદલે મશીન કામ કરે છે. ભવિષ્યમાં એવું થશે કે રિસર્ચ લેબમાં મનુષ્યનું નિર્માણ કરવામાં આવશે! પણ પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પ્રેમ, સ્નેહ અને હૂંફની તાતી જરૂર છે તેનું ઉત્પાદન ક્યાં થશે?

 

*જે બાત!*

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ના રોજ જન્મેલા વરિષ્ઠ પત્રકાર અને દિગ્ગજ કવિ-સાહિત્યકાર એવા ભગવતીકુમાર શર્મા ગયા બુધવાર, ૫ સપ્ટેમ્બરે વિદાય લઈ ગયા. તેમને વંદન)

 @Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date:12-09-2018

darek vastuo na vikalp... 12-09
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 12 -09-2018

0 comments on “દરેક વસ્તુઓના વિકલ્પ શોધાઈ રહ્યા છે…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: