Movies Review

લૈલા મજનુ

Rating: 2.9 Star

‘જગ મે જગ સા હોકર રેહ તુ

સુનતા રેહ બસ કુછ ના કેહ તું

બાતેં, પત્થર, તાને, તોહમત

હો હમસા હોંકર હસ કે સેહ તું…

શોર ઉઠા, ઘનઘોર ઉઠા ફિર ગૌર હુઆ…

હર દર્દ મીટા હર ફર્ક મીટા મૈં ઔર હુઆ…’laila-majnu-to-release-on-7th-september-poster-

નીલાદ્રી કુમારના શાસ્ત્રીય સંગીત અને ફ્યુઝનથી મઢેલું અને મોહિત ચૌહાણના અવાજમાં ગવાયેલું અને ઈર્શાદ કામિલે લખેલું આ ગીત ‘લૈલા મજનુ’ના છેલ્લા પડાવમાં વાગે છે. ગીત ફાસ્ટ છે. અભિનેતા અવિનાશ તિવારી દર્દને પાર જઈને, કલ્પનાને વાસ્તવિકતા સમજીને, ઈંતઝારની હટ વટાવીને નાચે છે. અને તમે ગીતના શબ્દો ધ્યાનથી વાંચો, જાણે, ઈમ્તિઆઝ અલીનો રોકસ્ટાર હાઈવે પર તમાશો કરી રહ્યો છે..!

ઈમ્તિઆઝ અલી ઈઝ બૅક વિથ સ્ક્રિપ્ટ!

-એકચ્યુઅલી, હાફ સ્ક્રિપ્ટ! કેમ કે, ઈમ્તિઆઝ અલી અને તેના નાના ભાઈ સાજિદ અલીએ સાથે મળીને ‘લૈલા મજનુ’ લખી છે. સાજિદ અલીએ ફર્સ્ટ ટાઈમ ડિરેક્શન સંભાળ્યું છે. વર્ષો પહેલા કહેવાઈ ચૂકેલી અને ત્યારથી આજ સુધી જૂદી-જૂદી રીતે તથા ભાષામાં કહેવાતી રહેલી પર્શિયલ દંતકથા ‘લૈલા અને મજનુ’થી આપણે સૌ વાકેફ છીએ. હિર-રાંઝા, શિરી-ફરહાદ, રોમિયો-જૂલિયેટ, સોની-મહિવાલ વગેરેની જેમ લૈલા અને મજનુ પ્રેમમાં પડે છે, જાલિમ જમાનો નડે છે, બેઉનો પ્રેમ અંસતુષ્ઠ રહે છે અને બેઉ અમર થઈ જાય છે! (અસંતુષ્ઠતામાંથી જ અમરતા સર્જાય છે?!)

-વાર્તા સૌ જાણે છે. ઈશ્કઝાદે, રામ લીલા, ઈશક આ બધી રોમિયો-જુલિયેટ પર આધારિત સ્ટાર ક્રોસ્ડ-લવર્સ વાર્તાઓ હતી. દરેકની કહેવાની રીત જૂદી-જૂદી હતી, એક્ઝિક્યુશન અલગ હતું. ‘સૈરાટ’ આમ આ બધાથી અલગ પણ આમ ક્યાંક અડીને પસાર થઈ જાય છે. પરંતુ તેની ફીલ સૌથી કુદરતી હતી. તે સમાજ પર ધારદાર તમાચો હતી.

ચપટીક વાર્તા

અહીં બૅકગ્રાઉન્ડ કશ્મિરનું છે. લૈલા(ત્રિપ્તી દીમરી) નામક આકર્ષક અને મોહક છોકરી છે, જેના પાછળ શ્રીનગરની ગલીઓના મૂંડાઓ લટ્ટુ છે. તે કૉલેજ જવા નીકળે ત્યારે છોકરાઓને લલચાવતી જાય. ગામમાં જ લૈલાના પિતા મસૂદ(પરમીત શેઠી)ના દુશ્મન સરવાર(બેન્જામીન ગિલાની)નો દીકરો કેય્સ બટ્ટ(અવિનાશ તિવારી) ફરે છે. રખડુ છે, ગામમાં તેને લોકો તોફાની અને લંપટ તરીકે ઓળખે છે. પૈસાદાર બાપનો પૈસા ઉડાડનાર છોકરો છે.

લૈલા અને કેય્સ મળે છે. આપોઆપ પ્રેમમાં પડે છે. કેમ કે, બકૌલ ઈમ્તિઆઝ અલી; ફિલ્મમાં બકૌલ કેય્સ, ‘હમારી કહાની લીખી હુઈ હૈ. યે ગાંવ, ગાંવ કે લોગ યા હમ ભી ઈસે નહીં બદલ શક્તે!’ બેઉ ફોન પર વાતો કરે છે. એક દિવસ સાથે હોય છે ત્યારે લૈલાના પિતા તેને જોઈ જાય છે અને…

 પ્રેમ છે, પ્રેમની પરિભાષાઓ છે, દર્શાવવાના તરિકાઓ છે…

-લૈલા મજનુની વાર્તા છે. આખી વાર્તા જે જાણે છે તેમને અંત ખબર છે. નથી જાણતા તેમને પણ ફિલ્મના ટૉન પરથી તેનો અંદેશો આવી જ જાય છે. સાજિદ અલી આખી ફિલ્મમાં માથે તોળાતો ભય, બે પ્રેમીઓ સુખી નહીં થઈ શકેની ફિલ આપવામાં સફળ થયા છે. ફિલ્મનો બૅકડ્રોપ અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એ રીતે સેટ થયા છે કે, હૅપી સીન્સમાં પણ અનિશ્ચિતતાનું ટેન્શન રહ્યા કરે! પાછું આમા ભળે ઈમ્તિઆઝ અલીનું લેયર્ડ રાઈટિંગ. પ્રેમની જૂદી-જૂદી પરિભાષાઓ, યુ નો!

-લૈલા મજનુની વાર્તા ડ્રામેટિક કરતા ટ્રેજિક વધારે છે. જેમાં મેલોડ્રામા ભયંકર હોવાનો, પરંતુ અહીં અલી બ્રધર્સે પ્રમાણમાં અતિરેક થયા વિના તે દર્શાવ્યો છે. હા, પાછલા દ્રશ્યોમાં અવિનાશ તિવારીનું ગાંડપણ ઘણાને ઑવર લાગી શકે. કે પછી બે પ્રેમિઓ વચ્ચેના દ્રશ્યો. પણ તે ઈમ્તિઆઝની ફૅન બ્રિગેડને ગમવાના. કેમ કે, ‘વિચિત્ર લાગે છે’ અને ‘આવું કેમ થાય છે’ પ્રકારના વિચારો તો ‘રોકસ્ટાર’ જોતી વખતે પણ ઘણાને થયેલા. અહીં ફાયદો એ છે કે, વુડન એક્ટર નરગિસ ફખરી નથી, ત્રીપ્તી દિમરી છે. તેની એક્ટિંગ પ્રમાણમાં સારી છે. સ્ટાર્ટિંગમાં તેના ઉચ્ચારો થોડા અલગ લાગે છે, સેટ થતા વાર લાગે છે પણ પછી જોવી ગમે છે.

કશ્મિર એક્સન્ટ સાથે અદભૂત અભિનય કર્યો હોય તો તે ઈબાન બનતા સુમિત કૌલે. સ્વાર્થી, દ્વેષી, ચુગલીખોર, વગેરે વગેરે વિશેષણો ભેગા કરો તોય આ પાત્રને જસ્ટિફાય ન કરે એટલો ખરાબ તેને દર્શાવ્યો છે. અને તે કન્વિન્સિગ લાગે છે, પ્યોર કાશ્મિરી લાગે છે. લૈલાના બાપ તરીકે પરમીત શૈઠી અને મજનુના બાપમાં ગીલાની સાહેબ બરાબર છે. ગીલાનીના ફાળે સ્ક્રિન પ્રેઝન્સ ઓછી છે.

હવે ફિલ્મનો હિરો, મજનુ. વેલ તેને ‘મજનુ’ તરીકેનું ઉપનામ પછીથી મળે છે. જ્યારે તે પ્રેમમાં લીટરલી ‘પડે’ છે. ‘આગ કા દરિયા હૈ ડુબ કે જાના હૈ!’ પ્રકારનું તેની સાથે થાય છે. અવિનાશ તિવારીએ તેના અવાજ જેવી દમદાર એક્ટિંગ કરી છે. તેનો સેકન્ડ હાફમાં દુઃખી આશિકવાળો લૂક હોય કે શરૂઆતમાં પ્રેમિનો, બેઉમાં તે જામે છે. ફિલ્મ આગળ વધતા ધીમે ધીમે તેનું પાત્ર, ઈમ્તિઆઝની અગાઉની ફિલ્મોની જેમ, ‘ખૂલ્લે’ છે. કંઈક શોધે છે. મથે છે.

2016માં ‘તું હૈ મેરા સંડે’ નામની બે કલાકની ફિલ્મમાં દેખાયેલા અવિનાશે પૂરતા પ્રયત્નો કર્યા છે. ઈન્ટરવલ પછી ઉપર લખ્યું તે, ‘હાફિઝ’ સૉન્ગ પર તેને તૂટતા હૃદયે નાચતા જોવાની મજા પડે છે. ‘રણબીર કપૂર હોત તો…’ પ્રકારનો વિચાર મગજમાં આવી જાય!

-આ ફિલ્મ જોઈને વિચારો ઘણા આવે. અહીં ‘રોકસ્ટાર’ છે, ‘તમાશા’ છે. એટલે કે પુનરાવર્તન છે, જેના માટે ઈમ્તિઆઝ સાહેબ જાણીતા છે! સમાજ સામેનો આક્રોશ છે. એક સિન છે, જેમાં મવાલી-શરાબી-દુષ્ટ પતિ મરી ગયો છે ત્યારે તેની પત્નીને રડીને દુઃખ હળવું કરવાની સલાહ આપવામાં આવે છે. તે પ્રાર્થનાસભામાં બેઠી છે, ના પાડી દે છે! નથી રડવું! એક સિનમાં નાયક કહે છે, ‘આ કેમ બધી જગ્યાએ ગામ આવી જાય છે. ગામો નથી જોઈતા…’

મજનુની માશુકા વાળો ફૅમસ પ્રસંગ ફિલ્મમાં સ-રસ રીતે ફિલ્માવાયો છે. 12-15 માણસો નમાઝ પઢે છે. મજનુ તેની માશુકા સાથે વાતો કરે છે. પેલાઓને ડિસ્ટર્બ થાય છે. મજનુને મારે છે. મજનું કહે છે કે, તમે તમારી બંદગી કરો છો. હું મારી માશુકા સાથે વાત કરું છું. મને ડિસ્ટર્બ ન થયું તો તમને કેમ થયું! મારી માશુકા સાથે વાત કરવી તે બંદગી જ છે.. અવિનાશ તિવારી આ તમામ કૉમ્પલેક્સ દ્રશ્યોમાં નિરાશ નથી કરતો. કેમ કે, અહીં બધામાં ઑવર થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. ‘જબ હેરી મેટ સેજલ નથી થયું’ ટૂંકમાં.

-મુકેશ છાબરાએ કરેલું કાસ્ટિંગ પરફેક્ટ છે. અલી બંધુઓને બે નવા ચહેરાઓ જ જોઈતા હતા. બેઉ રૂપાળા ફ્રેશ ચહેરાઓ પડદા પર જોવા ગમે છે. કાસ્ટિંગ એટલું સારુ છે કે, ફિલ્મમાં વચ્ચે વચ્ચે સિનની ઈન્ટેન્સિટી અસહ્ય થઈ જાય તો પણ પાત્રો વિશ્વસનિય લાગે છે. બહુ ઓછી વખત ‘વધારે પડતું થઈ ગયુ હોય’ તેવું લાગે છે!

તકલીફો

માઈનસ પૉઈન્ટ કહી શકાય કે, એક જ વાર્તા કેટલી વાર? ઈમ્તિઆઝ અલીના ફૅન્સ સિવાયનાને કદાચ જરાય મજા ન પણ આવે. ‘તમાશા’ વખતે થયેલું એવુ થઈ શકે. આ યુઝઅલ લવસ્ટોરી કે એન્ટરટેનમેન્ટ નથી. થોડી થોડી વારે લેયર્ડ ડાયલૉગ્સ આવી જાય. એક દ્રશ્યમાં નાયક બોલે છે, ‘દુનિયા હૈ, દુનિયાદારી હૈ, ડિવોર્સ હૈ, ઈંતઝાર હૈ…’ આ સિન જોઈને દર્શકો વચ્ચે બેઠેલા મજનુઓ સમરકંદ બુખારા ઓવારી જાય! બીજું એ કે, ફિલ્મમાં જે લવસ્ટોરી દર્શાવવાની છે તે મહાન છે. પરંતુ તેની શરૂઆત અનનેચરલી થાય. બેઉ ઝટ પ્રેમમાં પડી જાય. ઘણાના ગળે આ વાત નહીં ઉતરે. છોકરો છોકરી પાછળ ભમે, બેઉ ઝઘડે અને પ્રમમાં પડી જાય! આના કરતાં સાઉથની ફિલ્મોમાં થતો પ્રેમ વધારે કન્વિન્સ લાગે. એ દુલકરની ‘કલિ’ હોય, ધનુષની ‘3’ હોય કે પછી અદભૂતમ ફિલ્મ ‘પ્રેમમ’ હોય. ‘પ્રેમમ’માં તો ત્રણ ત્રણ વખત નાયક પ્રેમમાં પડે અને આપણે ત્રણેય વખત માની જઈએ!

અહીં વાર્તામાં ઘણી જગ્યાએ લૉજિકનું બાળમરણ થતું લાગે. પણ સ્ટોરી તો લખાયેલી છે, એટલે એમ જ ચાલશે એવું માની લેવાનું! પ્રેમમાં લૉજિક થોડી હોય!

ઈમ્તિઆઝ અલી…

-‘પર્વતોને પેલ્લે પાર મને જવું છે. આપણી વાર્તા લખાયેલી છે. પૈસા નથી જોઈતા, કશું જ નથી જોઈતું. બધી જગ્યાએ લૈલા છે. હવે લૈલાની જ જરૂર નથી ’ આ તમામ સંવાદો વખતે ઈમ્તિઆઝ અલીનો સ્પાર્ક જણાય. વિધ્વંશ કરનારો પ્રેમ, વિનાશકારી પ્રેમ; પ્રેમિઓ સહિત બધું જ ખતમ થઈ જાય પણ પ્રેમ… ‘પ્રેમ’ બચશે. તે જીવશે. ‘રોકસ્ટાર’માં બેઉ પ્રેમીઓ એકબીજાને ગળે મળે છે. કે પછી ‘તમાશા’ના ગીત વખતે પરાણે દિપીકા રણબીરને વળગે છેઃ આવા એકાદ બે સિન્સ અહીં છે. પ્રેમની વ્યાખ્યાઓ અઢળક છે. તેના તરિકાઓ ચિક્કાર છે. ઈમ્તિઆઝભાઈ નવી નવી રીતે તે પેશ કર્યા કરે છે. મૌજ છે!

મ્યુઝિકઃ દમ હૈ!

-હિતેશ સોનિકનો બૅકગ્રાઉન્ડ સ્કૉર સ-રસ છે. સાયક ભટ્ટાચાર્યએ કશ્મિર મજાનું કંડાર્યું છે. ખાસ ‘ઓ મેરી લૈલા’ ગીત વખતે. એક્ઝોટિક લૅન્ડસ્કૅપ શૉટ્સ! આતિફ અસલમ અને જ્યોતિકા તંગ્રીએ ગાયેલી આ મેલૉડીમાં સિનેમેટોગ્રાફી ઉપરાંત એનર્જી, કોરિયોગ્રાફી અને ખાસ તો અવિનાશ તિવારીનો ડાન્સ; આહા! સુપર્બ છે! બાકી, નિલાદ્રી કુમાર અને જોય બરુઆના ગીતો મ-જા-ના છે. ખાસ ‘હાફિઝ હાફિઝ’ અને કહ્યું એમ, ‘ઓ મેરી લૈલા’. ‘હાફિઝ’ સૉન્ગમાં સાથે કશ્મિરી ફૉક એડ કરવામાં આવ્યું છે, જેને વૉકલ અર્જુન નાયર અને સાજિદ અલીએ આપ્યું છે. તે ટ્યુન કૉલર ટ્યુન બની શકે તેટલી સ-રસ છે.  બાકીના ‘તુમ’ અને ‘આહિસ્તા આહિસ્તા’ શાંતિથી સાંભળવા ગમે તેવા છે.(ઈર્શાદ કામિલ છે એટલે ‘રોકસ્ટાર’નું ‘તુમ હો’ યાદ આવે) ફર્સ્ટ હાફ સુધીમાં ચાર ગીતો આવી જાય છે. કુલ 10 ગીતો છે આમ તો, પણ નરેશનમાં બહુ ખુંચતા નથી.

જોવી કે નહીં?  

વાર્તા એ જ છે. કહેવાની રીત થોડી જૂદી છે. કલાકારો નવા છે. મ્યુઝિક કર્ણપ્રિય છે. સો, ઈમ્તિઆઝ અલીના વિશ્વસનિય અને વફાદાર ફૅન્સમાં તમારો સમાવેશ થતો હોય તો તમને આ ફિલ્મ ગમશે. બાકી પુનરાવર્તન લાગી શકે છે. કંટાળાજનક પણ લાગી શકે છે. અને ઑવર પણ લાગી શકે છે! યોર ચોઈસ!

@Parth Dave

 

0 comments on “લૈલા મજનુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: