Movies Review

પલટન

બેરંગી જંગ

Rating: 2.3 Star

 ‘બૉર્ડર’ ફૅમ જે.પી. દત્તાની ‘પલટન’ શરૂઆતની 10 મિનિટ બાદ જ ટ્રૅક પરથી પલટી ખાઈ જાય છે, તે અંતની પંદરેક મિનીટ પૂરતી સીધી થાય છે પણ ત્યાં સુધી લેટ થઈ ચૂક્યું હોય છે. ભારતના બહાદૂર જવાનો જે ’67માં ભારત-ચીન વચ્ચે નાથુ લા ખાતે થયેલી અથડામણમાં લડ્યા હતા, શહીદ થયા હતા, તે ઘટના મોટા પડદા પર જોવાની ઈચ્છા હોય તો બહુબધી નબળાઓ અને ખામીઓને પચાવીને, પોતાના જોખમે ટિકીટ ખરીદી શકો છો.

ફિલ્મના આકંઠ રસિયા હોવાના કારણે આજે પણ યાદ છે કે, 26મી જાન્યુઆરી 2001ના રાતના કોઈ ચેનલ પર ‘બૉર્ડર’ ફિલ્મ આવવાની હતી. એ વખતે થિટએરમાંથી ઝટ ઉતરીને ઝટ ટીવી પર ફિલ્મો નહોતી આવતી. ‘બૉર્ડર’ને રિલીઝ થયે 4 વર્ષ થયા હતા અને વર્લ્ડ ટીવી પ્રિમિયર જેવું કંઈક હતું પણ ભૂકંપ આવ્યો અને તે જોવાનું કૅન્સલ થયું. એ દિવસે ભૂકંપના સૌથી અસરગ્રસ્ત વિસ્તારમાં ટેન્ટમાં સૂpaltanતા-સૂતા પણ એ વિચાર આવતો હતો કે, ‘‘બૉર્ડર’ ફિલ્મ મિસ થઈ ગઈ!’ ‘બૉર્ડર’ નું નામ આવતા સની દેઓલ, સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્ના આંખો સામે દેખાવા લાગે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ’71ના યુદ્ધ પર આધારિત મોસ્ટ ઈમ્પૅક્ટફૂલ વૉર ફિલ્મ ઑફ ઈન્ડિયા હતી એ. ત્યાર પછી 2003માં આખી સ્કુલ સાથે વાહિયાત ‘LOC’ જોવા ગયા અને ‘આવી આવી ગાળો હોય’ પ્રકારની વાતો કરી હતી! આ બેઉ ફિલ્મના ડિરેક્ટર મિસ્ટર જ્યોતિ પ્રકાશ દત્તાએ ભારત-ચીનના ’62ના યુદ્ધ બાદ 1967માં નાથુલા અને ચો લા ખાતે થયેલી ભારત-ચીનના આર્મી જવાનો વચ્ચેની લોહિયાળ અથડામણ મોટા પડદા પર રજૂ કરી છે.

ફિલ્મની સ્ટાર્ટિંગમાં દર્શાવવામાં આવે છે કે ’62ના યુદ્ધમાં ઘણા ભારતીય જવાનો શહીદ થયા હતા, ભારતે હાર ખમી હતી અને તેનો વળતો જવાબ 5 વર્ષ બાદ જવાનોએ બહાદૂરીથી આપ્યો હતો. આ આપેલો ઐતિહાસિક જવાબ હાંસિયામાં ધકેલાઈ ગયો છે, મોટાભાગના ભૂલી ગયા છે અથવા તેમને ખબર નથી. તે ભૂલાઈ ગયેલા હિરોની આ ફિલ્મ યાદ અપાવે છે.

ફિલ્મની શરૂઆતમાં ’62ના યુદ્ધની ઝલક દર્શાવવામાં આવે છે. શહીદોને નમન કરવામાં આવે છે અને પછી સીધા ’67માં ઠેકડો મારવામાં આવે છે, જ્યાં લેફ્ટનન્ટ કર્નલ રાયસિંહ યાદવ(અર્જુન રામપાલ) વિચિત્ર અંગ્રેજી એક્સન્ટમાં મેજર જનરલ સગતસિંહ(જૅકી શ્રોફ) સાથે નાથુ લામાં કમાન્ડિગ ઑફિસર તરીકેની પોતાની પોસ્ટ વિશે વાત કરે છે. આપણે ઉતાવળે બનાવેલી કોઈ અંગ્રેજી ડબ્ડ ફિલ્મ જોતા હોઈએ તેવી ફીલ થાય છે! (ના, જૅકીને જોઈને ‘બૉર્ડર’ જરાય યાદ નથી આવતી!) આ કર્નલ રાયસિંહની અન્ડરમાં છે મેજર બિસન સિંહ(સોનુ સૂદ) અને તેની અન્ડરમાં છે કેપ્ટન પૃથ્વીસિંહ દગાર(ગુરમીત ચૌધરી), મેજર હરભજનસિંહ(હર્ષવર્ધન રાણે), લેફ્ટન્ટ અત્તારસિંહ(લવ સિંહા) અને હવાલદાર લક્ષ્મીચંદ( અભિલાશ ચૌધરી). પરાશર(સિદ્ધાંત કપૂર) નામનો આર્મીમૅન દુભાષિયા તરીકે છે. તમામ નામોલ્લેખ કરવાનું કારણ એ કે, આ બધા રિઅલ નામો છે. આ તમામ બહાદૂરીથી ચિનાઓ સામે લડ્યા હતા અને આમાના કેટલાક એ વખતે શહીદ થયા હતા. દેશભક્તિથી છલોછલ વૉર ફિલ્મ બનાવવા માટે જાણીતા જે.પી.દત્તાની ‘પલટન’નો પ્લસ પૉઈન્ટ એકમાત્ર આ આ નામો ફરી લોકો યાદ કરશે એ ગણી શકાય!

‘પલટન’ના ડિરેક્ટર ઉપરાંત સ્ક્રિનપ્લે તથા સ્ટોરી રાઈટર પણ જે.પી દત્તા જ છે. તેઓ ફરી તેમની મૂળ સ્ટાઈલમાં પાછા ફર્યા છે, જેમાં દરેક જવાનની એક બૅકસ્ટોરી હોય. બૅકસ્ટોરીમાં લીલાછમ ખેતરો અને પંજાબ હોય. ચિઠ્ઠી આવે, જવાન વાંચી સંભળાવે, દેશભક્તિથી ફાટફાટ રાજપુતાના અને સિખ-રાઈફલ્સ અને વાઈડ એન્ગલ લૅન્ડસ્કેપ શૉટ્સ હોય; આ બધું જ અહીં  છે પણ સ્પાર્ક વિનાનું. શરૂઆતની પંદરેક મિનિટ બાદની 100 મિનિટ સુધી મોટાભાગનું પુનરાવર્તન જ થયા કરે છે! અને દમ વગરનું હોવાથી બૅકસ્ટોરી નેરેટિવમાં કંઈ ઉમેરવાને બદલે માત્ર ફિલ્મની લંબાઈમાં વધારો કરે છે! જે.પી સ્ટાઈલમાં જવાનો વચ્ચેનો બ્રૉમાન્સ અહીં સખત મિસિંગ છે. તેનું કારણ જોકે ડાયરેક્શન ઉપરાંત કલાકારોની એક્ટિંગ પણ છે! આ બધાના કારણે સીટમાં ખોળાઈને એકીધ્યાને વૉર ફિલ્મ જોવાનું જે વાતાવરણ બનવું જોઈએ તે અંત સુધી નથી બનતું.

ફિલ્મના અમુક દ્રશ્ય જોઈને એ જ વિચાર આવ્યો જે ટ્રેઈલર જોઈને આવ્યો હતોઃ આ કોઈ ડેપ્થ વિનાની ઉતાવળે બની ગયેલી ફિલ્મ છે! બેશક, રિઅલ લોકેશન પર શૂટ થયું હોવાથી 1965-67 જેવું જરૂર લાગે છે પરંતુ તે ટકતું નથી. (ફિલ્મ લડાખમાં શૂટ થઈ છે) યુદ્ધ અનુરૂપ જે તણાવ, જે ટેન્સ સિચ્યુએશન ક્રિએટ થવી જોઈએ તે અહીં નથી થતી. ઉપરાંત હસવું છૂટી જાય અને દયા આવી જાય તેવા ડાયલૉગ્સ છે. ફિલ્મમાં જવાનો કહેવત પર કહેવત એકબીજાને કીધા કરે છે, ખાસ કરીને સોનુ સૂદ. દા.ત. તેનાથી નીચી પાયરીનો જવાન તેને પૂછે કે, આ હથિયાર કેમ તમે ખભા પર ઉપાડ્યા છે? તો ભાઈ હથિયાર કે જવાબ આપવાના બદલે કહેવત બોલેઃ હથિયાર એ સોલ્જરનું એક અંગ છે. તેનું વજન થોડી લાગે?! આ સોનુ સૂદનો પહેલો ઈન્ડ્રોડક્ટરી સિન છે. આ કદાચ કોઈ સહન કરી પણ લે, પરંતુ પછી તે આખી ફિલ્મમાં આવું જ બોલ્યા કરે છે. સિખ જવાન જેને ‘કૉમન’ શબ્દનો અર્થ ખબર નથી તે અન્ય અંગ્રેજી વાક્ય અટક્યા વગર બોલી નાખે છે! ડાયલૉગ્સ જે.પી દત્તાએ જ લખ્યા છે. ફિલ્મમાં યુદ્ધ કે કોઈ એક્શનથી વધારે ડાયલૉગ્સ છે. અર્જુન રામપાલ એક પછી એક કેમ્પમાં જઈને પૂછે છે, ‘ચીનીઓ કી કોઈ હરકત?’ (તો ચીનીઓ સિવાય ત્યાં બીજું કોણ છે?!) ડાયલૉગ્સને લઈને આવા ભગા ઘણા છે. અમુક દ્રશ્યો પણ વિઅર્ડ બની ગયા છે. જેમ કે, એક દ્રશ્યમાં દરેક જવાનો વૉલેટમાં રાખેલા પરિવારના ફોટા જૂએ છે, એકોએક જવાનો હો! એકમાં બે જવાનો શક્તિ પ્રદર્શિત કરતા બરફ વચ્ચે પોતાની ઉઘાડી છાતી પર બરફ લગાવે છે! કેરેક્ટરાઈઝેશન ભયંકર ખરાબ છે. ઈવન, તેમની બૅકસ્ટોરી પણ અચાનક આવી જાય છે અને તે મૉન્ટાજ શૉટ્સ પણ રિઆલીટી શોઝના સ્પર્ધકની દુઃખભરી સ્ટોરી હોય તેવા ટિપીકલ લાગે છે. શત્રુધ્ન સિન્હાનો છોકરો લવ સિન્હા ભૂલી જવાય તેવો છે.  શક્તિ કપૂરનો દિકરો સિદ્ધાંત કપૂર આરામથી ભૂલી જવાય તેવો  છે. પૃથ્વિસિંહ દગાર તરીકે ગુરમીત ચૌધરી થોડો યાદ રહે તેવો છે. મેજર હરભજનસિંહ તરીકે હર્ષવર્ધન રાણેએ લાઉડ છતાં થોડું સારું પરફૉર્મ કર્યું છે. આ પાત્ર પણ મજાનું હતું. સૂદ જરાયે સુટ નથી થતો. રામપાલ રાડો પાડે છે ત્યારે બિચારા જેવો લાગે છે! આ બધાની પત્નીઓ અને ગર્લફ્રેન્ડમાં ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ તથા સિરીયલની અભિનેત્રીઓ દિપીકા કકર અને મોનિકા ગિલ છે. આ ઉપરાંત જેટલા પણ ચાઈનીઝ કૅરેક્ટર છે તે તમામ કૅરિકેચરિશને પણ શરમાવે તેવા છે, જે દર થોડી થોડી વારે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ કર્યા કરે છે. કાર્ટૂન વાપરી લેત તો પણ ચાલત!

ફિલ્મના બે સિન સ-રસ છે. પહેલું, પડદો ખૂલતા જ આવે છે જેમાં ટપાલી ’62ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના એક પછી એક ઘરે જઈને તેમના પરિવારજનોને સમાચાર આપે છે. ટપાલી આગળ નીકળતો જાય છે અને પાછળ રડવાનો અવાજ આવતો જાય છે. આ વન ટેક શૉટ છે. આ સિન બાદ ટાઈટલ આવે છે. બીજું, ફિલ્મની એક માત્ર અંતે આવતી એવરૅજ બૅટલ સીક્વન્સ છે. તેના પછી આવતું સોનું નિગમે ગાયેલું અને જાવેદ અખ્તર લિખીત ‘મેં ઝિંદા હું’ સૉન્ગ સાંભળવું ગમે છે. એ ગીતમાં જે.પી દત્તાએ પોતાનું ઈમોશનલ વેપન બહાર કાઢ્યું છે જે ઈફેક્ટિવ લાગે પણ છે પરંતુ ત્યાં સુધી ફ્લાઈટ ક્રેશ થઈ ચૂકી છે! અનુ મલિકનું મ્યુઝિક પણ ‘બૉર્ડર’ની યાદ તાજા નથી કરાવતું. ‘બૉર્ડર’માં બૅકગ્રાઉન્ડ સ્કૉર સ્વર્ગસ્થ આદેશ શ્રીવાસ્તવનો હતો. આ ફિલ્મમા સંજોય ચૌધરીનો છે. ઠિક છે.

જોવી કે નહીં?

સૌથી પહેલા ફકરામાં જે વાત કરી તે ‘બૉર્ડર’ ફિલ્મની અસરથી જોજનો દૂર ‘પલટન’ છે. લેખન બહુ જ નબળું છે. એટલું બનળું કે ‘પલટન’ ટાઈટલ હોવાથી ફિલ્મમાં ઈરાદાપૂર્વક ‘પલટન’ શબ્દ માથે મારવામાં આવ્યો છે, જરૂર ન હોય તો પણ. એકપણ વખત કોઈ જવાન ભૂલથી પણ ‘બટૅલ્યન’ નથી બોલતો! ‘બૉર્ડર’ ઓલમોસ્ટ ત્રણ કલાકની ફિલ્મ હોવા છતાંય તમે કંટાળતા નથી. આ તેનાથી વીસ મિનિટ ટૂકીં હોવા છતાંય લાંબી લાગે છે! પહેલી પંદરેક મિનિટ અને છેલ્લે આવતા યુદ્ધ વચ્ચેની આખી ફિલ્મ રિપીટિટિવ, ઓવર રિટન અને બોરિંગ છે.

તો, ’67નું ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ, તે લડેલા જાંબાઝ અને બહાદૂર જવાનો, શહીદો; આ બધું પડદા પર બહુબધી ખામીઓ અને નબળાઈઓ અવગણીને નહીં, પચાવીને જોવું હોય તો જોઈ શકાય! (અવગણી નહીં શકો!) એ યાદ રાખવું કે, વૉર ફિલ્મ તરીકેની મજા માત્ર અંતમાં થોડી વાર માટે આવે છે. જય હીંદ!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 08 September 2018)

paltan 08-09
Mid-day, Mumbai. Page No.-, Date: 08-09-2018

0 comments on “પલટન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: