ગુજરાતી સિનેમા Interviews

ગુજરાતી સંગીતકાર બેલડી કેદાર-ભાગર્વ

‘જો બેઉ સેમ લાઈન પર હંમેશ જતા હોઈએ તો બંનેની સાથે હોવાની જરૂર શું છે!’

kedar bhargav 2
ડાબે કેદાર ઉપાધ્યાય અને જમણે ભાર્ગવ પુરોહિત

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘નટસમ્રાટ’ હોય કે એ પહેલા આવેલી ‘શું થયું’ હોય, કે પછી આવતા અઠવાડિયે આવી રહેલી ‘વેન્ટિલેટર’ હોય, ગુજરાતી ફિલ્મો એક લેવલ મેન્ટેન કરીને બની રહી છે. ફિલ્મોના સ્તર મુજબ આપણને આજનું, મોર્ડન મ્યુઝિક પણ સાંભળવા મળી રહ્યું છે. અગાઉ ગુજરાતી ફિલ્મો પાસે અદભૂત સંગીતકારો હતા અને આજે નવા ઊગી રહ્યા છે. આજે જાણીતા સંગીતકારોમાં હાલમાં ચાલી રહેલી ‘શું થયું?’ તથા ‘પ્રેમજી: ધ વોરિયર’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’, ‘વાંઢા વિલાસ’ તથા ‘છુટ્ટી જશે છક્કા’ની સંગીતકાર બેલડી કેદાર-ભાર્ગવનું નામ મોખરે છે.

તેઓ ફિલ્મસંગીત ઉપરાંત મરીઝની ગઝલો પણ અલગ-વેમાં કમ્પોઝ કરે છે. બેઉ અચ્છા ગાયકો છે. ભાર્ગવ પુરોહિત ગુજરાતી ફિલ્મોના ગીતો પણ લખે છે. તો કેદાર ઉપાધ્યાય વ્યવસાયે આર્યુવેદ ડૉક્ટર છે, તેઓ ક્લિનિક પર મ્યુઝિક થેરાપી દ્વારા ઉપચારનું કામ કરે છે. બેઉ સાથે થયેલી વાતચીત અહીં પેશ છે.

બેઉ જણ સંગીત સાથે કઈ રીતે જોડાયા?

કેદાર ઉપાધ્યાય: મારા મમ્મી-પપ્પાને સંગીતમાં રસ હતો. એટલે કહી શકાય કે મારા લોહીમાં સંગીત છે. તે વારસાને હું આગળ ધપાવતો ગયો. કૉલેજમાં યુથ ફેસ્ટિવલમાં ભાગ લેતા, વધારે એક્સપોઝર મળ્યું. ત્યાર બાદ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂં થયું. જામનગરમાં આર્યુવેદનું ભણ્યો એ વખતે નાટકોમાં મ્યુઝિક આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ અમદાવાદ શિફ્ટ થયો અને તે દોર આગળ વધ્યો.

ભાર્ગવ પુરોહિત:  આમ તો સરખી જ વાત છે. ઘરમાં સંગીતનું વાતાવરણ રહેતું. પપ્પા હાર્મોનિયમ-તબલા વગાડતા. કાકા-ફઈ બધા ગાતા. પણ કોઈએ કરિયરની દ્રષ્ટિએ નહોતું વિચાર્યું. હા, દાદાએ ગીતો કમ્પોઝ કરેલા છે ખરા. તેઓ જૂની રંગભૂમિના કલાકારો સાથે ઘરોબો ધરાવતા. ..તો હું ઘરમાં સવાર-સાંજ સંગીત સાંભળીને મોટો થયો છું. મારા ગામ વેરાવળથી રિક્ષામાં જતો ત્યારે ફૂલ વૉલ્યુમમાં ગીતો સાંભળતો અને વિચારતો કે આ કમ્પોઝ કરવામાં કેવી મજા પડતી હશે! પછી તો કામ અર્થે અમદાવાદ આવવાનું થયું, કેદારભાઈ અને સરખા શોખ ધરાવતા મિત્રો મળ્યા અને આ ક્ષેત્રમાં આવી ચઢ્યો!

તમે બંને કઈ રીતે મળ્યા?

કેદારઃ અમે એકબીજા સાથે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ‘ઓરકૂટ’ થકી જોડાયા છીએ. ઓરકૂટમાં એ વખતે ‘ધબકાર’ નામનું એક ગ્રુપ ચાલતું હતું, જેમાં માત્ર શોખ ધરાવતા એટલે કે વ્યસાયિક રીતે સંગીત સાથે જોડાયેલા ન હોય તેવા લોકો હતા. ભાર્ગવ અને હું પણ એ ગ્રુપ થકી એકબીજાને મળતા થયા. એ વખતે તે મેનેજમેન્ટનું ભણતો અને હું આર્યુવેદનું. મિટીંગો વધતી ગઈ, શોખ વહેંચાતો ગયો અને સરખા ઈન્ટરસ્ટના કારણે મજાના મિત્રો બની ગયા.

 કેદારભાઈ, મ્યુઝિક થેરાપી વિશે થોડું કહો.

કેદારઃ હું જ્યારે જામનગર હતો ત્યારે મને મ્યુઝિક થેરાપી વિશે બહુ ખબર નહોતી. પણ મારા સાહેબ અર્પણ ભટ્ટ, જેમણે મ્યુઝિક થેરાપીમાં માસ્ટર કર્યું છે, તેમને ખબર પડી કે હું ડૉક્ટરનું ભણી રહ્યો છું અને મને મ્યુઝિકમાં રુચિ છે. તેમણે મને સૌથી પહેલી વખત ગાઈડ કર્યો, પોતાના પુસ્તકો આપ્યા અને મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ યોગ અને નેચરોપેથીમાં માસ્ટરનો કોર્સ કર્યો. મારો રિસર્ચનો વિષય મ્યુઝિક થેરાપી હતો. ‘વૃંદાવની સારંગ રાગની એસિડીટી પર થતી અસર’ આ વિષયનું મારું રિસર્ચ પેપર હતું.

બીજું, આજે અમે યુફોનિયસ હીલિંગ મ્યુઝિક થેરાપી ક્લિનીક એન્ડ રિસર્ચ સેન્ટર ચલાવીએ છીએ જેમાં દર્દીઓને મ્યુઝિક દ્વારા તેમના રોગો દૂર કરવામાં મદદ કરીએ છીએ. તેમાં હું, મારી સાથે ભુજના ડૉ. પાર્થ માંકડ તથા આરજે ધ્વનિત છે.

ભાર્ગવભાઈ, તમારી ગીતકાર તરીકેની જર્ની વિશે જણાવો.

ભાર્ગવ: આમ તો હું પહેલાથી જ કોમર્શિયલ રાઈટિંગમાં હતો એટલે જાહેરાતો માટે જિંગલ્સ લખવાના થતા. અગાઉ સાહિત્ય પ્રેમના કારણે ગુજરાતી અને હિન્દી બેઉ ભાષામાં કવિતાઓ પણ લખતો. પછી ‘પ્રેમજી’ ફિલ્મ માટે મારા મિત્ર વિજયગીરી ગોસ્વામીએ મને કહ્યું કે, ગીતો અને મ્યુઝિક કરવાના છે. તું શું કરી શકીશ?! મેં ફિલ્મનો સમગ્ર પરિવેશ જાણીને તત્ક્ષણે જ મને સુઝ્યા તેવા દુહા લખીને આપ્યા. તેમને ખૂબ ગમ્યા. તેમણે કહ્યું કે, આ જ લઈ લઈએ! એ ફિલ્મમાં ચાર ગીતો મેં લખ્યા છે.

‘પ્રેમજી’ ફિલ્મમાં તમે કચ્છી પદોનો ઉપયોગ કર્યો છે. એ વિશે કહો.

કેદાર: ‘પ્રેમજી’ ફિલ્મ શુટ થઈ ગયેલી. કેવો સાઉન્ડ પ્રોડ્યુસ કરવો તે સમજવા અમે આખી ફિલ્મ જોઈ. પછી અમે કચ્છી કલાકારોને બોલાવવાનું વિચાર્યું. અમે કચ્છથી જોડીયા પાવા, મોરચંગ વગેરે વગાડનારાઓને બોલાવ્યા. તેમનું ત્રણ દિવસ લાઈવ સેશન કર્યું. ઘણી વખત તેઓ એટલું સ-રસ વગાડતા કે અમારે કંઈ કહેવું જ ન પડતું. તેઓ અસ્ખલિત ગાતા-વગાડતા જાય, આપણે માત્ર રેકોર્ડ કરી લેવાનું! ‘પ્રેમજી’ ફિલ્મનું આલ્બમ જોશો તો પણ સમજાશે કે, તેમાં એક બાજુ ગીતો છે અને બીજી બાજુ કચ્છી ફૉક છે.

બંને વચ્ચે મતભેદ કે ઝઘડો થાય ખરા?

(કેદાર અને ભાર્ગવ બેઉ સાથે હસતાં હસતાં) હા થાય છે ને! પણ તે થવા જરૂરી છે.

(કેદાર આગળ કહે છે) પણ બહુ મનમાં રાખી મૂકવામાં મજા નથી. અને આમ પણ ક્રિએટિવ પ્રોસેસ દરમિયાન મતભેદો રહેવા જરૂરી છે. કેમ કે અમારા પરસ્પેક્ટિવ ભિન્ન છે અને તે અમારી સૌથી સારી બાબત છે. કેમ કે, જો બેઉ સેમ લાઈન પર હંમેશ જતા હોઈએ તો બંનેની સાથે હોવાની જરૂર શું છે! અમે બંને અલગ-અલગ વ્યક્તિઓ છીએ. અમારી વચ્ચે જે પણ આર્ગ્યુમેન્ટ કે ઝઘડા થાય તે આ મ્યુઝિકને લગતા જ હોય છે. પ્રોડક્ટને વધુ સારું બનાવવા માટેના જ હોય છે.

તમારા આગામી પ્રોજેક્ટ્સ?

ફિલ્મો માટે ચર્ચાઓ ચાલી રહી છે. હજુ કંઈ ફાઈનલ નથી. સિન્ગલ્સ બનાવી રહ્યા છીએ. ઉપરાંત અમે જે કમ્પોઝિશન તૈયાર છે તે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરવાનું વિચાર્યું છે.

 

ડાબે ભાર્ગવ પુરોહીત અને જમણે કેદાર ઉપાધ્યાય***

પેક અપઃ આપણને પ્રશ્ન થાય કે આ બેઉ વચ્ચે વચ્ચે ડિપાર્ટમેન્ટ કઈ રીતે વહેંચાયેલા હશે તો તેનો જવાબ એ છે કે, ટેકનિકલ પાર્ટ કેદારભાઈ સંભાળે અને તેની સમાંતરે ચાલતું ગટ ફિલીંગ તથા સેન્સ પારખવાનું કામ ભાર્ગવભાઈનું! કમ્પોઝિશન તો બેઉ સાથે મળીને જ કરે. ભાર્ગવભાઈ કહે છે કે, ‘મોટાભાગનું ક્રિએશન અમારું વૉટ્સએપની વૉઈસનોટ પર જ થઈ જતું હોય છે!’

 

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 07-09-2018

 

kedar-bhargav 07-09
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 07-09-2018

0 comments on “ગુજરાતી સંગીતકાર બેલડી કેદાર-ભાગર્વ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: