Movies Review

સ્ત્રી

ઓ સ્ત્રી… મોસ્ટ વેલકમ!

Rating: 3.4 Star

stree-intઆ ‘સ્ત્રી’ તમને હસાવતાં હસાવતાં ડરાવે છે અને ડરાવતાં ડરાવતાં હસાવે છે!  તમામ કલાકારોની એક્ટિંગ એ-વન છે. વાર્તા દમદાર નથી, પણ પ્રેઝન્ટેશન અને ડાયલૉગ્સ મજાના છે. લાઈટ-હાર્ટેડ હૉરર-કૉમેડી ગમતી હોય તો આ ‘સ્ત્રી’ ચોક્કસ જોવાય!

ભારત પાસે એટલી બધી રસપ્રદ દંતકથાઓ અને લોકકથાઓ છે કે તેનો આધાર લઈને ફિલ્મો બનાવવાનું શરૂ થાય તો બનાવનાર ખૂટી જાય, વિષયો ખૂટે નહીં. 1990ના દાયકામાં કર્ણાટકના કોઈ ગામડામાં એક મિથ સોશિયલ મીડિયા ન હોવા છતાં કાફી વાયરલ થયું હતું! ત્યાંના એક ગામમાં એવી માન્યતા પ્રચલિત થઈ હતી કે ભૂતકાળમાં પુરુષના અત્યાચારથી ગુજરી ગયેલી એક ચુડેલ રાતના ફરે છે. તે દરવાજો ખખડાવે અને તમારું નામ પ્રેમથી લે; જો તમે દરવાજો ખોલો તો તમને મારી નાખે! તે ગામના દરેક પુરુષોના ખૂનની પ્યાસી છે. માટે રહેવાસીઓ તે ચુડેલથી બચવા પોતાના ઘરની દિવાલ પર ‘નાલે બા’ લખવા માંડ્યા. કન્નડ શબ્દ ‘નાલે બા’નો અર્થ થાયઃ ‘કાલે આવજે.’ ચુડેલ હતી પણ ચુડેલ તો લખાય નહીં એટલે આગળ લખ્યું, ‘ઓ સ્ત્રી નાલે બા’ અર્થાત ‘ઓ સ્ત્રી કલ આના!’ લોકો માનતા કે, તે ચુડેલ કે સ્ત્રી કે જે હતું તે, દિવાલ પર લખેલું વાંચતી અને પાછી ફરી જતી! (હાઉ ઈન્ટરેસ્ટીંગ!)

આ માન્યતા અથવા દંતકથાનો આધાર લઈને ‘ગો ગોઆ ગૉન’ ફૅમ લેખક-બેલડી રાજ એન્ડ ડીકેએ મધ્યપ્રદેશના ચંદેરી ગામમાં આકાર લેતી વાર્તા લખી અને ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર અમર કૌશિકે તેને પડદા પર રજૂ કરી. અને શું એક્ઝિક્યુટ કરી છે! સુપર્બ!

વારતા

મધ્યપ્રદેશના ચંદેરી ગામની શાંકડી શેરીઓ પર કૅમેરો ફરે છે અને ટાઈટલ ક્રેડિટ બાદ લખેલું આવે છેઃ ‘એક વિચિત્ર ઘટના પર આધારિત!’ આ ચંદેરી ગામનો મનીષ મલ્હોત્રા એટલે કે બેસ્ટમબેસ્ટ દરજી છે વિકી(રાજકુમાર રાવ). વિકીના હાથમાં જાદુ છે! તે સ્ત્રીઓનું શરીર જોઈને તેનું માપ કાઢી શકે છે અને ત્રીસ મિનિટમાં લહેંગો સીવી નાખે છે! પિતા તેને દરજીના અવતારમાં ભગવાન માને છે! પણ પોતાને કપડાં સીવીને આખી જિંદગી નથી કાઢવી, કંઈક કરવું છે. તેના બે દોસ્તો છેઃ બીટ્ટુ(અપારશક્તિ ખુરાના) અને જના(અભિષેક બૅનરજી). તેને દર વર્ષે, ગામમાં થતી પૂજાના દિવસોમાં મળતી એક રહસ્યમયી છોકરી(શ્રદ્ધા કપૂર) છે. પૂજાના આ દિવસો દરમિયાન ચંદેરી ગામમાં એક સ્ત્રી આવે છે અને ગામના પુરુષોના કપડાં કાઢીને, તેમને નાગા ઉપાડી જાય છે! બે દોસ્તોને ડાઉટ છે કે, પેલી વિકીની ગર્લફ્રેન્ડ જ તે સ્ત્રી છે. આ બધી ‘સ્ત્રી વિષયક’ માહિતીઓનો જાણકાર છે રુદ્ર(પંકજ ત્રિપાઠી), જેને બધી જ બાબતોનું નોલેજ છે.

વિકી અને પેલી છોકરીનું મળવાનું વધતું જાય છે. બીજી બાજુ તેનો દોસ્ત જનો ગાયબ થઈ જાય છે. વિકી અને બિટ્ટુ, રુદ્રને મળે છે અને ત્રણેય જણ સ્ત્રી શોધ અભિયાન સ્ટાર્ટ કરે છે. (આમાં કંઈ જ સ્પૉઈલર નથી, જલસા કરો!)

સ્ક્રિપ્ટ, ડિરેક્શન, એક્ટિંગ

       બૉલીવૂડમાં આજકાલ બહુ હૉરર ફિલ્મો બનતી નથી અને જે બને છે તે હૉરરના બદલે કૉમેડી જેવી લાગે છે! આ ફિલ્મનું ઝોનર જ હૉરર-કૉમેડી છે. છેલ્લે ‘ગોલમાલ અગેઈન’ આવી હતી, પરંતુ તેમાં કૉમેડી રોહિત શેટ્ટી સ્ટાઈલ હતી. અહીં ઑડિયન્સને પકડીને, લાઉડ મ્યુઝિક આપીને, ગલગલીયા કરીને પરાણે હસાવવામા નથી આવ્યા. અહીં સ્લૅપ સ્ટીક કૉમેડી છે. વધુ નૅચરલ છે.

અહીં ડિરેક્ટર અમર કૌશિકે સિફતપૂર્વક એવી હૉરર સિચ્યુએશન્સ ક્રિએટ કરી છે જેમાં ખડખડાટ હસવું આવે! અમુક દ્રશ્યો તો ઈનોવેટિવ અને લાફ-પ્રવોકિંગ લાગે, પણ હસી લઈએ પછી ખબર પડે કે આ એક્ચ્યલી સ્કેરી હતું! આ જીત છે લેખકોની. રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડીકે આ પ્રકારના લખાણ માટે જાણીતા છે. તેમની સૈફ-વીર દાસ અભિનિત ‘ગો ગોઆ ગૉન’ અને ‘શોર ઈન ધ સિટી’ તેના નમૂના છે. તેમણે લખેલી સ્ક્રિપ્ટ અને સુમીત અરોરાના ડાયલૉગ્સ એવા છે જે વાંચવામાં સાધારણ લાગે; કંઈ નવું કે મનોરંજક ન લાગે, પરંતુ જ્યારે તે પડદા પર ભજવાય ત્યારે હિલેરિઅસ બની જાય! જોકે, તેમાં અફલાતૂન કલાકારોનો પણ મસમોટો ફાળો છે. સૌથી પહેલા તો રાજકુમાર રાવ, જેને જોઈને ‘બરેલી કી બરફી’નો પ્રિતમ વિદ્રોહી યાદ આવી જાય. તેનું એક ફડક સાથે ઉતાવળે બોલવું, ડરેલા અને સહમાસહમા રહેવું અને પાછા પોતાને ગામના ‘મૉર્ડન બોય’ માનવું, આ કેરેક્ટરનું સંપૂર્ણ જેસ્ચર રાજકુમારે સુપર્બલી ભજવ્યું છે. તે શરૂથી અંત સુધી ફ્લૉલેસ છે. રાજકુમાર ચુડેલ સામે ઊભતી વખતે સખત ડરેલો છે પણ આંખોમાં પ્રેમ બતાવવાનો છે એટલે શાહરુખ જેવો ચહેરો કરે છે, આ સિન વન ઑફ ધ બેસ્ટ છે. તેના પિતાનું પાત્ર અતુલ શ્રીવાસ્તવે ભજવ્યું છે. અહીં ‘શુભ મંગલ સાવધાન’ની જેમ પિતા-પુત્ર વચ્ચે એક ઑકવર્ડ સેક્સ-ટૉકનું દ્રશ્ય છે, જેમાં પિતા ‘જુવાનીમાં શરીરમાં ઉદભવતી ઊર્જા પર કન્ટ્રોલ કરવાની’ શીખ આપે છે! વેલ રીટન અને વેલ પરફૉર્મ્ડ સીન. સારી સ્ક્રિપ્ટ અને સારા એક્ટર ભેગા થાય ત્યારે આ બને છે અને ખરાબ સ્ક્રિપ્ટ હોય તો ‘ફને ખાન’ બને છે! રાવને તેના મિત્રો ‘બિકી’ કહે છે. કેમ કે આજે પણ બૉલીવુડની સ્મોલ-ટાઉન ફિલ્મોના ગલીના છોકરાઓને ‘વી’ અને ‘બી’ વચ્ચેના ફરકની ખબર નથી! તેના બે મિત્રોમાંનો એક આયુષ્યમાનનો ભાઈ અપારશક્તિ ખુરાના ગજબ છે! આ બેઉ ભાઈ એક્ટિંગમાં ખાટુ છે. બીજો મિત્ર જનો બનતો અભિષેક બૅનરજી સરપ્રાઈઝિંગ એલિમેન્ટ છે. તે ડરપોક અને મૂર્ખ બેઉના હાવભાવ એકીસાથે દર્શાવે છે! એક પૉઈન્ટ પછી આ બેઉ દોસ્તોને સ્ક્રિન પર જોતાની સાથે જ હસવું આવી જાય છે. આ ત્રણેય તમને રિઅલ-લાઈફ ફ્રેન્ડ્ઝ જ લાગે છે, કોઈ કાસ્ટિંગ ડિરેક્ટરે ભેગા કરેલા પૂતળા નહીં. સૌથી સારા ડાયલૉગ્સ જેના ફાળે આવ્યા છે અને સારા ન હોય તો પણ તેને કૉમિક-વેમાં ગજબ ત્વરા અને સરળતાથી ડિલિવર કરી શકવા સક્ષમ એવા પંકજ ત્રિપાઠી સૌને ખાઈ જાય છે. પહેલા હાફમાં તે ઓછા દેખાય છે પરંતુ બીજા ભાગમાં તેમની સ્ક્રિન પ્રેઝન્સ ખાસ્સી એવી છે. શ્રદ્ધા કપૂર આકર્ષક અને મિસ્ટિરિઅસ લાગે છે. એકમાત્ર તેને અહીં કૉમેડી નથી કરવાની, ગંભીર રહેવાનું છે!  ફિલ્મમાં શાસ્ત્રી તરીકેનો વેરી શૉર્ટ રોલ દાદુ એક્ટર વિજય રાઝનો છે.

હૉરર ફિલ્મમાં મહત્વનો એવો કેતન સોઢાનો સ્માર્ટ બૅકગ્રાઉન્ડ સ્કૉર વાર્તામાં આપણને વ્યસ્ત રહેવામાં મદદ કરે છે. સચિન-જીગરના કમ્પોઝ કરેલા ગીતો ફિલ્મ પૂરતા સાંભળવા ગમે છે. નોરા ફતેહીનું આઈટમ સૉન્ગ પણ છે, તેની સાથે બેકગ્રાઉન્ડમાં ‘આઓ કભી હવેલી પે’ ગીતનો ઉપયોગ કરી લેવાયો છે, જે બહુ સારું થયું છે. આપણે એક આખા આઈટમ સૉન્ગથી બચ્યા છીએ અને ફિલ્મ 129 મિનિટમાં પૂરી થઈ છે. બાય ધ વે, રાજકુમાર રાવને એન્ડ ક્રેડિટ્સ સાથે આવતા મિકાના ‘મિલેગી મિલેગી’ સૉન્ગમાં શ્રદ્ધા કપૂર સાથે નાચતો જોવો ગમે છે! ચેક ઈટ!

મેસેજ

એક સિન છે, જેમાં પત્ની પોતાના પતિને કહે છે કે, ‘રાત થઈ ગઈ છે ધ્યાન રાખજો. હું ન આવું ત્યાં સુધી દરવાજો ન ખોલજો. ક્યાંય બહાર ન નીકળતા.’ આ આપણા સમાજની આખી ઊલટી ઘટના દર્શાવાઈ છે. ફિલ્મનો મેસેજ સ-રસ છે. લાઉડ થઈને બહુબધી ફેમિનીઝમની વાતો કરવાના બદલે ડરાવી અને હસાવીને સ્ત્રીને રિસ્પેક્ટ આપવાનું કહે છે.

તકલીફ

સેકન્ડ હાફમાં ફિલ્મ લપસે છે. વચ્ચે વચ્ચે ક્યાંક ઠેબા પણ ખાય છે. કહ્યું એમ, વાર્તા એટલી અસરકારક નથી. પાછો ક્લાઈમેક્સ મેસી છે. અમુક પ્રશ્નોના જવાબ નથી મળતા. જોકે આ ફિલ્મનો ટૉન જ એવો રખાયો છે જાણે કહેતી હોય કે અમે કોઈપણ વાતને સિરિયસલી નથી લીધી! અત્યંત ગંભીર દ્રશ્યમાં પણ ‘હાસ્યનું મોજું ફરી વળે’ તેવો તાલ છે. ફિલ્મનો સૌથી મોટો માઈનસ પૉઈન્ટ એ છે કે, શ્રદ્ધા કપૂરનું પાત્ર ગૂઢ અને ગહન કરતા અસ્પષ્ટ વધારે થઈ ગયું છે. અંતમાં તેનો ઓટોગોટો વાળી નખાયો છે. બીજું એક પાત્ર મૃત સ્ત્રી સાથે વાત કરતું દર્શાવાયું છે તે સ્ત્રી કોણ-શું છે, તેનું શું થયું તેનું કંઈ જ નથી આવતું. ઈન શૉર્ટ લૉજિકની મામલામાં થોડી કાચી પડે છે.

જોવી કે નહીં?

‘સ્ત્રી’ની વાર્તા એટલી મજબૂત કે દમદાર નથી તેમ છતાં લિમિટેડ સ્કૉપમાં પણ અમર કૌશિકે જબ્બર કામ કર્યું છે. દર થોડી વારે કાં તમે હસો છો કાં ડરો છો. મનોરંજન માટે આનાથી સારું શું હોઈ શકે?! હૉરર છે પણ અહીં કોઈ જેન્યુઈન શૉક્સ નથી. ભૂત, રાધર ચુડેલની કોઈ ઈફેક્ટિવ બૅકસ્ટોરી પણ નથી. છતાંય અહીં મહત્વ કૉમેડીનું છે, વે ઑફ પ્રેઝન્ટેશનનું છે. તો, જેમને આ પ્રકારની હાસ્ય-ભુતથી ભરપૂર ફિલ્મ જોવાની ઈચ્છા હોય, ફ્રેશ થવું હોય તો અવશ્ય જાય. મૌજ પડશે!      

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 02 September 2018)

Stree 02-09
Mid-day, Mumbai. Page No.-, Date: 02-09-2018

7 comments on “સ્ત્રી

  1. thanks Parth

  2. Kushal Dave

    Superb review !

  3. Haresh Nath

    મસ્ત રીવ્યુ….

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: