ગુજરાતી સિનેમા Movies

વેન્ટિલેટર

વિશ્વાસ રાખજો મેં ફિલ્મમાં બહુ સ-રસ ગુજરાતી બોલી છે! :જેકી શ્રોફ

ડિરેક્ટર ઉમંગ વ્યાસ તથા જેકી શ્રોફ, સંજય ગોરડિયા અને પ્રતીક ગાંધી સહિતના કલાકારોની હાજરીમાં આગામી ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’નું મ્યુઝિક લૉન્ચ કરાયું

Ventilator poster

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

૨૦૧૬માં બનેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’નું વિધિવત ગુજરાતી એડેપ્ટેશન એ જ નામે તારિખ ૧૪ સપ્ટેમ્બરે રિલીઝ થશે. વિધિવત એટલે લખ્યું કેમ કે અમુક ગુજરાતી ફિલ્મો મૂળ કૃતિને ક્રેડિટ આપ્યા વગર જ રિલીઝ થઈ રહી છે. મૂળ ‘વેન્ટિલેટર’ ફિલ્મ રાજેશ માપુસકરે ડિરેક્ટર કરી છે, જેઓ ‘ફરારી કી સવારી’ ફિલ્મ બનાવી હતી તથા ‘મુન્નાભાઈ’નો બીજો ભાગ અને ‘3 ઈડિયટ્સ’ના એસોશિએટ ડિરેક્ટર તથા એમબીબીએસના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ગુજરાતીમાં આ ફિલ્મ ઉમંગ વ્યાસ ડિરેક્ટર કરવાના છે, જેઓ આશુતોષ ગોવારીકરના સહાયક તરીકે કામ કરી ચૂક્યા છે. (મરાઠી ‘વેન્ટિલટર’માં મુખ્ય પાત્ર આશુતોષ ગોવારીકરે ભજવ્યું હતું અને તે પ્રિયંકા ચોપરાએ પ્રોડ્યુસ કરી હતી. ગુજરાતી ‘વેન્ટિલેટર’ લોરેન ડિ’સુઝા પ્રોડ્યુસ કરવાના છે.)

આ બધા જબરદસ્ત નામો ઉપરાંત ગુજરાતી ‘વેન્ટિલેટર’ની સ્ટારકાસ્ટ પણ એકથી એક ચઢિયાતી છે. આશુતોષ ગોવારીકરે જે પાત્ર ભજવ્યું તે ગુજરાતીમાં જેકી શ્રોફ ભજવવાના છે. ઉપરાંત દિગ્ગજ રંગકર્મી સંજય ગોરડિયા, અફલાતૂન એક્ટર પ્રતિક ગાંધી, ઓજસ રાવલ, મનન દેસાઈ, મિત્ર ગઢવી, અર્ચના દેસાઈ, અર્ચન ત્રિવેદી અને જયેશ મોરે સહિત કુલ ૩૫ કલાકારો ફિલ્મમાં છે. નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે પટકથા લખી છે.

તાજેતરમાં આ તમામ કલાકાર-કસબીઓની હાજરીમાં ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કરાયું. જેમાં ખાસ હાજર રહેલા જેકી શ્રોફે પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, ‘મારે અલગ અલગ ભાષાઓમાં ફિલ્મો કરવી છે. આ મારી ૧૩મી ભાષાની ફિલ્મ છે! હું મૂળ તો ગુજરાતી જ છું, પણ પપ્પા જતા રહ્યા પછી મારી ભાષાની બેન્ડ વાગી ગઈ છે! પાછો હું મોટો મુંબઈમાં થયો એટલે ત્યાં તમને ખબર છે, ગુજરાતીના હાલ કેવા છે!(હસતા હસતા) પણ ફિલ્મમાં મેં એકદમ સ-રસ ગુજરાતી બોલી છે. આ પારિવારિક ફિલ્મમાં કામ કરવાની મને બહુ જ મજા પડી. મારે બીજી પણ ફૂલ-ફ્લેજ્ડ ગુજરાતી ફિલ્મ કરવી છે, જો તમને આ ફિલ્મ ગમશે અને મને સ્વીકારશો તો! બાકી તમારી મરજી!’

Vetilator2
ડાબેથી મિત્ર ગઢવી, સંજય ગોરડીયા, પટકથા લેખક નિરેન ભટ્ટ, જેકી શ્રોફ, ડિરેક્ટર ઉમંગ વ્યાસ અને પ્રતિક ગાંધી

જેકી શ્રોફે નાટક અને ફિલ્મોના દમદાર અભિનેતા પ્રતિક ગાંધીના ખૂબ વખાણ કર્યા. પ્રતિકે કહ્યું કે, ‘જ્યારે મેં મરાઠીમાં ‘વેન્ટિલેટર’ ફિલ્મ જોઈ ત્યારે વિચારતો હતો કે આ સ્ક્રિપ્ટ ગુજરાતીમાં લખાય તો મજા પડી જાય. તેમાં પરિવાર અને લાગણીઓની વાત છે. અને મને એમાં જ કામ કરવાનો, એ પણ જેકી સર સાથે, મોકો મળ્યો. મેં ‘રામ લખન’ ૨૫ વખત જોઈ હશે! જેકી સર સાથે સ્ક્રિન શેર કરતી વખતે કઈ રીતે રિએક્ટ કરવું તે જ નહોતી ખબર પડતી મને! અમે સૌ એમની ફિલ્મો જોઈને મોટા થયા છીએ!’

જાણીતા નાટ્યકર્મી સંજય ગોરડીયાને આ પહેલા ૨૫થી વધુ ગુજરાતી ફિલ્મો ઑફર થઈ હતી. સંજયભાઈએ જ્યારે મરાઠી ‘વેન્ટિલેટર’ જોઈ અને પછી ગુજરાતી ફિલ્મ બનવાની છે તેવું સાંભળ્યું, ત્યારે તેમણે સામેથી ડિરેક્ટરને કહ્યું કે, આ પર્ટિક્યુલર રોલ હું જ કરીશ! તેમણે વધુમાં કહ્યું કે, ફિલ્મનું બજેટ તગડું અને મેકિંગ હિન્દી ફિલ્મની કક્ષાનું છે.

Jacky shrof૩૫ જેટલા કલાકારોને ડિરેક્ટ કરનારા ઉંમગ વ્યાસે કહ્યું કે, ‘રાજેશ માપુસકરની મરાઠી ‘વેન્ટિલેટર’ સુપરહિટ છે. વળી મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે એટલે માથા પર સખત પ્રેશર હતું. પરંતુ સંજય ગોરડિયા જેવા દિગ્ગજ અભિનેતા સામેથી આવ્યા અને જેકી શ્રોફે પણ હા ભણી એટલે અમને પ્રોત્સાહન મળ્યું. અને સરળ રીતે ફિલ્મ પૂરી થઈ.’

મૂળ ‘વેન્ટિલેટર’ વાર્તામાં એક વૃદ્ધ વ્યક્તિની વાત છે જે હોસ્પિટલમાં પથારીવશ હાલતમાં વેન્ટિલેટર પર છે. તેની જાણ થતાં તેના પુત્ર સહિતના તમામ સગા-સંબંધીઓના જીવનમાં નાના-મોટા ફેરફાર થાય છે. આ પરિવારના સભ્યો, તેમની લાગણીઓ અને ગણેશ ઉત્સવ તહેવારની ઈર્દગિર્દ આખી વાર્તા આકાર લે છે. આ વાર્તા રાજેશ માપુસકરે જ લખી હતી. તેમણે જણાવ્યું કે, અઢી-ત્રણ વર્ષ પહેલા મારા કુટુંબમાં બનેલા એક પ્રસંગનો આધાર લઈને ચાર લીટી લખી હતી અને તેને વાર્તાનું રૂપ આપ્યું હતું. તે મારો વિચાર આજે અહીં સુધી પહોંચ્યો છે. તેનું અલગ-અલગ ભાષા અને કલ્ચરમાં રૂપાંતર થઈ રહ્યું છે. આ જોઈને હું આશ્ચર્યમાં ગરકાવ છું! એવું લાગે છે મારા જે સંતાનને હું દરરોજ શાળાએ મુકવા જતો તે આજે મોટો થઈ ગયો છે. હવે તેને શાળાએ મુકવા જવાની જરૂર નથી!’

ફિલ્મનું મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે તથા ગીતો પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ ભાવસારે ગાયા છે.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 31-08-2018

ventilator 31-08
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 31-08-2018

0 comments on “વેન્ટિલેટર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: