Literature

થોડું જીવન વિશેનું વાસ્તવિક કથન

સમગ્ર પૃથ્વી પરના કોઈપણ જીવને તેનું પેટ ભરાઈ જાય એટલે શાંતિ મળે છે, મનુષ્ય નામના જીવને છોડીને!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)66469-have-you-experienced-god-sadhguru-20091209_nee_0251-e

‘મોર કળા કરે છે, નાચે છે. શેના માટે? એમ જ, વિના કારણે. અને તેમાં જ તેની સુંદરતા છે. એ પ્રશ્ન સૌથી મૂર્ખામીભર્યો છે કે જિંદગીનો હેતુ શું છે, ઉદ્દેશ શું છે, પ્રયોજન શું છે?! આ પ્રશ્નનો અર્થ એવો થયો કે જિંદગીનો ઉપયોગ શું છે? કંઈ જ નથી! તમે જન્મ્યા ન હોત તો પણ જીવન હોત. જિંદગી આવા અતાર્કિક અને નોનસેન્સ સવાલો અને ગણતરીઓથી પર ફિનૉમિના છે. (ફિનૉમિના યાને અસાધારણ, વિલક્ષણ, ચમત્કારી) તેનો કોઈ ઉપયોગ નથી, તે તમારી બુદ્ધિ ક્ષમતાથી ક્યાંય આગળ છે. તમારી સમજશક્તિ અને બુદ્ધિ એ જીવનનો માત્ર એક નાનકડો ભાગ છે. બદનસીબે આપણે એવું વિચારીએ છીએ કે જીવન આપણી સમજશક્તિ અને બુદ્ધિમાં સમાયેલું છે. પરંતુ જીવનમાં આપણી સમગ્ર બુદ્ધિ સમાયેલી છે. તે(બુદ્ધિ) માત્ર એક નાનકડું પાસું છે. ઘાટ છે. માત્ર એક પરિમાણ છે. જિંદગી ઘણા પરિમાણોથી બનેલી છે!’

ઉપરોક્ત અદભૂતમ્ શબ્દો છે બાઈક અને ગોલ્ફ લવર, સ્માર્ટ અને કુલ તથા જેમની અંગ્રેજી ભાષા પર અસાધારણ પકડ છે એવા ‘સદગુરુ’ તરીકે જાણીતા જગ્ગી વાસુદેવના. આમ તો ‘આધ્યાત્મિક ગુરુ’ તરીકે લોકો તેમને ઓળખે છે; રાધર, ગયા વર્ષથી, જ્યારે ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મ વિભુષણ’ એવોર્ડ મળ્યો તથા તેમણે નદીઓની સ્વચ્છતા માટે ‘રેલી ફોર રિવર’ કેમ્પેઇન ચલાવ્યું, ત્યારથી લોકો તેમના સફેદ દાઢીધારી ચહેરાને ઓળખતા થયા. ‘રેલી ફોર રિવર’ અભિયાન માટે જગ્ગી વાસુદેવે ૧૬ રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. ૧૬૦ મિલિયન લોકો તેમની સાથે જોડાયા હતા. તેમની સંસ્થા ‘ઈશા ફાઉન્ડેશન’ અંતર્ગત આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સ પણ તેઓ કરતા રહે છે.

ગુરુ કે બાવા હોય એટલે ઘુવડગંભીર અને સલાહ-સુચન જ આપતા હોય તે વાત સદંતર ખોટી છે. મોટાભાગના ગુરુઓ-સાધુઓ-બાવાઓ ‘જીવન જીવવાનું કારણ શું છે’, ‘તમે શા માટે આવ્યા છો’ પ્રકારની વાતો કર્યે રાખતા હોય છે. ભાવકો કે શ્રોતાઓ પણ ‘આત્મવિભોર’ થઈને સાંભળ્યે રાખે છે. જગ્ગી વાસુદેવે અહીં સ્પષ્ટ જવાબ આપ્યો છેઃ ‘દરેક ઘટના કે બાબત કે વસ્તુ પાછળ કારણ ન હોય!’

૩જી સપ્ટેમ્બર, ૧૯૫૭ના રોજ કર્ણાટકના મૈસુરમાં જન્મેલા જગ્ગી વાસુદેવ અર્નબ ગોસ્વામી અને અનુપમ ખેરથી માંડીને અમેરિકન થિઓરોટિકલ ફિઝિસિસ્ટ માઇકિઓ કાકુ સુધીનાઓ સાથે સ્ટેજ શેર કરી ચૂક્યા છે. તેઓ દિર્ગ વાર્તાલાપ કરે છે. તાજેતરમાં તેમણે અભિનેત્રી કંગના રનૌત સાથે મુંબઈના એનસીપીએ ઓડિટોરિયમમાં વાર્તાલાપ કર્યો હતો. તેમને કહ્યું એમ, ગોલ્ફ રમવું, બાઈક ચલાવવી ગમે છે. ઈન ફૅક્ટ, થોડા સમય પહેલા જ તેમણે બાબા રામદેવ સાથે  ડુકાટી બાઈક પર લટાર મારી હતી! તેઓ ખુલ્લા હૃદયે ડાન્સ કરે છે. તેઓ રશિયામાં યોજાયેલ ‘ફિફા વર્લ્ડકપ’ જોવા ખાસ ગયા હતા. જગ્ગી ૧૨-૧૩ વર્ષના હતા ત્યારથી ફૂટબોલ વર્લ્ડકપ જોવાની ઈચ્છા હતી અને તે ૬૦ વર્ષે પૂરી થઈ.(આવા ક્યા બાબા કે ગુરુ છે જે કોઈ સ્પોર્ટ્સમાં રસ દાખવતા હોય કે તેના ખેલાડી વિશે વાત કરતા હોય?) રમત-ગમતના સંદર્ભે વાત થતા એક કન્વર્ઝેશનમાં જગ્ગી કહે છે કે, ‘જીતવું એ માત્ર ઈચ્છા છે અને રમત એ પ્રક્રિયા છે. રાધર, પ્રક્રિયા જ એક પ્રકારની રમત છે! રશિયામાં ૩૨ જેટલી ટીમ જીતવાની ઈચ્છા સાથે રમવા આવી હતી પણ જીતી તો એક જ હતી! આપણે પ્રક્રિયામાં માનનારા લોકો છીએ.’

‘સફરમાં જે મજા છે તે મંઝિલમાં નથી’ પ્રકારની વાત થઈ આ. પણ આટલું કહ્યા પછી જગ્ગી ઉમેરે છે કે, ‘આજનો જમાનો લક્ષ્ય કેન્દ્રિત થઈ ગયો છે.’

203f6ffd29d5d4a6e7d02cf6146252c5એનર્જીના પાવરહાઉસ સમા એક્ટર રણવીર સિંહ સાથેની જગ્ગીની વાતચીત રસપ્રદ અને મજેદાર છે. તેમાં એક જગ્યાએ રણવીર સિંહ ભવિષ્ય વિશે સવાલ પૂછે છે. જગ્ગી કહે છેઃ ‘સામાન્ય રીતે લોકો પોતાના ભવિષ્ય વિશે જાણવા જ્યોતિષી પાસે જાય અથવા પોતાનું ભવિષ્ય બનાવવા મેચ ફિક્ષર પાસે જાય! નોકરી, કરિયર જેવા પ્રશ્નો કે લગ્ન જેવી બાબતો માટે લોકો જ્યોતિષી અથવા તાંત્રિક કે કોઈપણ પાસે જાય છે- આ મને સમજાતું નથી! તમે તમારી પત્ની કે પતિ સાથે બરાબર રહી શક્શો કે નહીં તે ચેક કોઈ ત્રીજી વ્યક્તિ કેમ કરી શકે?! તમારી જિંદગીના અંતે શું થવાનું છે તે- તમારું ભવિષ્ય હું હમણા કહી શકું એમ છું! તે એ કે, સૌથી છેલ્લે અમે તમારા બેસણામાં આવશું!’

આ સટા…ક પછી જગ્ગી આગળ કહે છે કે, ‘તમે તમારી કબર સુધી પહોંચો ત્યાં સુધીની મિનિટ ટુ મિનિટ હું તમને કહી દઈશ તો તમે ત્રણ દિવસમાં મરણિયા થઈ જશો! ફ્રસ્ટ્રેટ થઈને મારી કહેલી વાત વાત ખોટી પાડવા સુસાઈડ પણ કરી નાખો!’

મૂળ વાત એ છે કે, આજની મજા એટલે છે કે આવતી કાલે શું થવાનું છે તે ખબર નથી. જિંદગી પ્રેડિક્ટબેલ ન હોવી જોઈએ. ધેટ્સ ઈટ!

sadhguruball.jpg     ‘જિંદગીમાં શા માટે આવ્યા’ અને ‘જીવવાનો હેતુ શું છે’ પ્રકારની બીજી એક વાત છે કે, ‘જિંદગીનો અલ્ટિમેટ ગોલ શાંતિ છે.’ અંતે તો માણસને અથવા કોઈપણ જીવને શાંતિ મળવી જોઈએ. સદગુરુ કહે છે કેઃ ‘શાંતિ એ નબળી મહાત્વાકાંક્ષા છે!’ આટલું કહીને ઉમેરે છે કે, ‘ના હું નકારાત્મક રીતે નથી કહેતો. જૂઓ, તમામ આધ્યાત્મિક લિડર્સ કહે છે કે, જિંદગીનું અંતિમ લક્ષ્ય શાંતિપૂર્ણ જીવવું તે છે. હું એક સરળ પ્રશ્ન પુછવા માગું છું: તમે તમારું બપોરનું જમવાનું એન્જૉય કરી શકો છો? તમે રસિક માણસ(ઇસ્થેટિક) નહીં હો તો પણ તમારું જમવાનું તો શાંતિથી માણી જ શક્તા હશો ને! તમારી સાથે કામ કરનારા લોકોની હાજરી તમે માણી શકો છો? તમારી ઑફિસે તમને શાંતિ મળે છે? રસ્તા પર ચાલતી વખતે કુદરતને શાંત ચિત્તે માણી શકો છો?

આટલું કહ્યા બાદ સદગુરુ કહે છેઃ ‘શાંતિ એ મૂળભૂત જરૂરિયાત છે, અંતિમ લક્ષ્ય નથી! તેને જિંદગીની અંતિમ બાબત શા માટે બનાવી દીધી છે? તે તો પહેલી, તીવ્ર અને બેઝિક જરૂરિયાત છે! સમગ્ર પૃથ્વી પરના કોઈપણ જીવને તેનું પેટ ભરાઈ જાય એટલે શાંતિ મળે છે, મનુષ્ય નામના જીવને છોડીને!’

અહીં મારે એટલું કહેવું છે કે, શાંતિ એ કામચલાઉ અવસ્થા છે. પર્મનન્ટ નથી!

***

થોડા સમય પહેલા એક સમાચાર હતા કે આંધ્ર પ્રદેશમાં એક લેડી જર્નાલિસ્ટે પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારા મૃત્યુ પાછળ કોઈ જવાબદાર નથી. મારું મગજ જ મારું દુશ્મન છે! તે સ્ત્રી ભણેલી હતી. પણ આજની આ વાસ્તવિકતા છે. આપણે ઑવર થિકિંગના જમાનામાં જીવી રહ્યા છીએ. (લેખકોની હાલત વિચારી-વિચારીને કેવી થતી હશે, વિચારો!)

જગ્ગી વાસુદેવ કહે છે કે, ‘માણસની સૌથી મોટી તકલીફ તેનું મગજ છે. માણસનું  અડધું મગજ કાઢી નાખશો તો તેઓ શાંત થઈ જશે! ૫૦-૬૦ વર્ષ સુધી માણસ એ નથી શીખી શક્તો કે પોતાના વિચારો અને લાગણીઓને કઈ રીતે હેન્ડલ કરવા!’

આ વિચારો બાદ જગ્ગી કહે છે કે, ‘ઘણા માણસો બીજાના પ્રોબ્લેમ્સ સૉલ્વ કરતા હોય છે આખી જિંદગી. બીજા માટે કામ કરે, સામાજિક મુદ્દાઓ ઉપાડે. એ લોકો એટલે કરી શકે છે કેમ કે તેમના પોતાના પ્રશ્નો ઊભા નથી. ‘જિંદગીમાં હજારો ઈસ્યુ હશે પણ હું પોતે પોતાના માટે ઈસ્યુ નહીં બનું’’- આટલું માણસે યાદ રાખવાની જરૂર છે!’

***

       આપણે ઘણી વખત લોકોને બોલતા સાંભળ્યા હશે કે, બધું મુકીને, આ સંસાર છોડીને ચાલ્યા જવું છે ક્યાંક. Sadhguru-Bike-Rideઆપણે ખુદ પણ ક્યારેક બોલી ગયા હશું કે, હવે દૂર ચાલ્યા જવું છે. લોકો એકમાંથી બીજી અને બીજામાંથી કંટાળીને ત્રીજી એમ પ્રવૃત્તિઓ અને કામ બદલાવ્યા કરે છે. રણવીર સિંહ હસતા હસતા જગ્ગી વાસુદેવને કહે છે કે, તમે તમારું જ્ઞાન, અનુભવ બધા સાથે વહેંચ્યા કરો છો. તમને ક્યારેય એમ નથી થતું કે આ બધી મોહમાયા છે, તેને છોડીને કોઈ પર્વત પર ધ્યાન કરવા ચાલ્યો જાઉં?! મને તો એવું બહું થાય કે એક્ટિંગ-બેક્ટિંગ મુકીને ભાગી જાઉં!

પ્રશ્ન રસપ્રદ છે. હવે જવાબ સાંભળોઃ ‘મારે ધ્યાન કરવા માટે કોઈ પર્વતની ટોચ પર જવાની જરૂર નથી. મારી નાળી ચેક કરી શકે છે, હું હમણા પણ યોગ કરી રહ્યો છું!’ જગ્ગી વાસુદેવ આગળ કહે છે: ‘મારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ એક છોડીને બીજું એટલે કરવા માગે છે, કેમ કે તેને પેલી વસ્તુ થોડા સમય પછી ભારસમી લાગે છે. તમારી જિંદગીનું કોઈ લક્ષ્ય નક્કી કરો અને તે નક્કી ન હોય તો તમારી જરૂરિયાત શું છે તે પ્રમાણે કામ કરો. કલ્પના કરવા કરતા જરૂરિયાત શેની છે, કઈ બાબતની છે, તે જોવું વધારે મહત્વનું છે.

*જે બાત!*

બધી જગ્યાએ, ખાસ કરીને ભારતમાં આધ્યાત્મિક બડબડાટ વધુ પડતો છે. દરેક વ્યક્તિ કહે છે કે, અંડ પિંડ ભ્રહ્માંડ. હું જ ભ્રહ્માંડ છું. પણ પછી એક મચ્છર વડગે ને હાંફળાફાંફળા થઈ જાય છે! -સદગુરુ

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 29-08-2018

thodu jivan vishe nu vastvik... 29-08 Edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6  તા. 29-08-2018

dc-Cover-bm2610kp7287qhhg9bgjaja9c3-20180215015123.Medi

2 comments on “થોડું જીવન વિશેનું વાસ્તવિક કથન

  1. Dr Ashvin Bhatt

    Wow..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: