હૅપી લૉજિક કો લેકે ભાગ ગઈ
Rating: 2.4 Star
આ હૅપી 2016માં આવેલી ‘હૅપી ભાગ જાએગી’ની જેમ મૌજેમોજ નથી કરાવતી. વચ્ચે વચ્ચે થોડું ગમ પણ આપે છે, ધીરજની કસોટી પણ કરે છે. આપણને યાદ અપાવવામાં આવે છે કે, ફિલ્મરૂપી જીવનમાં ડાયના પેન્ટી છે તો સોનાક્ષી સિન્હા પણ છે!
આજથી બરબાર બે વર્ષ પહેલા એટલે કે 2016ના ઓગસ્ટ મહિનામાં હરપ્રીત કૌર ઉર્ફે હૅપી પંજાબના અમૃતસરમાં પોતાના લગ્ન છોડીને ભાગી ગઈ હતી. તેના લગ્ન દમનસિંહ બગ્ગા નામના શહેરના કોર્પોરેટર સાથે થવાના હતા પણ તે ગામના કંઈ ન કરતા છોકરા ગુડ્ડુના પ્રેમમાં હતી. થયું એવું કે તે અકસ્માતે પાકીસ્તાનથી ભારત આવેલા એક્સ ગવર્નરના ટ્રકમાં પડી અને તેમના ઘેર લાહોર પહોંચી ગઈ! ગવર્નરના દિકરા બિલાલ અહમદે ટ્રકમાં પડેલી ટોકરી ખોલી તો અંદરથી હૅપી નીકળી! ત્યાર પછી બિલાલ હૅપીની મદદ કરે છે. બીજી બાજુ બગ્ગો હૅપીના પ્રેમી ગુડ્ડુને અમૃતસરમાં પકડી લે છે. કોઈને ખબર નથી કે તે તો પાકિસ્તાન પહોંચી ગઈ છે! બિલાલ અને પાકિસ્તાની ઈન્સપેક્ટર ઉસ્માન આફ્રિદી ગુડ્ડુને શોધવા ભારત આવે છે, બધા પાછા પાકિસ્તાન જાય છે અને ધાંધલ અને ધમાલ અને ખીચડો થાય છે, પણ અંતે મજા પડે છે.
આવી કંઈક સિચ્યુઅશનલ કૉમેડીથી ખચાખચ હતી હૅપી ભાગ જાએગી. હવે એ જ શુઝ પહેરીને હૅપી ફિર સે ભાગી છે! આ વખતે ડાયના પેન્ટી તો છે જ, પણ ન્યુ બ્રાન્ડ મેઈન હૅપી છે સોનાક્ષી સિન્હા! મુદ્દાસર અઝીઝ લિખિત અને દિગ્દર્શિત પહેલી ફિલ્મ જોતા સમજાય છે કે, તેની રમૂજ કોઈ પ્રયત્નો વિનાની, નેચરલ હતી. આખી ફિલ્મ લૂસિડ-વેમા દોડે છે અને હાસ્યની છોડો ઉડાડે છે. અને એટલે જ તે સરપ્રાઈઝીંગલી સ્લીપર હિટ સાબિત થઈ હતી. તેના પાત્રો બગ્ગા(જિમી શેરગીલ), ઉસ્માન આફ્રિદી(પિયુશ મિશ્રા) તથા જનાબ જૂનિયર બિલાલ અહમદ (અભય દેઓલ) લોકોને ખૂબ ગમ્યા હતા. ડાયના પેન્ટીએ સારું કામ કર્યું હતું.
ડિરેક્ટર સાહેબે પહેલી ફિલ્મ વખતે કદાચ વિચાર્યુંય નહીં હોય કે તેઓ બીજી ફિલ્મ બનાવશે. પણ એક હિટ ફિલ્મની સફળતા અને લોકપ્રિયતા ઇન્કૅશ કરવાની બોલીવૂડમાં શરૂ થયેલી પ્રણાલી મુજબ તેમણે બીજી ફિલ્મ ઘડી કાઢી છે! તો ક્યા ઉનકા સપના સચ હુઆ?!
ડાયના સોનાક્ષી કરતા દરેક દરજ્જે સારી છે એમ બીજી ફિલ્મ કરતા પહેલી દરેક મોરચે આગળ છે. પહેલી હૅપી ભાગ જાએગી તમે ટીવી પર ગમે ત્યારે ગમે તેટલી વાર જોઈ શકો તેવી લાઈટ હાર્ટેડ બની છે. તેનું મ્યુઝિક પણ કર્ણપ્રિય હતું. અહીં એ સ્પાર્ક ગેરહાજર છે. અહીં રિપિટેટિવ કૉમિક સિચ્યુએશન્સ ઊભી કરવાના પ્રયત્નો થયા છે.
આવો ને, ડિટેઈલમાં વાત કરીએ!
કૉમેડી ઑફ એરર્સ
પહેલી જેમ ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે(વેલ, હૅપી છે એટલે ભાગી જાએ છે!) એમ અહીં તે(સોનાક્ષી) વિના ભૂલે ચીન પહોંચે છે. કેમ કે તેને જવું જ છે!(ત્રીજી ફિલ્મમાં જાપાન, કોરિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા ક્યાંય પણ જઈ શકે છે! દેશ ઘણા છે, ડિરેક્ટરો તૈયાર છે!) પણ… ચાઈનિઝ ગૅન્ગસ્ટર ચેંગ(જેસન થેમ) તેનું અપહરણ કરી લે છે. બીજી બાજુ આપણને દર્શાવવામાં આવે છે કે જૂની હૅપી(ડાયના) તેના પ્રેમી ગુડ્ડુ(અલી ફઝલ)ની કોઈ કોન્સર્ટ માટે ચીન જવા તૈયારી કરે છે. પેલા જે ચાઈનીઝ ગૅન્ગસ્ટરે નવી હૅપીનું અપહરણ કર્યું તે આ હૅપી સમજીને. અને આ હૅપીને પ્રોફેસર સમજીને કૉલેજ લઈ જવામાં આવે છે. ઈન શૉર્ટ, ચીનમાં બે હરપ્રીત કૌર ઉર્ફે હૅપીની એકસરખા નામના કારણે અદલાબદલી થઈ છે. ગૅન્ગસ્ટર ભાઈ ચેંગને જૂની હૅપી જોઈએ છે તેના કારણો ગળે ન ઉતરે તેવા વિચિત્ર છે. તેના પ્રમાણે ચીન-પાકિસ્તાનના સમથિંગ સમથિંગ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટના પ્રશ્નો આ હૅપી સોલ્વ કરી શકે છે. કેમ કે, પાકિસ્તાનના એક્સ-ગવર્નરનો છોકરો બિલાલ અહમદ(અભય દેઓલ) તેનો જૂનો મિત્ર છે.(આ માટે તમને જૂની હૅપીની વાર્તા શૉર્ટમાં કરી!) પણ સોનાક્ષીનું નામ હૅપી છે અને ફિલ્મનું આખું નામ ભાગ જાએગી છે એટલે તે ચીનની જેલમાંથી ભાગી જાય છે અને એક બારમાં જઈને બેસે છે, જ્યાં ખુશવંતસિંહ ગિલ(જસી ગિલ)નામનો પંજાબી પઠ્ઠો સની દેઓલનું એક ગીત બેસૂરા અવાજમાં ગાતો હોય છે.(બાય ધ વે, જસી ગિલ ખુદ એક અચ્છો પંજાબી સિંગર અને એક્ટર છે.) હિન્દી ફિલ્મ છે એટલે ઓબ્વિઅસ છે કે હૅપી અને ખુશવંત સિંહ મિત્રો બને છે. ખુશવંત તેને મદદ માટે અદનાન ચાઓ(ડેન્ઝીલ સ્મિથ) પાસે લઈ જાય છે. બીજી બાજુ ગૅન્ગસ્ટર ચાંગ અમૃતસરથી દમન સિંહ બગ્ગા(જિમી શેરગિલ) અને લાહોરથી ઉસ્માન આફ્રિદી(પિયુષ મિશ્રા)ને પણ ઉઠાવી લાવે છે. કારણ? વધુ કન્ફ્યુઝન ક્રિએટ થાય તે માટે. જોકે, આ બેઉના ખભે જ આખી ફિલ્મ સર્વાઈવ કરે છે. ઈન શૉર્ટ, શેક્સપિયરના ‘કૉમેડી ઑફ એરર્સ’ના અહીં ફરી દર્શન થાય છે. જેમાં મિસ્ટેકન આઈડેન્ટિટીના કારણે એક પછી એક રમજૂભર્યા પ્રસંગો ઉદભવતા રહે છે. તેમાંથી તમામ પાત્રો એક પછી એક રસ્તો સાફ કરતા મંઝિલ સુધી પહોંચે છે અને આપણી, વચ્ચે વચ્ચે ખુટી જતી ધીરજનો અંત આવે છે.
સ્ક્રિપ્ટ, ડિરેક્શન, એક્ટિંગ
આ પ્રકારની, એક ફિલ્મની સફળતા અને લોકપ્રિયતા બાદ બનેલી સિક્વલ કે રિમિક્સમાં ફડક એ વાતની રહે કે, તેમાં પહેલા ભાગનું પુનરાવર્તન ન હોય તો સારું! જે જે બાબત પહેલી ફિલ્મમાં સારી હતી, પોઝિટીવ પૉઇન્ટ હતા તે બીજી ફિલ્મમાં ઠુંસી ઠુંસીને ન નાખ્યા હોય તો સારું! જેમ કે ‘સિંઘમ રિટર્ન્સ’; પહેલી ફિલ્મ અફલાતૂન બીજી કચરો. અહીં એવું જ થયું છે પણ પ્રમાણભાન સાથે. નો ડાઉટ, આખી ફિલ્મનો પ્રાણતત્વ જિમી શેરગિલ છે, જેને આ વખતે શેરવાનીના બદલે હદથી વધારે ઝગમગતી હુડીથી ઢાંકવામાં આવ્યો છે. પણ તેમાં તેનો સ્વેગ અને ચાર્મ બરકરાર રહ્યા છે તથા કૉમિક ટાઈમિંગ અદભૂત છે. આપણે ‘એ વેનસડે’વાળા જિમીને ઓળખીએ છીએ પણ હૅપ્પીના બેઉ ભાગમાં તેની સેલ્ફ અવેર કૉમેડી જોઈને તે વધુ આવી ફિલ્મો કરશે તો મજા પડશે. જિમી અને પિયુષ મિશ્રાની જોડી લા-જવાબ છે. એક પાકિસ્તાની, બીજો ભારતીય. બેઉ એકબીજાને ભાષા અને દેશને લઈને ટૉન્ટ માર્યા કરે છે. તે દરેક ડાયલૉગ પહેલા ભાગની જેમ મુદ્દાસર અઝીઝે અદભૂત લખ્યા છે. અમુક સિચ્યુએશન્સ પણ સુપર્બ છે. બેઉની જોડી એટલી જામે છે કે, ફિલ્મનો ત્રીજો ભાગ આવે તો તેનું નામ ‘કયલુલા ઔર બગ્ગા’ રાખી દેવાય, એવો વિચાર એક વખત આવી જાય! પણ… જિમીના ‘તેરે ભાઈ કી શાદી’થી વાળો ડાયલૉગ્સ એક પૉઈન્ટ પછી રિપિટેટિવ લાગે છે. લોકો એન્જોય કરશે પણ ડિરેક્ટર-રાઈટરને બીજું કંઈ મળ્યું નથી તે ખ્યાલ આવી જાય છે.
પિયુષ મિશ્રાની ઉર્દુ, જિમીની પંજાબી અને બાકીનાઓની ચાઈનીઝઃ ફિલ્મની મોટાભાગની કૉમેડીનું સર્જન અહીંથી થયું છે. ચીની લોકોના ચહેરા અને તેમની ભાષા પરથી સ્થુળ કૉમેડી સર્જવામાં આવી છે. જેમ કે, એક ચીનીનું નામ છે, ‘માકાજુ’. બીજાનું નામ છે ‘ફા અને તેની અટક છે ‘ક્યુ’. (આવી કૉમેડી કે જોક કે ગેગની અપેક્ષા નહોતી રાખી સાહેબ! કેમ કે અહીં નિર્દોષ હૅપીનું નિધન થયું છે!) પિયુષ મિશ્રાના કૉમેડી કેરેક્ટરને એસ્ટાબ્લિશ્ડ કરવામાં ક્યાંક લોસ્ટ-ઈન-ટ્રાન્સલેશન થઈ છે. જાણે તેમને કૉમેડી કરવા માટે અનામત રાખવામાં આવ્યા હોય તેમ તે બગ્ગાના પન્ચિગ બેગ બની ગયા છે. અને એક પૉઈન્ટ પર તેમનું પાત્ર અરુચિકર, ચીતરી ચડે એવી કૉમેડી કરવા લાગે છે. હૅપી ફિર ભાગ જાએગી તેનો ચાર્મ અહીં ખોઈ બેસે છે. મૂળ ફિલ્મના પ્લૉટમાં થોડી સેન્સ હતી, તેમાં આ રીતે કૃત્રિમ ખીખીયાટા કરાવવામાં નહોતા આવ્યા.
લૉજિક વગરની વાર્તા છે તે તો સમજ્યા પણ દરેક પાત્ર અલગ અલગ રીતે એક વખત તો કહે જ છે કે, બધા ચાઈનીઝ લોકો એકજેવા જ લાગે છે! અહીં રાઈટિંગમાં કન્વિક્શનનો અભાવ દેખાય છે. માન્યા કે પહેલા ભાગમાં પણ લૉજિક ગાયબ હતું પણ વાર્તા અને એક્ઝિક્યુશન એટલું સ-રસ હતું કે તે ઢંકાળી જતું હતું છે. અહીં વચ્ચે વચ્ચે ગીતો, ઈમોશનલ સીન્સ, બિનજરૂરી સ્થુળ કૉમેડી, જસી ગિલના ઑવર-રિએક્ટેડ મોનોલોગ્સ, વગેરેના બમ્પર્સ આવ્યા કરે છે.
મુદ્દાસર અઝીઝની ખાસિયત મુજબ તેમણે ઈન્ડો-પાક અને ઈન્ડો-ચાઈનાને લગતી લાઈન્સ તથા જોક્સ(ગેગ્સ) સ્માર્ટલી મૂક્યા છે. એક સિનમાં હૅપી લિફ્ટ માગે છે ત્યારે ચાઈનીઝ કહે છે: ‘ઈન્ડિયા?’ પછી કહે છેઃ ‘દંગલ દંગલ?!’ સૌ જાણે છે તેમ દંગલ ફિલ્મ ચીનમાં ખૂબ જ ચાલી છે! પરંતુ આના સિવાય ભારતીયોને જવાબ આપતા ચીનાઓના દરેક જવાબો આર્ટિફિશિયલ લાગે છે. અમુક ચાઈનીઝ તો ભારતીયો નથી બોલતા એટલું ફ્લુઅન્ટલી હિન્દી બોલે છે!
જિમી અને પિયુષ ઉપરાંત હૅપી તરીકે સોનાક્ષી ધાર્યા પ્રમાણે ઠીકઠાક છે. ડિયાના પેન્ટીનો કૅમિયો કહી શકાય તેટલી હાજરી છે. અલી ફઝલ પણ કૅમિયોમાં છે પરંતુ એક્ટિંગ અગાઉની જેમ મજાની કરી છે. કોરિયોગ્રાફર અને ડાન્સર જેસોન થામ ચીનીના કૉમિક પાત્રમાં છે. તે તથા દાદુ એક્ટર ડેન્ઝીલ સ્મિથને સ્ક્રિન પ્રેઝન્સ સારી એવી મળી છે. ડેન્ઝીલ સ્મિથનું પાત્ર પ્રયત્ન કરાયો છે એટલી કૉમિક અસર નથી છોડી શક્તું. (તેનું પાત્ર ચીનાઓને અલગ અલગ તરીકાઓથી પાકિસ્તાની કલ્ચર શીખવતું હોય છે!)
ફિલ્મમાં આ ઉપરાંત પણ પાત્રો છે! હૅપી(સોનાક્ષી)ના મંગેતરના પાત્રમાં અપારશક્તિ ખુરાનાનો કૅમિયો છે. હૅપીના ચિઢિયા અને મિજાજી પપ્પાના પાત્રમાં રાજા બુંડેલા છે. ફા નામના ચીનમાં રહેતા ભારતીયના પાત્રમાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન જીવાંશુ અહ્લુવાલીયા છે. જોકે, તે ત્રણેક વખત જ નજરે પડે છે.
દિલેર મંહેદીના અવાજમાં બે વખત આવતા ટાઈટલ સૉન્ગ સિવાય એકપણ ગીત યાદ રહે તેવું નથી. સોહિલ સેનનું મ્યુઝિક ન-સાંભળવા લાયક છે.
જોવી કે નહીં?
જ્યારે અવિશ્વસનિય અને અશક્ય તમામ બાબતો ભેગી કરીને એક વાર્તા તૈયાર કરવામાં આવે અને તેના પરથી ફિલ્મ બનાવવામાં આવે ત્યારે પહેલી શરત એ છે કે, તેનું એક્ઝિક્યુશન ટ્રીકી હોવું જોઈએ. ઘટનાઓ એટલી ફટાફટ અને સિફતપૂર્વક બનવી જોઈએ કે છટકબારીઓ હોવા છયાંત દર્શકો વાર્તા-પ્રવાહને એન્જૉય કરી શકે. હૅપી ફિર ભાગ જાએગી 137 મિનિટની હોવા છયાંત લાંબી લાગે છે. ઈન્ટરવલ બાદ તો ઔર ડલ અને ક્યાંક કંટાળાજનક થઈ ગઈ છે.
સો, પહેલો ભાગ ગમ્યો હોય અને સમય હોય તો અપેક્ષા ઘટાડીને જોવા જશો તો ગમશે. પિયુષ મિશ્રા અને જિમી શેરગિલના ફૅન લોગ પંહોચી જાય. અને હા, સની દેઓલના ‘જીત’ ફિલ્મના ‘યારાં ઓ યારા મિલના હમારા…’ ગીત પર જિમી પાજી ફરી ઠુમકા લગાવે છે! ક્યા બાત!
@Parth Dave
(Review for Mid-day, Mumbai: 26 August 2018)

0 comments on “હૅપી ફીર ભાગ જાયેગી”