Movies Review

જિનીયસ

જિનીયસઃ એક સ્ટુપિડ કથા

Rating: 0.4 Star

61979945‘ગદર’ના ડિરેક્ટર અનિલ શર્માની તેમના પુત્રને લૉન્ચ કરતી ફિલ્મ ‘જિનીયસ’ કંગાળ અને વાસી છે. બોલીવૂડની જૂની-પૂરાણી નબળી ફિલ્મો કરતાંય નબળી છે. ન જોવાય.

 શું તમે ‘જિનીયસ’ છો?

જો હા તો આ ફિલ્મ નહીં જોઈ હોય. અને તમારી જિનીયસગીરી બરકરાર રાખવા માગતા હો તો ન જોજો. અને જિનીયસતાને તડકે મૂકીને જોઈ નાખી હોય, રાધર જોવાઈ ગઈ હોય તો કંઈ વાંધો નહીં, અનિલ શર્માની ‘ગદર’ ફરી એક વખત જોઈ નાખજો. પાપ ધોવાઈ જશે!

હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો પૈકીની એક ‘ગદ્દરઃએક પ્રેમ’ કથાના રચયિતા અનિલ શર્માએ શેમ ફિલ્મ ‘જિનીયસ’ બનાવી છે. એકચ્યુલી તેઓ અહીં ડિરેક્ટરથી વધારે ભાવુક, ઉત્સાહી, ઉંમગી અને અતિ જનુની પિતાના રૂપમાં છે. તેમના પુત્ર ઉત્કર્ષ શર્માને લૉન્ચ કરવા માટે આ અધમ કૃત્ય કર્યું છે. ‘ઉડજા કાલે કાંવા તેરે મુંહ વિચ ખંડ પાવાં…’: ‘ગદર’ના આ ગીતમાં જે સન્ની દેઓલનો બાળક બને છે તે ઉત્કર્ષ શર્મા. હસતો-રડતો મીઠડો લાગતો આ છોકરો હવે મોટો થઈ ગયો છે અને આપણને રડાવવા આવી પહોંચ્યો છે. વચ્ચે વચ્ચે અનઈન્ટેશનલી આપણને હસાવી પણ જાય છે!

સૌથી પહેલી વખત ત્યારે હસાવે છે જ્યારે આપણને કહેવામાં આવે છે કે તે IITમાં ભણતો જિનીયસ  વિદ્યાર્થી વાસુદેવ શાસ્ત્રી છે. બીજી વાર હસી હસીને બેવડ ત્યારે વળી જવાય છે જ્યારે કહેવામાં આવે છે કે તે કૉલેજમાં ટૉપ આવવાની સાથે RAWમાં પણ પાર્ટ-ટાઈમ કામ કરે છે અને કૉલેજમાં સાથે ભણતી નંદની ચૌહાણ(ઈશિતા ચૌહાણ)ને ગાતો ગાતો પ્રેમ કરે છે. પહેલી 30 મિનિટમાં ત્રણ ગીત ગાઈ નાખે છે આ જિનીયસ. હિમેશ રેશમિયાએ બહુ જ ખરાબ તૈયાર કરેલી વાહિયાત મેલડીઝ આપણને સાંભળવા મળે છે. RAWમાં કામ કરતે કરતે તેનો ભેટો અન્ય એક જિનીયસ MRS(નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે થાય છે. તે જિનીયસ છે પણ ટેરેરિસ્ટ છે. MRSનું પૂરું નામ તમે કોઈ સ-રસ મજાનું ધારો તે પહેલા કહી દઉઃ મિસ્ટર સમર ખાન! (વૉટ અ જિનીયસ નેમ!)

આ સમર ખાન આપણા જિનીયસને ત્રણેક ગોળી ધરબી દે છે. આ સિન નંબરીયા પડ્યા બાદ સૌથી પહેલો આવે છે. એટલે વાર્તા ફ્લૅશબૅકમાં જઈ શકે અને કોઈ જિનીયસ ફિલ્મ બની છે એવો આભાસ આપણને નહીં, ભાવુક પિતા અનિલ શર્માને થાય. વાસુ(‘જિનીયસ’નું ટૂંકુ નામ) વિજ્ઞાન અને વેદ બેઉનો જાણકાર છે. તેને સંસ્કૃત-અંગ્રેજી બેઉ આવડે. તે કહે છે કે, ‘હમે ગર્વ હૈ કી હમ પ્રાચીન હૈ’. એટલે જ આખી ફિલ્મમાં 70 અને 80ના દાયકામાં જોવા મળતા તેવા ગીતો પિક્ચરાઈઝ થયા છે. સ્ટન્ટ સિન તો ભયંકર ‘જિનીયસ’ કોરિયોગ્રાફ થયા છે અને ડાન્સ સ્ટેપ્સ સની દેઓલથી સારા છે.(વ્યાજસ્તુતિ અલંકાર! અમે પણ જિનીયસ!)

મૂળ વાત હવે આવે છે. જ્યાં-ત્યાં ગોળી લાગવાના કારણે વાસુને કાનમાં ટિનિટ્સ થઈ ગયું છે. માટે કાનમાં સેટ કરેલું મશીન કાઢે તો તેને અતિ અવાજ આવે. મોન્ટી શર્માનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એટલુ લાઉડ અને વિકરાળ છે કે આપણને કાનમાંથી લોહી નીકળવા માંડે. અનિલ શર્માએ જ લખેલી(બધુ અનિલ શર્માએ જ કર્યું છે ભાઈ!) વાર્તા એટલી વિખરાયેલી છે કે આગળ જતા વાસુદેવ શાસ્ત્રીને સ્કિઝોફ્રેનિયા થઈ જાય છે! અને હા, શરૂઆતથી તેના હાથમાં એક સ્ટીક છે. પણ તેને યાદ આવે ત્યારે તે લંગડાય છે, બાકી બરાબર! જિનીયસ!

આખી ફિલ્મમાં અનિલ શર્માએ પુત્રને જે જે નથી આવડતું તે બધું જ કરાવ્યું છે. સૌથી પહેલા તો એક્ટિંગ; પછી ડાન્સ, પછી રોમાન્સ અને પછી એક્શન! RAWમાં નેશનલ સિક્યૉરિટી એડવાઈઝર જયશંકર પ્રસાદ બનતા મિથુન ચક્રવર્તી, વિલન નવાઝુદ્દીન સિદ્દીકી, રૉના બાકીના સભ્યમાં અભિમન્યુ સિંહ, ગર્લફ્રેન્ડ બનતી ઈશિતા ચૌહાણ, મિનિસ્ટર ઝાકીર હુસૈન, પૂજારી મુની ઝા તથા બાકીના તમામ કલાકારો અને ખુદ આખી RAW એજન્સી એ પેરવીમાં છે કે કઈ રીતે ઉત્કર્ષ શર્મા ‘જિનીયસ’ લાગે! ફિલ્મના ડાયલૉગ એટલા ભંગાર છે કે, ‘સત્યમેવ જયતે’ની ડાયલૉગબાજી સો ગણી સારી લાગે! એક રૉ ઑફિસર અને મિનિસ્ટરને મારીને વાસુદેવ બોલે છેઃ ‘યહાં સૌદા નહીં, સિર્ફ સંસ્કાર હોતે હૈ, વો ભી અંતિમ!’ અમુક ડાયલૉગ તો એટલા ફન્ની બની ગયા છે કે ‘હૅપી ભાગ જાએગી’થી વધુ હસવું આવે છે! એક જગ્યાએ ડૉક્ટર બોલે છેઃ ‘એક દિન વો અચાનક બ્રેઈનડૅડ હો જાએગા!’ ચાલી એના કરતા 10 મિનિટ ફિલ્મ વધુ ચાલત તો દર્શકોનું મગજ અચાનક કોમામાં જતું રહેત.

અનિલ શર્માએ જ લખેલી(કેટલી વાર કહું હવે?!) મૂળ વાર્તામાં પોટેન્શિયલ છે. (હતું) શરૂઆતની પાંચ મિનિટ જોતા એમ લાગે છે કે, ત્રીસેક ટકા વાંધો નહીં આવે પણ પછીથી તેનું ફિલ્માંકન ભયંકર નબળું થયું છે. ડાયલૉગ, સ્ક્રિપ્ટ અને નજિબ ખાનની વીક સિનેમૅટોગ્રાફી ઉપરાંત કંગાળ કક્ષાની સ્પેશિયલ ઈફેક્ટ્સ, હીરોના વિચિત્ર કૉસ્ચ્યુમ્સ, અન્ડર-એડિટિંગ, અણઘડ કોરિયોગ્રાફી, લાઉડ સાઉન્ડ અને દેશભક્તિ તથા ગીતોના અતિરેકથી આ ‘જિનીયસ’ બની છે!

જોવાય કે નહીં?

આ રોલ માટે ઉત્કર્ષ શર્મા નાનો છે. તે કોઈ એન્ગલથી રૉ એજન્ટ લાગતો નથી. એકચ્યુલી તે હીરો મટિરિયલ જ નથી. ટાઈગર શ્રોફે પણ ડેબ્યુ કર્યું હતું પણ તેની ફ્લેક્સિબલ બૉડી તેની ફેવરમાં હતી અને આછી દાઢીમાં તે સહ્ય છે. અનિલ શર્માએ પુત્રની પર્સનાલિટીને સુટ થાય તેવા રોલ દ્વારા ડેબ્યુ કરાવવું હતું. અહીં તો ઓલ્ડ ફૅશન્ડ શોકેસ બનીને રહી ગયો છે. અને તેને જ સ્ક્રિન પર ચોંટાડી રાખવાની લ્હાયમાં નવાઝ સહિતના બધા વેડફાયા છે. નવાઝે આ ફિલ્મ કેમ કરી તે પ્રશ્ન તો ટ્રેઈલર જોઈને જ થયો હતો!

તો, કાંઈ કામ ન હોય, આ અઠવાડિયાની બાકીની ફિલ્મો જોઈ લીધી હોય, પૈસા વધી ગયા હોય, સમય પસાર કરવો જ હોય તો… (પણ) આ ફિલ્મ ન જોવી! એના કરતા એક કામ કરો, આ રિવ્યુમાં કેટલી વખત ‘જિનીયસ’ શબ્દ વપરાયો છે તે ગણો, મગજની કસરત થશે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 26 August 2018)

Genius 26-08
Mid-day, Mumbai. Page No. -, Date: 26-08-2018

 

 

 

 

 

 

 

 

0 comments on “જિનીયસ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: