Literature

બુઢાપા… ચલ હટ્ટ!

સ્વીડનના ડેગની કાર્લસન ૧૦૬ વર્ષની ઉંમરે દમામથી જીવે છે અને બ્લોગ લખે છે. તેમના બ્લોગની વિઝીટ આજ સુધી ૨૮ લાખથી વધુ લોકો કરી ચૂક્યા છે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

Dagny carlssonવૃદ્ધાવસ્થા એ હવાઈ જવાજ જેવી છે, જે પવનના તોફાનમાંથી પસાર થઈ રહ્યું છે. એકવાર તમે પ્લેનમાં ચડી ગયાં પછી તમે કંઈ જ કરી શક્તા નથી. – આ વાક્ય છે ઈઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી ગોલ્ડા માયરનું.

અન્ય એક ચોટદાર અને મજેદાર વાક્ય છેઃ ‘ચાસીસ વર્ષની ઉંમર એ જવાનીનો બુઢાપો છે અને પચાસ વર્ષની ઉંમર એ બુઢાપાની જવાની છે!’ કદાચ આ મહાન સાહિત્યકાર વિક્ટર હ્યુગોનું છે. પચાસ વર્ષ પછી કદાચ સફેદ વાળ ગણવાના આપોઆપ બંધ થઇ જાય એટલા માથામાં આવી ચૂક્યા હોય છે! જવાનીમાં શરીર સાથે બહુ રમતો રમી હોય છે, વૃદ્ધાવસ્થામાં શરીરનો વારો હોય છે. એ તમને ચેલેન્જ કરવા માંડે છે!

કેટલી વર્ષની વ્યક્તિ વૃદ્ધ કહેવાય તેનું એક્ઝેટ કોઈ માપદંડ નથી. પસાસ, સાઠ, સિત્તેર, એંશી? તમે અત્યારે કેટલા વર્ષના છો અને પંદર વર્ષ પછી કેવા હશો તેના પર આધાર છે બધો. આજે તો સત્યાવીસ વર્ષનો યુવાન શરીર અને મગજ અને મન થાક્યાની, ડિપ્રેશનની એવી બધી વાતો કરે છે; જાણે પંદર વર્ષ પછી એ બુઢો થઈ જવાનો હોય! એટલે જ વ્યક્તિની શારિરીક, માનસિક અને બૌદ્ધિક ઉંમર જૂદી જૂદી હોવાની. શરીર પૂરા થવાના આરે હોય પણ મન સાબૂત હોય અને બુદ્ધિ તેજ હોય તેવું સો ટકા બની શકે છે.

બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા આ બધી માણસની મગજની જ પેદાશ લાગે છે. બગીચામાં ગુલાબનું ફૂલ ઊગે, ત્રણેક દિવસ સુધી તેને તોડી ન લઈએ તો આપોઆપ મુર્ઝાઈ જાય છે. કહી શકાય કે તેનો બુઢાપો કેટલો જલ્દી આવી જાય છે! પણ સારી વાત એ છે કે, જલ્દી ચાલ્યો પણ જાય છે! પશુઓમાં કુતરું ૮-૧૦ વર્ષ જીવે તો એ પૂરી જિંદગી જીવ્યો એમ કહેવાય. ઘોડો ૧૫ વર્ષ ખેંચી નાખે છે. સસલું ૧૩ વર્ષ. દરેકનું આયુષ્ય અલગ છે. ૫૦-૬૦ વર્ષ પછી ‘આયુષ્ય’ અને ‘આયખું’ આ શબ્દોના અર્થ ખરેખર સમજમાં આવતા હશે, લોકોને?

કહ્યું એમ, વૃદ્ધાવસ્થા એ માનસિક છે. વર્ષોના આંકડા સાથે તેને માત્ર આપણે ઊભો કરેલો, સતહી સંબંધ છે. જજ ઓલિવર વેન્ડેલ હોમ્સે કહેલું કે, ચાલીસ વર્ષના વૃદ્ધ થવા કરતાં સિત્તેર વર્ષના જવાન થવામાં વધારે મજા છે!

આજે વૃદ્ધત્વ પર આટલું બધું પિષ્ટપેંજણ કરવાનું કારણ ડેગની કાર્લસન નામના એક એવા જ યુવાન વૃદ્ધા છે! તેમનો જન્મ વર્ષ ૧૯૧૨માં, એટલે કે તેમની હાલની ચાલુ ઉંમર માત્ર ૧૦૬ વર્ષ! તેઓ સ્વીડનના રહેવાશી છે.

dagny_i_nya_vita_jeans2હવે વાત એમ છે કે, ડેગની બેન કાર્સલનનો પણ જન્મ થયો હશે. મોટા થયા હશે. પરિવાર હશે. નોકરી કરી હશે. બાળકો કર્યા હશે અને એક સુંદર જિંદગી જીવી હશે. પણ તમારું શરીર સ્વસ્થ હોય, સશક્ત હોય એવું તમારી સાથે રહેનારા લોકોનું ન પણ હોય. તેઓ પોતાનું કામ કરીને અલવિદા કહેતા જાય. નીકળતા જાય. ડેગની  કાર્લસન એમ આજે એકલા વધ્યા છે.

૯૯ વર્ષના હતા ત્યારે તેમના કોઈ સગાએ કોમ્યુટર ગિફ્ટ કર્યું. શરૂઆતમાં ડેગની બેનને તકલીફ પડી. ટેક્નોલૉજી ફાવે જ નહીં!  શીખવામાં સમય લાગ્યો. પણ ધીમે-ધીમે બધું મગજમાં બેસતું ગયું.(શરીર વૃદ્ધ થયું છે, મગજ નહીં. અને મન તો જરાય નહીં!) ૧૦૦માં વર્ષે તેઓ કોમ્યુટર પર પોતાનું કામ કરી શકે એટલું વ્યવસ્થિત શીખી ગયા હતા. તેમણે પોતાનો બ્લોગ બનાવ્યોઃ ‘બ્લોગા મેડ મી’. એટલે કે, મારી સાથે બ્લોગ કરો.

આ બ્લોગ પર તેમણે લખવાનું શરૂ કર્યું. પોતાની રોજ-બ-રોજની જિંદગી વિશેનું, સરળ ભાષામાં. જેમ કે, તેમણે ૧૦૧ વર્ષની ઉંમરે જીન્સ ખરીદી હતી. જ્યારે જુવાન હતા ત્યારે છોકરીઓ જીન્સ પહેરે તે સ્વીકાર્ય નહતું. પણ તેમની ઈચ્છા હતી, એટલે હવે ખરીદી! વૃદ્ધોને રેલ્વે સ્ટેશનેથી ટીકીટ ખરીદવી હોય તો કેવી તકલીફોનો સામનો કરવો પડે છે તેના વિશે રમૂજી રીતે લખ્યું છે.  તેમણે તેના રોલ મોડલ, તેના દાદી વિશે લખ્યું. જે ૧૮૦૦ની સાલમાં થઈ ગયા. તેમણે તેને ખૂબ પ્રેમ આપ્યો હતો.

એક જગ્યાએ તેમણે લખ્યું કે, ‘મારી મા અને પહેલા દારુડીયા પતિ તરફથી મને એ પ્રેમ કદીય નથી મળ્યો.’ ડેગનીને બીજા પતિ તરફથી પ્રેમ મળ્યો અને તે ડેગની જ્યારે ૯૦ના દાયકામાં હતી ત્યારે મૃત્યુ પામ્યો.

7e1718b8-8342-43e4-9aea-834dd01dba0cવાત એમ છે કે, અત્યાર સુધીમાં તેમના બ્લોગ પર અઠ્યાવીસ લાખથી વધુ લોકો વિઝીટ કરી ચૂક્યા છે! તેમનું લખાણ તમામ લોકોને ગમે છે. અને તાજેતરમાં સ્વિડનના રાજા કાર્લ ગુસ્તફ અને ક્વીન સિલિવાએ ૧૦૬ વર્ષના આ દુનિયાના સૌથી મોટી ઉંમરના બ્લોગર ડેગની કાર્લસસને સન્માનિત કર્યા હતા. ડેગનીને લોકો ઉમંગ, ઉત્સાહ અને હકારાત્મક રીતે કેમ જીવવું તેના પર બોલવા આમંત્રણ આપે છે. ટીવી પર તેમના શો આવે છે. સ્વિડનની સૌથી ખુશમિજાજ વ્યક્તિમાં તેમનું નામ આવે છે. તેમના પર શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે.

સ્વીડીશ યુનિવર્સિટીએ ગયા મહિને તેમને ૨૦૦૦ યુરો એટલે કે ૧.૬ લાખ રૂપિયા ભેટમાં આપ્યા. ડેગની કાર્લસને તરત કહ્યું કે, ‘આ રૂપિયા હું મારા જન્મદિવસે વાપરી નાખીશ!’ આ છે સ્પીરીટ. તમે કેટલા કમાઓ છો એના કરતાં તમે કેટલા વાપરી શકો છો એ પરથી તમારી ખુશીઓનો અંદાઝ આવે છે!

દુનિયાના સૌથી વૃદ્ધ બ્લોગર ડેગની કાર્લસનની સવાર ચા અને છાપાથી પડે છે. દુનિયાભરના સમાચારો વાંચે અને ત્યાર બાદ તેના પર પોતાના વિચારો બ્લોગ પર રજૂ કરે! ડોક્યુમેન્ટ્રીમાં તેઓ કહે છે કે, મને એક વખત નવ વર્ષના છોકરાએ કૉમેન્ટ કરી હતી કે, તમે ખરેખર કૂલ છો! ત્યારે મને મારા પર ગર્વ થયો હતો!

ડેગની કહે છે કે, કમ્યૂટર મારો સૌથી સારો મિત્ર છે. જે મને બહારની દુનિયા સાથે સંપર્કમાં રાખે છે. મેં તો મારા જીવનના ૧૦૦ વર્ષ તેના વગર જ કાઢી નાખ્યા! પણ હવે મને તેની ટેવ પડી ગઈ છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેની મદદથી મારા મિત્રો સાથે વાત કરી શકું છું. સમાચાર વાંચી શકું છું. તેમાં મારે કોઈ પૈસા પણ નથી લાગતા!

***

Dagny Carlsson Worlds oldest blogger 2વેલ, આપણા કામની થોડી વાત કરીએ. ડેગની કાર્લસનને કઈ બાબતોએ આટલું લાંબુ આયુષ્ય આપ્યું છે? તેઓ ખુદ કહે છેઃ ‘મારું માનવું છે કે મારી બે ટેવોએ મને આટલા લાંબા સમય સુધી જીવતી રાખી છે. એ બે ટેવ છે- સારી જાણકારી અને મારી નવી નવી વસ્તુઓ શીખવાની ટેવ.’

યસ માય લોર્ડ! નવું નવું શીખતા રહેવાની ટેવ. આપણે તો ૬૦-૬૫ પછીની ઉંમર પ્રભુના ધામે કે હરિદ્વાર-ઋષિકેશની યાત્રાએ કે કથાઓ કરવામાં જ પૂરી કરી નાખવી જોઈએ એવો અદ્રશ્ય  કાયદો બનાવી નાખ્યો છે! વૉટ્સેઅપ-ફેસબુક શીખો છો તો એ બહું સારું છે પણ શોખ હોય અને લખવાની ઈચ્છા હોય તો બ્લોગ લખો. ન ફાવે તો કાગળ પર લખો અને તે કોઈ પાસે ટાઈપ કરાવીને ઈન્ટરનેટ પર ચડાવો! તમારી પણ ડેગનીને જીન્સ લેવાની ઈચ્છા હતી એમ કોઈ ઈચ્છા બાકી હશે ને? કરો પૂરી! બાળકને મોટા થવાની મજા જ એટલે આવે છે કે તે નવું નવું જોયા-શીખ્યા કરતો હોય છે કુતુહલવશ.

dagny3લાંબા આયુષ્ય પાછળનું ડેગનીબહેને ન કહ્યું એમાંનુ એક કારણ એ છે કે, ખોટી ગામ પંચાયત અને બીજાની ખોદણી કરવામાં સમય ન વેડફવો. એના કરતા દુનિયામાં જે બની રહ્યું છે તે વાંચવુ, તેના વિશે વિચારવું. પોતાના દિર્ગ અનુભવનો લાભ દુનિયાને આપવો.(ભલે ઘરવાળા ન સાંભળતા હોય.) ખરેખર દમ હશે તો લોકો સાંભળશે જ. બહારના એકવાર સાંભળશે પછી ઘરનાય સાંભળશે, ક્યાં જાશે?!

બીજું એ કે, ઉમંગ અને ઉત્સાહમાં રહેવું. રમૂજી રહેવું. (એ ચાહે કચ્છના બિબ્બર ગામના પાબીબેન હોય કે સ્વીડનના ડેગની કાર્લસન.) બ્લૉગ પર લટાર મારીને આઈડિયા આવી જાય છે કે ડેગની કાર્લસન કેટલા વિટી પર્સન છે. એક જગ્યાએ  તેમણે લખ્યું છેઃ ‘જો હું એક દિવસ ન લખું તો લોકો સમજે છે કે હું મરી ગઈ!’ ધેટ્સ કૉલ બ્લૅક હ્યુમર.

*જે બાત!*

વૃદ્ધત્વનો બહુ વિરોધ ન કરવો, એ ઘણાની કિસ્મતમાં હોતું જ નથી!- અજ્ઞાત

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 22-08-2018

budhapa chal hatt 22-08 edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 2  તા. 21-08-2018
1
What a Smile! <3 

0 comments on “બુઢાપા… ચલ હટ્ટ!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: