Movies Review

સત્યમેવ જયતે

નર્યા ગપગોળા

Rating: 2.7 Star

125465જૉન અબ્રાહમ અને મનોજ બાજપાઈ સ્ટારર ‘સત્યમેવ જયતે’માં કંઈ જ સાચું નથી. મેસેજ અને લૉજિક તો નથી જ, સ્પાર્ક પણ ગેરહાજર છે. ‘ગોલ્ડ’ જોઈ લીધી હોય, જૉનના ફૅન હો અને સમયનો સદ્ કે દૂર ઉપયોગ કરવો હોય તો મગજનો બુદ્ધિશાળી વિભાગ બંધ રાખીને થિએટરના પગથીયાં ચડી શકો છો.

-‘સત્યમેવ જયતે’ ફિલ્મ કેવી છે?

-તમે ટ્રેઈલર જોયું ફિલ્મનું?

એક મિનિટ, એ પહેલા થોડી માહિતી.

‘સત્યં પરમં ધીમહિ! સત્યમેવ જયતે!’ આપણા પ્રાચીન મુંડક ઉપનિષદમાં આ શ્લોક છે. જેનો અર્થ થાય છેઃ ‘પરમાત્મા જ સત્ય છે ને સત્યનો જ સર્વત્ર વિજય થાય છે.’ આ શ્લોક ભારત આઝાદ થયું તે બાદ, 26મી જાન્યુઆરી 1950ના રોજ નૅશનલ મોટો(મુદ્રાલેખ) તરીકે લેવામાં આવ્યું. ત્યારથી રાષ્ટ્રીય ચિહ્નની નીચે તે લખાય છે. પછી તો ફિલ્મોમાં વાક્ય તરીકે, ફિલ્માંકનમાં દ્રશ્ય તથા પ્રતિક તરીકે વર્ષોથી તેનો ઉપયોગ થતો આવ્યો. આમિર ખાને ‘સત્યમેવ જયતે’ના નામે સ-રસ ટીવી-શો કર્યો અને મિલન મિલાપ ઝવેરી એ જ નામથી જૉન અબ્રાહમ-મનોજ બાજપાઈને લઈને ફિલ્મ બનાવી.

-હા તો ફિલ્મ કેવી છે?

-પણ તમે ટ્રેઈલર જોયું?

જવાબ: ટ્રેઈલરમાં તમે નોંધ્યુ હોય તો જૉન અબ્રાહમ પોતાના બાવડાના જોરે, ખબર નહીં કઈ કંપનીનું છે પણ, એક ટાયર ફાડી નાખે છે. એ ટાયરની જેમ 141 મિનિટની ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી આપણું મગજ ન ફાટે તેની ભયંકર સાવચેતી રાખવી પડે છે.

હા, પણ આ ફિલ્મની એક સારી બાબત એ છે કે તે પૂરી થાય છે. અને આપણું મગજ બીજી ફિલ્મો જોઈ શકે તે માટે સાબૂત રહે છે.

પકડાપકડી

મુંબઈમાં એક જાગ્રત નાગરિક, જે જાગી ગયો છે અને ગુસ્સે થઈ ગયો છે, તે પોલિસવાળાઓને પકડી પકડીને, પકડી-પકડીને તેના પર દેશી ઘી રેળીને બાળીને મારી રહ્યો છે. તેનું નામ પછી ખબર પડે છે પણ હું તમને કહી દઉં વીર(જૉન અબ્રાહમ) છે. તેનું કોઈ ભૂતકાળનું વેર છે ભ્રષ્ટ પોલિસ-ઑફિસરો સામેનું. એટલે તમે સમજોને, ભાઈને ખબર પડે કે પેલા બારમાં કોઈ પોલિસવાળાએ રુશવત લીધી છે તો આ વીરભાઈ ત્યાં પહોંચી જાય અને તેને મારી નાખે. ના, મારે નહીં, પેલા ડાયલૉગ બોલે ભારે ભારે કવિતા જેવા. જાણે શેર ફટકારતો હોય. પછી તેના પર નજીક જે પડ્યું હોય તે; ઘી, આલ્કોહૉલ, ઘાસતેલ, પેટ્રોલ; જે પણ અવેલેબલ હોય તે છાંટે અને પછી ભેગા ખિસ્સામાં જ રાખેલા બાકસમાંથી દિવાસળી કાઢે અને બાળી નાખે! કહેવાની જરૂર નથી કે બૅકગ્રાઉન્ડમાં લાઉડ ‘શિવતાંડવ’ વાગે. (ખરેખર!) ‘મસ્તીઝાદે’ ફૅમ મિલન ઝવેરીને એમ કે આ મારી ‘બાહુબલી’નો પહેલો ભાગ બનશે!

એક-બે સુધી ઠીક હતું, હવે મૌતનો આંકડો વધતો ગયો એટલે મોટા સાહેબે રજા પર ગયેલા  DCP શિવાંશ રાઠોડ(મનોજ બાજપાઈ)ને પાછા બોલાવી લીધા. આ ભાઈ મુંબઈમાં ગોત્યા ન જડે એવા સો ટકા ઈમાનદાર માણસ. ન ખાઉં ન ખાવા દઉં પ્રકારના. પણ તેઓ કંઈ રિસર્ચ ચાલુ કરે તે પહેલા તો ‘જાગ્રત નાગરિક’ વીરભાઈએ સામેથી ફોન કર્યો. અને બેઉ ફોનમાં પાછા શેર-શાયરીઓ કરવા માંડ્યા! આઈ મીન, વાતો. પણ મિલન મિલાપ ઝવેરીએ એવા ડાયલૉગ લખ્યા છે કે એ ડાયલૉગ ઓછા અને કહેવતો, શાયરીઓ અને ગાઈ નાખો તો ગીત વધારે લાગે! કોઈ મામુલી હવાલદાર કે એક્સ્ટ્રા કૅરૅક્ટર પણ બોલે તો ભારે-ભરખમ પ્રેશરવાળો ડાયલૉગ બોલે. બ્રિલિયન્ટ રાઈટર રજત અરોરાએ પણ એવું બહું કર્યું; તો અંતે ‘વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ દોબારા’ અને ‘બાદશાહો’ આપણને મળી! અહીં ઝવેરીસાહેબે એવું કર્યું છે. જેમ કે, અહીં કોઈ સામાન્ય વ્યક્તિ બોલે છેઃ ‘કચરા કા ઈન્સાફ નહીં હોતા, કચરા સિર્ફ સાફ હોતા હૈ!’ હૈંયય?

સામસામે ડાયલૉગબાજી અને ‘હું તને પકડીશ, તું શું મને પકડીશ’ પ્રકારના નિવેદનો બાદ વીર DCPસાહેબને ચેલેન્જ આપે છે કે, હવે તો હું પોલિસ સ્ટેશનની અંદર જઈને એક પોલિસને મારીશ.(એટલે કે બાળીશ.) અને આ ચેલેન્જ પણ વીર લૉજિકના સંપૂર્ણપણે ભુકા બોલાવીને પૂરૂં કરી લે છે.

બસ.. આ રીતે ઉંદર-બીલાડાની રમત ઘોંઘાટિયા બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક અને એથી વધુ ઘોંઘાટિયા ડાયલૉગની સાથે અવિરત ચાલતી રહે છે અને એમાં ખો આપણો નીકળે છે…

બદલે કી વિચિત્ર ભાવના!

       સિત્તેર-એંશીના દાયકામાં બૉલીવુડમાં ‘વિજિલન્ટ થ્રિલર’ ઝોનરની ફિલ્મો ખૂબ બની, જેમાં ભૂતકાળમાં થયેલા કોઈ અન્યાયથી છંછેડાઈને નાયક કાયદા-કાનૂન પોતાનામાં હાથમાં લઈ લે. મોટાભાગની આવી ફિલ્મોમાં બદલાની ભાવના મુખ્ય હોય. ખાસ તો નાયકને આવો ખુંખાર અને ખરાબ બનાવવામાં લિગલ સિસ્ટમનો જ મોટો ભાગ હોય. આ જૂની મસાલા ફૉર્મ્યુલાનો ડિરેક્ટરે અહીં ‘ગબ્બર ઈઝ બૅક’ની જેમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે.(એક્ચ્યુલી તો ઉપયોગ કરી જ નાખ્યો છે!) પણ નિષ્ફળ ગયો છે. આ ફિલ્મ જોતા સીધી ૭૦ની એક બ્લૉકબસ્ટર ક્રાઈમ-ડ્રામા યાદ આવે. એ ફિલ્મનું નામ આપી દઈશ તો આ ફિલ્મમાં ચપટીભર જે મજા છે તે પણ સ્પૉઈલ થઈ જશે.

પ્રયત્ન ફેલ એટલે ગયો છે કે આ ફિલ્મમાં લૉજિક તો નથી જ;(એ તો કેમ હોઈ શકે?) પણ સાથોસાથ ઈમોશન, સેન્સ અને સેન્સિબિલિટી પણ ગાયબ છે, જેના કારણે ફિલ્મના બહુધા સીન્સ ઈરાદા વિનાના કૉમેડી બની ગયા છે. દર્શકોને ફિલ્મ જોઈને નહીં, ફિલ્મ પર હસવું આવે તેવા માટો ભાગના દ્રશ્યો ફિલ્માવાયા છે. ખાસ કરીને ઈન્ટરવલ બાદના. ઈન્ટરવલ સુધી વાર્તા બિલ્ટ-અપ થાય(વાર્તા જેવું કંઈ છે નહીં તોય) જેમાં નાયક ભ્રષ્ટ પોલિસવાળાઓને મારતો જાય. ઈન્ટરવલમાં એક ટ્વિસ્ટ રિવીલ થાય અને ત્યાર બાદ નાયકની બૅકસ્ટોરી આવે, જેમાં પિતા-પુત્રની વાત છે. આ સ્ટોરીમાં પણ ક્યાંય ઈમોશન નથી, મેલોડ્રામા અને બિન-જરૂરી બાળવુ-મરવું છે. મજાની વાત એ છે કે વીરને ભ્રષ્ટાચારથી પ્રોબ્લેમ નથી, માત્ર ભ્રષ્ટ પોલિસ ઑફિસરોથી પ્રૉબ્લેમ છે! જેમ કે, હિટ એન્ડ રન કેસમાં એક પોલિસે લાંચ લીધી. વીર ભાઈએ તેને સજા આપી પણ જેણે હિટ એન્ડ રન કર્યું તેને કંઈ ન કર્યું! કેમ કે, તે અને અન્ય ધુતારા બિઝનેસમેનો, લંપટ નેતાઓ, આ બધા તેની બૅક સ્ટોરીમાં ફિટ નથી બેસતા! નિગમ બોમઝાનના કૅમેરાએ સ્લો-મોશન શૉટ્સ અને બહુધા ક્લોઝ  એન્ગલ લીધેલા છે. સરક્યુલર ડૉલી શૉટ્સ(ગોળ ગોળ ઘૂમતા કૅમેરા) અહીં એટલા બધા છે કે, આપણને ચક્કર આવવા મંડે છે!

સ્ક્રિન પર સૌથી વધુ કંઈ દેખાણું હોય તો તે જૉનના બાવડાં, તેનો લાકડા જેવો શૂન્ય એક્સપ્રેશન આપતો ચહેરો અને ફૂલાવેલા નશકોરા. એક્શન સીન્સમાં તો એ ‘ફોર્સ’ અને ‘રૉકી હૅન્ડસમ’ની જેમ અહીં જામે જ છે. ઈવન એટલો જામે છે કે એક સીનમાં માણસને બાળીને કોઈકનું આખું પેટ્રોલ પંપ ઉડાડી દે છે, તે પહેલા રાડો પાડીને જૉન એક ટાયર ફાડે છે. પણ તમને લાગે કે, ના બૉડી તો છે આની પાસે, તે ટાયર ફાડી શકવા સક્ષમ છે! પણ આ જ ગંભીર-એકધારા-લાકડાછાપ એક્સપ્રેશન એ તેની ગર્લફ્રેન્ડ અને પપ્પી(ડૉગી)ને પ્રેમ કરતો હોય ત્યારે પણ ‘જાળવી’ રાખે છે! આપણને એમ થાય કે સાલું, આમનેય બાળી નાખવાનો છે કે શું?! ફિલ્મમાં જૉન માત્ર બે કામ કરે છેઃ પેઈન્ટિંગ અને બાકીના સમયમાં મર્ડર! તેની ગર્લફ્રેન્ડ શિખાના પાત્રમાં નવોદિત આયેશા શર્મા છે. વીર આ બધી ખૂનામરકી કરી રહ્યો છે તે આયેશાના સિલેબસની બહાર છે. એક વાર તો બધું કરવા વીર તાજિયામાં જતો રહે છે! છેલ્લે છેલ્લો તો આયેશા એટલી કન્ફ્યુઝ છે કે, ચારે બાજુ આગ લાગી છે. મનોજ અને જૉન જીવન-મરણનો ખેલ ખેલી રહ્યા છે અને આયેશા કોઈ અલગ જ દુનિયામાં છે. જાણે કહેતી હોયઃ તો પછી મને આ ફિલ્મમાં શું કામ લીધી?

ખેદ સાથે કહેવું પડશે કે મનોજ બાજપાઈ વેડફાયો છે. અમુક દ્રશ્યોમાં તે ફોન પર બરાડા પાડતો હોય તેવું લાગે છે. તેની પત્નીના પાત્રમાં અમૃતા ખાનવિલકર છે, જેણે છેલ્લે ‘રાઝી’માં અદભૂત અભિનય કર્યો હતો. અહીં તેના ભાગે ઘણીને બે દ્રશ્યો આવ્યા છે. બાકીના શિંદે, દામલે, ભોંસલે નામના ટિપિકલ કેરિકેચરસ પોલિસના પાત્રો છે.

નુરાહ ફતેહી નાચે છે તે ‘દિલબર દિલબર’ ગીત છે. જેને રિમિક્સ સામે વાંધો ન હોય અને જોવું-સાંભળવું ગમતું હોય તે એન્જૉય કરી શકે છે. ‘તેજદાર-એ-હરમ’ સૉન્ગ સાજિદ-વાજિદે રિ-ક્રિએટ કર્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોરના માસ્ટર સંજય ચૌધરી આ વખતે તેમાં સખત નિરાશ કરે છે.

દેશભક્તિ કે ઔર ભી રાસ્તે હૈ..

અતિશય વાયૉલન્સ(જેની ખરેખર જરૂર ન હોય), નજીવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, ડાયલૉગબાજી તથા ઈન્ટરવલ-એન્ડમાં કોઈ મોટું રહસ્ય ઉજાગર: આ અબ્બાસ-મસ્તાન સહિતના મોટાભાગના માસ-એન્ટરટેઇનર અને મસાલા-થ્રિલર રાઈટર-ડિરેક્ટરની પૅટર્ન છે. અહીં એમ જ કરવાની કોશિશ થઈ છે પરંતુ એકપણ બાબત કન્વિન્સિંગ નથી લાગતી. સિનેમામાં જે એક વસ્તુની અનિવાર્યતા છેઃ દર્શકોને લાગવું જોઈએ. તેમને ફિલ થવું જોઈએ.

અને તેના કારણે જ વારંવાર લીધેલા ફરકતા રાષ્ટ્રધ્વજના સ્લો-મૉશન શૉટ્સ કે દેશદાઝ અને તિરંગાની વાતો- આનું કંઈ જ મહત્વ નથી રહેતું. બધું બનાવટી લાગે છે. પાત્રો ઢોંગી લાગે છે. રિલીઝ ડેટ નક્કી હોવાથી 15મી ઓગસ્ટવાળો માત્ર એક સિન આવે છે, તે પણ ઈરાદાપૂર્વક સેટ કરાયો છે. માત્ર ત્રણ રંગો બતાવીને કેટલે સુધી દેશભક્તિ દર્શાવીશું? બીજા ઘણા રસ્તા છે…

જોવી કે નહીં?     

‘ગોલ્ડ’ જોઈ લીધી હોય, જૉન-મનોજના આખી ફિલ્મ જેટલા અને નુરહા ફતેહીના એક ગીત જેટલા ફૅન હો, સમયનો (સદ્ કે) દુરઉપયોગ કરવાની તીવ્ર ઈચ્છા હોય તો… ક્યાં ના છે!

છેલ્લી વાતઃ મસાલા અને માસ એન્ટરટેઇનમેન્ટમાં મેસેજ અને લૉજિક ન હોય તો કંઈ નહીં, પણ સ્પાર્ક હોવો જોઈએ. જે અહીં સદંતર મિસિંગ છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 17 August 2018)

 

satymev jayte 17-08
Mid-day, Mumbai. Page No. 26, Date: 17-08-2018

 

0 comments on “સત્યમેવ જયતે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: