Movies Review

ગોલ્ડ

સિલ્વર

Rating: 2.7 Star

thequint2018-064e70ccdc-3886-4d57-80a8-90303417e05cgold_posterવર્ષ 1948ના ઑલિમ્પિક્સમાં ભારતીય હોકિ ટીમે મેળવેલી ઐતિહાસિક જીતને આધાર બનાવીને બનેલી કાલ્પનિક ‘ગોલ્ડ’ એવરેજ છે. રજાના દિવસોમાં દેશદાઝથી લથબથ થવું હોય અને પ્રિડિક્ટેબલ અન્ડરડૉગ સ્પૉર્ટ્સ-ડ્રામા જોવી હોય તો નબળા ગીતોથી સજાવેલી ‘ગોલ્ડ’ તમારા માટે છે. સંપૂર્ણ નિરાશ નહીં થાવ તેની ગૅરન્ટી.  

 

1) ત્રણ દિવસ પહેલા એટલે કે 12મી ઓગસ્ટે ભારતના અમુક શહેરોની ફેમસ જગ્યાને ‘ગોલ્ડન’ રંગથી શણગારવામાં આવી હતી, કારણ કે, 70 વર્ષ પહેલા એક્ઝૅક્ટ એ દિવસે લંડનમાં યોજાયેલી ઑલિમ્પિક્સની મૅન્સ હોકિ ઈવેન્ટમાં ભારતીય ટીમે ફાઈનલમાં બ્રિટનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ઐતિહાસિક ક્ષણ હતી ભારતીય હોકિ ટીમના કપ્તાન કિશનલાલ માટે. કારણ કે એ વખતે સમગ્ર ભારતીય ટીમ પહેલી વખત ઑલિમ્પિક્સમાં રમી રહી હતી. આ મૅચમાં બલબીરસિંહ સિનિયરે 2 તથા જૅન્સેન અને ત્રિલોચન સિંહે 1-1 ગોલ ફટકાર્યા હતા. ભારતે બ્રિટન સામે 4-0ની સરસાઈથી જીત મેળવી તેને ધૂળ ચાંટતુ કરી દીધું હતું!

2) વેલ, આ વાતને વધુ ચટાકેદાર અને રસપ્રદ બનાવવા એમ કહી શકાય કે, જે દેશે ભારત પર 200 વર્ષ રાજ કર્યું તે ગ્રેટ બ્રિટનને તેની જ ધરતી પર હરાવીને ભારતે પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સ્વતંત્ર ભારતે પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો. એ પહેલા ભારત વર્ષ 1928, 32 અને 36માં બૅક ટુ બૅક ગોલ્ડ જીતી હતી, પણ એ તો બ્રિટિશ ઈન્ડિયાના નામે. ત્યારે જીતના જશ્નમાં બ્રિટિશરોનું રાષ્ટ્રગાન વાગતું, ‘જન ગણ મન’ નહીં.

પહેલા નંબરે વાત કરી તે સત્યઘટનામાં બીજા નંબરે વાત કરી તે પૅટ્રિઓટિઝમ ડ્રામા ભેળવીને ડિરેક્ટર રિમા કાગતીએ ‘ગોલ્ડ’ બનાવી છે!

કેવી બનાવી છે? 15મી ઓગસ્ટે, ઘણા બધા લોકો અને દેશદાઝની આગ સાથે, ‘મજા કરવાની જ છે’ એવું વિચારીને ફિલ્મ જોઈએ તો થો…ડી મજા પડે એવી બનાવી છે!

આવો સવિસ્તાર કહું!

એક સપના, જો સચ હુઆ

       વાર્તાની શરૂઆત વર્ષ 1936ના બર્લિન ઑલિમ્પિક્સથી થાય છે. જેમાં બ્રિટિશ ઈન્ડિયા ટીમે જીત મેળવીને ઓલમ્પિકમાં લગાતાર ત્રીજી વખત ગોલ્ડ મેળવ્યો હતો. પરંતુ હવામાં ધ્વજ બ્રિટનનો લહેરાયો હતો. આ વાત બ્રિટિશ ઈન્ડિયાની હોકિ ટીમના જૂનિયર મૅનેજર તપન દાસ(અક્ષય કુમાર, બીજું કોણ?)ને ખૂંચી ગઈ. જ્યારે બ્રિટિશરોનું ગાન ગવાઈ રહ્યું છે ત્યારે ભારતીય હોકિ ટીમના કપ્તાન સમ્રાટ(કુણાલ કપૂર) સામે અક્ષય પોતાના સુટના જૅકેટમાંથી તિરંગો કાઢે છે. સમ્રાટ પોતાની નજર બ્રિટિશ ફ્લૅગ પરથી હટાવી, નીચે તિરંગા સામે કરે છે અને મનોમન સલામી આપે છે. વાઈસ કૅપ્ટન ઈમ્તિઆઝ શાહ(વિનીત કુમાર સિંહ) પણ એવું જ કરે છે અને અનુક્રમે આખી ટીમ તપનદાસ સામે જોઈને સલામી આપે છે.

વૉટ અ સ્ટાર્ટિંગ! અહીંથી જ ખ્યાલ આવી જાય છે કે ફિલ્મનો ટોન તે સંપૂર્ણપણે 15મી ઑગસ્ટે રિલીઝ કરવાની છે એ પ્રમાણે રખાયો છે! વેલ, આ જીત બાદ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા બે વખત ઑલિમ્પિક્સ મુલતવી રહે છે. એટલે કોઈ કામ ન હોઈ ‘તોપોન’ દાસ દારૂ પીધા કરે છે, બૉક્સિંગમાં રૂપિયા લગાવ્યા કરે છે. 1946માં સમાચાર આવે છે કે બે વર્ષ બાદ ઑલિમ્પિક્સમાં ભારત રમવા જશે અને ત્યાં સુધી ભારત આઝાદ પણ થઈ ચૂક્યું હશે. પોતે જોયેલું સપનું હવે સાકાર થશે એમ વિચારીને તપનબાબુ હોકિ ફેડરેશનમાં વાત કરે છે. 10 વર્ષ વિતી ચૂક્યા છે એટલે ફરી તમામ સ્કિલ્ડ હોકિ ખેલાડીઓને ભારતભરમાંથી પસંદ કરવામાં આવે છે, જે ખુદ બંગાલી બાબુ કરે છે. પ્રૅક્ટિસ ચાલતી હોય છે ત્યાં ભારતને આઝાદી મળે છે અને હિન્દુસ્તાનના બે ભાગ પડે છે, હુલ્લડો થાય છે. હોકિ ટીમ પણ વિખેરાઈ જાય છે. અમુક મુસ્લિમ ખેલાડી પાકિસ્તાન જતા રહે છે. ફરીથી તપન દાસનું સપનું તુટવા લાગે છે, તે ફરી ફેડરેશન પાસે ગ્રાન્ટ માગવા જાય છે, ફરી ટીમ ભેગી કરે છે અને એક દિવસ, આપણે જાણીએ છીએ તેમ, ભારતીય ટીમ બ્રિટન સામે ઑલિમ્પિમાં હોકિ મૅચ જીતે છે અને સપનું સત્ય થાય છે અને સત્યમેવ જયતે!(કાલે વાત)

 દેશભક્તિ, બદલા ઔર જીત!

‘હનીમુન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને આમિર ખાન અભિનિત સાયકોલૉજિકલ હૉરર ફિલ્મ ‘તલાશ’ બાદ રીમા કાગ્તીની આ ત્રીજી ફિલ્મ છે. આ પ્રકારની સ્પૉર્ટ ડ્રામા સ્ટોરી, એમાં પણ હોકિ ગેમ ઑરિએન્ટેડ, બે બાજુ ઢળી શકે છે. કાં તો ‘ચક દે! ઈન્ડિયા’ જેવી બેનમૂન કૃતિ સર્જાય કાં તો ‘સૂરમા’ જેવી વાહિયાત ફિલ્મ બને. ‘ગોલ્ડ’ આ બેઉ વચ્ચે આરામથી ઝોલા ખાય છે. રાજેશ દેવરાજ અને રીમા કાગ્તીએ હિસ્ટોરીકલ મૅચ વિનિંગના કિસ્સાની આજુબાજુ આખી કહાણી રચી છે. વર્ષ 1936થી 1948 વચ્ચેના ભારતનો વિન્ટૅજ એરા વીએફએક્સનો બેશુમાર ઉપયોગ કરીને ઝિલવાનો પ્રયત્ન કરાયો છે. સરળતાથી નોટિસ થાય એવું નથી પણ અમુક જગ્યાએ આબાદ ક્રોમા જણાઈ આવે છે. આ પ્રકારની ફિલ્મોમાં કૉસ્ચ્યુમ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કામ વધી જાય છે, જે અહીં સારું છે. મૂળ સ્પૅશિન સિનેમૅટોગ્રાફર અલ્વારો ગુતિયેરેઝે કલકત્તા અને મુંબઈ જેવા શહેરો, એ સમયગાળાના મકાનો તથા ભિન્ન ભિન્ન હોકિ સ્ટેડિયમ મજાના કેપ્ચર કર્યા છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ ભયંકર ધીમો છે. અક્ષય કુમાર સહિતના લગભગ તમામ કૅરેક્ટર્સને એસ્ટાબ્લિશ્ થતા વાર લાગે છે. અક્ષયના બંગાળી પાત્ર સાથે આપણને સેટ થતા જ વાર લાગે છે! તે ઉડીબાબા, ગોંડોગોલ, અમીજાની વગેરે શબ્દોનું પુનરાવર્તન કર્યા કરે છે. તે અને તેની પત્ની મોનોબીના(ટેલિવીઝન અત્રિનેત્રી મૌની રૉય) પ્યૉર બંગાળી લઢણમાં જ વાત કરે છે. આપણને સતત એ યાદ અપાવવામાં આવે છે કે, આ બેઉ બંગાળી છે!

બીજી એક વાત પણ સતત પિન્ચ કરવામાં આવે છે કે, આ જે પણ થઈ રહ્યું છે તે 200 વર્ષ જૂનો બદલો લેવા માટે થઈ રહ્યું છે! એક જગ્યાએ તો મૌની રૉય રસોઈ કરતા કરતા પણ કહે છે કે, આ હું જમાડવા માટે નહીં 200 વર્ષનો હિસાબ ચૂકવવા માટે આ કરુ છું! સ-રસ મજાની સ્ક્રીપ્ટ કઈ રીતે સેન્ટિમેટલ થઈને વેવલાવેડા કરવા માંડે તેનું આ પરફેક્ટ ઉદાહરણ છે.

કબીર ખાન: તુમ બહોત યાદ આયે!

હોકિ એ અતિ ફાસ્ટ પેસ્ડ રમત છે. તેને સ્ક્રિન પર એટલી જ ઝડપ અને બારીકાઈથી દર્શાવવી પડે. હોકિ પ્લેયર સંદિપ સિંહ પર બનેલી ‘સૂરમા’ ફિલ્મમાં તે મિસિંગ હતું. અહીં પણ હોકિ ગેમના દ્રશ્ય-ફિલ્માંકનમાં થોડી વધુ મહેનતની જરૂર છે. જે મૂળ વાત અને પ્રસંગ છે તે દેશભક્તિ વટાવવા અને મેલોડ્રામાના કારણે બૅક સીટ પર જતું રહ્યું છે.

હોકિ છે, પ્લેયર ભેગા કરવાની વાત છે, ટીમ વર્ક અને ભારત દેશની વાત છે એટલે તમને ન ચાહ કે ભી ‘ચક દે! ઈન્ડિયા’ ફિલ્મ એકાધિક વાર યાદ આવે. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તપન દાસ(‘ચક દે’ના કબીર ખાનની જેમ) ફરી ખેલાડીઓની શોધ આદરે છે તેમાં તેને અને આપણને બે અદભૂત ચહેરાઓ જોવા મળે છે. એક, રઘુબીર પ્રતાપ સિંહ(અમિત સાધ) છે અને બીજો, હિમ્મત સિંહ(સની કૌશલ). એક વેલ મેનર અને એટિકેટ્સ તથા આન-બાન-શાન વાળા રાજા છે. બીજો સામાન્ય ઘરનો પણ જોશીલો પંજાબી પુત્તર છે. બેઉ અફલાતૂન હોકિ રમે છે. પણ બેઉને સેન્ટર ફૉરવર્ડ રમવુ છે. એ માટે નોંકઝોંક પણ થાય છે. અહીંથી જ તમને ‘ચક દે’ની ‘કોમલ! દિખા દે ઉસ લોન્ડે કો…’ વાળી મોમેન્ટ યાદ આવી જાય. સમજાઈ જાય કે, તેનું મેલ વર્ઝન અહીં અંતમાં જોવા મળવાનું છે. મોટા ભાગના સિન્સ આ રીતે પ્રેડિક્ટેબલ બની ગયા છે. ફિલ્મનો અંત તો દરેકને ખબર છે જ.

માત્ર ઈન્સપાયર્ડ છે એટલે એ કહેવાની જરૂર નથી કે રોમાંચ ઉમેરવા માટે અંતિમ મૅચ સહિત ઘણી બધી જગ્યાએ મસમોટા ફેરફારો કરાયેલા છે. બૌદ્ધ સાધુઓનો એક કૉમિક ટૂંકો સબ-પ્લૉટ છે. હોકિ ફેડરેશનનું પૉલિટિક્સ, ખેલાડીઓનું અંદરોઅંદર ન બનવું, ટીમ વર્કની વાતો, વગેરે તો છે જ. શાહરુખની ‘સતરા મિનિટ’ની જેમ દર થોડી થોડી મિનિટે અક્ષય સારાપણાના પાઠ આપણને શીખવી જાય છે. કોઈ કંઈ કહે તો પેલા જૅકેટમાંથી તરત ઝંડો બતાવી દે!

પરફૉર્મન્સિસ, મ્યુઝિક     

…બાકી અમિત સાધ રાજા તરીકે જામે છે. સુપર્બ એક્ટિંગ! હિંમત સિંહ બનતો સની કૌશલ લા-જવાબ એક્ટર છે. તેની અટક જાણીતી લાગે છે? યસ, તે દાદુ એક્ટર વિકી કૌશલનો સગો ભાઈ છે. ‘ગોલ્ડ’માં તેને સ્ક્રિન પર જોવો ગમે છે. તેને, અમિત સાધ તથા ‘મુક્કાબાજ’ વિનીત કુમાર સિંહને સ્ક્રિન પ્રેઝન્સ પણ સારી એવી મળી છે. વિનીત કુમાર સિંહ ભાગલા બાદ પાકિસ્તાન જતો રહે છે અને પાકિસ્તાનના કૅપ્ટન તરીકે ઓલમ્પિક હોકિ રમે છે. ભારત જ્યારે જીતતું હોય છે ત્યારે ખુશ થતી ઓડિયન્સમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ હોય છે! ભૂતપૂર્વ હોકિ ટિમના કૅપ્ટન(1936) અને વર્ષ 1948 વખતે કોચ સમ્રાટના પાત્રમાં કુણાલ કપૂર ઠીક છે. બૉલીવૂડમાં ડેબ્યુ કરનારી મૌની રૉય કર્કશ, બોલકણી અને પતિને વઢતી બંગાળી સ્ત્રીના પાત્રમાં છે. કહી શકાય કે ફિલ્મનો પ્લસ પૉઈન્ટ તેનું પાવરફૂલ પરફૉર્મન્સ છે.

ફિલ્મના ત્રણ ગીતો છે. ત્રણેય ફિલ્મમાં આવે છે અને કમ્બખ્ત શું કામ આવે છે?! બે ગીતો પર અક્ષય બેહુદુ નાચે છે. ફિલ્મને અવરોધે છે. લવ-ટ્રૅકની પણ જરૂર નહોતી. હા, સચિન-જીગરનો બૅકગ્રાઉન્ડ સ્કૉર સ્પોર્ટ્સ-ડ્રામાને બંધબેસતો છે.

જોવી કે નહીં?

ઈન્ટરવલ બાદ ઘણી જગ્યાએ તમને રોમાંચનો અનુભવ જરૂર થાય છે. પણ ફાસ્ટ સ્ક્રિન પેસ્ડમાં સ્ક્રીનપ્લે જઈ રહ્યો હોય ત્યાં ગીતો જેવી ક્ષતિઓ આવી જાય છે! શરૂઆતમાં હિટલરને સૌ નાઝી સ્ટાઈલમાં સેલ્યુટ કરે છે તે સીન હોય કે થ્રિલર ક્લાઈમૅક્સ હોય, મજાના ફિલ્માવાયા છે. અંતમા જ્યારે ભારત માતાનો તિરંગો હવામા લહેરાય છે ત્યારે રૂંવાડાં અવશ્ય ઊભા થાય છે. અંતિમ સેમી-ફાઈનલ અને ફાઈનલ મૅચ ઈમ્પેક્ટફૂલ છે. તમે સીટીઓ અને તાળીઓ મારવા મજબૂર બની જાઓ એવી અમુક સિચ્યુએશન્સ બેશક લખાઈ અને ફિલ્માવાઈ છે.

ઈન શૉર્ટ, ‘ગોલ્ડ’ વેલ પ્લૉટેડ ડ્રામા છે જે સેન્ટિમેટલ અને (ઑબ્વિયસલી) ઓવર દેશભક્તિનો શિકાર થઈ ગઈ છે. સો, સ્પૉર્ટ્સ ડ્રામા ફિલ્મો જોવી ગમતી હોય, ‘સૂરમા’ જોઈ હોય અને થોડી..ક પણ ગમી હોય, અક્ષય કુમારના ફૅન હો તો આ અન્ડરડૉગ પ્રિડિક્ટેબલ અને હિસ્ટૉરિકલ સ્પોર્ડ્સ ડ્રામા ફિલ્મ તમારા માટે છે. બાકી, એમૅઝોન પ્રાઈમ છે જ!

 નોંધ:અહીં ક્યાંય પ્રાઈમની જાહેરાતનો હેતુ નથી હોતો, તમારા પૈસા બચાવવાની વાત છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 16 August 2018)

gold 16-08
Mid-day, Mumbai. Page No. 18, Date: 16-08-2018

 

0 comments on “ગોલ્ડ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: