Literature Uncategorized

આપણે બદલવાનું છે… દેશ બદલાઈ જશે…

દરેક આઝાદીની કોઈ કિંમત ચૂકવવી પડતી હોય છે. આપણે તેનું ફળ ખાઈ રહ્યા છીએ…

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

shaheed-1

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી એટલે કે ‘સ્વતંત્ર દિવસ’ અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પ્રજાના હાથમાં સતા આવી હતી એટલે કે ‘ગણતંત્ર’ અથવા ‘પ્રજાસત્તાક’ દિવસ. આ શરૂઆતી ધોરણમાં એક-બે માર્ક્સ માટે પૂછાતો પ્રશ્ન માત્ર નથી, એથી વિસ્તૃત તેનો અર્થ છે. પણ અમુક શિક્ષકોને પણ તે અચાનક પૂછાતા યાદ નથી આવતું કે કયો ‘ગણતંત્ર’ દિવસ અને કયો ‘સ્વંતત્ર’ દિવસ. કેમ કે મોટાભાગે આવા દિવસો ભારતમાં ‘હોલિડે’ કે ‘રજાનો દિવસ’ બનીને રહી ગયા છે.

‘સ્વતંત્ર દિવસ’ એ માત્ર પ્લાસ્ટીકનો ઝંડો ખરીદવામાં કે શાળાએ જઈને સેલ્યુટ મારીને રાષ્ટ્ર ગીત બોલવામાં જ પૂરો નથી થઈ જતો. વર્ષો પહેલા લોકો તે માટે ન્યોછાવર થયા છે, સહન કર્યું છે, દુઃખ વેઠયું છે. દરેક આઝાદીની કોઈ કિંમત ચૂકવવી પડતી હોય છે. આપણે તેનું ફળ ખાઈ રહ્યા છીએ.

ભારતમાં ૫૦ ટકાથી વધારે સંખ્યા એવા લોકોની છે જેમની ઉંમર ૨૫ વર્ષથી નાની હોય તથા ૬૫ ટકા એવા લોકો છે જે ૩૫ વર્ષથી નીચેના છે. ૨૦૨૦ સુધીમાં ભારતમાં વસતા લોકોની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ થઈ જશે. ટૂંકમાં, ભારત અન્ય દેશોની સરખામણીએ સૌથી યુવા દેશ છે. ભવિષ્યનો આધાર વર્તમાન પર હોય છે તેમ વૃદ્ધત્વનો આધાર યુવાની પર હોય છે. કહેવાની જરૂર નથી કે ભારતનું ભવિષ્ય યુવાનોના હાથોમાં, મગજમાં છે!

આજે સ્વતંત્ર દિવસ સંબંધિત આર્ટિકલ લખવાનો છે પરંતુ ભુતકાળમાં નથી જાઉં. કેમ કે, તે બહુ ગયા અને ભવિષ્યમાં પણ જવાશે!(આજે ઘણાય જશે, જે સારું જ છે પ્રજાને યાદ અપાવવા માટે!)  આપણે આજે ચાલુ વર્તમાન કાળની વાત કરવી છે. ભગતસિંહ, સાવરકર, ગોખલે, શ્યામજી વર્માથી કરીને ગાંધીજી, નહેરુ, સરદારને જે આઝીદી જોઈ હતી, તેમણે વિચારી હતી તે મળી છે ખરી? ગાંધીજીએ એક અદભુત શબ્દની ભેટ આપી છેઃસ્વરાજ. પોતા ઉપરનું રાજ. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા પણ પછી એ વાતે લડવા-ઝઘડવા-બાજવા મંડ્યા કે કોણે વધારે આઝાદી અપાવી? કોણ વધારે સારું? કોણ અમારું, કોણ તમારું? (વચ્ચે તો એ જ ગાંધીને ગાળો આપતું કોઈ વિકૃત વૉટ્સએપ ગ્રુપ વિશે વાંચ્યું હતું. જેમાં પાછા કોઈ પક્ષના ધારાસભ્ય પણ એડ હતા! ઠિક છે, ઈગ્નોર ઈટ!) અંગ્રેજોએ દેશના બે ભાગ કરી, કોમ વચ્ચે વિખવાદ કરીને રાજ કર્યું. આજે તો ફાંટાઓના ફાંટા છે. પાછું દર બે મહિને કોઈ સમાજ આવીને કહે છે કે, અમને અનામત જોઈએ. અમે અલગ છીએ!

ભારત દેશ આઝાદ છે એ વિકાસની જાહેરાતો કે બુલેટ ટ્રેન કે વિદેશ સફરના આંકડાઓ કે વિદેશથી આવનારા મહાનુભાવોથી ખ્યાલ નથી આવવાનો. દેશને આઝાદ આપણને બનાવવાનો છે. (છે જ, છતાંય બનાવવાનો છે!) આપણને એટલે કે યુવાનોએ. આજે અમુક બાબતો માત્ર યુવાનોને સબોંધીને કહેવી છે. તમને ખબર જ છે એવી સાદી-સરળ છે. માત્ર યાદ રિ-કૉલ કરવાની છે.

જે પોતાને યુવાન સમજતા હોય તે વાંચે અને શક્ય હોય તો અનુસરે.

કચરો કચરાટોપલીમાં નાખવો

આ વાક્ય આપણા સરકારી બાગ-બગીચાઓ અને વસાહતોમાં લખાયેલું જોવા-વાંચવા મળે છે. પણ માત્ર લોકો વાંચે છે, અનુસરે કેટલા છે? અહીં કોઈ ‘સ્વચ્છતા અભિયાન’ની વાત કરવાનો ઈરાદો નથી પણ એક કુદરતી ટેવ હોવી જોઈએ જે આપણને નથી, તેની વાત કરવી છે. જોકે, સ્વચ્છતા અભિયાન પણ એક ઉમદા પહેલ છે. ગાંધીજી વર્ષો પહેલા આ કહી ગયા છે અને ખુદ કરતા હતા. હા, તેમને કોઈ ફાટો પડાવવાનો મોહ નહોતો!

પોતાનું ઘર અને આંગણું એકદમ સ્વચ્છ રાખનાર આપણે શેરી ગમે તેટલી ગંદી હોય કોઈ ફિકર નથી. ભારતમાં ડૅન્ગ્યૂ, મલેરિયા, ટાઇફાઈડ વગેરે ગંદકીના કારણે થતી બીમારીઓ અને તેના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો કાઢીએ તો કમક આવી જાય! આંતકવાદ કે બહારના આક્રમણથી મોટું દુષણ ગંદકી છે. એટલે સુધી કે, ભારતની વ્યક્તિ ભારતમાં જ કોઈ જગ્યાએ ફરવા જાય અને ત્યાં એકદમ ચોખ્ખાઈ જોય તો પેલું વાક્ય તેના મોઢામાંથી નીકળેઃ ‘લાગતું જ નથી કે આ ભારત છે!’ આ વાક્ય બદલાવવું જોઈએ. ચોખ્ખાઈ હોવી તે કુદરતી છે. પ્રાઈવેટ હોસ્પિટલોનો લોકો આગ્રહ જ એટલે રાખે છે કે ત્યાં બધું નીટ એન્ડ ક્લિન હોય છે. (વિદેશ જવાનો પણ લોકો એટલે જ આગ્રહ રાખે છે!) સરકારી હોસ્પિટલો એટલી સાફ-સુથરી હોત તો કોણ વિકલ્પો શોધત! સેમ એઝ સરકારી બસો. અહીં વાત સરકારની નહીં, આપણી છે. કચ્છથી સુરત સુધીની વોલ્વો બસ શરૂ થઈ હતી, પ્રાઈવેટ બસ જેવી જ સગવડ-સુવિધાવાળી અને ભાવ પણ ઊંચા. લોકોએ થુંકી થુંકીને પુરી કરી નાખી! આપણને બદલવાનું છે. દેશ બદલાઈ જશે.

ગાડી ચલાવો, ઉડાવો નહીં 

કુદરતી તોફાનો અને અકસ્માતો બાદ કરતા આપણી આસપાસ મોટાભાગના અકસ્માતો માનવસર્જિત હોય છે. માત્ર એટલું જ કહેવું છે કે, રસ્તા ભલે ખરાબ હોય(અથવા રસ્તા હોય જ નહીં તો પણ) કાર કે બાઈક યોગ્ય ઝડપે ચલાવો. આ કામ યુવાનોએ જ કરવાનું છે.

તાજેતરમાં અમદાવાદના હાઈકોર્ટના જસ્ટિસે એમ. આર. શાહે આર્ડર ફટકાર્યા એટલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને પોલિસ કમિસનર એ.કે. સિંઘે ભેગા મળીને ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ અને ઢોર-ઢાંખર બધું જ બંધ કરાવી દીધું. ટ્રાફિકના નિયમોને અનુસરીને અમદાવાદી ચાલવા લાગ્યો. શહેર સુંદર લાગે છે હવે! આવું દરેક શહેરોમાં થવું જોઈએ. જ્યાં જરૂર હોય, ગામથી મોટું હોય ત્યાં મુખ્ય રસ્તાઓ પર ધ્યાન રાખવી. આપણા માટે જ સારું છે.

સોશિયલ મીડિયાઃ જરૂર પડતું 

ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર પર ભારત દેશ કેટલો આગળ અને પાછળ છે, અનામત માંગનારાઓ આમ અને અને અમે તેમ, આ ફિલ્મનો હિરો આવો અને પેલો બિઝનેસમેન તેવો, દેશભક્ત અને દેશડ્રોહી આવી બધી વાતો કરવાથી કંઈ જ નહીં વળે. ભારતમાં નેટ સસ્તુ થવાથી ન બનેલા વાંદરાઓના હાથમાં તલવાર આવી ગઈ છે!

આ ટૉપિક પર અગાઉ પણ વાત કરી છે. વચ્ચે એક વાત ફરતી ફરતી આવી હતી કે, ‘ભારતમાં યુવાનો કેટલા બેરોજગાર છે; રોજનો દોઢ જીબી ડેટા દરેક યુવાન આરામથી ખતમ કરી નાખે છે!’ સટાયર હ્યુમર હતું, પરંતુ વિચારવાલાયક છે. તમારા અભ્યાસના વિષય કે પ્રોફેશનને લગતું હોય તો બરાબર છે, બાકી દૂર રહો. વ્યસન છે સોશિયલ મીડિયા. નોંધઃ આજના ગળાકાપ સ્પર્ધાના વાતાવરણમાં ઈન્ટરનેટ જરૂરી છે, સોશિયલ મીડિયા નહીં. પ્રમાણમાં ઉપયોગ કરવો.

*જે બાત!*

વીજકડાકે આભ તૂટે ત્યમ વીરની હાકલ થાતી,
દિશદિશની રણભેરી રણનાં ગીત ગુલાબી ગાતી;
‘શૂરા, ઘર કોતર છોડો,
સૂની ધરતી ઢંઢોળો.’

કસકસતી કમ્મર બાંધો, લ્યો ભમ્મર ભાલા હાથે,
તીખી તેજ કટારો વીંઝી ગરજો અણનમ માથે :
‘ જય વરશું કે પરહરશું,
ડગલું પાછું નહિ ભરશું. ‘

સૂરજ ઝૂકે, વાયુ કંપે, ધરતી ધણણણ ધ્રૂજે,
શૂરાનાં શોણિતે રણની તરસી રેણુ ભીંજે :
ભાવિની ઉજળી ભીંતો,
રણનાં ગીતે રંગી દ્યો.

શોણિત છાંટી આભ ભરો નમતી સંધ્યાને ટાણે,
દિશાઓ અજવાળો જગની મશાલને અજવાળે :
ખંખેરી જડતા હરખે,
પ્રજળો ચેતનના તણખે.

ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી (ઇન્દુલાલ ગાંધી ભારતની આઝાદી બાદ એટલે કે ૧૯૪૭ના ભાગલા બાદ કરાંચીથી મોરબી આવી વસ્યા હતા. ત્યાં ‘ઊર્મિ’ સામયિક શરુ કર્યું હતું. ૪ દિવસ પહેલા જેને ૩૯ વર્ષ થયા તે મોરબીની મચ્છુ હોનારતમાં તેમણે સર્વસ્વ ગુમાવ્યું. ત્યાર બાદ રાજકોટ આકાશવાણીમાં કામ અને પત્રકારત્વ કર્યું. કવિ, નાટ્યકાર તથા વાર્તાકાર તરીકે પંકાયા.)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 15-08-2018

aapne badlvanu chhe desh... 15-08 edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 2  તા. 15-08-2018

 

 

 

 

 

 

 

 

0 comments on “આપણે બદલવાનું છે… દેશ બદલાઈ જશે…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: