Movies Review

વિશ્વરૂપ 2

કમાલ કરતે હો કમલજી!

 Rating: 2.7 Star

MV5BZGNiNzM0YjgtODQyNy00NTBiLWFjYjItMjgxMWE4NGUwNDU5XkEyXkFqcGdeQXVyNzA5NjY5MzA@._V1_

‘વિશ્વરૂપમ 2’ માં 2013માં આવેલી ‘વિશ્વરૂપમ’ પછીની અને પહેલાની વાતો છે. પહેલી ફિલ્મ શરૂઆતની વીસ મિનિટ પછી બોરિંગ અને ચર્ચા-વિચારણાવાળી હતી. અહીં એક્શન અને ફાસ્ટ પૅસ છે પરંતુ સ્ક્રિપ્ટમાં ખીચડો છે! પહેલો ભાગ જોયો હોય અને ગમ્યો હોય તો આ વધુ ગમશે. પહેલો ભાગ ઓછો ગમ્યો હશે તો આ જરાય નહીં ગમે! ચેક ઈટ!   

 

વર્ષ 2013માં પરથસારથી શ્રીનિવાસન ઉર્ફે કમલ હાસન લિખિત, ડિરેક્ટેડ અને અભિનિત ફિલ્મ ‘વિશ્વરૂપમ’ આવી હતી. એક્શન સ્પાય થ્રિલર જોનરમાં તેને મુકવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ તે જ્યાં પૂરી થઈ ત્યાંથી બીજો ભાગ ‘વિશ્વરૂપમ 2’ શરૂ કરવામાં આવ્યો છે. જે એકીસાથે હિન્દી અને તમિલમાં શુટ થયો છે તથા તેલુગુમાં ડબ્ડ થયો છે. હિન્દીમાં નામ ‘વિશ્વરૂપ 2’ રખાયું છે. ફિલ્મ પ્રોડ્યુસ પણ ખુદ કમલ હાસને કરી છે. હિન્દીમાં તેમને સાથ આપ્યો એકતા-શોભા કપૂર એન્ડ મંડણી તથા ડિસ્ટ્રીબ્યુશન સંભાળ્યું છે રોહીત શેટ્ટીએ.

અત્રે ખાસ સુચના એ છે કે, ‘વિશ્વરૂપ 2’ ની વાર્તા તો જ પલે પડશે અને (કદાચ થોડીઘણી) મજા પડશે જો તમે તેનો પહેલો ભાગ જોયો હશે. અને જોયલો યાદ હશે! કેમ કે, માત્ર પહેલા ભાગના રેફરન્સિસ નહીં, બલ્કે આખેઆખી ફિલ્મ જ એકબીજામાં ઘુસ્યા કરે છે!

ચાલો, તમારું કામ થોડું સહેલું કરી દઉં!

 

જરૂરી ફ્લૅશબૅક

યુ.એસ બેઝ્ડ કથક ટીચર વિશ્વનાથ(કમલ હાસન) અને તેની ન્યુક્લિઅર ઑન્કૉલોજિસ્ટ પત્ની નિરુપમા(પૂજા કુમાર)ના ડગમગું લગ્નજીવનથી પહેલો ભાગ શરૂ થયો હતો. નિરુપમાને તેનો પતિ વિચિત્ર લાગતો હતો, તેને શક હતો તેના ઉપર. એ માટે તેણે પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટર પણ હાયર કર્યો હતો. અને તેના કારણે તે તેના બોસ દિપાંકર(સમ્રાટ ચક્રવર્તી)થી આકર્ષાઈ પણ હતી. તપાસમાં ખબર કે તેનો પતિ વિશ્વનાથ એ કોઈ મુસ્લિમ છે. ત્યાં અચાનક વિશ્વનાથ, નિરુપમા અને ઈન્વેસ્ટિગેટરને બંદી બનાવી લેવામાં આવે છે અને રિવીલ થાય છે કે વિશ્વનાથનું સાચું નામ વિસમ અહમદ કાશ્મીરી છે. તે છેલ્લી ખ્વાઈશ માંગીને છટકે છે અને નિરુપમાને લઈને ભાગી નીકળે છે. અહીંથી ‘વિશ્વરૂપમ’માં ફ્લૅશબૅક શરૂ થાય છે જે આપણને વર્ષ 2002માં અફઘાનિસ્તાન-પાકિસ્તાનની બૉર્ડર થતી અલ કાયદાની ટ્રેનિંગમા લઈ જાય છે. જ્યાં વિસમ અહમદ કાશ્મીરી અને પોતાને જેહાદી માનતો આંતકવાદી ઓમર કુરેશી(રાહુલ બોસ) ભેગા દેખાય છે. વિસમને ભારતીય આર્મીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને તેના પર ઈનામ મુકવામાં આવ્યું છે. એટલે તે ત્યાં આંતકવાદી છાવણીમાં છે. પણ ખરેખર જાસૂસ છે! ઈન શૉર્ટ, કમલ હાસન હીરો છે અને રાહુલ બોસ વિલન. ‘વિશ્વરૂપમ’ના અંતમાં રાહુલ બોસ એટલે કે ઓમર કુરેશી છટકી જાય છે, જેને પકડવા માટે પહેલા કરતા વધારે કન્ફ્યુઝિંગ બીજો ભાગ ‘વિશ્વરુપમ 2’બનાવવામાં આવ્યો છે. સમજાણું કાંઈ?!

ચપટીક વાર્તા

મહત્વનો આ ફ્લૅશબૅક હતો. બીજા ભાગની વાર્તા અહીંથી જ શરૂ થાય છે. પરંતુ ‘વિશ્વરૂપ 2’ એ પહેલા ભાગની સીક્વલ પણ છે અને પ્રીક્વલ પણ. બીજા ભાગમાં અચાનક ગમે ત્યારે પહેલા ભાગના દ્રશ્યો દર્શાવવામાં આવે છે અને તેના પણ ફ્લૅશબૅકમાં આપણને લઈ જવામાં આવે છે!

અહીં ભારતીય જાસૂસ વિસમ(કમલ હાસન)ની ઓમર(રાહુલ બોસ)સામેની ઝુંબેશ અને લડાઈ ચાલુ રહે છે. તેમાં હવે તેની ખરેખર પત્ની બની ચૂકેલી નિરુપમા(પુજા કુમાર) તેની સાથે છે. ઉપરાંત કલિગ અસ્મિતા(એન્ડ્રિઆ જેરેમિઆહ) અને બૉસ કર્નલ જગન્નાથ(શેખર કપૂર) પણ છે. અહીં ઈન્ડિયન એમ્બેસી પર્સન (અનંત મહાદેવન) તથા વિસમની અલ્ઝાઈમર પીડિત માતા (વહીદા રહેમાન)ના પાત્ર ઉમેરાયા છે. ઓમર કુરેશી અને તેનો સાથી સલીમ(જયદીપ અહલાવત) ભાગી ચૂક્યા છે. તેઓ લંડનમાં 26-11 અટૅક જેવું ફરી કંઈક કરવાના છે અને આર્મી મૅનમાંથી રો એજન્ટ બનેલો વિસમ અહમદ કાશ્મીરી લોકોને બચાવવાનો છે.

ભઈ, ‘વિશ્વરૂપ’ની વાર્તાના બહુબધા રૂપ છે. કમલ હાસને નૉન-લિનિયર સ્ટાઈલમાં નરેટ કરવાની લ્હાયમાં વધુ કન્ફ્યુઝ કરી નાખ્યા છે બધાને! ધીર ગંભીર લાગતી સ્પાય થ્રિલર ફિલ્મમાં અચાનક ભૂતકાળનું અફઘાનિસ્તાન આવી જાય, અચાનક વર્તમાન આવી જાય અને અચાનક કમલભાઈનો લવ-ટ્રૅક આવી જાય!

આવો, એ બધાનું વિગતવાર પોસ્ટમૉર્ટમ કરીએ!

વન મૅન આર્મી

વાત કરી તેમ નૉન-લિનિયર નરેશન એ ટ્રિકી બાબત છે. એ દર્શકોને સીટ સાથે જકડી રાખવામાં મદદ કરે તો ઠીક બાકી ‘ડૅડી’ ફિલ્મ જેવું થાય.(કઈ ‘ડૅડી’? અરુણ ગવળી પર આધારિત અર્જુન રામપાલવાળી હતી તે.) કમલ હસને અહીં સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે એ રીતે લખ્યા છે કે ‘વિશ્વરૂપમ’ ફિલ્મ પહેલાનો અને પછીનો, એમ બેઉ સિનારિયો આપણને જોવા મળે છે. પહેલી ફિલ્મની વાર્તા આગળ વધે છે તે સાથે ત્યારની વાર્તા પાછળના કારણો પણ અમુક ખૂલ્યા છે. પણ આ યૂનિક લાગતી સ્ટાઈલ દર્શકોને પૂરેપૂરા બોર કરી શકવા સક્ષમ છે. કેમ કે, પહેલી ‘વિશ્વરૂપમ’ ફિલ્મ વિવાદોના કારણે ગાજેલી ખરી પણ બધાએ તે જોઈ હોય તે જરૂર નથી.(‘બાહુબલી પહેલો ભાગ થોડી છે આ કાંઈ?!) અને બીજું એ કે, તેમાં એટલું ધીમું અને કૉમ્પલેક્સ હતુ કે જોયેલું લોકોને કદાચ યાદ ન પણ હોય! એટલે બીજા ભાગમાં વારંવાર આવતા પહેલા ભાગના રેફરન્સિસ ફિલ્મ માટે પ્લસના બદલે માઈનસ પૉઈન્ટ બની જાય છે.

ફિલ્મના કૉમ્બટ એટલે કે વન ટુ વન ફાઈટના સિન્સ પ્રમાણમાં સારા છે. કમલ હાસનને સ્ક્રિન પર જોવા ઓબ્વિઅસ્લી ગમે જ છે, પરંતુ એક્શન સિનમાં કન્વિન્સિંગ નથી લાગતા. બીજું એ કે, મોટાભાગના સ્ટન્ટ અને એક્શનમાં ગુરુત્વાકર્ષણના નિયમોને ભૂલી જવામાં આવ્યો છે. સરળ રીતે એટલે કહ્યું કેમ કે ફિલ્મનો ટૉન ‘બિગ ટિકીટ હોલીવુડ ક્લાસિક ફિલ્મ બનાવી રહ્યા છીએ’ એવા રખાયો છે; એ સિરિયસ સ્પાય થ્રિલર ફિલ્મ! જેમાં જાસૂસ સાથે તેની પત્ની પણ ભાગતી હોય!

અમુક જગ્યાએ યોગ્ય થ્રિલ બિલ્ટ-અપ થઈ છે. ભેળસેળ થયેલી અને ગૂંચવી નાખે એવી સ્ક્રિપ્ટ તથા સ્ક્રિનપ્લે હોવા છતાં તેનું એક્ઝિક્યુશન એ-વન થયું છે. કમલ હાસનના બાળપણના ફ્લૅશબૅકનું પિક્ચરાઝેશન સ-રસ છે. પરંતુ પહેલા ભાગમાં રાહુલ બોસને અફઘાનિસ્તાનનો ટેરરિસ્ટ લીડર, ત્યાંના ટ્રેનિંગ કૅમ્પ અને ઝેહાદી જનૂન દર્શાવાયા હતા. પાંચ વર્ષ પછી પણ ફિલ્મ ત્યાં જ છે. અને દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે. ઈન ફૅક્ટ, પહેલા ભાગમાં રાહુલ બોસે એક્ટિંગના મામલામાં કમલને બરાબરની ટક્કર આપી હતી. અહીં તેનું પાત્ર ગેસ્ટ અપીરન્સ બનીને રહી ગયું છે. જેને મારી નાખવા માટે આખી ફિલ્મ બનાવી તે કૅરૅક્ટર અંતિમ ચંદ મિનિટો માંડ દેખાય છે. કમલ હાસનનું જાસૂસનું પાત્ર દમદાર નથી લાગતું તેનું મોટું કારણ એ છે કે ફિલ્મનો વિલન એટલો શક્તિશાળી નથી બતાવી શક્યા. કદાવર વિલન  અને ડેન્જરસ મિશન ન હોવાથી જાસૂસભાઈ વિસમ દરેક ઘટનાને ડેન્જરસ મિશનની જેમ ટ્રિટ કરે છે! પરિણામે ફિલ્મમાં આવેલા ત્રણેક ટ્વિસ્ટ્સ પ્રિડિક્ટેબલ બની ગયા છે.

પહેલી ફિલ્મમાં વિઝ્યુઅલ ક્વૉલિટી, CG વર્ક, બીરજુ મહારાજની કૉરિયૉગ્રાફી, અને અફઘાનિસ્તાનના ઊભા કરાયેલા હાઈ સ્ટાન્ડર્ડ સેટ્સ તથા ચંદ સુપર્બ શૉટ્સ હતા માટે બોરિંગ હોવા છતાંય ગમી હતી. કમલ હાસનનો અફલાતૂન ટ્રાન્સફૉર્મેશન સિન હતો. અહીં તે બધું મિસિંગ છે. હા, ‘વિશ્વરૂપ 2’ની શરૂઆત બૅકગ્રાઉન્ડમાં ટાઇટલ સૉન્ગ સાથે જૂની ફિલ્મના મહત્વના દ્રશ્યોને સુપર સ્લો મોશન કરીને તથા એક-એક ફ્રેમ ફ્રિઝ કરીને દર્શાવાઈ છે. જેમાં તે ટ્રાન્સફૉર્મેશનવાળા સિનનો પણ બાકાયદા સમાવેશ કરાયો છે. અહીં વીએફએક્સનો મજાનો ઉપયોગ થયો છે. ટૂંકમાં, સ્ટાર્ટિંગ સો ટકા ઈફેક્ટિવ છે!

‘મેં મઝહબ નહીં મુલ્ક કે લિયે કામ કરતાં હું’ પ્રકારના દેશભક્તિ દર્શાવતા હિન્દીમાં ડાયલૉગ્સ અતુલ તિવારીએ લખ્યા છે. અમુક ડાયલૉગ્સ ‘મુલ્ક પ્રકાર’ના પણ છે! મહેશ નારાયણ અને વિજય શંકર એડિટર છે પણ કમલ હાસનને પૂછીને એડિટ કર્યું લાગે છે! 144 મિનિટની ફિલ્મ છે અને લાંબી છે. કમલ અને તેની કલિગ બનતી એન્ડ્રિઆના સિન્સ બિનજરૂરી ખેંચાયા છે. વિસમ અને પત્ની નિરુપમા સાથેના સંબંધમાં લૉજિકના ભૂકા બોલાયા છે. પહેલા તે તેના બૉસ પ્રત્યે અટ્રૅક્ટેડ હતી તે અહીં ભૂલી જવાયું છે. બીજું, શરૂઆતમાં તેને ડરેલી દર્શાવાય છે, ‘આ ક્યાં આવી ગઈ’ પ્રકારના તેના હાવભાવ છે અને અચાનક તે અઘરા મિશન પાર પાડવા માંડે છે. વિસત તેના પ્રત્યે પ્રમાણિક છે કે નહીં તે પણ પ્રશ્ન છેલ્લે સુધી લટકતો રહે છે!(કોણ બોલ્યું ‘વિશ્વરૂપમ 3’ આવશે?!) લૉજિક ઉપરથી યાદ આવ્યું કે અહીં ભારતની રિસર્સ એન્ડ એનૅલિસિસ વિન્ગ(RAW)ને પણ મંહદ અશે નકલી લાગે તેવી બતાવી છે. આખું લંડન તબાહ થવાનું હોય, ખતરનાક અને જાનનો દુશ્મન આતંકવાદી હોય, મૉસ્ટ ડેન્જરસ મિશન હોય; તમામ સંજોગોમાં વિસમ ‘વન મૅન આર્મી’ બનીને તકલીફોનો ઉકેલ કાઢી લે છે! અચાનક ચાલતા રોમાંચક મિશનમાં વિસત, નિરુપમાને તેની માતા(વહીદા રહેમાન)ને મળવા પણ લઈ જાય છે!  અગેઈન, ફ્લૅશબૅક! શેખર કપૂર, વહીદા રહેમાન, જયદિપ અહલાવત, અનંત મહાદેવન, વગેરે એકસ્ટ્રા તરીકે હાજરી પૂરાવી ગયા છે. રાહુલ બોસ કરતા તેની ખાસ માણસ બનતા જયદિપ અહલાવતનો રોલ મોટો છે!

‘વિશ્વરુપમ 1’નું મ્યુઝિક શંકર-અહેસાલ-લૉયે આપ્યું હતું. બીજા ભાગનું મ્યુઝિક મોહમ્મદ જિબરાને આપ્યું છે. અમુક એક્શન સિક્વન્સીસમાં બૅકગ્રાઉન્ડ સ્કોર સારો છે. હિન્દી તમામ ગીતો પ્રશૂન જોશીએ લખ્યા છે. ઓલ્ડ ટાઇટલ સૉન્ગ શરૂઆતમાં આવે છે. ‘તૂં શ્રોતુ હૈ’ કરીને એક ગીત કમલ હસને ગાયું છે અને ઠીક ગાયું છે!

જોવી કે નહીં?

આંતકવાદી છાવણીઓમાં થતા વિસ્ફોટ, ગન ફાઈટ્સ, ટાઈમ બૉમ, એક્શન સિક્વન્સીસ અને દ્વંદ્વ યુદ્ધ: આટલું છે ‘વિશ્વરુપ 2’માં. અમુક દ્રશ્યો ખરેખર રોમાંચક બન્યા છે. અમુક ડાયલૉગ્સ પણ મજેદાર છે. ફિલ્મનો અંત એક પૉઝિટિવ નોટ પર  આવે છે. પરંતુ ઑલઓવર ફિલ્મ કન્ફ્યુઝિંગ લાગે છે. પહેલો ભાગ જોનારને કદાચ વધારે મજા પડે એવું બની શકે. કમલ હાસનના ડાયહાર્ડ ફૅન હો(અને પહેલો ભાગ જોયો હોય!) તો જઈ શકાય. બાકી ‘શાબાશ કુંદુ’ની રાહ જૂઓ!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 12 August 2018)

 

Vishwroop 2 -(12-08)
Mid-day, Mumbai. Page No. 27, Date: 12-08-2018

0 comments on “વિશ્વરૂપ 2

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: