Movies Review

મુલ્ક

હમ સબ એક હૈ

Rating: 2.9 Star

mulk.jpgઅનુભવ સિન્હાની તાપસી પન્નુ-રિશી કપૂર સ્ટારર ‘મુલ્ક’ ‘આંતકવાદ એ ક્રિમિનલ કૃત્ય છે, તેને કોઈ કોમ કે ધર્મ સાથે ન જોડવો જોઈએ’ અને ‘એક વ્યક્તિના કારણે આખો સમૂહ અપરાધી ન હોઈ શકે’ એવી વાત જરા જોરથી કરે છે ફિલ્મ મુલ્ક. વાર્તા રસપ્રદ, તીવ્ર અને મનોરંજક છે. આ પ્રકારના ગંભીર વિષય ગમતા હોય તો જવાય.

બ્લેકબૉર્ડ પર વાઈટ ચોકથી પહેલા જમણી બાજુ ઉર્દૂમાં ‘ખુદા’ લખાય છે અને પછી તેની બાજુમાં, ડાબી બાજુ એ જ ચોકથી ‘જુદા’ લખાય છે. ઉર્દૂ લિપીમાં ખુદા અને જુદામાં માત્ર એક નુક્તાનો જ ફર્ક છે!- આ પહેલા શૉટથી ફિલ્મ ઊઘડે છે.

સેકન્ડ સિનમાં તરત જ બનારસની કેસરી દિવાલો, ગંગા નદી, બૅકગ્રાઉન્ડમાં લાઇટ મ્યૂઝિક, મસ્જિદના વાઇડ એન્ગલ શૉટસ, નાની નાની ડેરીઓ-મંદિરો દ્વારા વારાણસીની સુંદરતા દર્શાવાય છે. અને ત્યાર બાદ બનારસની જ એક ગલીમાં રહેતા એક પરિવારનું ઘર આવે છે. આટલા સુધીમાં એસ્ટાબ્લિશ્ડ થઈ જાય છે કે ફિલ્મનો ટૉન કેવો રહેવાનો છે. તેના પછી દરેક ફિલ્મમાં હોય તેવા ક્લિશે શૉટ્સ છે. હળીમળીને રહેતા હિન્દુ-મુસ્લીમ પરિવારો છે. પણ પ્રેઝન્ટેશન પહેલા શૉટથી જ થોડું ડલ અને ડાર્ક રખાયું છે. વાતાવરણમાં એક બેચેની અનુભવાતી રહે તેવું!

કહે છે કે, ડિરેક્ટર અનુભવ સિન્હાએ ફિલ્મની સ્ક્રિપ્ટના 13-14 ડ્રાફ્ટ્સ તૈયાર કર્યા હતા અને માસ્ટર-ડિરેક્ટર સૂજિત સરકાર સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા મેકર્સ પાસે તે લઈ ગયા હતા. સૂજિતજીએ કહેલું કે, ‘આ અનુભવ સિન્હાનું સૌથી સારા પૈકીનું લખાણ છે.’ જોકે, આપણે તો સૌથી સારું લખાણ આ લાગે છે. ડિરેક્ટરનો ટ્રૅક રેકૉર્ડ જોઈએ તો તેમાં તુમ બીન, દસ, તથાસ્તુ, કૅશ અને શાહરુખના ઉંબાડીયા રા.વન, વિગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે!

ઈન શોર્ટ, ટ્રેલર અને ડાયલૉગ્સના કારણે અમુક જગ્યાએ વિવાદ અને વિરોધનો ભોગ બનેલી ‘મુલ્ક’ ડિરેક્ટર અનુભવ સિન્હાની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ કહી શકાય તેવી બની છે.

ઓહો! બનારસીયા

       બનારસમાં વર્ષોથી એટલે કે આઝાદી પહેલાથી રહેતું મુસ્લિમ પરિવાર છે જેના વડા મુરાદ અલી મોહમ્મદ(રિશી કપૂર) એક રેપ્યુટેડ વકિલ છે. તેમની મહોલ્લામાં, આડોશપાડોશમાં શાખ છે. લોકો તેમને રિસ્પેક્ટ આપે છે. તેમના ઘરની બહાર જ એક નાનકડું મંદિર છે, તેને અડીને ‘કન્હૈયા ટી સ્ટોલ’ છે. વકીલ સાહેબ દરરોજ નમાજ પડીને તેમના દોસ્તો મિશ્રા તથા ચૌબેજી સાથે ચા-પાણી-ચર્ચા કરીને જ ઘેર આવે છે. મુરાદ અલીની પત્ની તબ્બસુમ(નીના ગુપ્તા) અને નાનો ભાઈ બીલાલ મોહમ્મદ(મનોજ પાહવા) છે. બે ભાઈઓ સાથે રહે છે પરંતુ થોડી અનબન છે. બીલાલને એક દીકરો, એક દીકરી છે. દીકરો શાહિદ(પ્રતિક બબ્બર) કુસંગના કારણે અને જેહાદના નામે કુમાર્ગે ચડી ગયો છે અને તેની આખા પરિવારમાંથી કોઈને જાણ નથી. પરિણામરૂપે, લખનૌમાં થયેલા એક બ્લાસ્ટમાં શાહિદનું નામ બહાર આવે છે અને એન્ટી ટેરેરિસ્ટ સ્કૉવ્ડ ઑફિસર દાનિશ જાવેદ(રજત કપૂર) તેને મારી નાખે છે.

ફિલ્મની શરૂઆત હવે થાય છે. દીકરો તો આતંકવાદી હતો એટલે માર્યો ગયો, તે પરિવારે સ્વીકારી પણ લીધું પરંતુ ધાર્મિક-સામાજિક પૂર્વગ્રહોથી પીડાતા લોકો અલી મુરાદ મોહમ્મદના પરિવારથી મોઢું ફેરવી લે છે. આખો પરિવારને શંકાના દાયરામાં અને ત્યાર પછી આરોપીના કઠેડામાં ઊભો રાખી દે છે. શાહિદના પિતા બિલાલને પોલિસ કસ્ટડીમાં લઈ જવામાં આવે છે અને તેમને કસૂરવાર ઠરાવવામાં આવે છે.

ફિલ્મની શરૂઆતમાં, જ્યારે આ બધા પાત્રોને ધીમે-ધીમે એસ્ટાબ્લિસ્ડ કરાય છે ત્યારે મુરાદ અલી મોહમ્મદના દીકરા આફતાબ સાથે પરણેલી આરતી(તાપસી પન્નુ)ની એન્ટ્રી થાય છે. તે વિદેશથી આવી છે, લૉયર છે. તે આ ફૅમિલીના લોયર તરીકે સાથે ઊભે છે.

શું હવે મુરાદ અલી મોહમ્મદ એ સાબિત કરી શકશે કે તેઓ તેમના દેશ, રાધર ‘મુલ્ક’ને પ્રેમ કરે છે? તેમના દિકરાની જેમ તેમના ઘરના કોઈ સભ્ય પાકિસ્તાન સાથે જોડાયેલા નથી કે આંતકવાદી નથી? આ મુદ્દા પર બાકીની અડધી ફિલ્મ કોર્ટરૂમમાં ચાલે છે. અને અમ્મા કસમ, રસપ્રદ, તીવ્ર અને મનોરંજક રીતે ચાલે છે. તમને અમુક જગ્યાએ અનકમ્ફર્ટ કરી નાખે એવી ચાલે છે! ચાલો, એ વિશે થોડું…

ડિરેક્શન, સ્ક્રિપ્ટ, એક્ટિંગ

રાઈટર-ડિરેક્ટર અનુભવ સિન્હાએ બોલ્ડ વિષય પસંદ કર્યો છે અને કોઈ પણ પ્રકારના અન્ય માર્ગ, નાજુકાઈ કે વિનમ્રતાનો ડોળ કર્યા વિના જે છે તે ક્લિઅરલી સામે મૂકી દીધું છે, અને તે પણ લાઉડલી.  અને તેના કારણે જ આફ્ટર ઇન્ટરવલ, કોર્ટરૂમના અમુક દ્રશ્યો તમને નિરાશા અને કંટાળાજનક લાગે છે. અમુક ડાયલૉગ રિપીટિટિવ પણ છે. અમુક વિવાદાસ્પદ કહી શકાય તેવા મુદ્દાઓ વારંવાર હાઇલાઇટ કરાયા હોય તેવું પણ લાગે છે. જેમ કે, મુસ્લિમ પરિવારોમાં બહુબધા બાળકો હોય છે કે પછી તેમનામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય છે કે પછી પાકિસ્તાન જીતે ત્યારે આ પરિવારો ફટકાડા ફોડે છે! પરંતુ આના સામેની પ્રતિ દલિલો પણ એટલી જ તીવ્ર અને મજબૂત મૂકાઈ છે.

અનુભવ સિન્હાએ દર્શાવેલા યુ.પીના પોલિસ સ્ટેશન, કોર્ટરૂમ અને સ્ટ્રીટ ટ્રાન્સપોર્ટ રિઅલની ફિલ આપે છે. કોર્ટરૂમ ડ્રામા પણ વાસ્તવિકતાની નજીક હોવાથી ક્યાંક ‘જોલી એલએલબીની’ યાદ આવે છે. સિનેમૅટોગ્રાફર ઇવાન મુલીગને વારાણસી સ-રસ કંડાર્યું છે, તેણે પઢાતી નમાજ અને સાથે ગંગા નદીના વિઝ્યુઅલ્સ સાથે બખૂબી લીધા છે.

ફિલ્મનુ મજબૂત પાસું કોઈ હોય તો તે તેની સુપર્બ કાસ્ટ છે. કોર્ટરૂમમાં ઈસ્લામાફોબિક પબ્લિક પ્રોસિક્યુટર સંતોષ આનંદના પાત્રમાં આશુતોષ રાણા છે અને તેની સામે તાપસી પન્નુ મુરાદ અલી મોહમ્મદ વતી કેસ લડે છે. કોર્ટમાં જજના પાત્રમાં અફલાતૂન અભિનેતા કુમુદ મિશ્રા છે. રિશી કપૂરના ભાઈનો રોલમાં મનોજ પાહવા એકદમ ફીટ બેસે છે. કદકાઠીએ બેઉ એકબીજાને મળતા આવતા હોવાથી અદ્દલ સગા ભાઈ લાગે છે! રિશી કપૂરનું મુરાદ અલી મોહમ્મદનું પાત્ર ઠરેલ, શાંત છતાંય ઇફેક્ટિવ છે. તેની પત્નીના પાત્રમાં નીના ગુપ્તા તથા મનોજ પાહવાની પત્નીના પાત્રમાં પ્રાચી શાહ પંડ્યા એકદમ ફિટ છે. પ્રતિક બબ્બરની ડાયલૉગ ડિલિવરી વિઅર્ડ લાગે છે છતાંય લિમિટેડ સ્ક્રિન પ્રેઝન્સમાં તેણે પ્રમાણમાં સારું કામ કર્યું છે. એન્ટી ટેરેરિસ્ટ કૉપ દાનિશ જાવેદ બનતા રજત કપૂરે અહીં તેમની ટ્રેડમાર્ક પ્રેઝન્સ નોંધાવી છે. તેનું પાત્ર પોતાની જાત સાથે જ સંઘર્ષ કરતું દર્શાવ્યું છે. તેને અદાલતમાં એક પ્રશ્ન પૂછાય છે કે, શું દરેક ટેરેરિસ્ટ મુસ્લિમ હોય છે? અને તેના કારણે એન્ટિ ટેરેરિસ્ટ સ્કૉવ્ડમાં ઓછા મુસ્લિમ કામ કરે છે? અને તેનો જવાબ ‘હા’માં હોય છે… ફિલ્મમાં આ પ્રકારની સિચ્યુએશન્સ ઘણી છે.

તાપસી પન્નુની ગત ફિલ્મ ‘સૂરમા’માં વેડફાઈ હતી. અહીં તેણે સુપર્બ કામ કર્યું છે. તેનું પાત્ર જ રસપ્રદ છે. તેણે પ્રેમ લગ્ન કર્યા છે પરંતુ તે માને છે કે તેમના દિકરાઓ જન્મ્યા પછી જ તેમનો ધર્મ નક્કી કરે. અને તેના કારણે તે તેના શોહર અફતાબથી અલગ થવા પણ તૈયાર છે. તેની સામે લડતો આશુતોષ રાણા લા-જવાબ છે. તેણે ગત ફિલ્મ ‘ધડ’ક કરતા ઘણું સારું કામ કર્યું છે. શરૂઆતના તેના પ્રશ્નો કોર્ટરૂમ ડ્રામાને બિલ્ટ-અપ કરવામાં મદદરૂપ થાય છે અને આપણા શ્વાસ અધ્ધર કરી નાખે છે. આશુતોષ અને તાપસીની આમને-સામને ડાયલૉગબાજી જોવાની મજા પડે છે. વેલ, આ ફિલ્મમાં સૌથી સારી એક્ટિંગ હોય તો તે છે રિશીના નાના ભાઈ અને આંતકવાદી પુત્ર શાહિદના પિતા બનતા મનોજ પાહવાના. અદભૂત, લાજવાબ, અફલાતૂન! આ માણસે સાન્તા બાન્તા છાપ કૉમેડીથી બહાર નીકળીને આ પ્રકારના રોલ કરવા જોઈએ! અન્ય પાત્રોમાં વર્તિકા સિંહ, ઇન્દ્રાનિલ સેનગુપ્તા, અશ્રુત જૈન, અબ્દુલ કાદિર, વગેરેએ તેમની હાજરી પૂરાવી છે.

બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક પ્રમાણમાં સારું છે. ત્રણ ગીતો છે જેમાંના બે બેકગ્રાઉન્ડમાં જ આવી જાય છે, જે સારું છે. સુનીધી ચૌહાણે ગાયેલું ‘ઠેંગે’ ફિલ્મમાં સાંભળવું ગમે છે, શકિલ આઝમીએ લખેલા શબ્દો ક્વર્કિ છે.

મેસેજ

       ‘પોતાની કોઈ ખરાબ આદત વિરુદ્ધ સ્ટ્રગલ એટલે અસલી જિહાદ. કોઈ પણ દેશના ભાગલા કાગળ પરની આડી લીટીથી નથી થતા, તે થાય છે મગજમાં ભરાયેલા આપણા વિચારોથી. ટેરેરિઝમ ઈઝ ક્રિમિનલ એક્ટ, ઈટ્સ નોટ કૉમ્યુનલ એક્ટ. કોઈ એક વ્યક્તિના કારણે આખો સમૂહ ખરાબ ન હોઈ શકે. શંકાસ્પદ વ્યક્તિ અને ગુનેગારમાં ફરક છે.’ આવી શીખ આ ફિલ્મના અંતે આપણને મળે છે. અદભૂત કલાકાર કુમુદ મિશ્રા અંતમાં ‘જોલી એલએલબી’ના સૌરભ શુક્લાની જેમ એક સ્પીચ આપે છે. તેમાં મુરાદ અલી મોહમ્મદને કહે છે કે, ‘તમારે તમારા દિકરા(ભત્રીજા) પર નજર રાખવી જોઈતી હતી. ન રાખી શક્યા એ ખોટું કહેવાય. પણ નજર ન રાખી શકવાની કોઈ સજા નથી!’ કોર્ટરૂમમાં બેઠેલા અન્ય લોકોને ઉદ્દેશીને કહે છે, ‘જ્યારે તમને વિચાર આવે કે આ ‘આપણે’ અને આ ‘તેઓ’; આ ‘હમ’ ઔર ‘વો’નો મામલો થાય ત્યારે ઘેર જઈને કૅલેન્ડર જોઈ લેજો. તેમાં નેક્સ્ટ ઇલેક્શનની તારિખ વંચાશે!’ લાંબી દાઢી પર પણ જજસાહેબ ટિપ્પણી કરે છે.

જોવી કે નહીં?

અમુક જગ્યાએ ફિલ્મમાં શટલની જગ્યાએ મેલોડ્રામા અને ઇનવેસ્ટિગેશનની જગ્યાએ આર્ગ્યુમેન્ટ આવી જાય છે. ફિલ્મ ઉપર વાત કરી તે મેસેજિસ આપે છે પણ લાઉડ થઈને. ઘણાને ફિલ્મ પાછળના ઉદ્દેશ અને હેતુ પર શંકા આવી શકે છે, પરંતુ એક પ્રમાણમાં ચુસ્ત અને હાર્ડ હિટિંગ સ્ક્રિપ્ટ ઘણા સમયે પડદા પર જોવા મળી છે. ફિલ્મમાં ડાયલૉગ્સની ભરમાર છે એટલે ક્યાંક વર્બો પણ લાગે. અમુક જગ્યાએ લપસે પણ છે. પરંતુ ઑલઓવર વિચાર-પ્રેરક છે. મનોજ પાવહા, આશુતોષ અને તાપસીએ અનુક્રમે જબ્બર કામ કર્યું છે. બે કલાક ને વીસ મિનિટની ફિલ્મ ક્યાંક ધીમી લાગે છે, છતાંય આ પ્રકારનો સબ્જેક્ટ જેમને જોવામાં રસ હોય તેઓ અવશ્ય જઈ શકે છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 05 August 2018)

mulk 05-08
Mid-day, Mumbai. Page No. 26, Date: 05-08-2018

     

 

 

0 comments on “મુલ્ક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: