Movies Review

કારવાં

આત્મખોજની સફરે…

Rating: 2.7 Star

MV5BYjYxZjc1YmMtNTIyOS00OGUyLWI5MTYtOWZiNzc5Yzc4MDBhXkEyXkFqcGdeQXVyODE5NzE3OTE@._V1_આકર્ષ ખુરાના દિગ્દર્શિત ‘કારવાં’ રોડ ટ્રિપ ફિલ્મ છે, જેમાં ત્રણ પાત્રોની બહારની અને સાથે અંદરુની સફરની વાત છે. મુખ્ય ત્રણેય કલાકારો દાદુ છે. વાર્તા વળાંકો વિનાની, ફ્લૅટ છે. છૂટાંછવાયાં દ્રશ્યો બહુ જ સારા છે. પૉઝિટિવ નોટ સાથે પૂરી થાય છે.  

બૉલીવુડમાં રોડ ટ્રિપ મૂવીઝની નવાઈ નથી. જેમાં એક કે એકથી વધારે પાત્રો ઘરથી બહાર નીકળે, કોઈ જગ્યાએ જાય, સફર ખેડે અને મંજિલ સુધી પહોંચે. પણ ખરેખર તો તેમની જર્ની જ તેમનું ડેસ્ટિનેશન હોય! મંજિલ સફરમાં જ હોય. એ સફર ભૌતિક રીતે તો ખરી જ, અંદરુની પણ ચાલુ રહે. પાત્રના મન-મગજના પ્રશ્નો, રોજબરોજની તકલીફો બધી બહાર નીકળતી જાય, બધું સૉલ્વ થતું જાય અને એક સ્વીટ અને પૉઝિટિવ નૉટ સાથે ફિલ્મ પૂરી થાય. ઇમ્તિઆઝ અલીની ‘હાઈવે’ અદભૂત રોડ ડ્રામા ફિલ્મ હતી. જોકે, તેનો અંત ભારે હતો. ઝોયા અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ હોય કે ‘દિલ ધડકને દો’ હોય, કે પછી સુજિત શરકારની ‘પીકુ’ હોય, આ બધી સ્લાઈસ ઑફ લાઇફ ફિલ્મો છે, જેમાં જીવનને વધુ નજીકથી જાણી શકાય ને પોતાના માહ્યલાને માણી શકાય!

તમને થશે કે આજે રિવ્યુમાં આવા સાહિત્યિક વિચારો શા માટે, તો આ ફિલ્મો જ એવી છે. જેમાં કશું જ ન થાય છતાંય કંઈક ઘટતું રહે. કથાપ્રવાહ ભાગભાગ ન કરે, પરંતુ પાત્રની અંદર કશુંક રચાતું જાય.

‘કારવાં’ એવી જ કંઈક ફિલ્મ છે. ટેક્નિકલી તેમાં ઘણી કચાશ છે, ક્યાંક નબળી છે છતાંય ફિલ્મ પૂરી થાય ત્યારે તમારા ચહેરા પર કોઈ ભાર વિનાનું હળવું સ્મિત રહે છે.

આકર્ષ ખુરાનાએ વેબ સિરિઝ ‘TVF ટ્રિપલિંગ’ના પાંચમાથી ચાર શો ડિરેક્ટ કર્યા છે, જેમાં મુખ્ય પાત્રો રાજેસ્થાન અને મનાલી પ્રવાસ કરે છે. આ જ આકર્ષ ખુરાનાએ ‘કારવાં’ ફિલ્મ ડિરેક્ટ કરી છે. એટલે કહી શકાય કે તેઓ રોડ મૂવી ડિરેક્ટર તરીકે અનુભવી છે. એટલે જ ‘કારવાં’ સારી બની છે પણ અમુક જગ્યાએ હુસ્સેન દલાલે લખેલ સ્ક્રિપ્ટમાં ગાબડા અને ખુદ આકર્શે લખેલા સ્ક્રિનપ્લેમાં ભુવા હોવાથી ક્યાંક ક્યાંક એક્ઝિક્યુશન નબળું લાગે છે. અને તેમની ચાર મહિના પહેલા આવેલી ફિલ્મ ‘હાઈજેક’ યાદ આવી જાય છે! (શું? કઈ ‘હાઈજેક’? વાંધો નહીં, આપણે આમેય રિવ્યુ નહોતો કર્યો!)

એની વે, શરૂથી શરૂઆત કરીએ.

વારતા

અવિનાશ(દુલકર સલમાન) નામનો યુવાન એક આઈટી કંપનીમાં કામ કરે છે જ્યાં તેને કામ નથી કરવું. પણ તેના પપ્પાના મિત્રની કંપની છે અને તેના પપ્પાની જ ઈચ્છા છે કે તે અહીં કામ કરે. અવિનાશને તો ફોટોગ્રાફર બનવું છે પણ તેના પપ્પા ‘3 ઈડિઅટ્સ’વાળા માધવનના પપ્પા જેવા છે; તેમને ડર છે કે તેમાં કમાણી નિશ્ચિત નથી હોતી, છોકરો કરશે શું! જોકે, હાલ તો પપ્પા યાત્રાએ ગયા છે.

બીજા એક ભાઈ છે, નામ શૌકત(ઈરફાન ખાન), જેઓ એક ગૅરેજ ચલાવે છે. તે અને અવિનાશ મિત્રો છે. બેઉ મિત્રો છે એ આપણને ત્યારે ખબર પડે છે જ્યારે અવિનાશ, શૌકતની વૅન માંગવા આવે છે. અને તે વૅન માગવા એટલે આવે છે કેમ કે, તેને સમાચાર મળે છે કે તેના પિતાનું બસ દુર્ઘટનામાં અવસાન થઈ ગયું છે. અને ડેડ બૉડી એરપોર્ટ મોકલવામાં આવી છે.

શૌકત અને અવિનાશ ડેડ બૉડી લેવા જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તેમની ડેડબૉડી અન્ય કોઈ વ્યક્તિની ડેડ બૉડી સાથે બદલાઈ ગઈ છે, જે અત્યારે કોચિન છે. હવે બેઉ ભાઈઓ એ ડેડ બૉડી લઈને નીકળી પડે છે સાઉથના પ્રવાસે. જેમાં વચ્ચે જેની ડેડબૉડી છે તેમની દોહિત્રી તાન્યા(મિથિલા પાલકર)ને પીક કરે છે.

       અને શરૂ થાય છે આ ત્રણેય જૂદા જૂદા સ્વભાવ અને પરિસ્થિતિ ધરાવતા પાત્રોની બહારની અને અંદરની સફર.

ચાલો પ્રવાસે

ઈમ્તિઆઝ સહિતના ડાયરેક્ટર્સની રોડ ટ્રિપ ફિલ્મોમાં આપણને મોટાભાગે નોર્થ ઈન્ડિયાના દર્શન થાય છે. અહીં આપણને સાઉથ ઈન્ડિયાની ખુબસુરતી જોવા મળે છે. સિનેમૅટોગ્રાફર અવિનાશ અરુણનો કૅમેરા કોઈમ્બતુર અને કોચિન તથા દક્ષિણ ભારતની હરિયાળી, લીલા વૃક્ષો અને તળાવો વિગેરે સુપર્બલી બતાવે છે. અને આકર્ષ ખુરાનાએ પણ આશ્ચર્યજનક નરમાશ અને મૃદુતાથી ફિલ્મ ડિરેક્ટ કરી છે. જેના લીધે બે કલાક દરમિયાન તમે એકદમ હળવા અને કુલ રહો છો! બેએક સિન્સ ખાસ ઉલ્લેખ કરવો છે. એક, જેમાં અવિનાશને ફોન પર ટ્રાવેલ કંપનીનો એજેન્ટ જે રીતે ઉત્સાહથી સમાચાર આપે છે કે, તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમની ડેડબૉડી એરપોર્ટ પહોંચાડી દેવામાં આવશે તે. ડાર્ક કૉમેડી હતી! દુલકરના ચહેરાના હાવભાવ, ગજ્જબ!  અને બીજો સિન જેમાં અવિનાશ, તાન્યાને કહે છે કે, મારા પિતાથી મારુ એટલું બૉન્ડિગ નહોતું એટલે ઓછું દુઃખ થાય છે. તે શૌકતને પણ કહે છે કે, અમારું બહુ બનતું નહોતું પણ ક્રિયાક્મ તો વ્યવસ્થિત જ કરવા પડશે! આ મૅચ્યોર્ડ સિન્સ હતા.

ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઈન્ટ તેના મુખ્ય ત્રણ આધારસ્તંભ સમા કલાકારો છે. પહેલો ખાનો મેં ખાન ઈરફાન ખાન. જેની આંખો અને અવાજ જ કાફી છે! તેના પાત્ર શૌકતના ઇન્ડ્રોડ્યુસ સિનમાં તે બોલે છે, હમેં ઝિંદા દફન કરી દીયા યે સોચ કે કે હમ મર જાએંગે. ઉલ્લેખનીય છે કે, હાલ ઈરફાન ખુદ કૅન્સરની સારવાર લઈ રહ્યો છે. શૌકતનું પાત્ર અણઘડ, મસ્તીખોર અને વાચાળ છે. તે રસ્તે જતા લોકોની મસ્તી ચાલુ કરી દે એવો છે. આ મસ્તીભર્યા માણસની અંદર દુઃખ ધરબાયેલું છે, જે તે ઢાંકી રહ્યો છે પણ આંખો તેની ચાળી ખાય છે. અવિનાશ કહે છે તેમ તે દિલનો સારો છે. અવિનાશનો રોલ કરનાર સુપરસ્ટાર મુમુટીપુત્ર દુલકર સલમાનની આ પહેલી હિન્દી ફિલ્મ છે. તે મૉલીવુડ એટલે કે મલયાલમ ઈન્ડસ્ટ્રીનો હાર્ટથ્રોબ છે. તેની કન્ટ્રોલ્ડ એક્ટિંગ કાબિલે તારિફ છે. પોતે હોશિયાર છે પણ કંપનીમાં યંત્રવત કામ કરી રહ્યો છે. પોતાનું ગમતું કામ ન કરી શકવાના કારણે સંપૂર્ણ આત્મવિશ્વાસ ખોઈ બેઠો છે. બૉસને કંઈ કહી શક્તો નથી. જેના પર ક્રશ છે તે છોકરી સાથે બોલતા પણ અચકાય છે. તેની મૃત થઈ ચૂકેલા ફોટોગ્રાફર બનવાના સ્વપ્ને વાગોડ્યા કરે છે. દુલકરને બે કલાક જોવાની જબ્બર મજા પડે છે. દાદુ એક્ટર! (તે આનાથી વધુ સારી ફિલ્મ થકી પર્દાપણ કરી શક્યો હોત!) અને ત્રીજી વ્યક્તિ એટલે ઈન્ટરનેટ સેન્સેશનલ મિથિલા પાલકર. જે છેલ્લે ‘કટ્ટી બટ્ટી’ ફિલ્મમાં ઇમરાન ખાનની બહેન બની હતી. મિથિલા આ બેઉ અફલાતૂન કલાકાર વચ્ચે ટીનએજ ગર્લ તાન્યા તરીકે પોતાનું સ્થાન બનાવી લે છે. તેનું પાત્ર એડોરેબલ છે.

રસપ્રદ વાત એ છે કે, મલયાલી દુલકર અહીં કન્નડનો રોલ કરે છે અને મરાઠી એક્ટ્રેસ મિથિલા અહીં મલયાલી બની છે! આ ઉપરાંત કીર્તિ ખરબંદાનો શૉર્ટ બટ સ્વીટ કૅમિયો છે. છેલ્લે ‘શાદી મેં મત આના’, ઉપ્સ સોરી, ‘શાદી મેં જરૂર આના’માં તેને જોઈ હતી. તાન્યાની માતાના પાત્રમાં અમાલા એકિનેની છે, જેનું પાત્ર તેને બંધબેસતું છે.

રોડ બમ્પ્સ

       આકર્ષ ખુરાનાએ આ રોડ મૂવી કૉમેડી, ટ્રૅજેડી અને ટ્રાન્સફૉર્મેશનનું પૅકેજિંગ કરીને ડિઝાઈન કરી છે. ફિલ્મ ઇઝી ગોઈંગ અને એન્ટરટેઈનિંગ છે પરંતુ પિસિસમાં! છૂટીછવાઈ મજા આવે છે પરંતુ સ્ક્રિપ્ટ સતત-એકધારી એન્ગેજિંગ નથી રહી શક્તી. વાર્તા બેજોય નામ્બિયારે લખી છે જેના પરથી સ્ક્રિપ્ટ હુસ્સેન દલાલે લખી છે.(જેણે સાથે જ રિલિઝ થયેલી ‘ફને ખાન’ લખી છે) જેમને વળાંકોવાળી, થોડી ફાસ્ટ પેસ ફિલ્મ જોવી પસંદ હશે તેમને થશે કે ઇન્ટરવલ સુધી તો કંઈ થયું જ નથી. અને ઇન્ટરવલ પછી પણ કંઈ ખાસ નથી થતું! હા, ત્રણેય પાત્રોના સબ-પ્લૉટ્સ છે પરંતુ એટલા ઇફેક્ટિવ નથી. ઈરફાનના મોઢે આવેલા અમુક ડાયલૉગ્સ ખરેખર ફની છે, જ્યારે અમુક કૉમેડી બિનજરૂરી અને સ્થૂળ લાગે છે.

આકર્ષ ખુરાનાએ ઈરફાન અને દુલકરની સેલ્ફ ડિસ્કવરની જર્ની દર્શાવી છે પણ તેના ઊંડાણમાં નથી ઉતર્યા. એટલે દર્શકો માટે તે એટલું કન્વિન્સિગ નથી લાગતું. પ્રી-ઈન્ટરવલ ચેસ સીકવન્સ અને મૅરેજના સીન્સ અવાસ્તવિક લાગે છે. ત્યારે થોડો સમય દર્શક બોર થાય છે.

મ્યુઝિક ઠિકઠાક છે પરંતુ કેરળની સીનસીનેરી દેખાતી હોવાથી સાંભળવામાં સહ્ય છે.

જોવી કે નહીં?

       ‘મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોક સાથ આતે ગએ ઔર કારવાં બનતા ગયા’ ફિલ્મનું નામ વાંચ્યું ત્યારે મઝરુહ સુલતાનપુરી લિખિત આ લાઈનો યાદ આવી હતી અને ફિલ્મમાં ઈરફાન ખાનની વૅનની એક બાજુએ આ પંક્તિઓ લખેલી વંચાય છે.

વેલ, ઈરફાનની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં રજૂ થતી ડાયલૉગ-ડિલિવરી, બ્રિલિયન્ટ એક્ટર દુલકર સલમાનનો ચાર્મ તથા મિથિલા પાલકરની એડૉરેબલ ક્યુટનેસ જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ તમારા માટે છે. વાર્તામાં બહુ માલ નથી. હ્યુમરસ છે પણ બહુ નહીં. ઈવન, અમુક કૉમેડી પણ એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી છે! (જોશો એટલે સમજાશે!) વળાંકો વગરની શાંત, ‘દક્ષિણ દર્શન’ કરાવતી અને જિંદગી અંગેની ફિલોસૉફી રજૂ કરતી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો આ તમારા માટે છે. બાકી, એમેઝૉન પ્રાઈમ છે જ!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 05 August 2018)

Karwaan 05-08
Mid-day, Mumbai. Page No. 27, Date: 05-08-2018

 

0 comments on “કારવાં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: