Movies Review

ફને ખાન

ખાલી નામ જ ‘ફને ખાન’ છે, ફિલ્મ આખી ફની છે!

Rating: 1.5 Star

MV5BNzZiNjMzNzgtNmJhMi00MGQzLTk1NzMtNTBmYTFhZjgzY2VkXkEyXkFqcGdeQXVyODE5NzE3OTE@._V1_UY268_CR1,0,182,268_AL_અનિલ-એશ-રાવને ચમકાવતી ‘ફને ખાન’ માત્ર આ ત્રણના ડાયહાર્ટ ફૅન હો તો જ જોવાય! ડચ ફિલ્મ ‘એવરીબડીઝ ફેમસ’નું નબળું એડપ્ટેશન થયું છે. સ્ક્રિપ્ટ વીક છે ડિરેક્શન કંગાળ છે. ઈન્ટરવલ પછી થિયેટરમાં બેસવું અસહ્ય છે.

18 વર્ષ પહેલા 12 એપ્રિલ 2000ના રોજ ડૉમિનિક ડેરુડેરેની એક બેલ્જિયન ફિલ્મ આવી હતી, નામઃ ‘એવરીબડીઝ ફેમસ!’ જેમાં સત્તર વર્ષની માર્વા નામની છોકરી નિયમિત રીતે સિંગિગ કૉમ્પિટિશનમાં ભાગ લેતી રહે છે, પરંતુ જીતી નથી શક્તી. તેના પિતા જીન એક ફૅક્ટરીમાં કામ કરે છે. તે પોતાની પુત્રી સ્ટાર સિંગર બનશે તેવું સ્વપ્ન દરરોજ જાગતા જ જૂએ છે. પણ કંઈ થતું નથી એટલે કંટાળેલો પિતા એક દિવસ દેશની પહેલા નંબરની સિંગર ડેબીને કિડનૅપ કરી લે છે! ડેબીના મૅનેજર સાથે ડિલ કરે છે. અને એક દિવસ જીનની પુત્રી માર્વા સિંગર બને છે…

ફિલ્મની વારતા સિમ્પલ-અન્ડરડૉગ હતી પણ તેની પાછળ અમુક લેયર્સ છૂપાયેલા હતા. તે પુત્રી શરીરે સ્થૂળ હતી, પણ તમારામાં ટૅલન્ટ હોય તો તમે જરૂર જીતી શકો છો એ મે  સેજ સટાયર સાથે અપાયો હતો. બીજું, અધધધ લોકપ્રિયતા ધરાવતી વ્યક્તિની જિંદગી કેટલી એકલતાભરી અને બોરિંગ હોઈ શકે છે કે તેને કિડનેપ થયા પછી ગુલામીમાં પણ સ્વતંત્રાનો અનુભવ થાય!

કહેવાની જરૂર નથી કે આ ઑસ્કાર નૉમિનેટેડ સટાયરિકલ કૉમેડી ડચ ફિલ્મનું એડપ્ટેશન મેલોડ્રામાથી ભરપૂર અને હાસ્યાસ્પદ ‘ફને ખાન’ છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાના અસિસ્ટન્ટ રહી ચૂકેલા અતુલ માંજરેકરે આ ફિલ્મથી રાઇટર-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે અને ફિલ્મ જોઈને થાય કે આ શું કર્યું છે!

આવો તમને કહું, શું કર્યું છે!

સ્ટ્રેટ ફૉરવર્ડ ડ્રામા

બૉલીવુડની અમુક(અથવા બધી!) ફિલ્મો જોઈને પહેલો વિચાર એ આવે કે, ‘આ ફિલ્મ વધુ સારી બની શકી હોત, થોડુંક સારું કર્યું હોત તો મજા પડત. વાર્તા સરસ હતી પણ જોવાની મજા ન આવી.’ ‘ફને ખાન’માં પણ એવું જ થયું છે. ફિલ્મની વાર્તા એટલે સ-રસ અને રસપ્રદ છે, કેમ કે તે ઉપર વાત કરી તે ડચ ફિલ્મની છે. પણ માત્ર વાર્તા! બાકી, બૉલીવુડે ફરી એક વખત સાબિત કરી નાખ્યું છે કે, સારામાં સારી વાર્તાનો ભૂકો બોલાવવામાં તેમને કોઈ ન પહોંચે!

મૂળ વાર્તામાં પેલો જીન સામાન્ય કારખાનામાં કામ કરતો સામાન્ય કર્મચારી છે. અહીં પ્રશાંત શર્મા ઉર્ફે ફને ખાન(અનિલ કપૂર) કર્મચારી છે પરંતુ પહેલા સિનથી તેનું ઇન્ટ્રોડક્શન સફળ ન થઈ શકેલા સારા સિંગર તરીકે કરવામાં આવે છે. મોહમ્મદ રફી અને શમ્મી કપૂરનો આશિક એવો નાઇન્ટીઝનો ઑરકેસ્ટ્રા પ્લેયર ફને ‘બદન પે સિતારે લપેટે હુએ’ ગાય છે અને થિરકે છે. અનિલ કપૂરને આ ગીતમાં જોવાની મજ્જા પડે છે પણ એક મસમોટો લોચો છે. આ ગીત સોનુ નિગમે ગાયું છે અને તેનો અવાજ અનિલ કપૂરને રત્તીભર પણ સૂટ નથી કરતો! સોરી એકે! સાડા ત્રણ મિનિટ ચાલતા એ ગીતમાં તમારું ધ્યાન વારંવાર અનિલભાઈ લિપ સિન્ક બરાબર કરે છે કે નહીં તે ચેક કરવા જતું રહે છે!

પ્રશાંત અને કવિતા(દિવ્યા દત્તા) શર્માની એકમાત્ર પુત્રી છે લતા(નવોદિત અભિનેત્રી પીહૂ સંદ). પ્રશાંતે લતાનું નામ લતા એટલે રાખ્યું છે કેમ કે તે લતા મંગેશકરનો ફૅન છે! પણ લતાને માય નેમ ઈઝ શીલા ને એવુબધું ગમે છે. મૂળ ફિલ્મની જેમ લતા પણ સ્થૂળ છે માટે તેની ફંક્શનો અને પ્રોગ્રામોમાં મશ્કરી થાય છે. રિજેક્શન મળે છે. પ્રશાંત દીકરી સ્ટાર બનશે તેવા સપનાઓ જોતો હોય છે, પણ નિરાશા જ સાંપડતી હોય છે ત્યાં…

પ્રશાંત અને તેની સાથે કામ કરતા અધીર(રાજકુમાર રાવ) ભેગા મળીને મોસ્ટ ફૅમસ સિંગર બેબી સિંહ(એશ્વર્યા રાય બચ્ચન)નું અપરહરણ કરે છે. દીકરી ફેમસ સિંગર બને તે માટે ખરેખર ફેમસ સિંગર કિડનેપ થાય છે અને ખેલ શરૂ થાય છે ખંડણીનો…

ના ભઈ ના, કંઈ થ્રિલર બિલર નથી. ઠંડું છે, સુસ્ત છે, કંગાળ છે. એક વાત સારી છે કે, છેલ્લે લતા દીકરીને રિઆલિટી શોની કોઈ સ્પર્ધામાં ગાવાનો મોકો મળે છે અને ફિલ્મ પૂરી થાય છે અને આપણે બહાર નીકળીએ છીએ…

અધૂરુ બાંધકામ

મજાના અભિનેતા અને પટકથા-લેખક હુસ્સેન દલાલે સ્ક્રિપ્ટ લખી છે અને ડાયલૉગ અબ્બાસ દલાલે લખ્યા છે. સ્ક્રિનપ્લે આ બેઉ તથા ખુદ અતુલ માંજરેકરે લખ્યો છે. આખી ફિલ્મ તમામ મોરચે અધૂરા રહી ગયેલા બાંધકામ જેવી છે! કેમ કે, ફિલ્મમાં શું શું સારું થઈ શકત તેના જ વિચારો આવ્યા કરે છે! શરૂઆતમાં ફિલ્મ અમુક ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. જેમ કે, સિંગર્સ અથવા કોઈપણ ફેમસ વ્યક્તિની બૉડી ઈમેજ આપણા સેલિબ્રિટી કલ્ચરનો કેટલો મહત્વનો ભાગ બની ગયો છે. લતાની બહેનપણી તેને કહે છે કે, તું સારા કપડા પહેર અને જોરદાર મેક-અપ કર, તો તું ચોક્કસ જીતીશ! બીજું, શરીરની સ્થુળતા- જાડાપણાના કારણે થતી મજાકો, જેના કારણે વ્યક્તિનો આત્મવિશ્વાસ ચકનાચૂર થઈ જાય છે. ત્રીજું, લોકપ્રિય વ્યક્તિ કેટલી એકલતા અને દબાણભરી જિંદગી જીવતી હોય છે. આ તમામ મુદ્દાઓ પર માત્ર પ્રકાશ નહીં પણ પ્રકાશનો આછો શેરડો પાડવામાં આવ્યો છે. માત્ર ઉપરચોટિયું બતાવીને ગાડી ફરી મેલોડ્રામાના ટ્રૅક પર લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત અધીર(રાજકુમાર રાવ) અને બેબી સિંહ(એશ્વર્યા)ના લવ-ટ્રૅકને પણ અડીને નીકળી જવાયું છે. અધીર બેબી સિંહનો કિડનૅપર છે અને તે તેની સંભાળ પણ રાખે છે. જેનું રિઝલ્ટ નેક્સટ લેવલના ‘સ્ટૉકહોમ સિન્ડ્રૉમ’માં પરિણમે છે, જે વધુ સારું દર્શાવી શકાયું હોત. પણ અહીં રાજકુમાર રાવને કોઈ કારણ વગર કાશ્મિરનો દર્શાવી દેવાયો છે, તેના અને એશના ટ્રૅક પર ધ્યાન આપવાના બદલે.  જોકે, રાવ અને એશ તથા રાવ અને અનિલ કપૂર વચ્ચેના અમુક સિન્સ મજાના ફિલ્માવાયા છે.

(જો વિચારીએ તો) ફિલ્મમાં લૉજિકના નામે નાહી નાખવામાં આવ્યું છે. બાપ દીકરીના ‘ઉજ્જવળ ભવિષ્ય’ માટે કોઈને સરળતાથી કિડનૅપ કરે છે અને હાસ્યાસ્પદ રીતે ખંડણી વસુલ કરે છે! અને એમાંય પગમાથા વગરનો ક્લાઈમેક્સ, જેમાં બોડી શેમિંગ, પોતે જ આગળ વધો, હાર ન માનો-મહેનત કરો, વગેરે બધા જ મેસેજોનો ઓળિયોઝોળિયો કરીને વાયા બાપ-દીકરીનો ઈમોશનલ ડ્રામેટિક સિન, ફિલ્મ પૂરી કરી દેવાય છે! એટલે… આપણને કંઈ વિચારવાનું જ નહીં?

બેબી ડૉલ મેં સોને દી…

ફિલ્મ જોતી વખતે બીજી એક વાત સતત ખૂંચ્યા કરે છે કે, દીકરી લતાને તેના પિતાથી તકલીફ શું છે? તે શા માટે તેની સામે જ બોલ્યા કરે છે? તેનાથી ચીડતી જ રહે છે? છેલ્લે સુધી તેનો જવાબ નથી જડતો. કન્ફ્યુઝ્ડ પાત્ર દિવ્યા દત્તાનું છે. તે પતિ સાથે પણ છે અને પુત્રી સાથે પણ. વેલ, લતાની એક્સન્ટ મુંબઈ કરતા વધારે દિલ્હી-પંજાબી બાજુની વધારે લાગે છે જ્યારે તેના પિતા એટલે કે અનિલ કપૂરના ઉચ્ચારણો હૈદરાબાદી છે! (શું આ ફિલ્મનો બીજો ભાગ આવાનો છે? દીકરી કારણ વગર બાપા સાથે લડે છે, બેઉ તદ્દન અલગ પ્રનાઉન્સ વાપરે છે! હશે ભઈ!) ડેબ્યુટન્ટ પીહૂ સંદનું કામ પહેલી વાર પ્રમાણે સારું છે. એટ લિસ્ટ, તે લિપ સિન્ક અનુભવી એક્ટર્સ કરતા સારું કરી જાણે છે! અને હા, તેણે વેલ કોરિયોગ્રાફ્ડ સૉન્ગ ‘ફુ બઈ ફુ’ પર મજાનો ડાન્સ કર્યો છે. અનિલ કપૂરને સ્ક્રીન પર જોવાની મજા પડે છે.(એ તો ‘રેસ 3’માંય પડી હતી!)

એશ્વર્યા રાયનું બેબી સિંહનું કૅરેક્ટર ગ્લેમરસ બેબી ડૉલ જેવું છે. તે આર્ટફુલી એરેન્જ કરેલા લાલ વાળવાળી સફળ પૉપ સિંગર છે. જેને ઢંગનો ડાન્સ કરતા નથી આવડતો. આખી ફિલ્મ દરમિયાન તેની આર્ટિફિશ્યલિટી તમને નડ્યા કરે છે! રાજકુમાર રાવ દાદુ એક્ટર છે પણ અહીં ખાસ મજા નથી પડતી. અગાઉ ‘બરેલી કી બરફી’માં તેણે જબરજસ્ત કૉમેડી કરી છે પણ અહીં…

અન્ય પાત્રોમાં બેબી સિંહના પ્રોડ્યુસર આસિફ કાબરા બન્યા છે તથા તેના મેનેજર મિસ્ટર કક્કડના રોલમાં અફલાતૂન અભિનેતા ગિરીશ કુલકર્ણી બન્યો છે. એ જ એક્ટર જે સેક્રેડ ગેમ્સમાં ‘દેશ સંકટ મેં હે..’ બોલે છે! પણ અહીં તે સંપૂર્ણપણે મિસફિટ છે. ઊભા, ચોંટેલા વાળ અને આર્ટિફિશ્યલ કૉન્ટૅક્ટ લેન્સવાળું તેનું કૅરેક્ટર આશ્ચર્યજનક અને વિચિત્ર છે. તે લાળટપકાઉ જેન્ટલમૅન લાગતો જ નથી!

મ્યુઝિક

જે આખી ફિલ્મ મ્યુઝિકની ઈર્દગિર્દ ફરે છે તેનું મ્યુઝિક જ સૌથી નબળું છે! અસ્પાઈરિંગ ટીનેજ સિંગરની જર્ની રજૂ કરતી ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મનું અદભૂત મ્યુઝિક અમિત ત્રિવેદીએ જ આપ્યું હતું. પણ અહીં તેઓ સખત નિરાશ કરે છે. સિવાય કે એક ગીતઃ યે હલ્કા હલ્કા સુરુર હૈ… જે પણ થોડા સમય પૂરતું યાદ રહેવાનું છે.

જોવી કે નહીં?

એમેઝૉન પ્રાઈમ પર આવી જશે.

છતાંય કહી દઉં, એશ-અનિલ-રાવ વિગેરેના ફૅન હો, સમય હોય, બાકીના ઑપ્શનમાં ટ્રાય કરવાની ઈચ્છા ન હોય અને પૈસા વાપરવા જ હોય તો તમારા જોખમે ચોક્કસ જઈ શકો છો. બાકી, કહ્યું ને, પ્રાઇઈમ પર આવી જશે!

ઊભા રે’જો!

ફિલ્મને લઈને એક નાનકડી કન્ટ્રોવર્સી હતી કે, ‘મેરે અચ્છે દિન કબ આયેંગે’, આ સૉન્ગ બદલાવો. તેમને કહી દઈએ કે ફિલ્મમાં બીજું એક સૉન્ગ પણ છેઃ ‘મેરે અચ્છે દિન અબ આયે રે..’ જેમનો વિરોધ હોય તેમને આ ફિલ્મ બતાવોઃ આખી ફિલ્મ જ બદલવાની જરૂર છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 04 August 2018)

Fanney khan 04-08
Mid-day, Mumbai. Page No. 22, Date: 04-08-2018

0 comments on “ફને ખાન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: