Movies Review

સૈરાટ

તાજેતરમાં આવેલી ‘ધડક’ ફિલ્મ જેના પરથી બની છે તે મરાઠી બ્લૉકબસ્ટર ફિલ્મ

‘સૈરાટ’ શા માટે શ્રેષ્ઠ છે?

Sairat_Marathi_Film_Poster

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

બે અઠવાડિયા પહેલા જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટરની ‘ધડક’ ફિલ્મ રિલીઝ થઈ, જે બોક્સ ઑફિસ પર કમાણી કરી રહી છે તેવા સમાચાર છે, પરંતુ તે જેના પરથી બની છે તે બ્લૉકબસ્ટર મરાઠી ફિલ્મ ‘સૈરાટ’થી જોજનો દૂર છે. ‘સૈરાટ’ના ૧૦ ટકા પણ ‘ધડક’ નથી. જેણે ‘ધડક’ જોઈ હોય અને ગમી હોય, અંત જોઈને અચંબા અને આશ્ચર્યમાં પડી ગયા હોય, આંખો ફાટી ગઈ હોય… તો બધું કામ પડતું મુકીને એક વાર ‘સૈરાટ’ જોઈ લો. શું કામ? ચાલો, કહું!

‘સૈરાટ’ આવ્યે તેને બે વર્ષ ને ઉપર ત્રણેક મહિના જેવું થયું. ૨૦૧૬ના મે મહિનાના કોઈ આડા દિવસે અમદાવાદના બિગ સિનેમામાં ‘સૈરાટ’ જોઈ હતી. હું કહીશ કે હું નસીબદાર છું કે મેં ‘સૈરાટ’ થીએટરમાં જોઈ! અને મને અફસોસ છે કે હું મરાઠી નથી જાણતો! નહીંતર ઔર લુફ્ત ઉઠાવત ફિલ્મનો. ‘સૈરાટ’ના એક એક શબ્દને સમેટી લેત, સમજી લેત! ફિલ્મ જોઈ ત્યારથી તેના વિશે કંઈક લખવું હતું, કહેવું હતું. પણ યોગ્ય શબ્દો નહોતા જડતા. ‘સૈરાટ’ એ શશાંક ખૈતાનનું સુરસુરિયું નથી તે નાગરાજ મંજૂળેનો વિસ્ફોટ છે. સમાજ સામેનો તીવ્ર આક્રોશ છે ‘સૈરાટ’.

‘સૈરાટ’ની હિરોઈનનું નામ અર્ચના પાટીલ ઉર્ફે આર્ચી(રિંકુ રાજ્યુગુરુ) છે અને હિરોનું નામ પ્રશાંત કાલે ઉર્ફે પર્શ્યા(આકાશ થોસર) છે. હવે ખાસમખાસ વાત એ છે કે આર્ચી એટલે રિંકુ ફિલ્મમાં કોઈ હિરોઈન કે નાયિકા જેવી નથી લાગતી. તે એક સીધીસાદી છોકરી છે. એક ભારતીય નાગરિક છે. તેનો પ્રેમી પર્શ્યા એટલે કે આકાશ થોસર કોઈ હિરો નથી. ફિલ્મનો નાયક નથી. તે ભારતીય નાગરીક છે. અને રવીશ કુમારના શબ્દો ઉધારા લઈને કહું તો તમે સામાન્ય નાગરીક હોવા છતાં તમારી જિંદગી  જીવવાનો હક તમારી પાસે નથી! સમાજ અને તેની પરંપરાઓ પાસે તમારી જિંદગીનો હક છે. આ દેશમાં બંધારણથી મોટી પરંપરાઓ છે! એટલે જ ઇમ્તિઆઝ અલી અને ઇર્શાદ કામિલનું ‘સડા હક… ઐથે રખ’ બધાને જરૂરથી વધારે ગમી ગયું હતું!

sairat-660x330
સૈરાટના એક્ટર્સ રિંકુ રાજ્યગુરુ અને આકાશ થોસર

ટૂંકમાં, તમે જ્યારે પડદા પર આર્ચી અને પર્શ્યાને જૂઓ છો ત્યારે મહારાષ્ટ્રના એક નાનકડા કસ્બામાં સ્કુલમાં ભણતા બે છોકરાઓને જ જૂઓ છો. રણબીર કપૂર કે દીપિકા-કેટરીનાને નહીં. જ્હાનવી કપૂર કે ઈશાન ખટ્ટરને નહીં. સુધાકર રેડીનો કૅમેરો મહારાષ્ટ્રના ગામડાના અદભૂત દ્રશ્યો તમારી આંખોમાં કાજળની જેમ આંજે છે. સૈરાટનો કૅમેરો જ તેનો ખરો વાર્તાકાર છે! અહીં નદી છે પણ ગંદીગોબરી કે આર્ટિફિશયલ દેખાય તેવી નહીં પરંતુ સાફસુથરી અને જોવી ગમે તેવી છે! અહીં ખેતર છે, જૂનાપુરાણા કિલ્લા છે. મેટાફોર્સ છે. ઊગતી સવાર અને ગામડાની આથમતી સાંજ છે. પર્શ્યા પુલ પરથી ટ્રેન પસાર થાય તે ટ્રેનના અવાજમાં બે મિત્રો સાથે ઘડીભર નાચીને અને ‘ઝિંગ ઝિંગ ઝિંગાટ’ કરીને પોતાની ખુશીઓ ચોરી લે છે. કેમ કે, તે ગરીબ છે. ઉપરથી એવા ઘરમાં જન્મ્યો છે જેને ગામમાં તુચ્છ માનવામાં આવે છે. પણ તે ભણે છે. હિમ્મતવાન છે, સમજુ છે. આર્ચી કોઈ સ્વીમિંગ પુલમાં કે ટીપીકલ તળાવમાં નહીં પરંતુ કુવામાં બહેનપણીઓ સાથે દાદાગીરીથી ન્હાય છે. પણ તે દાદાગીરી એટલે કરી શકે છે કેમ કે તે પાટીલ પરિવારમાં મોટી થઈ છે. તે ઉચ્ચ જાતિની છે. પરંતુ આ ઉચ્ચ-નીચની વાત ફિલ્મમાં ક્યાંય કહેવાઈ નથી, માત્ર દર્શાવાઈ છે. પહેલા પ્રેમથી, પછી પંપાળથી પછી એક તમાચાથી. જે તમાચાની ગુંજ પીક્ચર પૂરી થયા પછી પણ તમારા કાનમાં વાગ્યા કરે છે.

આર્ચી પાટિલ પરિવારની બળવાખોર અને બહાદુર છોકરી છે. તેણે પોતાની દાદાગીરી વાપરીને તળાવમાં ન્હાતા

nagraj_manjule_2_sheyy
સૈરાટના ડિરેક્ટર નાગરાજ મંજુળે

છોકરાઓને ભગાડ્યા અને એ જ બહાદુરીથી તેના પ્રેમી સાથે પ્રેમ કર્યો. પણ તેનો પ્રેમી પ્રંશાત ઉર્ફે પ્રર્શ્યા ‘કાલે’ છે. તેની અટકમાં તકલીફ છે. વાંધો છે. તે એક માછીમારનો પુત્ર છે. ભલે ગામમાં સરસ મજાની  નદીઓ હોય, તળાવો હોય, ટ્રેન આવતી-જતી હોય, સ્કુલ-કૉલેજો હોય, બધા હળીમળીને રહેતા હોય, મોર્ડન થઈ ગયા હોય, વિકાસ થઈ ગયો હોય, મોબાઇલ વાપરતા અને ટીવી જોતા થઈ ગયા હોય પણ… કોઈ પાટિલની છોકરી કોઈ માછીમારના છોકરા સાથે પ્રેમ ન કરી શકે! બકૌલ રવીશ કુમાર, ‘લોકશાહીમાં આપણે માત્ર મતદાનના દિવસે જ એકસરખા હોઈએ છીએ!’ કોઈ એક જાતિની વ્યક્તિ અન્ય જાતિની વ્યક્તિ સાથે પ્રેમ કઈ રીતે કરી શકે? એ થઈ જ ન શકે એમ સમાજ માને છે! આ ‘સમાજ’ ક્યાંથી આવે છે તે બહુ મોટો પ્રશ્ન છે!

ઘણાને ‘ધડક’ રિલીઝ થઈ ત્યારે અને એ પહેલા પ્રશ્ન હતો કે ‘સૈરાટ’ તો મરાઠીમાં બની છે. આપણને શું ખબર પડે? હું બૅટ મારીને કહું છું કે માત્ર પહેલી પંદર મિનિટ ‘સૈરાટ’ તમને કોઈ અન્ય પ્રાંતની ભાષામાં બની હોય તેવું લાગશે. પછી પર્શ્યા અને આર્ચી તમારા થઈ જશે. ભાષા મહત્વની નથી, પ્રેમ મહત્વનો છે! ફિલ્માંકન મહત્વનું છે! નાગરાજ મંજૂળે અને કૅમેરામેને એટલું અદભૂત મહારાષ્ટ્ર દર્શાવ્યું છે કે મુંબઈની હાઈ-રાઈઝ બિલ્ડિંગો અને મરીન લાઇન્સ અને ક્વિન નેકલેસ નાના-નાના લાગે! ફિલ્મના દ્રશ્યો ભાષાની દિવાલોને તોડી નાખે છે.

_89888926_89888925
સૈરાટના પ્રશાંત કાલે ઉર્ફે પર્શ્યાના બે મિત્રો: Anaji Galgunde as Pradeep Bansode (Langdya/Balya)
Arbaz Shaikh as Salim “Salim” Shaikh

હવે વાત ફિલ્મના અંતની. (સ્પોઇલર એલર્ટ) ફિલ્મનો અંત એ આપણી, લોકોની રગેરગમાં ફેલાઈ ગયેલા જડ અને રુઢિચુસ્ત અને દંભી સમાજનો નમૂનો છે. આપણે ભીડ બનતા વાર નથી લાગતી અને ભીડમાં અક્કલ નથી હોતી. અને સમાજ એવો જ છે. સમાજ મારી નાખે છે. મારીને પાછો વળી જાય છે. સૈરાટે ૧૧૦ કરોડનો વકરો કર્યો હતો મતલબ કે બહુ બધા લોકોએ જોઈ હતી. પણ એ જોનારાઓમાંથી મોટાભાગનામાં પણ કદાચ એ જ ડીએનએ છે, જે આર્ચી અને પર્શ્યાને ભેગા નથી જોઈ શકતા! હા, ફિલ્મમાં જોઈ શકે છે, હસી શકે છે, રડી શકે છે, ડરી શકે છે, આંચકો પામી શકે છે પણ તેમની અંદર, નસેનસમાં પાટિલના મુખ્યા વસેલા છે. એ કેમ છે, શા માટે છે તેનો જવાબ નથી. જવાબ ખબર નથી. જે રીતે સમાજ ફિલ્મ જોઈને બગડતો નથી એમ સમાજ ફિલ્મ જોઈને બદલતો નથી એ વાત વધુ એક વખત સાબિત થઈ છે. બે પ્રેમીઓને બગીચામાં બેઠેલા જોઈને લાકડી ફટકારે છે એ સમાજ બે પ્રેમીઓ લગ્ન કરે ત્યારે તેમને લાકડીઓ ફટકારી ફટકારીને મારી નાખે છે. કારણ? તેમના વર્ષો જૂના, પેઢી દર પેઢીથી ચાલી આવતા અજાણ્યા કોઈ દંભ, કોઈ અહમ, કોઈ પરંપરા માટે.

sairat-scene-6
અંતિમ દ્રશ્યોમાં દેખાતો બાળક, સાથે લીડ જોડી

ક્યારેક લાગે છે કે દેશ બદલ્યો છે. આજના યુવાનો સમજુ થયા છે પરંતુ કહ્યું એમ હજુય ક્યાંક એ જ ડીએનએ છે અંદર. જેની પાછળ આખી જવાની ખર્ચી નાખી હોય એ પ્રેમિકા સાથે લગ્ન નથી કરતો યુવાન. જેને સ્કુલ અને કૉલેજકાળ દરમિયાન ચિઠ્ઠીઓ લખી હોય તેની સાથે જાતી-ભાગતી નથી છોકરી. આ યુવાનો હજુય સમાજને પ્રેમ કરે છે. વ્યવસ્થાને ચાહે છે. ક્રાંતિકારી વાતો કર્યા બાદ ધૂળમાં મોઢું ઘાલી દે છે આ યુથ.

***

તો… આ પ્રકારના વિચારોનું તોફાન ફૂંકાય છે ‘સૈરાટ’ જોઈને; રાધર, તે જોયાના બે વર્ષ બાદ પણ. ‘ધડક’ જોઈને જ્હાનવી કપૂર કેટલી રૂપાળી લાગતી હતી અને ઈશાન ખટ્ટરના કપડા કેવા હતા, બેઉ કેટલું સરસ નાચતા હતા એ વિચાર આવે અને ‘સૈરાટ’ જોઈને કશા વિચાર જ ન આવે. શૂન્યાવકાશ! કેમ કે તમારા ગાલ પર, મન-મગજ પર એક જોરદાર-ખેંચીને તમાચો જો પડ્યો છે!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 03-08-2018

sairat sha mate shreshth che 03-08
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 6; તારિખઃ 03-08-2018
dc-Cover-6tutgf2dl7qe0hovhs6u5p28d0-20160626230243.Medi
સંપૂર્ણ સ્ટાર કાસ્ટ ડિરેક્ટર, નાગરાજ મંજૂળે સાથે

1 comment on “સૈરાટ

  1. Sairat….Zhingat

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: