Literature

તમે દરરોજ ‘અભિનય’ કરો છો?

આપણે ખરેખર ‘પોતે’ ક્યારે હોઈએ છીએ? જ્યારે આપણી આસપાસ કોઈ ન હોય ત્યારે? થયું છે એવું કે હવે તો માણસ એકલો હોય ત્યારે પણ અભિનય જ કરતો હોય છે… આપણી અડધી જિંદગી અન્ય લોકો સામે નકલી ટાપટીપ, ઔપચારિકતા અને શિષ્ટાચાર અને બાહ્યાચારમાં જ પૂરી થઈ જાય છે!

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

wp1894491અભિનય એ વ્યક્ત થવાની કળા છે. આમ તો કોઈ પણ કળા વ્યક્ત થવાની જ હોય છે! લખવું, બોલવું(બોલવું એટલે અહીં ‘વક્તવ્ય’ આપવું, એ અર્થમાં!), દોરવું, ગાવું, વગાડવું આ બધી કળામાં કલાકાર વ્યક્ત થાય છે. પોતાની વાત મુકે છે. જાહેર થાય છે. ઘણી વખત અંગત રીતે, પોતાના માટે પણ વ્યક્ત થતો હોય છે. અમુક કહેતા હોય છે કે, હું તો માત્ર મારા માટે લખું છું. જાહેર જનતા માટે નહીં. આ નિજાનંદની વાત છે. પોતાના આનંદ માટે લખાયું હોય અને પછી અન્ય લોકો તેને વધાવી લે, ત્યારે તે આનંદ બેવડાઈ જતો હોય છે. બસ, પણ ત્યાર પછી કલાકારના મનમાં પોતાની કળાના કદરદાનો પાસેથી મોટી મોટી અપેક્ષાઓ ઊભી ન થવી જોઈએ. નહીંતર ખલ્લાસ! નહીં રહે નિજાનંદ નહીં રહે કળા. પછી લખવાની બદલે લખ-લખ થશે!

વેલ, વાતની શરૂઆત અભિનયથી કરી હતી. અભિનય જબરી કળા છે. અને તેમાં મોટાભાગના લોકો માહેર છે. ના, અહીં વાત કલાકાર-કસબીઓની નથી થતી.(તે તો દર અઠવાડિયે ‘મધ્યાંતર’માં કરીએ જ છીએ ને!) અહીં વાત આપણી-સામાન્ય લોકોની થઈ રહી છે. એક્ટિંગનો સામાન્ય અર્થ એવો થાય કે નાટક, ફિલ્મ કે ટેલિવીઝન પર કોઈ કાલ્પનિક પાત્રને ભજવવું, એક્ટ કરવું, તેવું કામ. સૌ જાણીએ છીએ તેમ તેના મસમોટા કોર્સિસ થાય છે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટોમાં.

જે લોકો શીખવવા માટે લાખો પૈસા આપે છે તે કળા સામાન્ય માણસ લગભગ દરરોજ કરી રહ્યો છે, અભિનય! જીવાતી જિંદગીમાં અભિનય! બે ભાઈઓ સમાજ સામે સાથે છે એવો અભિનય કરી રહ્યા છે. એ બે સગા ભાઈઓની પત્નીઓ જ્યારે સાસુ મૃત્યુ પામે છે ત્યારે સાથે રડવાનો અભિનય કરે છે. સાત નણંદ છે તેવી તે નણંદોની ભાભી ખુશ છે તેવો અભિનય દરરોજ કરે છે. ઘણા ઘરોમાં પિતા-પુત્ર, તે ‘હોવાનો’ અભિનય કરે છે. પ્રેમ લગ્ન કરવાની પિતાએ ના પાડી હોય, તે ‘ના’ને સ્વીકારીને કુટુંબ કહે ત્યાં પરણી જનાર છોકરી આખી જિંદગી પોતાના કુટુંબને પ્રેમ કરવાનો અભિનય કરે છે. આવા અભિનયની પાઠશાળાઓ આપણી ઇર્દગીર્દ જ છે. એટલા સચોટ અભિનય હોય છે કે આપણે તે પારખી પણ શક્તા નથી! આ ફિલોસોફી નથી, વાસ્તવિકતા છે. માણસો લાગણી દર્શાવવાનો અભિનય કરે છે. કોઈ ‘કેમ છો’ પૂછે છે ત્યારે આપણે ‘બરાબર’ હોવાનો અભિનય કરીએ છીએ. કોઈ માણસ હરહંમેશ બરાબર ન હોઈ શકે, પણ એમ હોવાનો ડોળ તો કરી જ શકે ને!(આ કુટુંબમાં ને ઘરસંસારમાં બહુબધી વાર વપરાતો શબ્દ ‘ડોળ’નો અર્થ કરજો ભલા! અભિનયની નજીક તેના મૂળીયા નીકળે છે.)

બાળક મોટું થાય, આમ તો મોટું થાય એ પહેલા જ શીખી જાય છે કે બીજા લોકોની હાજરીમાં કેવું વર્તન કરવું. શું કરવું અને શું ન કરવું. પછી તેને ઈચ્છા ન હોય તોય આદર આપવાનો અભિનય કરે છે. પગે લાગવાનો અભિનય કરે છે. હસ છે ખોટે ખોટે અને બહુ બધો રડવાનો અભિનય કરે છે. આપણે એક જ બાબત નોંધીએ છીએ કે જ્યારે નાના બાળકને કોઈ રમકડું જોઈતું હોય છે ત્યારે તે રડવાની એક્ટિંગ કરે છે! પણ આપણે તેને બધી જ બાબતોમાં એક્ટિંગ કરવાનું જાણે-અજાણે શીખવી દીધું છે.

એ બાળક પછી મોટું થાય, મોટું થાય એટલું ખોટું થાય. તેની એક્ટિંગ ઔર વાસ્તવિક થતી જાય. ભણી લે એટલે વધુ સજાગ થાય. સજાગતાના ફાયદાય છે અને ગેરફાયદા પણ. બહુ બધી સજાગતાના કારણે અમુક ગ્રંથી ઘર કરી જાય. પ્રેમિકા સામે, ઑફિસ-બિઝનેસમાં બોસ તથા ક્લાયન્ટ સામે અને બાકી ઘરમાં અને ઘરની બહાર સમાજ સામે એટિકેટ્સ દર્શાવવામાં જ પરમેનેન્ટ નેચર જતો રહે. એક્ટિંગનો વિરોધી શબ્દ ક્યો? અંગ્રેજીમાં શબ્દ છેઃ અબૅન્ડન. જેનો એક અર્થ થાય છેઃ સ્વૈરપણુ!  જે કુદરતી છે, જેવા તમે છો તેવા, તે પોતાપણું ખોવાઈ જાય.

આપણે ખરેખર ‘પોતે’ ક્યારે હોઈએ છીએ? જ્યારે આપણી આસપાસ કોઈ ન હોય ત્યારે? થયું છે એવું કે હવે તો માણસ એકલો હોય ત્યારે પણ અભિનય જ કરતો હોય છે…  આપણી અડધી જિંદગી અન્ય લોકો સામે નકલી ટાપટીપ, ઔપચારિકતા અને શિષ્ટાચાર અને બાહ્યાચારમાં જ પૂરી થઈ જાય છે!

***

આટલે સુધી વાત કરી તે થોડી નેગેટિવ હતી. પણ તેનો અર્થ એટલો જ સરે છે કે આપણે બીજા પ્રમાણે બધું કરીએ છીએ. પાછા પોતાને જ ખબર ન હોય એ રીતે કરીએ છીએ! અભિનય કરનારને જ ખબર નથી કે તે અભિનય કરી રહ્યો છે. પોતાનો જ ગાલ લાલ રાખીએ છીએ આપણે! એનાથી ઉલ્ટુ કરીએ તો? પિતા સાથે ખરેખર સારા રહેવાની એક્ટિંગ કરીએ તો! દાદા-દાદી સાથે કોઈ દિવસ સમય કાઢીને, હસીને વાત કરવાનો અભિનય કરીએ તો! કોઈ બહેનનો ભાઈ નથી, તો તેના ભાઈ બનીને તેને પ્રેમ આપીએ તો. કોઈ વડીલ જેને કોઈ સાંભળતું નથી તેની વાતો સાંભળીએ, તેને આદર આપીએ તો. પણ આ અભિનયમાં ફરક છે!

IMG_8454આ થોડા વિરોધાભાસી લાગે એવા વિચારો છે, પણ નોંધનીય છે. આ આવેલા છે થોડા સમય પહેલા રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ઑક્સિજન’માંથી. ચિન્મય પુરોહિતે બનાવેલી આ ફિલ્મે બહુ સલુકાઈથી અને પ્રેમથી સમાજને તમાચો માર્યો છે. આપણે પડદા પર બે ભાઈઓ વચ્ચે કે ભાઈ-બહેન વચ્ચે કે પિતા-પુત્ર કે બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ જોઈને જોરજોરથી તાડીઓ પાડીએ છીએ. ખુશ થઈએ છીએ. તો પછી વાસ્તવિક જિંદગીમાં કેમ કોઈ નથી રહી શક્તું હળીમળીને? શું ખૂટે છે?  ફિલ્મમાં એક ડાયલૉગ છે કે, ‘એવો એક પરિવાર દેખાડો જ્યાં કોઈએક સંબંધ હાર્યો ન હોય.’ અહીં દરેક લોકોએ પોતાના આત્મસમ્માન સાથે સમાધાન કરી લીધું છે. પોતાની ખુશીઓ સાથે સમજોતા કરી લીધા છે. ફિલ્મનો નાયક કહે છે કે, ‘અહીં દરેક લોકો અમિતાભ બચ્ચન છે અને સાલા બધા સલીમ-જાવેદ!’

ફિલ્મમાં નાયક પોતે અભિનેતા છે, નાટકોમાં કામ કરે છે. પરંતુ તે જે જે લોકો પાસે સંબંધોનો અભાવ છે, કંઈક ખૂટે છે ત્યાં ઑક્સિજન આપવા પહોંચી જાય છે; કોઈનો ભાઈ બનીને તો કોઈનો પુત્ર બનીને. એ કામના તે પૈસા લે છે! (લગ્નમાં સગાઓ ભાડે મળતા હોય છે એ વાત તમે જાણતા જ હશો!) અને પૈસાના બદલે પ્રમાણિકતાથી પૂરેપૂરું વળતર આપે છે! સાચ્ચેસાચ્ચો અભિનય કરીને તે લોકોને પ્રેમ આપે છે.

લગ્ન પરથી યાદ આવ્યું. આપણે લેવાતા કે યોજાતા કે કરાતા લગ્નમાં કોઈએક સગુ એવું તો નીકળે જ જેને વાંધો પડે! એ તો કેવો સંબંધ?! પાછા એના સિવાયના બાકીના દરેક સ્વજ્જનો એ સમયે તમને અભિનય કરતા નજરે પડશે! ફિલ્મમાં આવા પ્રસંગ પર પણ એક મજેદાર કટાક્ષ છે.

સો, જિંદગી બહુ મજાની છે. આપણા માતા-પિતાની જેમ બાકીના સગાઓ પણ આપણે પસંદ નથી કરતા, કુદરતે આપેલા છે. તેની સાથે હળીમળીને રહીએ. ઓશો કહેતા કે, જીવન એ રીતે જીવવું જાણે અભિનય કરતા હો અને અભિનય એ રીતે કરવો જાણે જીવન જીવી રહ્યા હો. આ વાક્ય ગુઢ છે. બે-ચાર વાર વાંચી જાવ. અસ્તુ.

*જે બાત!*

પોતાની જાતને પ્રમાણિકતાપૂર્વક પૂછજોઃ તમે દરરોજ અભિનય કરો છો કે…? અભિનય કરતા હો તો લેખના ફર્સ્ટ હાફ જેવો નહીં, પણ સેકન્ડ હાફ જેવો કરજો: પોઝિટીવ અભિનય!

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 01-08-2018

tame darroj abhinay karo... 01-08 edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6. તા. 01-08-2018

2 comments on “તમે દરરોજ ‘અભિનય’ કરો છો?

  1. Niraj Bhatt

    Nice article parth

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: