Movies Review

સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર 3

સાહેબ, બીવી ઔર બાબાઃ અબ બસ હો ગયા!

Rating: 2.3 Star

તિગ્માંશુ ધુલિયાની ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ ફ્રૅન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ અગાઉની બેઉ ફિલ્મો કરતા ખાસી નબળી છે. જિમી શેરગિલ અને માહી ગિલની એક્ટિંગ સર-સ છે અને એ બે વચ્ચેના ચંદ સિન્સ તથા એકલદોકલ ડાયલૉગ્સ મજાના છે, બાકી બધું કંટાળાજનક છે. સંજય દત્તનું પાત્ર મિસફિટ છે!

SAHEB-BIWI-AUR-GANGSTER-3-Posterવર્ષ 1962માં આવેલી અબ્રાર અલ્વી લિખિત અને દિગ્દર્શિત કલ્ટ ક્લાસિક ‘સાહેબ બીવી ઔર ગુલામ’ને આદરાંજલિ આપવા, તેના નામથી પ્રેરિત 2011માં ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ બનાવી. ‘ગુલામ’માં આઝાદી પહેલાના એક ખાનદાની જમાનદારની વાત હતી તો ‘ગૅન્ગસ્ટર’માં આઝાદી બાદના ભારતમાં બચેલા રાજા-રજવાડાની વાત હતી. વાત ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ દેવગઢના રાજા આદિત્ય પ્રતાપ સિંહ(જિમી શેરગિલ) અને તેની રાણી માધવીદેવી(માહી ગિલ) તથા ડ્રાઇવર બબલુની હતી. ઓબ્વિઅસ છે કે બબલુ એ ગૅન્ગસ્ટરના પાત્રમાં હતો. જે રોલ રણદીપ હુડાએ બખૂબી ભજવ્યો હતો. આ ફ્રૅન્ચાઇઝીની બીજી ફિલ્મ વર્ષ 2013માં આવી, જેમાં વાર્તા આગળ વધી. તેમાં રાજા-રાણી સેમ હતા, ગૅન્ગસ્ટરનું પાત્ર ઇરફાન ખાને ભજવ્યું હતું. બીજો ભાગ, પહેલા જેટલો સશક્ત નહતો પરંતુ રસપ્રદ તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટથી ભરપૂર હતો. ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર રિટર્ન્સ’ના 5 વર્ષ બાદ તિગ્માંશુ ધુલિયાએ સંજય ચૌહાણ સાથે મળીને લખેલો ત્રીજો ભાગ રિલીઝ થયો છે. જેમાં ગૅન્ગસ્ટર ખરાબ ચૉઈસિસ માટે અને તેના કારણે બનતી સારી વાર્તાઓ માટે જાણીતો સંજય દત્ત છે!

પહેલા બે ભાગમાં તિગ્માંશુ ધુલિયાની સિગ્નેચર સ્ટાઈલ સિચ્યુએશન્સ, સિન્સ, ડાયલૉગ હતા. અહીં અછત છે. અનપ્રિડિક્ટેબલ ષડયંત્રો, રાજકારણ, વ્યભિચાર અને છેતરપિંડી હતી. અહીં બધું જ છે પણ ખાલી ડબ્બા જેવું. કસ વિનાનું. સ્ક્રિપ્ટ ઊબડખાબડ છે. સંજય દત્તનું પાત્ર અગાઉના બેઉ ગૅન્ગસ્ટર કરતા ખાસ્સું વીક છે. ઈરફાન, રણદીપ જોજનો દૂર છે.

અરે! આવોને આપણે શરૂથી શરૂ કરીએ!

ફ્લૅશબૅક

સેકન્ડ ભાગના અંતમાં રાજા આદિત્ય પ્રતાપ સિંહને ઈન્દ્રજીત સિંહ(ઇરફાન ખાન)ના ખૂનના આરોપમાં જેલની સજા થાય છે અને રાણી માધવી મેમ્બર ઑફ પાર્લમેન્ટ બની જાય છે! રાણી માધવીનું આ છળ હતું તે આપણને ખબર છે. આમેય તે તેના પતિ સહિત કોઈને ગાંઠે તેવી નથી. ‘ગૅન્ગસ્ટર રિટર્ન્સ’ના અંતિમ શૉટમાં જિમી તેના ખાસ માણસ કન્હૈયા(દીપરાજ રાણા)ને આંખોથી બહાર ન આવવા ઈશારો કરે છે અને ફિલ્મ પૂરી થાય છે. અહીંથી ત્રીજા ભાગની વારતા ઊઘડે છે…

ઊઘડેલી વારતા!

આજે વારતાની સાથોસાથ વાતો કરીશું. કેમ કે આ રાજાઓની વાર્તા એકીસાથે કહી શકાય અને જોઈ શકાય એટલી સહ્ય નથી બની શકી! તિગ્માંશુ ધુલિયા આ વખતે માર ખાઈ ગયા છે. ફિલ્મની શરૂઆત લંડનના કોઈ હાઉસ ઑફ લૉર્ડ્સ નામના નાઈટ-ક્લબથી થાય છે. આ વખતે અમે ખર્ચો બહુ કર્યો છે તેવું એકાધિક વાર ધુલિયાસાહેબે કહ્યું છે તે પહેલા સિનથી જ સાબિત થાય છે! નાઈટક્લબના માલિકની એન્ટ્રી થાય છે. નામ છે કુંવર ઉદય પ્રતાપ સિંહ. એન્ટ્રી થાય છે ત્યારે કાન ફાડી નાખતા અવાજમાં બાબા થીમ સૉન્ગ ‘હિઝ ધ બાબા’ એવું વાગે છે. યસ, પહેલા ‘બાબા બોલતા હૈ’ અને હવે ‘હિઝ ધ બાબા’! ‘સંજુ’ ઈઝ બેક! (સૉરી, ‘સંજુ’ની મસ્તી નહીં!)સંજય દત્ત ગૅન્ગસ્ટર છે. અરે! આ ફિલ્મમાં ગૅન્ગ્સસ્ટરના પાત્રમાં છે. તે કોઈ અજાણ્યા માણસો સામે રશિયન ગેમ રુલેટ રમ્યા કરે છે. જેમાં રિવૉલ્વરના એક નાળચામાં ગોળી રાખી બાકી ખાલી રાખવાના. નાળચું ફરાવવાનું અને કરવી હોય તો આંખો બંધ કરીને પોતાને જ ગોળી મારવાની. નસીબ સારા હોય તો બચો, બાકી જય રામજી કી! તો કહેવાની જરૂર નથી કે બાબા જીતી જાય છે. કેમ કે આપણે શીખ્યા છીએ કે ગમે તેટલા ખરાબ કામ કર્યા હોય બાબાનું હૃદય સારું છે!

ઑકે, જૉક્સ અપાર્ટ… બીજી બાજુ રાજા આદિત્ય પ્રતાપ સિંહ નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ બાદ જેલમાંથી છૂટે છે. તેની દેખરેખ માટે સાયબર સિક્યૉરિટીનું શીખી આવેલી કન્હૈયાની દીકરી છે, કેમ કે કન્હૈયો તો પડદાની પાછળ જતો રહ્યો છે. આદિત્ય પ્રતાપ અને રાણી માધવીનું પહેલાથી જ બનતું નથી તે કન્ટીન્યુ રહે છે. રાજા રાણીના તમામ કરતૂતોથી વાકેફ છે. એક દિવસ મહેલની અગાશીમાં ડ્રિન્ક કરતે-કરતે રાણી રાજાને ‘હવે બહુ થયું બધું મૂકી દઈએ, સંપીને રહીએ’ પ્રકારનું કહે છે. ત્યાર બાદ રાજા અને રાણી પતિ-પત્ની હોવા છતાં પ્રેમ કરી બેસે છે! આ બધું ચાલી રહ્યું છે ત્યાં અન્ય એક રાજઘરાનું આપણી સામે આવે છે. તે છે લંડનમાં નાઈટ-ક્લબ ચલાવી રહેલા ઉદય સિંહના પિતા મહારાજા હરિ સિંહ(કબીર બેદી) અને તેના ભાઈ વિજય સિંહ(દીપક તિજોરી)નું રજવાડું. આ બાપ-દીકરાનું બદફેલ અને અમર્યાદ ઉદય સિંહ(સંજય દત્ત) સાથે બનતું નથી.

આટલું વાંચીને તમે સમજી ચૂક્યા હશો કે વાર્તામાં દમ નથી. કહ્યું એમ સ્ક્રિપ્ટ કસ વગરની છે. અને તેનું ફિલ્માંકન પણ નબળું થયું છે. આટલું ઓછું હોય તેમ રાણી માધવી સિંહને અચાનક લંડન જવાની ઇચ્છા થઈ જાય છે. આપણે સમજી જઈએ છીએ કે તે ઉદય સિંહને મળશે. મળે છે. ત્યાં ક્લબમાં કંઈક માથાકૂટ થાય છે અને ઉદય ભારત પાછો આવે છે. પોતાના ભાઈ-બાપા પાસે પ્રૉપર્ટીમાં પોતાનો શેર માગે છે. હા, એ તો ભૂલાઈ જ ગયું કે આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ છે. જેનું પાત્રાલેખન સાવ નબળું થયું છે. તેના કારણે પડદા પર તે ફૅક લાગે છે. તેની એક્સન્ટ પણ વિચિત્ર છે. સારું છે, તેના ફાળે જૂજ ડાયલૉગ આવ્યા છે. ડાન્સર સુહાની(ચિત્રાગંદા) ઉદય સિંહની પ્રેમિકા બની છે. તેનાથીય દીપક તિજોરી અને કબીર બેદીનું નથી બનતું! કેવા માણસો છે આ!

           ફિલ્મમાં ભીડ બહુ છે એટલે કોઈ પાત્ર અને સબપ્લૉટ રહી ગયો હોય તો માફ કરજો.

બાકીનું બધું…

       પહેલા પ્લસ પૉઇન્ટ્સની વાત કરી લઈએ. શેરગિલ અને ખાલી ગિલ, આઈ મિન જિમી અને માહીની એક્ટિંગ. જિમી શરૂઆતથી જ રાજાના રોલમાં જચે છે. તેનું રાજાને વારસામાં મળેલું ગૌરવ, બોલવાની છટા, તેનું આકર્ષક વ્યક્તિત્વ વગેરે લા-જવાબ લાગે છે પડદા પર. આ ફિલ્મમાં તે પોતાની રાજકીય લેગસી અને રાજા તરીકેનું ગૌરવ પાછું મેળવવા માટે વલખે છે. ઇન્ટરવલ પછી તે મળે પણ છે. માહી ગિલનું રાણી માધવીનું પાત્ર હવે ત્રીજા સ્ટેજ પર છે. પહેલામાં વિશાળ મહેલમાં એકલતામાં પીડાઈ રહેલી અને તેના કારણે પુરુષોને વશ થઈ જતી રાણી, બીજામાં દારુ ઢિંચતી અને કાવાદાવા કરતી અને હવે ત્રીજામાં રાજકીય મહાત્વાંકાક્ષા ધરાવતી શક્તિશાળી, આત્મવિશ્વાસથી ભરપૂર રાણી લાગે છે. તે જીતવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ તેનો ‘ગૅન્ગસ્ટર રિટર્સન્સ’ બાદ થયેલો બદલાવ માત્ર અહીં ચીસો પાડવામાં અને સરળતાથી દારુ પીવા થકી જ દર્શાવાયો છે. વેલ, આ બેઉએ મર્યાદિત પાત્રાલેખન હોવા છતાં ઉમદા કામ કર્યું છે. આ સિવાય કોઈ પ્લસ પૉઇન્ટ હોય તો તિગ્માંશુ બ્રાન્ડ ચંદ સિન્સ, ડાયલૉગ્સ. જેમાં સાહેબ અને બીવીના એકાદ સિન અને ‘યહાં બુરે કામ કરને કી લત લગ જાતી હૈ..’ જેવા એકલદોકલ ડાયલૉગનો સમાવેશ કરી શકાય.

આ સિવાય સંજય દત્ત પૂરેપૂરો આ રોલ માટે મિસફિટ છે! તે રાજાની બદલે મુંબઈનો કોઈ ગુંડો વધારે લાગે છે. તેની એક્ટિંગ, ઘણા સમયથી તેણે કામ કર્યું નથી તે દર્શાવતી હોય, તેવી છે! આ ત્રણ સિવાય સોહા અલી ખાનનો કૅમિયો ભંગાર છે. તે પર્મનન્ટ દારુ પીતી નાની રાણી બની ગઈ છે! દીપક તિજોરી અને કબીર બેદીના રોલ ડિરેક્ટરને ક્યાંક ભાગવાનું હોય તેવા લખાયા અને ફિલ્માવાયા છે. ઝાકિર હુસ્સૈન સોહાના પિતાના પાત્રમાં ચારેક દ્રશ્યોમાં દેખાય છે.

પહેલા બે ભાગના કારણે આ ફિલ્મ પાસેથી કંઈક ઈન્ટેન્સ, મસાલેદાર અને લૉજિકલ ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટની અપેક્ષા હતી. અહીં રાજમહેલો વધુ સારા છે, પરંતુ અન્ય બાબતોનું પુનરાવર્તન થયું છે. ટીવી સિરિયલની જેમ દરેક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખરાબ કરવા માટે તૈયાર છે. દરેક વ્યક્તિ દગાખોર છે! ધર્મા વિશનું બૅકગ્રાઉન્ડ સ્કૉર લાઉડ છે. ફિલ્મના ગીતો આપણા કંટાળામાં ભયંકર વધારો કરે છે. ચિત્રાંગદા અને સંજય દત્તના લવ-સૉન્ગની જરૂર જ શું હતી તે પ્રશ્ન છે. 140 મિનિટની ફિલ્મ એડિટર પ્રવીણ અંગરે ચાહત તો ટૂંકી થઈ શકી હોત અને આપણે થોડી ઓછી યાતનામાંથી પસાર થયા હોત.

જોવી કે નહીં?

‘હાંસિલ’ અનેપાન સિંહ તોમાર’ના સર્જક તિગ્માંશુ ધુલિયા અહીં અદ્રશ્ય છે. સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર ફ્રેન્ચાઇઝીનો પૉલિટિક્સ-સેક્સ-ષડયંત્ર-વિશ્વાસઘાતનો એક સેટ થયેલો ટોન છે. તે ટોન અહીં ગાયબ છે. તે તમામ પાસાઓ અહીં મૌજુદ છે છતાંય નબળી પટકથા અને એક્ઝિક્યુશન તથા ઑવર ક્રાઉડ, સબપ્લૉટ્સના કારણે ફિલ્મ એક પ્રમાણમાં સારા ઉપાડ બાદ પટકાઈ છે. દત્તની એન્ટ્રી સીટીમાર છે પણ થોડી જ મિનિટોમાં તેનો સ્વૅગ તમને અસર નથી કરતો! તેને ફિટ થાય તેવો રોલ હોવા છતાંય આખી ફિલ્મ દરમિયાન તે એક્ટિંગ કરવાનો પ્રયત્ન જ કર્યા કરે છે!

સો, વાર્તા પહેલી બેઉ ફિલ્મો કરતા નબળી છે. મ્યૂઝિકમાં ઑપન એન્ડ ક્લોઝ ક્રેડિટ સાથે આવતું ‘જુગની’ પ્રમાણમાં ઠીકઠાક છે, બાકીનું બધું ન સાંભળવા જેવું છે. એક્ટિંગમાં જિમી અને માહી છે. આટલું જોવાની ઇચ્છા અને ધીરજ હોય તો તમે જઈ શકો છો.

તા.ક.

ચોથો ભાગ બનાવવાની તિગ્માંશુભાઈની ઈચ્છા ખરી!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 28 July 2018)

 

saheb biwi aur gangster 28-07.jpg
Mid-day, Mumbai. Page No. 23, Date: 28-07-2018

0 comments on “સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર 3

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: