Literature

મૈંને આંધી મેં દિયા જલાયા હૈ…

ભારતીય હોકી ટીમના કપ્તાન સંદીપ સિંહને અકસ્માતે ૯ એમએમ પિસ્તોલમાંથી ભૂલથી છૂટેલી ગોળી લાગી ગઈ હતી. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, સત્ય ઘટના છે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

sandeep sinh 2ઘણી વખત આરામથી ચાલી રહેલી જિંદગીમાં એવી તકલીફો, સમસ્યાઓ, આફતો આવી જાય કે સાલું થથરી જવાય. કંટાળી જવાય. નિષ્ફળતા એ સફળતા માટે જરૂરી છે એ સાચું, પણ કેટલી નિષ્ફળતા?! માણસ છે, થાકેય  ખરો અને નાસીપાસ પણ થાય. માણસને પાછળ હટવાની, હારી જવાની, હારીને બેસી જવાની છૂટ છે. પરંતુ હંમેશ એ જ જગ્યાએ બેઠા રહેવાની છૂટ નથી. કિસ્મત બીજી વાર તક આપે જ છે. અને ત્યારે મહેનત માગે છે. પસીનો માગે છે. અને બદલામાં સફળતાને તમારા કદમોમાં મૂકે દે છે. આફતો તમારામાં કેટલી શક્તિ ભરી પડી છે તે ચકાસવા જ આવતી હોય છે આમ તો!

હરિયાણાના કુરુક્ષેત્રનું ખોબા જેવડું એક ગામ, નામ શાહબાગ. એક ગરિબ પરિવાર. મા-બાપ અને બે પુત્રો. મોટા દિકરાને હોકી રમવાનો ભારે શોખ. ટ્રેનિંગ પણ ચાલુ. નાના દીકરાને શોખ ખરો પણ રમે નહીં, મોટા ભાઈને જોયા કરે! પિતાની ઈચ્છા કે મોટો દિકરો ભારત માટે હોકી રમે એટલે ઘરમાં થોડા પૈસા આવે અને પોતે રિટાયરમેન્ટ લઈ લે. ઘણું કામ કરી લીધું! થયું એવું કે મોટો દિકરો ભારતીય હોકી ટીમના સિલેક્શનમાં બહાર ફેંકાઈ ગયો. ત્યાં સુધી તેનો નાનો ભાઈ થોડુંઘણું રમતો થયેલો. એક દિવસ નાનો પોતાના ખેતરમાં હોકીને ઘસડીને બોલને ફ્લિક કરી પક્ષીઓ ઉડાડતો હતો. આ દ્રશ્ય મોટા ભાઈએ જોયું. એણે ફરી આ રીતે કરવાનું કહ્યું. નાના ભાઈએ કહ્યું કે, હું તો નાનપણથી આમ જ ચીડીયા ઉડાડુ છું! મોટાએ કહ્યું કે, આને ‘ડ્રેગ ફ્લિક’ કહેવાય. હોકીના બડા બડા ખેરખાંઓ આની ટ્રેનિંગ લઈને પણ બરાબર નથી કરી શક્તા. તું નેચરલી કરે છે!

મોટા ભાઈનું સપનું હવે નાનો ભાઈ પૂરું કરવાનો હતો. તેને ટ્રેનિંગ આપવાનું ચાલું થયુ. આ મોટા ભાઈનું નામ બિક્રમજીત અને નાનાનું નામ સંદીપ સિંહ. એ જ સંદીપ સિંહ જેને ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા ‘અર્જુન એવોર્ડ’ એનાયત કરાયો હતો. જેના નામે સૌથી ઝડપી ‘ડ્રેગ ફ્લિગ’ કરવામાં વિક્રમ નોંધાયો છે. જેણે ભારતનું ઓલમ્પિકમાં નામ આગળ ધપાવ્યું હતું. જે પૂર્વ સફળ ભારતીય હોકી કેપ્ટન રહી ચૂક્યો છે. અને જે હાલ હરિયાણા પોલિસમાં ડીએસપી તરીકેની ફરજ બજાવે છે.સંદીપ સિંહે ૨૦૦૩માં ભારતીય હોકી ટીમમાં પર્દાપણ કર્યું.  તેણે માત્ર ૧૭ વર્ષની ઉંમરે એથન્સમાં રમાયેલી ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૦૫માં જૂનિયર વર્લ્ડ કપ રમાયો હતો, તેમાં સંદીપ સિંહે સૌથી વધુ ગોલ કર્યા હતા.

વર્ષ ૨૦૦૬ની વાત છે. સંદીપ સિંહનું નામ આખા ભારતમાં ગાજી રહ્યું હતું. સંદીપ સિંહ પોતાની ડ્રેગ ફ્લિક વધુ સચોટ કરવાની સાથે ડિફેન્ડર અને એટેકિંગ હોકી માટેની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. જર્મનીમાં યોજાનારા ‘વર્લ્ડ કપ ટુર્નામેન્ટ’ માટેની આ બધી તૈયારીઓ હતી. દિલ્હીથી તમામ ખેલાડીઓ જર્મની જવાના હતા. ૨૨ ઓગસ્ટ, ૨૦૦૬ના દિવસે સંદીપ સિંહ ‘શતાબ્દિ એક્સપ્રેસ’માં હરિયાણાથી દિલ્હી જવા બેઠો. તેની સાથે તેનો સહ-ખેલાડી હતો. ચાલુ ટ્રેને અચાનક જાણે બોમ્બ ફાટ્યો હોય એવો અવાજ આવ્યો. સંદિપ સિંહનું જાણે મગજ બંધ થઈ ગયું. તેનું શરીર ઉછળ્યું અને નીચે પડ્યા પછી તેને લાગ્યું કે જાણે કોઈએ તેની કમરમાં લોખંડની રોડ ઘુસાડી દીધી હોય! ત્યાં પાછળથી એક માણસ આવે છે અને સંદિપ સિંહને કહે છેઃ ‘મારાથી ભૂલ થઈ ગઈ છે.’ તેની ખુલ્લી હથેળી ઉપર બંદૂક હતી!

હા. સંદીપ સિંહને અકસ્માતે ૯ એમએમ પિસ્તોલમાંથી ભૂલથી છૂટેલી ગોળી  લાગી ગઈ હતી. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, સત્ય ઘટના છે. સંદીપ સિંહ ત્યાં ને ત્યાં જ પેરેલાઇઝ્ડ થઈ ગયો. તેની કમર નીચેનો ભાગ ખોટો થઈ ગયો. ગોળીએ તેની પાંસળી, કરોડરજ્જુ, યકૃત અને કિડનીમાં ફેક્ચર્સ કરી નાખ્યા હતા. તેના ભાઈ બિક્રમજીતને બોલાવવામાં આવ્યો. ચંદિગઢમાં ઓપરેશન થયું. ૩-૪ અઠવાડિયા પછી જ્યારે સંદીપ સિંહ ભાનમાં આવ્યો ત્યારે તેનું વજન ૪૦ ટકા ઘટી ગયું હતું. તે આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર હતો. તે જાગ્યો ત્યારે તેની સામે ડૉક્ટર્સની ટીમ બેઠી હતી. તેમણે સંદીપ સિંહને કહ્યું કે, ગોળી તમારા ત્રણેય ઓર્ગન વચ્ચેની સ્પાઇનલ કૉડ(એલ ૨)ને અડીને, દિશા બદલીને નીચે આવી છે! પણ તમે નસીબદાર છો કે બચી ગયા છો. પરંતુ તમે હોકી નહીં રમી શકો. કદાચ તમે ચાલી પણ નહીં શકો. તમે વ્હિલ ચેર પર બેસી શકો તો પણ ઘણું!

આટલું સાંભળ્યા બાદ એ દિવસે સંદીપ સિંહે ડૉક્ટર્સને જવાબ આપેલો કે, ‘સામે ગેટ છે તમે જઈ શકો છો. અહીં કોઈપણ નેગેટિવ વ્યક્તિની જરૂર નથી!’

સંદીપ સિંહે ભાઈને ફોન કર્યો અને કહ્યું કે મને મારી હોકી લઈ આપ.

એ અરસામાં સંદીપ સિંહ માંડ એક કલાક સુતો. એ પણ ડૉક્ટર્સ સ્લીપિંગ પિલ્સ આપતા તે લઈને. તેને સતત હોકી રમવાના જ વિચાર આવતા. હોસ્પિટલમાં તેની બાજુમાં હોકી સ્ટિક રહેતી. તેનું માત્ર એક જ લક્ષ્ય હતુઃ ભારત માટે રમવું છે. બીજી વખત ફિલ્ડ પર ઉતરવું છે! જે રેકોર્ડ નથી બનાવ્યા તે બનાવવા છે.

ફરી બિક્રમજીત નાના ભાઈની પડખે ઊભો રહ્યો. જીવ વગરના બે પગ હતા સંદીપ સિંહ પાસે. તે પરાણે ઊભા થવાના પ્રયત્ન કરતો. ન થઈ શક્તો. નાસીપાસ થતો. ફરી પ્રયત્ન કરતો. પરિવારથી છૂપાઈ છૂપાઈને બે ભાઈઓ આ બધું કરતા. હોકી સ્ટિકના સહારે ધીમે-ધીમે સંદીપ  સિંહ ચાલવા લાગ્યો. બાથરૂમ સુધી જતો. ક્યારેક ફસડાઈ પડતો.

અને એક દિવસ સંદીપ સિંહને ડૉક્ટરોએ વ્હિલ ચેર પર બેસાડ્યો અને સારવાર માટે વિદેશ જવાનું કહ્યું. હોકી ફેડરેશનની મદદથી સંદીપ સિંહ હેલ્થ ટ્રેનિંગ માટે આઉટ ઑફ ઇન્ડિયા ગયો.(ભારતમાં તેની સગવડ નહોતી. હજુય નથી. સંદિપ સિંહે ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડને ભારતમાં રમતવીરો માટે વર્લ્ડ-ક્લાસ રીહબિલિટેશન સેન્ટર શરૂ કરવા માટે વિનંતિ કરી છે.) પોતાની પ્રબળ જીજીવિષાના કારણે સંદીપ સિંહ સાત મહિનામાં બેઠો થઈ ગયો. તે ગયો વ્હિલચેર પર હતો પણ પાછો પોતાના પગ પર આવ્યો!

સંદીપ સિંહે ફરી ટ્રેનિંગ શરૂ કરી. પ્રેક્ટિસ મેચ રમવાની શરૂ કરી. લોકો કહી રહ્યા હતા કે સંદીપ સિંહ ફીટ નથી. છ-સાત મહિના આમ જ પસાર થયા. એક ટુર્નામેન્ટમાં સંદીપ સિંહે સારું પ્રદર્શન કર્યું. ૨૦૦૯માં તેને ભારતવતી ‘સુલ્તાન અઝલન શાહ કપ’ રમવાની તક મળી. એ ટુર્નામેન્ટમાં સંદીપ  સિંહે ૮ ગોલ ફટકારી દીધા. ત્યાર બાદ તેને ભારતીય ટીમનો કપ્તાન જાહેર કરવામાં આવ્યો. ભારત ટુર્નામેન્ટમાં વિજેતા જાહેર થયું. ૧૩વર્ષ બાદ ભારત ‘સુલ્તાન અઝલન શાહ કપ’ જીત્યું હતું!  ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ પણ સંદીપ સિંહ હતા. કહ્યું એમ તેમને ૨૦૧૦માં ‘અર્જુન એવોર્ડ’ મળ્યો. વર્ષ ૨૦૧૧માં ‘વર્લ્ડ હોકી ફેડરેશને’ તેમને વિશ્વના ટોપ ૫ ખેલાડીઓમાં નોમિનેટ કર્યા.

૨૦૦૮માં ભારત ઓલમ્પિકમાં ક્વોલિફાય નહોતું થઈ શક્યું. માટે સંદીપ સિંહ એન્ડ ટીમે એક ટાર્ગેટ બનાવ્યોઃ ભારતીય ટીમને ક્વોલિફાય કરવી છે.  સંદીપ સિંહના આદર્શ ધનરાજ પિલ્લે હતા. જેમણે હાઇએસ્ટ ૧૨૧ ગોલ કર્યા હતા, સંદીપ સિંહે ઓલમ્પિકમાં તેમનો જ રેકોર્ડ તોડી નાખ્યો. ૨૦૧૨ના લંડન ઓલમ્પિકની આ વાત છે. તારિખ ૨૭મી ફેબ્રુઆરી હતી.  એ મેચમાં સંદીપ સિંહે ૧૪૫ કિ.મી પ્રતિ કલાકની ઝડપે ડ્રેગ ફ્લિક કરી હતી. જે સૌથી ઝડપી હતી. એ જ મેચમાં ૫ ગોલ કર્યા. અને એ જ દિવસે સંદીપ સિંહનો બર્થ ડે હતો!

‘ફ્લિકર સિંહ’ તરીકે ઓળખાતા સંદીપ સિંહ કહે છે કે, ‘હું જીવનમાં શીખ્યો છું કે ક્યારેય ગિવ-અપ ન કરો. ક્યારેય હારો નહીં. સારો ફાઇટર એ હોય છે જે ચેલેન્જને સ્વીકારે છે. હું દરેક ચેલેન્જને સ્વીકારું છું. મારી જિંદગીમાં બંદૂકની ગોળી એક ચેલેન્જ હતી. દરેકની લાઇફમાં ચેલેન્જ આવે છે. ચાહે તે ગોળી બનીને આવે કે જોબ કે એક્ઝામ બનીને આવે. બીજું એ કે લક્ષ્યાંક કે ગોલ અચીવ થાય તો અટકો નહીં. બીજું લક્ષ્ય બનાવો. ગોલ બનાવી તેને અચીવ કરવા દોડો. જે દિવસે તમે માનવાનું શરુ કરશો કે બધું મળી ગયું છે એ દિવસથી તમારુ પતન થવાનું શરૂ થઈ જશે. સંતોષી થઈ જશો તો સફળતાને એન્જૉય નહીં કરી શકો. તમે ૮૦ વર્ષના હો કે ૧૦૦ વર્ષના કે ૧૬ વર્ષના, તમારું લક્ષ્ય હાંસિલ કરો. ફરી લક્ષ્ય નક્કી કરો અને તેની પાછળ દોટ મૂકો. ’

*જે બાત!*

ઈચ્છત તો સંદીપ સિંહ અને તેનો પરિવાર પેલા ગોળી મારનારની પાછળ પડી, તેને સજા અપાવી શક્યો હોત. પણ સંદીપ સિંહે તેને માફ કર્યો. એ દિશામાં શક્તિ વેડફવાના બદલે તેણે તેનો ઉપયોગ પોતે ઊભા થવામાં કર્યો.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 25-07-2018

Sandeep sinh

2 comments on “મૈંને આંધી મેં દિયા જલાયા હૈ…

  1. તુષાર ભેડા

    જોરદાર લખ્યું છે ભાઈ.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: