Movies Review

ધડક

નો ધક ધક નો ઝિંગાટ

Rating: 2.2 Star

1532019332_dhadak2016માં આવેલી નાગરાજ મંજુળેની મરાઠી બ્લૉકબસ્ટર ‘સૈરાટ’ની ઑફિશિયલ રીમેક ‘ધડક’ ઠીક અને ખરાબ વચ્ચે છે. કૃત્રિમ છે. જાહ્નવી કપૂર સુંદર લાગે છે. ઇશાન ખટ્ટરની એક્ટિંગ સુંદર છે. ‘સૈરાટ’ના ડાઇહાર્ડ ફૅન હો તો છેટા રહેજો. બાકી બૉલીવુડની ફ્રેશ જોડી અને સિમ્પલ લવસ્ટોરી જોવાની ઇચ્છા હોય તો…

સૌ જાણે છે એમ ‘ધડક’ 2016માં આવેલી ડિરેક્ટર નાગરાજ મંજુળેની બ્લૉકબાસ્ટર મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની ઑફિશિયલ રિમેક છે. ‘સૈરાટ’ ફિલ્મે મરાઠી ભાષામાં સૌથી વધુ, 110 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન ઉસેડ્યું હતું. 2017માં તેના પરથી પંજાબી અને કન્નડ એમ બે ભાષામાં રિમેક બની. હિન્દીમાં ધડક બાદ હવે તેલુગુ અને તમિલમાં પણ તેની રિમેક બનવાના એંધાણ છે.

આટલીક ક્વિક માહિતી ‘સૈરાટ’ની તાકાતનો ખ્યાલ આવે એ માટે છે. એના ફૅન્સ આખા ભારતમાં છે, એટલે જ તો બહોળું કલેક્શન મેળવ્યું છે. ‘સૈરાટ’ જોઈ ચૂકેલાઓને ‘ધડક’ ફિલ્મની જાહેરાત અને ટ્રેલર સુધ્ધાં નહોતાં ગમ્યાં. આ ફિલ્મ તેમને જોવી, ગમવી, સહન કરવી અઘરી પડશે; કેમ કે તેઓ આખી ટ્રૅજિક વાર્તા જાણે જ છે. અને જેમણે ‘સૈરાટ’ નથી જોઈ તેમને ‘ધડક’ (અમુક અંશે)ગમશે અને ‘સૈરાટ’ માટે માન ઔર વધશે!

તો… ‘હમ્પ્ટી શર્મા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’વાળા શંશાક ખેતાન  ડિરેક્ટેડ ‘ધડક’ ખચ કરીને લોકોના હ્રદયમાં ખૂંચી જનાર ‘સૈરાટ’ ફિલ્મ જેટલી બળુકી છે ખરી? કે પછી તેનાથી અડધા જેટલી પણ સારી બની છે? આવો જોઈએ…

ચપટીક વારતા    

રાજેસ્થાનના ઉદયપુરમાં એક વગદાર રાજકારણી છે, નામ રતન સિંહ(આશુતોષ રાણા). તેની દીકરી પાર્થવી સિંહ(જાહ્નવી કપૂર) અને સામાન્ય હોટલ ચલાવતા સામાન્ય માણસના પુત્ર મધુકર બાગલા(ઇશાન ખટ્ટર) વચ્ચે પ્રેમ થઈ જાય છે. પાર્થવી પૈસાદાર, ઉચ્ચ કુટુંબમાં ઉછરી છે. તેનો મોભો છે. તે મોંઘીદાટ બાઇક ચલાવીને કૉલેજ જાય છે. મધુકરની ઘરની પરિસ્થિતિ સામાન્ય છે. તેના પિતા કહે છે તે મુજબ તેઓ નીચી જાતિના લોકો છે. પણ પ્રેમ ક્યાં જાતિ જૂએ છે? પાર્થવી અને મધુકર વચ્ચે પ્રેમ થાય છે. બેઉ જણા રાજેસ્થાનના મહેલો વચ્ચે ‘પહેલી બાર’ અને ‘ધડક ટાઇટલ’ સૉંગ ગાય છે. થોડું નાચે છે. અને ફિલ્મ આગળ વધે છે…

મધુકરની મદદ માટે અને આપણને કૉમિક રિલીફ આપવા માટે બે મિત્રો હાજર છેઃ ગોકુલ(અંકિત બિશ્ત) અને પુરષોતમ(શ્રીધર વસ્તાર). બેઉ ગળાડૂબ પ્રેમમાં છે ત્યાં પાર્થવીના ક્રૂર, નિષ્ઠુર પિતા તેને જોઈ જાય છે. પાર્થવીનો ભાઈ રૂપ(આદિત્ય કુમાર), જે આખી ફિલ્મમાં માત્ર એક જ વખત હસે છે બાકી ઝીરો એક્સપ્રેશન ધારિત, તે મધુકરને લમધારે છે. બેઉ જણા ઉદયપુર છોડીને વાયા મહારાષ્ટ્ર, કોલકાત્તા શિફ્ટ થઈ જાય છે અને ત્યાં નવી જિંદગી શરૂ કરે છે. કમ્ફર્ટ ઝોન છોડીને આવ્યા છે માટે શરૂઆતમાં તકલીફ પડે છે બેઉને. પણ પ્રેમ તેમને જીવાડે છે અને…

આ છે વારતા ‘સૈરાટ’ની. ઉપ્સ! ‘ધડક’ની. ‘સૈરાટ’માં અર્ચના પાટિલ ઉર્ફે આર્ચી(રિંકુ રાજ્યગુરુ) અને પ્રશાંત કાલે ઉર્ફે પર્શ્યા(આકાશ થોસર) હતા. બેઉ ન્યુ કમર એક્ટર્સે અદભૂત એક્ટિંગ કરી હતી. ઇશાન અને જાહ્નવી ઘણા દૂર છે. ‘ધડક’ ‘સૈરાટ’ના 20 ટકા જેટલી પણ નથી. ધેટ્સ ઇટ! (સરખામણી કરવી જ શા માટે પ્રકારનો કોઈને પ્રશ્ન થાય તો પહેલા ‘સૈરાટ’ જોઈ લેવી. સમજાઈ જશે.)

સૈરાટ અને ધડક

સરળ અને સરસમજાની લવસ્ટોરી હસતા હસતા રજૂ કરવામાં ડિરેક્ટર શશાંક ખેતાનની હથોટી છે. તેની ગઈ બેઉ ફિલ્મો આ જ તર્જ પર સફળ થઈ છે. આ ફિલ્મમાં પણ તેમણે એ જ કીમિયો વાપર્યો છે. પણ ‘સૈરાટ’નું ટ્રાન્સફૉર્મેશન કરવામાં ડાર્ક મોમેન્ટ્સ પણ ડલ થઈ ગઈ છે. કરણ જોહરનું પ્રોડ્ક્શન છે એટલે લાઇટિંગ, કૉસ્ચ્યુમ, સેટ્સ બધું જ અપ-ટુ-ડેટ છે; પરંતુ ઇમોશન્સ અને ડેપ્થ ગાયબ છે. માન્યું કે એક જ સ્ટોરી અલગ રીતે કહેવી અઘરી છે, પરંતુ અહીં બ્રાઈટ બાબતો વધુ બ્રાઈટ થઈ છે અને ડાર્ક વસ્તુ ડલ બતાવાઇ છે. જેમ કે, ઉદયપુરના મહેલો વચ્ચે રૂપાળી જાહ્નવી કપૂર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા સલ્વાર સૂટ્સ પહેરીને નાચી રહી છે. બ્યુટિફુલ શૉટ્સ! લગભગ તમામ શૉટ્સ સિનેમૅટોગ્રાફર વિષ્ણુ રાવે આટલા જ સુંદર ફિલ્માવાયા છે, પણ એટલું ધ્યાન ઇમોશનલ સીન્સને બિલ્ડ-અપ કરવામાં નથી રખાયું. જરૂરી ડ્રામા અને ઑથેન્ટિસિટી ગેરહાજર છે. એ માટે જ ઑલમૉસ્ટ સીન્સને અન્ડર-લાઇન કરીને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સેટ કરાયું છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપણને સૂચવે છે કે, અહીં ઇમોશનલ થવાનું છે! અહીં ગંભીર થવાનું છે-રડવાનું છે!

‘સૈરાટ’નો મસમોટો પ્લસ પૉઇન્ટ તીક્ષ્ણતાથી કાસ્ટિઝમ પર કરાયેલો પ્રહાર હતો. તેનો વેધક અને આઘાતજનક અંત હતો. ‘ધડક’નો માઇસ પૉઇન્ટ એ છે કે અહીં કાસ્ટિઝમના પૉઇન્ટને જ સાઇડ-લાઇન કરી દેવાયો છે. માત્ર એક જ સિનમાં, ઉપર વાત કરી એ મુજબ, નાયકના પિતા તેને ‘વો ઉંચી જાતિ કે લોગ હૈ’ પ્રકારનું કહે છે. બાકી કોઈ જગ્યાએ ઇશાન ખટ્ટરનું પાત્ર તમને ગરીબ નથી લાગતું. તેની ઉદયપુરના પ્રાઇમ લોકેશન પિછોલા તળાવ પાસે સારી એવી હોટલ છે. પરિણામે ‘ધડક’ શશાંક ખૈતાની માત્ર સીધી-સાદી લવસ્ટોરી બનીને રહી જાય છે. સૈરાટ ખૂબ વખણાઈ તેનું કારણ માત્ર લવ-સ્ટોરી નહતું.

‘ધડક’ માટે સૌથી મોટી તકલીફ એ છે કે જેમણે સૈરાટ જોઈ છે તેઓ આખી વાર્તાથી વાકેફ છે. તેમને ખબર છે કે હવે શું થવાનું છે. માટે ટેન્સ સિચ્યુએશન્સની ઇમ્પૅક્ટ શૉકિંગ એલીમેન્ટ્સ ઘટી જાય છે. જોકે, અહીં તો ઑલઓવર ઇમ્પૅક્ટ જ ઓછી છે! દા.ત. ફિલ્મનો અંતિમ સિન. સૈરાટ જેટલો ઝાટકો (તે ન જોઈ હોય તો પણ) તમને નથી લાગતો. સૈરાટનો અંત તો સમાજ પરનો સણસણતો તમાચો હતો. જે તમાચાની ગૂંજ થિયેટર હૉલના દરવાજામાંથી બહાર નીકળ્યા બાદ પણ તમારા મગજમાં ઘૂમરાયા કરતી હતી.

‘સૈરાટ’ જેટલી હળવી હતી એટલી જ ગંભીર, ડાર્ક હતી. ‘ધડક’ના સેકન્ડ હાફના પણ ઑલમોસ્ટ સિન્સ ક્યુટ ફિલ્માવાયા છે. પાર્થવી મહેલમાં ઊછરી છે, બધુ હાથમાં મળ્યું છે. જેમ સૈરાટની આર્ચી ઊછરી હતી. તેનો એક યાદગાર સિન છે જેમાં પ્રશાંત આર્ચી માટે બિસ્લેરીની બૉટલ ખરીદે છે કેમ કે તે સાદુ પાણી નથી પી શક્તી. આવો કોઈ જ ડ્રામાં ધડકમાં નથી. અહીં બેઉને કલકત્તામાં આરામથી રૂમ મળી જાય છે. ત્યાં એક વ્યક્તિ મદદ માટે તૈયાર છે. બધુ બહુ જ ઇઝીલી થઈ જાય છે. અમુક આવશ્યક કૉમ્પ્લેક્સિટી જરૂર દર્શાવાઈ છે. પરંતુ જાહ્નવી કપૂર સાથે, તેની તકલીફ, દુઃખ સાથે તમે કનેક્ટ નથી થઈ શક્તા.

એક્ટિંગ

ઇશાન ખટ્ટરનું કામ સારું છે. તેની મજાક, રાજેસ્થાની લહેકો જોવો-સાંભળવો ગમે છે. તેના બે મિત્રો બનતા અંકિત બિશ્ત અને શ્રીધર વસ્તાર(જે ટેલિવીઝનના ઠીંગુજી-‘ટાઇની મૅન’ તરીકે જાણીતો છે) બેઉએ પ્રમાણમાં સ-રસ કામ કર્યું છે. જોકે, અહીં પણ શ્રીધર વસ્તારની ઓછી હાઇટમાંથી રમૂજ ક્રીએટ કરવામાં આવી છે. સૈરાટમાં તો પ્રદીપ ભોસલે ઉર્ફે લંગડા/બાલ્યા બનતા તાનાજી ગાલગુંડેનો અદભૂત સબપ્લૉટ હતો, લવસ્ટોરી હતી. જાહ્વવી કપૂર ખૂબ જ સુંદર લાગે છે અને તેણે ઠીક ઠીક કામ કર્યું છે. એક્ચ્યુઅલી, સૈરાટનું ફિમેલ કૅરૅક્ટરાઇઝેશન ભયંકર સ્ટ્રઑંગ હતું. અહીં નબળું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે પણ થોડા વીક છે.(પટકખા લેખક શશાંક ખેતાન જ છે.) તેના કારણે જાહ્નવીનું જ્યારે યંગ ગર્લમાંથી વુમનમાં ટ્રાન્સફૉર્મેશન થાય છે ત્યારે કન્વિન્સિંગ નથી લાગતું.

કૃત્રિમ ફેરફારો

ભલે શશાંક ખેતાન અને તેની ટીમ કહેતી હોય કે અમે ડિટ્ટો એવી જ ફિલ્મ નથી બનાવી, એડપ્ટેશન કર્યું છે. તેમણે કરેલા ફેરફારોમાં રુરલ મહારાષ્ટ્ર અને હૈદરાબાદની ઝૂંપટપટ્ટીને બદલે રાજેસ્થાન અને કલકત્તા છે. પહેલા સિનમાં પર્સ્યો ક્રિકેટ રમે છે તેની બદલે અહીં મધુકર સૌથી વધુ ખાવાની સ્પર્ધામાં ઊતરે છે. પણ આ બધામાં પણ સ્વતંત્ર કોઈ ફીલ નથી આવતી. સેમ એઝ મ્યૂઝિક. અજય-અતુલે ફરી એ જ ‘સૈરાટ’ની મેમરેબલ ધૂનનો અહીં ઉપયોગ કર્યો છે. એ જ સંગીત, એ જ તાલ અને ધૂન, માત્ર શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના- અલગ! ‘ઝિંગાટ’ સૉન્ગનું પિક્ચરાઈઝેનશ વેલ કોરિયોગ્રાફ્ડ છે, જે કોરિયોગ્રાફ્ડ લાગવું ન જોઈએ! ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં આવું થયું છે. બધું કૃત્રિમ લાગે છે. ‘વારા રે’ અને ‘ધડક ટાઇટલ’ સૉંગ સાંભળવા ગમે છે.

જોવી કે નહીં?

તમને ‘સૈરાટ’ બહુ જ ગમી હોય તો ડિસઅપૉઈન્ટ થશો. એ ન જોઈ હોય તો એક હલકીફૂલકી લવસ્ટોરી અને બે ફ્રેશ ચહેરાઓ જોવા માટે જઈ શકો છો. ‘ધડક’ ગમે તો એટલું જાણજો કે ‘સૈરાટ’ એનાથી જોજનો આગળ છે! મૂળ છે. કુદરતી છે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 21 July 2018)

dhadak 21-07
Mid-day, Mumbai. Page No. 20, Date: 21-07-2018

 

 

0 comments on “ધડક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: