Literature

‘ગ્રે શેડ’ બોલે તો…

મોટાભાગે આપણે એવી વ્યક્તિ સાથે ડિલ કરતી વખતે વિચારતા હોઈએ છીએ કે ‘આપણા માટે તો સારો છે ને, બાકી ગમે તેવો હોય’! આ રીતે રોજિંદી દુનિયા ચાલતી રહે છે અને ચાલતી રહેવાની છે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

એક નવયુવાન કોઈ સાધુને ભગવાન માનતો હતો. એક દિવસ તે સંસાર છોડીને તે સાધુ સાથે રહેવા ચાલ્યો ગયો. તે સાધુના વિચારોથી અને તેજથી અંજાઈ ગયો હતો. પરંતુ એક દિવસ એ સાધુને તેણે એક સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોયા. મન ખાટું થઈ ગયું. ઘેર પાછો ફર્યો અને જીવનભર ધર્મ ઉપર ફિટકાર કરતો રહ્યો.

આટલું લખ્યા બાદ, વર્ષો પહેલા, મોહમ્મદ માંકડસાહેબ લખે છેઃ ‘આમાં હકીકત એ હતી કે તત્વજ્ઞાનને તો એ સમજ્યો જ નહોતો. એની કાચી ઉંમરે એ શક્ય નહોતું. એને મન તો પેલા સાધુ એ જ સાક્ષાત ધર્મ હતો. એનું પતન એણે જોયું. એના તરફ નફરત થઈ આવી. એ નફરત ધર્મ તરફ વળી અને જીવનભર ટકી રહી.’

ઉપરોક્ત વાત એટલે યાદ આવી કે, આજકાલ અને આમ તો વર્ષોથી સાધુ-મહાત્માઓના લોચા-લબાચા અને બિભત્સ વાતો અને ફોટાઓ અને શું ને શું બહાર આવતા રહ્યું છે. આપણે એટલે કે સામાન્ય લોકો સાધુઓ, ફકીરો, મહાત્માઓ, બાપુઓના બાહ્ય દેખાવથી આકર્ષાઈને તેમનામાં ધર્મ શોધતા ફરીએ છીએ. પરંતુ અંદરથી પરિસ્થિતિ કંઈક અલગ જ છે! ધર્મ વિસ્તૃત છે, તે કોઈ એકાદ વ્યક્તિમાં નથી સમાઈ શકવાનો. અને અંદરની પરિસ્થિતિ કંઈક જૂદી નીકળે છે ત્યારે ભક્તો નારાજ થઈ જાય છે. ભક્તોને એ વિચાર નથી આવતો કે એ મહાનુભાવો આખરે તો માણસો જ હોય છે. એમને પણ ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, પીડા થાય છે, ઈચ્છાઓ હોય છે અને કેટલાકને તો સામાન્ય માણસો કરતા પણ વધુ ઈચ્છાઓ હોય છે! અસંતોષ હોય છે!

વેલ, આજે વાત સાધુ-મહાત્માઓની નથી કરવી કે તેમને જજ નથી કરવા. વાત ઉપર લખ્યું તે, દરેક મહાન કે મહાન ન હોય તેવા વ્યક્તિની અંદર રહેલા સામાન્ય માણસની કરવી છે. ‘માણસ સારો હોય એટલો જ ખરાબ હોઈ શકે’ ની કરવી છે.

9780545311724_mres
લેખક રોબર્ટ લુઈ સ્ટીવન્સની નૉવેલ ‘ડૉ જેકિલ એન્ડ મિસ્ટર હાઈડ’

સ્કૉટલેન્ડના લેખક રોબર્ટ લુઈ સ્ટીવન્સે ‘ડૉ જેકિલ એન્ડ મિસ્ટર હાઈડ’ નામની એક નૉવેલ લખી છે. અમર નૉવેલ છે. જેમાં એક વ્યક્તિ નામે ડૉ. જેકિલ સારો હોય છે અને એ જ વ્યક્તિ મિસ્ટર હાઈડ બનતા નઠારો, ખરાબ બની જાય છે. તેનામાં રહેલો દુષ્ટ માણસ તેના પર હાવી થઈ જાય છે. વર્ષ ૧૮૮૬માં આ નવલકથા લખાઈ હતી, ત્યાર બાદ આ તર્જ પર ઘણું લખાયું છે, ફિલ્માવાયું છે. કનૈયાલાલ મુનશીએ આ વાર્તાને ગુજરાતીમાં ઢાળીને ‘આત્માનો અસૂર’ના નામે લખી છે. તેનો સમાવેશ ‘પ્રતિમાઓ’ પુસ્તકમાં થયો છે. જરૂર વાંચજો!

આપણે વ્યક્તિને એક વખતમાં જ સીધેસીધો માપી લેનારા માણસો છીએ. તેની એક વારની વર્તણુકથી જ આપણે ચુકાદો આપી દેતા હોઈએ છીએ. એટલે તેની અઢળક નકારાત્મક બાજુઓ જોઈએ તો તેને ગુનેગાર જ ઠેરવી દેવાના. હવે એ જ વ્યક્તિની પણ અમુક સારી બાબતો હોવાની. તે તેના ઘરના સભ્યો માટે હીરો હોવાનો. તેના નજદિકી યાર-દોસ્તારો માટે ફના થવા માટે તૈયાર હોવાનો. તેના ગલી-મહોલ્લામાં ભગવાન હોવાનો. આવી વ્યક્તિઓ માત્ર ફિલ્મોમાં નહીં, રિઅલ લાઈફમાં પણ હોય છે. ભલે નાના અંશે, પણ તમારી આજુબાજુ પણ આવા લોકો જોવા મળવાના જ.

જેમ કે, તમારા ઘરની કોઈ વ્યક્તિ. જે તમારા માટે અત્યંત સારી છે પણ બહાર નીકળતા બરછટ થઈ જાય છે, ભ્રષ્ટાચાર કરે છે, ગુંડાગર્દી કરે છે. એથી ઉલટું પણ હોઈ શકે. બહાર સૌમ્ય અને આદરપૂર્વક રહેતી વ્યક્તિ પોતાની પત્નીને ફટકારતો હોય, ઘરના સભ્યો સાથે દુશ્મન જેવું વર્તન કરતો હોય, તેમને દાબમાં રાખતો હોય. આ થોડું આકરું, પણ સત્ય છે. તમે તે વ્યક્તિને કઈ રીતે માપશો? તે સાવ કાળી નથી અને ધોળી પણ નથી. તે ‘ગ્રે’ છે. એટલે ફિલ્મનો હિરો અમીરો પાસેથી પૈસા લઈને ગરીબોમાં વહેંચતો હોય તો તેવાને રોબિનહુડ કહે છે. અને તેના કેરેક્ટ્રને ‘ગ્રે શેડ’ કહે છે. ગ્રે કલર તમે જોયો હશેઃ સફેદ અને કાળાનું એકદમ મિશ્રણ! (મિશ્રણ ‘એકદમ’ જ હોય!)

_d8597ef4-7dde-11e8-89f9-f4d812ce152d
વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’નું નવાઝુદ્દીન સિદ્દીકીનું ગ્રે શેડ પાત્રઃ ગણેશ ગાયતોંડે

અનુરાગ કશ્યપની ‘ગેન્ગ્સ ઑફ વાસેપુર’ ફિલ્મના તમામ હિરો(ત્રણ પેઢી) ગ્રે શેડધારક હતા! ઓનલાઇન સ્ટ્રીમીંગ સાઇટ ‘નેટફ્લિક્સ’  પર હાલ ચાલી રહેલી ઇન્ડિનય વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં પણ મોટાભાગના પાત્રો એવા જ છે. આ તો તાજેતરના ઉદાહરણો છે. આવા ભૂતકાળના ઘણા ઉદાહરણો છે, જેમ કે, ‘દિવાર’નું અમિતાભ બચ્ચનનું પાત્ર. ગ્રે શેડ હોવાના કારણે જ તે તમને દિલચશ્પ લાગે છે. જોવું ગમે છે. કોઈ વ્યક્તિ વિશે તમે કોઈ ધારણા ન બાંધી શકો, પછીની ક્ષણે તે શું કરવાની છે તે વિચારી ન શકો તેને અનપ્રેડિક્ટેબલ કહે છે. તમે તેને સારા-ખરાબ કે સાચા-ખોટાના ચોખઠામાં ફીટ ન કરી શકો. તેણે ગુનો કર્યો હોય છતાંય તેને સજા મળતી હોય ત્યારે તમને તેના પર દયા આવે.

મોટાભાગે આપણે એવી વ્યક્તિ સાથે ડિલ કરતી વખતે વિચારતા હોઈએ છીએ કે ‘આપણા માટે તો સારો છે ને, બાકી ગમે તેવો હોય’! આ રીતે રોજિંદી દુનિયા ચાલતી રહે છે અને ચાલતી રહેવાની છે. ‘સંજુ’ ફિલ્મ બનાવવાની ઇચ્છા રાજકુમાર હિરાણી-અભિજાત જોશી બેલડીને એટલે જ થઈ કે એમાં બધો મસાલો છે. બધા પ્રકારના રંગ છે. સારું છે, ખરાબ છે. હિરો પણ સંજય દત્ત છે અને વિલન પણ. એ વાત અલગ છે કે ફિલ્મમાં વિલન મીડિયાને બતાવ્યું છે! બેઉ કાબિલ લેખકોએ સિફતપૂર્વક ગ્રે કલરમાંથી સંજય દત્તને વ્હાઇટ કલરમાં ઝબોળી દીધો છે. પણ સમજનારા સમજી ચૂક્યા છે. ફિલ્મ તરીકેનો અનુભવ અને એક્ટિંગ કાબિલે-દાદ છે પણ હેતુ ઇમેજ મેક-ઑવરનો છે તે ખ્યાલ આવી જાય છે.

માટે કોઈ એક વ્યક્તિ ખરાબ-ગંદી નીકળે તો એનો અર્થ એ નથી કે જે-તે વ્યક્તિનું આખું ગામ ખરાબ-ગંદુ હશે. સેમ એઝ જાત, નાત, ધર્મ, વગેરાહ વગેરાહ!  ઇવન, તે વ્યક્તિમાં પણ અન્ય સારી બાબતો હોવાની. માણસ કઈ વૃતિને બહાર લાવે છે તેના પર આધાર છે આમ તો. આપણામાં દરેક બાબતો ધરબાઇને પડી છે. જૂની ને જાણીતી વાર્તા છે. સાવ ટૂંકમાં કહું. એક છોકરો હતો. ડાહ્યો, સોહામણો લાગતો હતો. કોઈ ચિત્રકાર રામનું ચિત્ર દોરવા માગતો હતો. તેણે તે છોકરાને જોયો અને તેને સામે રાખીને ચિત્ર દોર્યું. વર્ષો બાદ જીવનના અંતે, તે ચિત્રકાર છેલ્લું, રાવણનું ચિત્ર દોરવા માગતો હતો. રાવણ જેવી વ્યક્તિની શોધમાં હતો ત્યાં એક એવો જ- રાક્ષસ જેવો વ્યક્તિ ભટકાયો. ચિત્રકારે વાત કરી. પેલો વ્યક્તિ રડવા માંડ્યો. ચિત્રકારે પૂછ્યું કે તું રડે છે શા માટે? તેણે જવાબ આપ્યોઃ વર્ષો પહેલા તમે જેને જોઈને જે રામનું ચિત્ર દોર્યું હતું તે બાળક હું જ છું!

તો તમારી અંદર જ રામ અને રાવણ, ડૉ. જેકિલ અને મિસ્ટર હાઇડ, કૃષ્ણ અને કંશ, બાહુબલી અને ભલ્લાલ દેવ છે! તમારે નક્કી કરવાનું છે, શું બહાર લાવવું છે, શેનો ઉપયોગ કરવો છે. ઘણી વખત બેઉની ભેળસેળ થઈ જશે, અને તેને જ ‘ગ્રે શેડ’ કહે છે!

*જે બાત!*

ઘાત  અને આધાત નડે છે,
રોજ  પડે  ને  જાત નડે છે.

લલચાવે  છે  અંત  ભલેને,
ઈચ્છાની  શરૂઆત નડે છે.

વાંધો ક્યાં  છે ખરબચડાંનો,
લીસ્સાં  પ્રત્યાઘાત  નડે છે.

–સુરેશ ઝવેરી ‘ઇર્શાદ’

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 18-07-2018

gray shad bole to.. 18-07 Edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6. તા. 18-07-2018

 

0 comments on “‘ગ્રે શેડ’ બોલે તો…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: