Movies Review

સૂરમા

તેજીલી વારતાની નિસ્તેજ રજૂઆત

Rating: 2.0 Star

ભારતીય હૉકી ટીમના કપ્તાન રહી ચૂકેલા સંદીપ સિંહની લાઇફ પર આધારિત અને શાદ અલી દિગ્દર્શિત બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા સૂરમા ઠીકઠાક છે. ઠંડી છે. 220px-This_is_a_poster_for_Soormaશુષ્ક છે. છૂટાછવાયા દ્રશ્યો સિવાય ફિલ્મમાં રસ પડે તેવું કંઈ નથી. દિલજિત દોસંજનું કામ એવરેજ છે. તાપસી પન્નુ, સતીશ કૌશિક વેડફાયા છે.

બૉલીવુડમાં બાયોપિકનો વરસાદ વરસી રહ્યો છે. આઈ નો, મુંબઈમાં ખરેખરો વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો છે! બેઉ વરસાદ હવે અટકે તો સારું.  અગાઉ સ્પોર્ટ્સ બાયોપિક જોનરમાં આપણે ભાગ મિલ્ખા ભાગ, મૅરી કૉમ, M S ધોની, અઝહર, વગેરે ફિલ્મો જોઈ. ‘ચક દે! ઈન્ડિયા’ પણ કોઈએક સાચા પ્રસંગ પર આધારિત કાલ્પનિક મૂવી હોવાનું કહેવાય છે. શિમિત અમીનની તે હૉકીની ઇર્દગીર્દ ફરતી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ અદભૂત હતી. શાદ અલીની ‘સૂરમા’ પણ હૉકીની આજુબાજુ ફરે છે. ફરક એટલો છે કે આ ફિલ્મ ભારતના હૉકી-પ્લેયર સંદીપ સિંહની રિઅલ-લાઇફ પર આધારિત છે.

શાહબાદ, હરિયાણામાં જન્મેલા સંદીપ સિંહે 2004માં સુલ્તાન અઝ્લાન કપથી આંતરરાષ્ટ્રીય હૉકીમાં પર્દાપણ કર્યું. 2009માં ઇન્ડિયન નેશનલ ટીમના કેપ્ટન બન્યા. સંદીપ સિંહનો સમાવેશ વિશ્વના સૌથી ઝડપી ડ્રૅગ-ફ્લિકરમાં થાય છે. દડાને ડ્રૅગ કરીને તે 145 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફ્લિક કરી શકે છે. તેમણે 8 વર્ષના અંતરાલ પછી 2012ના ઓલમ્પિકમાં ભારતને સ્થાન અપાવ્યું. આ બધા વચ્ચે વર્ષ 2006માં સંદીપ સિંહને શતાબ્દી એક્સપ્રેસમાં સફર કરતી વખતે આકસ્મિક ગોળી લાગતા તેનો કમરની નીચેનો ભાગ પેરેલાઇઝ્ડ થઈ ગયો. તે 1 વર્ષ સુધી વ્હિલચેર પર રહ્યા. અને પ્રચંડ મનોબળ અને સખ્ત મહેનતથી ફરી ભારતની ટીમમાં પાછા ફર્યા. સંદીપ સિંહના આ કમબૅકની વાર્તા છે ‘સૂરમા’.

વાર્તા વાંચવાની તો બહુ મજા આવે છે, પ્રેરણાત્મક લાગે છે. પણ… જોવામાં? આવો ડીટેલમાં કહું!

ચપટીક વારતા  

ઓરિજિનલ વારતા તો કહી દીધી. અહીં સંદીપ સિંહના પાત્રમાં છે પંજાબનો જાણીતો સિંગર અને ‘ઉડતા પંજાબ’ ફેમ એક્ટર દિલજિત દોસંજ. સંદીપ સિંહના મોટા ભાઈ, જેમણે તેને ખૂબ સપોર્ટ કર્યો, તે બિક્રમજિતના પાત્રમાં અંગદ બેદી છે. ફિલ્મમાં હરપ્રીતનું એક પાત્ર ઉમેરવામાં આવ્યું છે જે તાપસી પન્નુએ ભજવ્યું છે. જેને જોતા પહેલી નજરમાં જ સંદીપ સિંહને પ્રેમ થઈ જાય છે. હરપ્રીત પણ મહત્વાકાંક્ષી હૉકી પ્લેયર હોય છે અને ભારત માટે રમવા માગતી હોય છે.

વિક્રમજીત ખુદ અચ્છો હૉકી પ્લેયર છે પરંતુ તેની નેશનલ ટીમમાં પસંદગી નથી થતી. સંદીપ સિંહ ‘સુલ્તાન’ની જેમ પ્રેમિકાનો પ્રેમ મેળવવા માટે હૉકી શીખવાનું અને રમવાનું શરૂ કરે છે. અહીં પણ સુલ્તાનની જેમ જ સંદીપ સિંહના નિષ્ઠુર-નેગેટિવ કોચ કરતાર સિંહ(દાનિશ હુસેન) હરપ્રીતના પિતા હોય છે! સંદીપ સિંહની પસંદગી ભારતની ટીમમાં થતા પિતા(સતીશ કૌશિક) ખુશ થઈ જાય છે અને પોતાની નોકરી મૂકી દે છે! અકસ્માતે સંદીપ સિંહ પૅરૅલાઈઝ્ડ થઈ જાય છે. બધા સપનાઓ નષ્ટ થઈ જાય છે. અને તે કમબૅક કરવા માટે ફરી મહેનત કરવાની શરૂ કરે છે. મોટો ભાઈ તેને ફરી સપોર્ટ કરે છે. હરપ્રીત અને તેની લવ-સ્ટોરી પણ સાઇડ-ટ્રૅક પર ચાલ્યા કરે છે. અંતે ફરી પાકિસ્તાન સામેની મેચ રમે છે, ઓબ્વિઅસ્લી જીતે છે અને પ્રિડિક્ટેબલ ફિલ્મ પૂરી થાય છે.

ઇન શૉર્ટ, ફિલ્મ ભયંકર સુસ્ત, મંદ અને ફિક્કી છે. શાદ અલીનું ડિરેક્શન ‘ઝુમ બરાબર ઝુમ’, ‘કિલ દિલ’ અને ‘ઓકે જાનૂ’ કરતા સારું છે માત્ર એટલી ધરપત ખરી!

બોરિંગ!

બાયોગ્રાફીકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ બનાવવામાં સૌથી મોટું ચૅલેન્જ એ હોય છે કે જે-તે સ્પોર્ટ્સમૅનને લોકોએ રમતો જોયો હોય, તે સમાચારોમાં ચમકતો હોય, તેની કરીઅર ગ્રાફના હાઈ અને લો પૉઇન્ટથી સૌ વાકેફ હોય. આ બધું ખ્યાલ હોવા છતાં રસપ્રદ રીતે કોઈ અતિશયોક્તિ વિના દર્શાવવું એ ખરી ચૅલેન્જ છે. (દા.ત. ‘મૅરી કૉમ’) અહીં મેલોડ્રામેટિક થયા વિના પણ ડ્રામા રજૂ કરવાનો હોય છે! (દા.ત. ‘ભાગ મિલ્ખા ભાગ’)

શાદ અલીએ રજૂ કરી છે તે સંદીપ સિંહની વાર્તા તો રસપ્રદ છે પણ સ્ક્રિપ્ટ ડેપ્થ વિનાની અને પ્રેઝન્ટેશન સ્પાર્ક વિનાનું છે. શરૂઆતની પંદર-વીસ મિનિટ સુધી તમે ફિલ્મના નાયક સાથે ભાવનાત્મક રીતે જોડાવાની કોશિશ કરો છો અને પછી કંટાળીને છોડી દો છો. આમા થયું છે એવું કે શાદ અલી, સુયાસ ત્રિવેદી અને સિવા અનંથ દ્વારા ફિલ્મની સ્ક્રિપ્ટ કાગળ પર અદભૂત લખાઈ છે. (સંદીપ સિંહની જીવન-જર્ની અદભૂત છે.) પરંતુ તેનું પડદા પર એક્ઝિક્યુશન યોગ્ય રીતે નથી થયું. ફિલ્મમાં ‘ભાગ મિલ્ખા ભાગ’ કે ‘સુલ્તાન’ કે ‘દંગલ’ યાદ આવે તેવા સિરપી સૉન્ગ્સ છે, કસરત કરતો ને પડીને ઊભો થતો નાયક છે અને અંતે જીતતો નાયક છે. એક કોચ છે જે ખરાબ છે અને બીજો હેરી(અફલાતૂન એક્ટર વિજય રાઝ) જે સારો છે. (સેમ અગેઈન, ‘સુલ્તાન’, ‘દંગલ’!) પણ અહીં કશી જ ચડભડ નથી. નરેશન એટલું ફ્લૅટ છે કે સંદીપ સિંહ સંઘર્ષ કરી રહ્યો છે તેવું આપણને ફિલ જ નથી થતું.

ફિલ્મમાં શાદ અલીએ સંદીપ સિંહની બૉયથી હૉકીમેન સુધીની જર્ની દર્શાવવાની ટ્રાય કરી છે. પરંતુ ફિલ્મમાં હૉકી જ બેકફૂટ પર રહે છે! સંદીપ સિંહ ‘ફ્લિકર સિંહ’ તરીકે ઓળખાવા મંડ્યો હતો એટલા ઝડપથી તે દડાને ફ્લિક કરી શક્તો હતો તે મહત્વનો પ્રસંગ જ નબળો ફિલ્માવાયો છે. સંદીપ સિંહના અચીવમેન્ટ્સ સ્ક્રિનને ફ્રિઝ કરીને, લખીને આપણને જણાવી દેવામાં આવ્યા છે. હૉકી ભારતમાં ક્રિકેટ જેટલું જોવાતું અને જાણીતું નથી એટલે માત્ર વિકીપીડીયાની જેમ માહિતી આપવાથી દરેક દર્શકને ખબર નથી પડવાની. ચક દે ઇન્ડિયામાં જેમ વાતાવરણ ઊભું કરાયું હતું તેવું અહીં રતિભર નથી થયું. ટૂંકમા, એક્સપ્લેનેશનની જરૂર હતી.

બીજી મસમોટી તકલીફ એ છે કે સંદીપ સિંહને જ્યારે ટ્રેનમાં પાછળથી અકસ્માતે ગોળી લાગી હતી ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી. એ વખતે દિલજિત સાહેબ કોઈ એન્ગલથી 20 વર્ષના નથી લગતા. એક્ચુઅલી બહુધા સિન્સમાં તેની બોડી લેન્ગવેજ કોઈ હૉકી પ્લેયર જેવી જ નથી લાગતી! એ સૌથી સ્પષ્ટ દેખાઈ આવે છે જ્યારે સંદીપ સિંહના ખરેખરા મોટાભાઈ અને હૉકી પ્લેયર બિક્રમજિત ફિલ્મમાં પાકિસ્તાની પ્લેયર તનવીર તરીકે રમે છે ત્યારે. (યસ બિક્રમજિતનો ફિલ્મમાં કૅમિયો છે.) કહે છે કે, સંદીપ સિહે જ અંગદ બેદી અને દિલજિતના તમામ હૉકી સીક્વન્સિસ કોરિયોગ્રાફ કરી છે. ઉપરાંત રમતની છટા, પ્લેયરનું મેનરિઝમ અને બૉડી લૅન્ગવેજ શીખવી છે. પણ સ્ક્રિન પર કશું જ દેખાતું નથી. દિલજિત દોસંજ અમુક હળવા દ્રશ્યોમાં ચજે છે. ઑલઓવર બિલો એવરેજ એક્ટિંગ. કહેવાય ને, જામતું નથી!

બાકીનાની એક્ટિંગ

અંગદ બેદી કોઈ એન્ગલથી સંદીપ સિંહનો મોટોભાઈ ફિલ્મમાં લાગતો નથી. બે ભાઈ વચ્ચેનો પ્રેમ તેના બોલવામાં કે રડવા-હસવામાં ક્યાંય દેખાતો નથી. તાપસી પન્નુની એક્ટિંગ એઝ ઑલ્વેઝ સ-રસ છે પરંતુ તેનું પાત્રાલેખન ભયંકર નબળું છે. એક પૉઇન્ટ પર તે શું કરવા માગે છે તે જ ખબર નથી પડતી. સતીશ કૌશિકે સુપર્બ પરફૉર્મ કર્યું છે. પરંતુ તેમના વાઇફ અને સંદીપ સિંહના મા બનતા બહેન(નામ નથી ખબર)એ બહુ જ નબળું કામ કર્યું છે. આખી ફિલ્મમાં એક જ એક્સપ્રેશન! સૌથી સારી એક્ટિંગ અને ડાયલૉગ વિજય રાઝના ફાળે આવ્યા છે. તે બિહારી કોચ બન્યા છે. તેને સ્ક્રીન પર જોવો ગમે છે અને જ્યારે આવે છે ત્યારે સિક્સર ફટાકીરને હસાવી જાય છે. હૉકી ફેડરેશનના ચૅર પર્સનના(ટૂંકા) પાત્રમાં કુલભૂષણ ખરબંદા છે.

મ્યુઝિક

ફિલ્મ જેટલી નબળી છે ફિલ્મનું સંગીત આશ્ચર્યજનક રીતે એટલું સારું છે! ગુલઝારે ગીતો લખ્યા છે અને શંકર-અહેસાન-લોયે તે મઢ્યા છે. ‘ઇશ્ક દી બાજીયાં’ દિલજિત દોસંજના અવાજમાં સાંભળવું ગમે છે. ‘સૂરમા એન્થમ’ ખુદ શંકર મહાદેવને ગાયું છે. સૅડ સૉન્ગ ‘પરદેસિયા’ પણ સ-રસ છે. ઈન શૉર્ટ, મ્યૂઝિક ઈઅરફોન નાખીને મોડી રાતના સાંભળવું ગમે તેવું છે.

જોવી કે નહીં?

       પિતા-પુત્ર અને બે ભાઈ વચ્ચેનો પ્રેમ, ફૅમિલી ડ્રામા, રૉમૅન્સ, દેશભક્તિ, રમત, ભારત-પાકિસ્તાનની મૅચ, આ બધુ શુષ્કતાના આવરણ સાથે એક પછી એક દેખાયા કરે છે. ચિરંતન દાસનું વિક કૅમેરાવર્ક, ફેડ ઈન-ફેડ આઉટ ટ્રાન્ઝિશન અને ફ્લૅટ સ્ક્રિપ્લેના કારણે ફિલ્મ કંટાળાજનક બની છે. હૉકી રમતને જ કમ દર્શાવાઈ છે, જ્યારે વાત હૉકી પ્લેયરની છે! એક મજાની, રસપ્રદ અને પ્રેરણાત્મક વાર્તાનો પ્રેમથી કચ્ચરધાણ વળ્યો છે.

સો, જો તમે દિલજિત દોસંજના ફૅન હો, વિજય રાઝને પડદા પર જોવો ગમતો હોય, ગુલઝારે લખેલા અને શંકર મહાદેવને ગાયેલા ગીતો સાંભળવા હોય અને સંદીપ સિંહના ફૅન ન હોવ તો ફિલ્મ તમારા જોખમે જોઈ શકો છો.(ફૅન હશો તો તેની બાયોગ્રાફી વેડફાઇ ગયાનું દુઃખ થશે!) બાકી, સંદીપ સિંહ વિશે ઈન્ટરનેટ ફંફોસીને વાંચવાની વધુ મજા આવશે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 14 July 2018)

soorma review 14-07
Mid-day, Mumbai. Page No. 21, Date: 14-07-2018

0 comments on “સૂરમા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: