Literature

..તો દરેક રડતો બાળક આધુનિક કવિ છે!

liz-cartoonઅહીં વાત સામયિક કે તે કવિની નથી, વાત સામાન્ય વાચકને સમજાય નહીં તેવો એબ્સર્ડના નામે જે કચરો સર્જાય છે, તેની છે. એ પછી નાટક હોય ફિલ્મ હોય, લેખ હોય કે કવિતા હોય. આમેય કવિતામાં તો આધુનિકતાના નામે એવું ઘણું થાય છે જેમાં સામાન્ય ભાવકો શું ખુદ કવિને પણ ટપ્પો ન પડતો હોય, પણ દે ઠોક ગાણા ઉતરતા જાય છે. અને સાહિત્યના ‘ઉત્કૃષ્ટ’ સામયિકોમાં પાછું તે છપાય પણ ખરું! યુવાન વાચક કઈ રીતે સાહિત્યથી અડગો થઈ જાય છે કે છેડો ફાડી નાખે છે તે હવે સમજાય છે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

બક્ષીબાબુ કવિતાની જૂદી-જૂદી વ્યાખ્યાઓ કહેતા. વ્યાખ્યાઓ અન્ય કોઈની છે પણ શબ્દોમાં બક્ષીબાબુનો જાદુ છે! વાંચોઃ ‘કવિતા દબાવ નીચે જ સર્જી શકાય. કવિતા પ્રસવસમયની ચીસ છે. કવિતા ફાટેલી વરાળ છે. કવિતા આસમાનને અડતી હોય, જ્યારે પ્રજા પતનાભિમુખ હોય! કવિતા દિમાગમાં ચકરાતો પડઘો છે.’

કવિતા અને ગઝલ, સાહિત્યમાં ટોચનું સ્થાન ભોગવે છે. ગઝલ વિશે તો એમ કહેવાય છે કે જિંદગીમાં એક જ વાર ગઝલ થાય! અરબી ભાષામાં ગિઝાલા એટલે નાનું હરણ. આ ગિઝાલાને જ્યારે શિકારી ઘાયલ કરે અને મરતી વખતે તેના ગળામાંથી જે ઘરઘરાટ આવે-છેલ્લો ઘરઘરાટ- છેલ્લી ચીસ – એ ગઝલ! માટે જ કદાચ કવિતાને મરતી વખતના છેલ્લા અવાજ જેટલી ઊંચી ગણવામાં આવી છે.

વેલ, ગિઝાલા પરથી અંગ્રેજી શબ્દ ‘ગેઝલ’ આવ્યો છે.

આજે આ કવિતાપુરાણ માંડવાનું એક વિચિત્ર કારણ છે. થોડા દિવસો પહેલા આપણા એક સાહિત્યિક સામયિકમાં કોઈ મૂર્ધન્ય કવિની કવિતા છપાઈ હતી, જે કોઈને સમજાઈ નહોતી! અથવા આપણે સમજી શકીએ એટલી ‘મૂર્ધન્યતા’ આપણે હજુ સુધી પ્રાપ્ત કરી નથી. થયું એમ કે એ કવિતા કે ગઝલ કે જે હતું તે, કોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને લખ્યું કે આમા તમને શું સમજાય છે? જોતજોતામાં તે કવિતા ટ્રોલ થઈ! લોકો એ પ્રકારના ટુચકા(આઈ મિન કવિતા) સર્જી સર્જીને પોસ્ટ કરવા માંડ્યા! ગયા અઠવાડિયે જ આપણે સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા વિશે ચર્ચા કરી હતી. આને ફાયદો ગણી શકો; કે એક સમજાય નહીં તેવી કવિતા સોશિયલ મીડિયાના ગુજરાતી યુઝર્સને લખતા આવડી ગઈ!

અહીં વાત સામયિક કે તે કવિની નથી, વાત સામાન્ય વાચકને સમજાય નહીં તેવો એબ્સર્ડના નામે જે કચરો સર્જાય છે, તેની છે. એ પછી નાટક હોય ફિલ્મ હોય, લેખ હોય કે કવિતા હોય. આમેય કવિતામાં તો આધુનિકતાના નામે એવું ઘણું થાય છે જેમાં સામાન્ય ભાવકો શું ખુદ કવિને પણ ટપ્પો ન પડતો હોય, પણ દે ઠોક ગાણા ઉતરતા જાય છે. અને સાહિત્યના ‘ઉત્કૃષ્ટ’ સામયિકોમાં પાછું તે છપાય પણ ખરું! યુવાન વાચક કઈ રીતે સાહિત્યથી અડગો થઈ જાય છે કે છેડો ફાડી નાખે છે તે હવે સમજાય છે. ઘણા લેખકો પણ એવા છે જેનું ગુજરાતીનું પણ આપણને ગુજરાતી કરવું પડે, એવું  વિનોદ દાદા હસતા હસતા(વિનોદ ભટ્ટ) કહેતા!

એ જ વિનોદ ભટ્ટે વર્ષો પહેલા ‘હાસ્યાયન’ પુસ્તકમાં સંપાદિત કરેલી એક ‘મોર્ડન કવિ’ની વાર્તા તમને કહેવી છે. વાર્તા નિરંજન ત્રિવેદીની છે, અહીં થોડી ટૂંકાવીને રજૂ કરી છે.

***

એક રાજા હતો. એક રાણી સિવાય કોઈપણ વસ્તુ ઉપર તેનું રાજ્ય ચાલી શક્તું. એ ધારે તે કરી શક્તો. એક દિવસ તેને રાજકવિએ કહ્યું કે કેવળ કાલિદાસ જ નહિ, પણ રાજા ભોજ પણ એક મહાન કવિ હતા.

ભોજરાજાની આ છાપ ભૂંસી નાખવા રાજાએ કવિતા લખવાનો નિર્ધાર કર્યો! તેણે પીંગળશાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. પણ છંદના બંધનો, મર્યાદાઓ વગેરે લફરાં જોઈ રાજાએ કવિ થવાનો વિચાર માંડી વાળવાનું નક્કી કર્યું. પણ રાજાના લમણામાં કાવ્યયોગ થતો હતો!

એક દિવસ રાજા મૃગયા કરવા નીકળ્યો ત્યારે દૂર જંગલમાં તેણે એક કૌતુક જોયું. એક ઝાડની ડાળી ઉપર એક ઈસમ બેઠો બેઠો તે ડાળીને જ ‘સેવન ઓ-ક્લોક’ નામની વિદેશી બ્લેડથી કાપવાની કોશિશ કરતો હતો.

‘અરે ભાઈ તું કોણ છે?’

‘હું કવિ છું-આધુનિક કવિ.’

‘કવિ!! અલ્યા કવિ, આ બ્લેડથી હજામત કરવાને બદલે ડાળી કાપવાની ચેષ્ટા કરે છે?’

‘મહારાજ! હું બ્લેડથી હજામત જ કરું છું- કહેવાતા કવિ કાલિદાસની.’

‘કાલિદાસની હજામત!!’

‘હા મહારાજ, હું તેની ભૂલો સુધારી રહ્યો છું.’

રાજાને થયું કે આ માણસ થોડી ગમ્મત પૂરી પાડે તેવો છે એટલે તેને રાજમહેલમાં બોલાવી લીધો.(રાજા ગમ્મત પૂરી પાડનારા લોકોની હંમેશ શોધમાં જ હોય!)

‘મહારાજ! આ તમારો આધુનિક કવિ તો ભારે ક્રાંતિકારી છે. તે દરેક વસ્તુમાં ક્રાંતિ કરી રહ્યો છે.’ રાણીએ ફરિયાદના સ્વરમાં કહ્યું.

‘કેમ શું કરે છે?’

‘મહારાજ, એ થાળીમાં દાળ લે છે અને વાડકીમાં રોટલી પીરસાવે છે. અને તેને એ જમણની ક્રાંતિ કહે છે. સવારે તેને આપેલ ટૂથપેસ્ટને પાછળથી દાંત વડે હોલ પાડી ત્યાંથી પેસ્ટ કાઢી. પૂંછ્યું તો કહે આ જ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સૌથી નીચે રહેલી પેસ્ટનો ભાગ જૂનો હોય છે. એક પેસ્ટ ભરતા અડધી મિનિટ લાગે છે. એટલે નીચેના ભાગમાં અડધી મિનિટ વાસી પેસ્ટ હોય છે, તે ઝટ વાપરી નાખવી જોઈએ!!’

એટલામાં આધુનિક કવિનું આગમન થયું. તે શિર્ષાસન કરીને ચાલતો હતો.

‘અલ્યા કવિ! આમ ઊંધે માથે કેમ ચાલે છે?’

‘મહારાજ! આ એક પ્રયોગ છે.’

‘પ્રયોગ! અલ્યા તું કવિ છે કે વિદુષક?’

‘મહારાજ! અમે પ્રયોગશીલ આત્મા છીએ. અમારી કવિતામાં પણ તમોને આવા પ્રયોગ મળશે.’

‘એટલે સાહિત્યને તમે સરકસ સમજો છો એમ ને!! ઠીક ઠીક ચાલ, તારી એકાદ કવિતા સંભળાવ.’

કવિતા સાંભળ્યા પછી રાજાનું જે થોડું ઘણું પણ મગજ રહ્યું હતું તે ગૂમ થઈ જતું હોય તેમ તેને લાગ્યું.

‘અલ્યા! આધુનિક કવિ! આ કવિતાનો અર્થ શું?’

‘અર્થ! અર્થ તો ખબર નથી.’

‘તને અર્થની ખબર નથી અને તું કવિતા કરે છે?’

‘મહારાજ, આધુનિક કવિતાની આ જ ખૂબી છે. એમાં જ અર્થ નીકળતો હોય તો પછી અમારા કવિ હોવાનો અર્થ શું છે?’

રાજાને થયું કે જો આને જ કવિતા કહેવાતી હોય તો દરેક રડતો બાળક આધુનિક કવિ છે. જેનું રડવાનું કારણ, કે તેને શું જોઈએ છે? શા માટે રડે છે? એ ખુદ બ્રહ્માને પણ ખબર પડી શક્તી નથી.(એટલે જ કદાચ બ્રહ્માએ પરણવાનું ટાળ્યું હશે.) તેના રુદનમાં લય હોય છે તો ક્યારેક નથી હોતો. તેના આરોહ-અવરોહને કોઈ નિયમ કે બંધન નથી હોતા. શબ્દો ત્રુટક ત્રુટક હોય છે. સમજાય કરતાં ન સમજાય તેવું તત્વ વધારે હોય છે.

રાજાને બ્રહ્મજ્ઞાન થયું કે તે પોતે એક ઉત્તમ આધુનિક કવિનો પિતા છે! આ પરમજ્ઞાનના પ્રકાશમાં તેણે વિચાર્યું કે જો રાજકુમાર ઉત્તમ આધુનિક કવિ થઈ શક્તો હોય તો પોતે કમ સે કમ અધમ આધુનિક કવિ તો જરૂર થઈ શકે!

રાજાએ આધુનિક કવિને તેડું મોકલ્યું. રાજકુમારની દુધની બોટલમાં ચાહ ભરીને પીતા-ચૂસતા કવિને રાજાએ કહ્યું.

‘કવિ, મારે આધુનિક કવિ થવું છે. ભૂજંગી, શિખરિણી, મંદાક્રાંતા કશુંય નહિ છતાંય કવિતા! વાહ વાહ કવિ! મારે એવા કવિ થવું છે, તારે મને માર્ગદર્શન આપવું પડશે.’

‘મહારાજ આ તમે બોલ્યા એ પણ એક આધુનિક કવિતા જ છે. સહેજ ગોઠવાણીનો ફેરફાર કરી દો.’

‘એ કેવી રીતે?’

‘મહારાજ, આને આ રીતે મૂકી દો:

ભૂજંગી

શિખરિણી

મંદાક્રાંતા

કશું નહિ

તોય કવિતા

ગાંડો કૂતરો ડાહ્યો બળદ

બજારમાં સસલું

સુગંધિત ગટર

બસ થઈ ગઈ કવિતા!’

રાજાએ પૂછ્યુઃ ‘અલ્યા, આ ગાંડો કૂતરો અને સુંગધિત ગટર એ બધાનો અર્થ શું?’

‘મહારાજ! અર્થ તો આધુનિક કવિતામાં પૂછવાનો હોય?’

રાજાને મઝા પડી ગઈ. ઝપાટાબંધ આધુનિક કવિતાઓ લખવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તે આધુનિક કવિ કરતાં પણ આગળ નીકળી ગયો. તે રોજની હજાર-બે હજાર આધુનિક કવિતાઓ લખતો.

એનો પહેલો ફાયદો એ થયો કે રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘટી ગયું. વન-વેમાં સાયકલ ચલાવનારને ૧૦૦ આધુનિક કવિતાઓ સાંભળવી પડતી. કરચોરી કરનારને રાજા ૩૦૦૦ કવિતા સાંભળવાની સજા ફટકારતો. એક વખત આ સજા ભોગવ્યા પછી કોઈ ગુનેગાર ફરી ગુનો કરવાની હિંમત કરી શક્તો નહિ. એક ખૂન કરનારે ૨૦,૦૦૦ આધુનિક કવિતાઓ સાંભળવાની જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે ૫૦૦૦ કવિતા સાંભળ્યા પછી તેણે દયાની અરજી કરી પોતાને ફાંસી ચડાવવા વિનંતી કરેલી!

તોફાને ચડેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે ટીઅર-ગેસને બદલે, લાઉડ સ્પીકર મારફત આધુનિક કવિતાઓનો મારો ચલાવવામાં આવતાં પલકમાં ટોળું વિખરાઈ જતું. વિદ્યાર્થી મંડળોએ ટોળાને વિખેરવાની આવી ઘાતકી પ્રથા સામે વિરોધ નોંધાવી છેવટે ગોળીબારની પ્રથા અપનાવવાની માગણી કરી હતી.

એક અલૌકિક ઘટના તો હવે બની. એક દિવસ પાડોશી રાજ્યોના જાસૂસો ગુપ્તવેશે આ કવિ રાજાની હિલચાલ પર નજર રાખવા તેના અંગત સેઇફમાંથી કિંમતી દસ્તાવેજો ઉપાડી ગયા. આ દસ્તાવેજોમાં ૧૫૦ આધુનિક કવિતાઓ હતી!

પાડોશી રાજાઓની કૉન્ફરન્સમાં આ આધુનિક કવિતા એ કયા દસ્તાવેજો છે એનો ખૂબ વિવાદ થયો. મિલિટરી એક્સપર્ટોએ એવું મંતવ્ય આપ્યું કે આ દસ્તાવેજો રાજ્યમાં બનતા આધુનિક શસ્ત્રોની વિગતો કોડ લેંગ્વેજમાં દર્શાવે છે. આ આધુનિક શસ્ત્રો ઘણા ભયંકર અને સંહારક હશે અને ટૂંક સમયમાં આપણા રાજ્યને નેસ્તનાબૂદ કરી નાખશે.

આ અર્થઘટનથી ગભરાયેલા પાડોશી રાજાઓએ, બીજે જ દિવસે આધુનિક કવિ રાજાની બિનશરતી શરણાગતિ સ્વીકારી લીધી. વિના વિગ્રહે રાજાનો રાજ્ય વિસ્તાર આધુનિક કવિતાના પ્રતાપે બેવડો થઈ ગયો. પાડોશી રાજાઓ ખંડિત થઈ ગયા! એટલું જ નહિ, પરંતુ પોતાની કુંવરીઓ પણ આ કવિ રાજાને પરણાવી દીધી!

***

વાર્તા પૂરી. આથી વિશેષ હવે કશું જ કહેવાનું રહેતું નથી. ‘જે બાત’ પણ નહીં. અસ્તુ.

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 11-07-2018

to darek radto badak(1)... 11-07 Edited.jpg
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6. તા. 11-07-2018

0 comments on “..તો દરેક રડતો બાળક આધુનિક કવિ છે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: