Movies

એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ: વાત ભારતની આધુનિક દેવીઓની

કલ્કી, લક્ષ્મી વગેરે કેટલીય દેવીઓ છે જેને આપણે માથે બેસાડીયે છીએ પણ ઘરની જ સ્ત્રીઓ સાથે કેવું વર્તન થાય છે એ વાત અહીં કરવામાં આવી છે. Angry indian goddess

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી કે સ્ત્રીને પુરુષ સમોવડી બતાવે છે તેવું કથિત રીતે પ્રેઝન્ટ કરતી વાહિયાત ફિલ્મ ‘વીરે ડી વેડિંગ’ થોડા સમય પહેલા આવી હતી. ફિલ્મ એટલી સ્થુળ અને ફૂવડ હતી કે તમે કોઈ સ્ત્રી એટલે કે પત્ની કે બહેન કે મમ્મી સાથે બેસીને પણ ન જોઈ શકો! ફિલ્મમાં વાત પાછી નારી જાતિના ઝંડા લહેરાવવાની હતી!

એની વે, વર્ષ ૨૦૧૬માં આવેલી અનિરુદ્ધ રોય ચૌધરીની ‘પિંક’ ફિલ્મે ખાસી ચર્ચા જગાવેલી. અમિતાભ બચ્ચન, પીયુષ મિશ્રા  અને તાપસી પન્નુ સહિતના અફલાતૂન કલાકારોના અભિનયથી સજેલી ‘પિંકે’ બખૂબીથી ‘નો મિન્સ નો’ની વાત સમજાવી હતી. કંઈક એવી, એ જ દરજ્જાની પાન નલિન દિગ્દર્શિત ફિલ્મ ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ’ છે.

ફિલ્મમાં એક દિવસ એક છોકરી તેની બહેનપણીઓને તેના ઘરે આમંત્રણ આપે છે. બહેનપણીઓ સાથે સ્કુલ, કોલેજમાં ભણેલી છે. હવે પોતપોતાના કામ, જિંદગી, સંબંધોમાં પરોવાઈ ગઈ છે. છોકરીની એક બોલિવૂડ એક્ટ્રેસ થવા મથતી એનઆરઆઈ કઝિન પણ છે. અને તે ઘરમાં કામ કરતી એક કામવાળી છે. આટલી યુવાન છોકરીઓ, સ્ત્રીઓ સાથે રહે છે. મજા-મસ્તી કરે છે. ઘણી બાબતો બોલ્ડ અને બિન્દાસ્ત છોકરીઓ છે તેમ સુચવે છે.

ફિલ્મમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ પ્રતિકાત્મકર રીતે દર્શાવાય છે. ફિલ્મનું નામ જ કેવું મજેદાર છે! ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ’. કલ્કી, લક્ષ્મી વગેરે કેટલીય દેવીઓ છે જેને આપણે માથે બેસાડીયે છીએ પણ ઘરની જ સ્ત્રીઓ સાથે કેવું વર્તન થાય છે એ વાત અહીં કરવામાં આવી છે. પણ હ્યુમરસલી અને ફાસ્ટ પેસમા. ફિલ્મ દોડે છે, એક પછી એક ઘટનાઓ ઘટતી જાય છે. સ્વપ્નીલ સુહાસની સિનેમેટોગ્રાફી સારી છે. ફિલ્મના ગીતો પણ કર્ણપ્રિય છે.

ફિલ્મના દિગદર્શક પાન નલિનનું પૂરું નામ નલીનકુમાર પંડ્યા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના ખિજડીયા ગામના છે.  આ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલે અઢળક એવોર્ડ્સ મળી ચૂક્યા છે. પાન નલિને ઘણી ઇન્ટરનેશનલ લેવલની ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિલ્મ બનાવી છે. બેએક વર્ષ પહેલા મુલાકાત થયેલી ત્યારે તેમણે કહેલું કે, તેમને  ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. ‘મને નૉવેલ ઉપર પણ ઈચ્છા છે. મને ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’ બહુ ગમતી. બાદમાં અમેરિકા ગયો પછી ખબર પડી કે એ તો અહીં પણ આ પ્રકારની વાર્તા, વૉરિયર્સની વાર્તાઓ છે. કચ્છ-કાઠિયાવાડની શૌર્ય-પ્રેમની કથાઓ છે-વાતો છે એ મને ગમે છે. મને અંજાર-કચ્છના જેસલ-તોરલની કથા પણ એકદમ બૌદ્ધિક જ લાગે છે. બુદ્ધ-યશોદરાની જેમ જેસલ-તોરલ. જેસલે આખી જીંદગી પાપો કર્યા અને અંતે જિંદગીનું મૂલ્ય સમજાયું. આ બધા પર ઘણું થઈ શકે એમ છે.’ પાન નલિન વિશે આપણે વિગતવાર તારીખ ૧-૯-૨૦૧૭ ના ‘મધ્યાંતર’માં વાત કરી ચુક્યા છીએ. ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ  ફિલ્મ બહુધા થિએટરોમાં નહોતી આવી એટલે ઘણા અજાણ હોય તેમ બની શકે.(એટલે જ આજે ખાસ વાત માંડવાની ઇચ્છા થઈ.) હાલ ફિલ્મ ‘નેટફ્લિક્સ’ પર મોજુદ છે.

pannalin_3a
ડાયરેક્ટર પાન નલિન

ફિલ્મમાં એક વાત એ પણ કહેવાઈ છે કે, છોકરીઓ સાથે બળાત્કાર થાય(જે હાલ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે!) એના ગુનેગારને, પેલી છોકરીના અંતિમ સંસ્કાર થાય કે તેનું શરીર આ દુનિયામાંથી વિલીન થાય એ પહેલા જ સજા મળી જવી જોઈએ! આ વાત અદભૂત રીતે ફિલ્મમેકરે દર્શાવી છે. ફિલ્મનું ડાયરેક્શન ઉપરાંત સ્ટોરી અને સ્ક્રિનપ્લે પણ પાન નલિને કર્યું છે.

ટૂંકા કપડા એ કેરેક્ટરનું સર્ટિફેકેટ નથી એ ‘પિંક’ બાદ અહીં પણ ધારદાર રીતે કહેવાયું છે. જોકે, ‘પિંક’ ફિલ્મ પહેલા ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ’  રિલીઝ થઈ ચૂકી હતી( રીલીઝ ડેટ ૨૫ નવેમ્બર ૨૦૧૫)

ઘણી ફિલ્મો એવી હોય જે સારી હોય પણ સ્મોલ બજેટ કે સામાન્ય કલાકારોને લઈને બની હોય એટલે આપણે ચૂકી ગયા હોઈએ. આ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર ભજવતી સાત યુવતીઓ પણ બહુ જાણીતી નથી. (તેમાં એક સિંગર અનુષ્કા મનચંદા છે અને અન્ય એક સંધ્યા મ્રિદુલે સ-રસ એક્ટિંગ કરી છે. પોલિસ ઇન્સપેક્ટરના રોલમાં આદિલ હુસ્સેન છે.) આ ફિલ્મ પણ ચૂકાઈ ગયેલી હોય તો જોઈ લેવી. વિચારપ્રેરક છે.

પેક અપઃ

ગુજરાતી ફિલ્મના કેટલાક પ્રોડ્યૂસર્સ પોતાની ફિલ્મ ચાલે એ માટે પોતે જ થિએટરમાં ટિકિટો બુક કરાવે છે!(આ તો જસ્ટ તમને ખ્યાલ આવે તે માટે!)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 06-07-2018

Angry indian goddess 06-07 Edited
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 4; તારિખઃ 06-07-2018

0 comments on “એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીઝ: વાત ભારતની આધુનિક દેવીઓની

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: