Movies Review

સંજુ

બોલે તો… સંજુ કી કહાની, રણબીર કી ઝુબાની!

Rating: 3.5 Star

TAhboXCIરાજકુમાર હિરાણી અને અભિજાત જોશીની ‘ડ્રામા, ઇમોશન એન્ડ ફન’ની ફૉર્મ્યુલા અહીં ફૉલો થઈ છે. સંજય દત્તના જીવનના મહત્વના કિસ્સાઓ અને પ્રસંગો વર્ણવતી ‘સંજુ’ રણબીર કપૂરના કાબિલેદાદ પરફૉર્મન્સ અને સુપર્બ સ્ક્રિનપ્લે માટે ચોક્કસ જોઈ શકાય. 161 મિનિટની ફિલ્મ ક્યાંક મનોરંજક તો ક્યાંક ઇમોશનલ છે. હા, સંજય દત્તની નબળી બાજુઓ ‘સિફતપૂર્વક’ બતાવવામાં  અને ઢાંકવામાં આવી છે.

 

ફિલ્મની શરૂઆતમાં મેકર્સે ડિસ્ક્લેમર મૂક્યું છે. એક તો આ ફિલ્મ કોઈને હાનિ નથી પહોંચાડતી વગેરાહ વગેરાહ ટાઇપનું અને બીજું, આ ફિલ્મ સંજુ એટલે કે સંજય દત્તને મહાન બનાવવા માટે નથી બનાવી ટાઇપનું. (‘ઇટ્સ નૉટ એન ઇમેજ ક્લિનિંગ એક્સસાઇઝ ફોર સંજય દત્ત’, લાઇક ધેટ!) એ જ રીતે અત્રે પણ એક ડિસ્ક્લેમર બાદ આગળ વાત કરવી છે. અહીં ફિલ્મમાં જે જે બતાવ્યું છે તેના વિષે જ વાત કરી છે, નહીં કે જે જે નથી બતાવ્યું તેની. જેમ કે, વર્ષ 1987થી 1996 દરમિયાન સંજય દત્તની પત્ની રહેલી રીચા શર્માનો અહીં એક સિનમાં ટીવી પર સમાચારમાં માત્ર ઉલ્લેખ આવે છે તથા તેની બીજી પત્ની રીયા પીલ્લે, એક્ટ્રેસ માધુરી દીક્ષિત કે અન્ય હિરોઈનવાળાં તથા અન્ય પ્રકરણો સમૂળગાં ગાયબ છે. માધુરીએ પોતે મેકર્સને તે કાઢવા કહ્યું હતું તેવા સમચારો મીડિયામાં ફરતા થયા હતા. જોકે, તે પ્રકરણ હોત તો પણ આ ફિલ્મમાં તે વજૂદ વિનાનું હતું, મીડિયાએ તેને ‘પ્રશ્નાર્થ ચિહ્ન’ મૂકીને હેડલાઇનના મોહમાં ચગાવ્યું હતું તેવું મેકર્સ લોગ સાબિત કરી નાખત.(જૂઓ ના ના કરતા પણ વાત થઈ જ ગઈ!)

વેલ, આટલી જરૂરી પ્રસ્તાવના બાદ મૂળ વાત પર આવીએ તો ‘સંજુ’ ને લઈને અપેક્ષા આસમાને હતી. તેના કારણો ફિલ્મનો વિષય, તેના મેકર્સ, રણબીર કપૂરનો અદ્દલ સંજય દત્ત જેવો દેખાવ તથા અફલાતૂન સ્ટારકાસ્ટ હતા. ફિલ્મ સ-રસ બની છે. રાજકુમાર હિરાણીની સિગ્નેચર સ્ટાઇલમાં બની છે. ક્યાંક સ્હેજ લપસી છે, પણ ઑલઓવર મજેદાર છે.

આવો, બાબા કી સાપ-સીડી જૈસી સફર કો ડીટેલ મેં દેખતે હૈ!

વારતા

ફિલ્મની વાર્તા સૌ જાણે છે તેમ ‘બાબા’ બોલે તો સંજય દત્તની જીવન-જર્ની છે. સંજય દત્તના જીવનના છૂટાછવાયા પણ મહત્વના કિસ્સાઓ અને ઘટનાઓ અહીં રજૂ થયા છે. પણ ફિલ્મ ખૂલ્લે છે શરૂઆતમાં આપેલા ડિસ્ક્લેમરને હિરાણીસાહેબ જસ્ટિફાય કરતા હોય તેમ એક બાયોગ્રાફરના સબપ્લૉટથી. જે ગેસ્ટ કેરેક્ટર પિયુષ મિશ્રાએ ભજવ્યું છે. તેણે બાબા વિશે બાયોગ્રાફી લખી નાખી છે પરંતુ તેમા બાબાને ભગવાન ચિતરી નાખ્યા છે. એટલે સંજુ અને તેની અર્ધાંગિની માન્યતા(દિયા મિર્ઝા) ખુદ તેને ના પાડે છે. સંજુ તો તે બુક જ બાળી નાખે છે અને માન્યતા અનબાયસ્ડ રાઇટર વિની (અનુષ્કા શર્મા)ને શોધી લાવે છે. જે બધા પ્રસંગો ને ઘટનાઓ ક્રૉસચેક કર્યા બાદ સંજુ બાબાના જીવન પર લખવાનું શરૂ કરશે.

ફર્સ્ટ હાફ    

થાય છે એવું કે વિની મૅડમ સંજુ બાબાના પહેલા ચૅપ્ટરથી ભાવુક થઈ જાય છે અને લખવાની હા પાડી દે છે. તે પહેલો કિસ્સો એટલે સંજય દત્તની જિંદગીનો વેલ ક્રૉનિકલ્ડ તબક્કોઃ ડ્રગ્સ સાથેની સ્ટ્રગલનો! કઈ રીતે સંજુએ પહેલી ફિલ્મ વખતે પહેલી વખત મિત્રની મદદથી સિગારેટ પીધી હતી, તેણે કઈ રીતે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું અને પછી ડ્રગ્સની લત લાગી ગઈ હતી, આ બધું રાજકુમાર હિરાણીની ટ્રેડમાર્ક શૈલીમાં હ્યુમરસલી અને લાઇટલી દર્શાવાયું છે ફર્સ્ટ હાફમાં. તે ખરાબ પ્રેરણા આપનાર સંજુના દોસ્ત ‘ઝુબિન મિસ્ત્રી’ના પાત્રમાં અફલાતૂન અભિનેતા જિમ સર્ભ છે. આ તબક્કામાં જ સંજુની પહેલી ફિલ્મ ‘રૉકી’નું શૂટિંગ, માતા નરગિસ(મનીષા કોઇરાલા)નું તે ફિલ્મના પ્રિમિયરના ત્રણ દિવસ પહેલા મૃત્યુ, દિગ્ગજ એક્ટર -પિતા સુનિલ દત્ત(પરેશ રાવલ)પ્રત્યે માન અને ડર, અમેરિકાબેઝ્ડ ગુજરાતી મિત્ર કમલેશ કનૈયાલાલ કપાસી(વિકી કૌશલ) સાથેની દોસ્તી, ગર્લફ્રેન્ડ રુબી(સોન કપૂર) સાથેનો સંજુનો સંબંધ, વગેરે આપણને જોવા મળે છે.

ખાસ તો સંજુ અને પિતા સુનીલ દત્ત વચ્ચેનો સંબંધ હિરાણીએ બખૂબી રીતે પડદા પર રજૂ કર્યો છે. સુનીલ દત્તે સંજયને લૉન્ચ કરવા માટે 1981ની 8મી મેએ રિલીઝ થયેલી ‘રૉકી’ ફિલ્મ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. સાથે તેની ડ્રગ્સની આદત, આલ્કોહૉલિઝમ, મિજાજી સ્વભાવ, ખરાબ સંગત, આરોપ, જેલવાસ વગેરેને સંજુ સાથે સુનિલજીએ પણ ફેસ કર્યુ હતું. હળવી અને સંદેશો આપતી ફિલ્મો માટે જાણીતા રાજકુમાર હિરાણીએ આ બધી મેમરીઝ એકસાથે સાચા અને યોગ્ય સ્વરૂપે રજૂ કરવા માટે ખાસ્સી મહેનત કરી છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને ડાયલૉગ્સ હિરાણી અને અભિજાત જોશીએ લખ્યા છે. સ્ક્રિપ્ટ અને ડાયલૉગ્સ લ્યુસિડ છે. તમને ક્યાંય કંટાળો આવે તેવું નથી બનતું.

હા, ફર્સ્ટ હાફમાં જરૂર ડ્રગ્સવાળો તબક્કો ખેંચાયો હોય તેવું લાગે. પણ વેલ મેઇન્ટેઇન્ડ એન્ડ એન્ટરટેઇન્ડ છે. હ્યુમર અને હાર્ટ બેઉ મોજુદ છે.

સેકન્ડ હાફ  

સેકન્ડ હાફમાં સંજુ ડ્રગ્સની લતમાંથી છૂટીને શું કરે છે તે દર્શાવાયું છે. મુન્નાભાઈ MBBSની સફળતા, પિતાનું મૃત્યુ, પોતાના બે બાળકો, વગેરે પ્રસંગો આપણે જોઈએ છીએ. હા, તેના અન્ડરવર્લ્ડ તથા મુંબઈના લોકલ ગુંડાઓ સાથેના સંબંધો,  બાબરીધ્વંશ, 1993 બૉમ્બ બ્લાસ્ટ, વગેરે જે બધી વિવાદાસ્પદ ઘટનાઓ છે તે ઝડપથી પતાવાઈ છે. અભિજાત અને હીરાણીના ચતુરાઇભર્યા લેખનના કારણે અમુક બાબતો આપોઆપ ઢંકાઈ જાય છે. અમુક બાબતોને છોડી દેવામાં આવી છે.

રિઅલ-લાઇફ સ્ટાર છે, ભઈ!     

સંજય દત્ત રિઅલ-લાઇફ સ્ટાર હતો-છે, તેણે જે ભૂલો કરી તે સંજોગોના માર્યે કરી. તેને ખબર નહોતી કે તે શું કરી રહ્યો છે! તેની પસંદગી ખરાબ હતી, ઇરાદા નહીં! તેણે તેના ઘરમાં મશીન ગન રાખી હતી પણ તે તો ફેમિલીને બચાવવા.(અને તમે વિચારો, તે તેના માટે જેલમાં ગયો હતો! અને તેમાં તેને ઓવરફ્લો થતા ટૉઇલેટ અને હવા વગરની બંધિયાર કોટડી વગેરે વચ્ચે રહેવું પડ્યું હતું.) સેકન્ડ હાફમાં દત્તની લાઇફના ડાર્ક ચૅપ્ટર લાઇટ-વેમાં બતાવવાની કોશિશ કરાઇ છે, તેમાં અમુક જગ્યાએ અર્થઘટન કંઈક જૂદું થાય છે. ‘સિનેમૅટીક લિબર્ટી’નો સારો એવો ઉપયોગ થયો છે, ટૂંકમાં.

વેલ, સંજુ પેલા પિયુષ મિશ્રાની બુકની જેમ ભગવાન નહીં, તો સુપર હ્યુમન બીઈંગ તો બની જ ગયો છે. (‘ભલે હજારો ભૂલ કરી પણ માણસ સારો હતો’ પ્રકારનું.) આરોપનામા અને ગ્લૉરિફિકેશનને અવગણીએ તો ફિલ્મમાં પૉઝિટિવ પોઇન્ટ્સ મબલખ છે. આવો, એ પણ જોઈએ.

રણબીરઃ કર હર મૈદાન ફતેહ…

એક્ટર રણબીર કપૂરે એક એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે ખુદ એક્ટર છે. લોકો તેને(સંજય દત્ત) વર્તમાન Sanju_0કાળમાં પડદા પર જોઈ રહ્યા છે. માત્ર સંજય દત્તના ચહેરાના હાવભાવ, ચાલવાની સ્ટાઇલ કે મૅનેરિઝમ નહીં, રણબીરે આખેઆખા સંજુને આત્મસાત કર્યો છે. તેની એક ખભો નીચે ઢાળીને ચાલવાની આગવી સ્ટાઇલ ઉપરાંત  ક્યારેક દર્દ તો ક્યારેક ઉત્સાહ રજૂ કરતી બે આંખો, સંજુની બમ્બૈયા અંગ્રેજી ભાષામાં બોલવાની શૈલી, તેનો લહેજો, તેનું ડ્રગ માટે અને ત્યાર બાદ તેમાંથી છૂટવા માટે તરફડવું, વગેરે બધું જ અદભૂત રણબીરે ભજવ્યું છે. હિરાણીએ ફિલ્માવ્યું છે. રણબીરનું આ પરફૉર્મન્સ એક અલગ-ટૉપ લેવલ પર ત્યારે જાય છે જ્યારે ફિલ્મમાં સંજય દત્ત નબળી એક્ટિંગ કરે છે! ફિલ્મ ‘રૉકી’ના શૂટિંગ વખતે સંજય દત્ત(રણબીર કપૂર)થી શૉટ ઓકે નથી થતો. તે લિપ-સિન્ક બરાબર નથી કરી શક્તો. સુનીલ દત્ત(પરેશ રાવલ) તેને સમજાવે છે અને પછીના શૉટમાં તે બરાબર કરી શકે છે. આ દ્રશ્ય રણબીરે અફલાતૂન ભજવ્યો છે. એવું જ બીજું દ્રશ્ય મુન્નાભાઈ MBBSનું છે, જેમાં પિતા-પુત્ર ગળે વગળે છે. ઇટ્સ કૉલ્ડ, મેટા પરફૉર્મન્સ! એક અભિનેતાનું પાત્ર ભજવવાનું, પાછું એ જ પાત્ર ફિલ્મની અંદર બિગનર લેવલની એક્ટિંગ કરી રહ્યું છે, એ ભજવવાનું ! મશાઅલ્લાહ! એક્સેપ્શનલ!)

પરેશ રાવલે પણ સુનિલ દત્તનું પાત્ર બખૂબી ભજવ્યું છે. આ પાત્ર દ્વારા આપણને દત્ત સાહેબની અમુક સાંભળેલી અને અમુક અજાણી બાબતો જાણવા મળે છે. સુનીલ દત્તમાં જોવા મળતો ઉંમગ અને એન્થુસિએઝમ પરેશ રાવલમાં દેખાય છે. સુનીલ દત્તના ચાહકોને પણ મજા પડશે. દિગ્ગજ અભિનેત્રી નરગિસનો ચાર્મ મનીષા કોઇરાલામાં ઝિલાય છે. તે સ્ક્રિન પર વધુ હોત તો મજા પડત. રણબીર પછી સૌથી સારું કોઈનો પરફૉર્મન્સ હોય તો તે તેના ગુજરાતી મિત્ર બનતા વિકી કૌશલનો છે. ‘મસાન’ અને ‘રાઝી’ ફેમ આ અભિનેતા બે દ્રશ્યો રીતસરના ખાઈ ગયો છે. જિમ સર્ભે સારી એક્ટિંગ કરી છે. દિયા મિર્ઝા, સોનમ કપૂર, કરિશ્મા તના, અદિતિ ગૌતમ(સંજુની બહેન પ્રિયા દત્તના પાત્રમાં), બોમન ઇરાની(રુબીના પિતાના પાત્રમાં) આ બધાના ફાળામાં ઓછી સ્ક્રીન પ્રેઝન્સ આવી છે, પણ જેટલી પણ છે મજેદાર છે.

ફિલ્મમાં હાજી મસ્તાન, અબુ સાલેબ, મેમણ તથા શાહરુખ-આમિર વગેરેના નામોઉલ્લેખ છે. મહેશ માંજરેકર, તબ્બુ, અર્શદ વારસી, વગેરે સેલ્ફ કૅમિયો રોલમાં છે. રાઇટર બેલડીએ હિંદી સિનેમાના શ્રેષ્ઠ ગીતકારોના મજેદાર રેફરન્સ આપ્યા છે,  આપણને વચ્ચે-વચ્ચે જૂના ફિલ્મી ગીતો સાંભળવા મળે છે. રુબી, કર હર મૈદાન ફતેહ અને મૈં ભી બઢીયાઃ આ ત્રણેય ગીત ઇન્ટરવલ પહેલા આવી જાય છે. ઠીક છે. અન્ય એક ક્લોઝિંગ ક્રેડિટ સૉન્ગ પણ છે, જે મસ્ત લખાયું છે! સંજય વાંદરેકર અને અતુલ રાણિંગાનું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક એવરેજ છે. ક્યાંક ‘પી.કે.’ની યાદ આવે છે. ‘કર હર મેદાન..’ સૉન્ગનું પિક્ચરાઇઝેશન, સિનેમેટોગ્રાફી નોંધનીય છે. રવિ વર્મન, વેલ ડન!

જોવી કે નહીં?

રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીની જે ‘ડ્રામા, ઇમોશન એન્ડ ફન’ની ફૉર્મ્યુલા છે તે અહીં પણ ફૉલો થઈ છે. પિતા-પુત્ર અને બે મિત્રો વચ્ચેના સિન્સ તમારી આંખો ભીની કરી નાખે છે. બહુધા સિન્સ ઇફેક્ટિવ અને ઇમ્પૅક્ટફૂલ છે. ફિલ્મ 161 મિનિટની છે પણ જરાય લાંબી નથી લાગતી.(‘રેસ 3’ બાદ પંદર દહાડે- સીધા ‘સંજુ’ જોતા હોઇએ ત્યારે જાણે નર્કમાંથી સ્વર્ગમાં ટ્રાન્સફર થયા હોઇએ તેવી અનુભૂતિ થાય.) એડિટર ખુદ હિરાણીસાહેબ જ છે. સો, ગો ફૉર ઇટ. સંજય દત્ત વિશે નહીં અથવા ઓછું જાણતા હશો તો જાણવા મળશે. ઇમોશન્સ અને હ્યુમરની રોલર કોસ્ટર રાઇડમાં બેસી જાઓ. ખુરશીનો પટ્ટો બાંધવાની જરૂર નથી, આ હિરાણીની ફિલ્મ છે, તમને ચસકવા નહીં દે!

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 30 June 2018)

Sanju 30-06.jpg
Mid-day, Mumbai. Page No. 24, Date: 30-06-2018

0 comments on “સંજુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: