હવે હું જિંદગીને ખૂબ જ નજીકથી અનુભવી રહ્યો છું. મારા મગજમાંથી જીવવા-મરવાનો હિસાબ નીકળી ગયો છે
-ઇરફાન ખાન
-‘અક્ષરત્વ’ કૉલમ
(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)
કમાલની વાત છે કે, આપણે રોજ સવારે ઉઠીને એ રીતે જીવવાની શરૂઆત કરીએ છીએ જાણે કોઈ દી’ મરવાના જ ન હોઈએ! રોજ, રોજ અને રોજ સવારે ઉઠ્યા કરશું, બ્રશ કર્યા કરશું, સાંજના બગીચે ચક્કર માર્યા કરશું અને રાતના સુઈ જશું. પણ ના, એ આસમાંની પેલે પાર બેઠેલો ખુદા, એ અકળ અલ્લાહ, એ પરમવિધાતા કુદરત આ બધું એક દિવસ અટકાવી દે છે. ફૂલ સ્ટોપ મૂકી દે છે. પણ એ પણ આપણે તો અન્યની ચિતાને બળતી જોઈએ ત્યારે થોડા સમય માટે સમજીએ છીએ. બીજા દિવસે-પાછા હતા એવા ને એવા.

જિંદગીની ગાડી તેજ રફ્તારે દોડી રહી હોય અને અચાનક કોઈ આવીને કહે કે, ‘તમારું સ્ટેશન આવી રહ્યું છે. પ્લીઝ ઉતરી જજો.’ સાલો કેવો ફટકો પડે! થોડી વાર તો માન્યામાં જ ન આવે. આવું થાય ક્યારેક કોઈ અણધારી બીમારી આવી પડે ત્યારે. આવું અનુભવાય જયારે તમને ખબર પડે કે, બે-ચાર-આઠ મહિના કે બે વર્ષ પછી તમે હતા-નહતા થઈ જવાના છો.
‘ખાનો મેં ખાન’ ઇરફાન ખાનને ન્યુરો એન્ડોક્રાઇન નામની કૅન્સરની રૅર બીમારી લાગુ પડી છે.(જિંદગીની આ બધી ‘શરતો લાગુ’ જ છે ને!) તેની સારવાર ચાલુ થઈ તેને ત્રણેક મહિના થયા છે. થોડા સમય પહેલા ઇરફાને વરિષ્ઠ ફિલ્મ પત્રકાર અને તેના મિત્ર અજય બ્રહ્માત્મજને એક ચિઠ્ઠી, બોલે તો લેટર લખ્યો. થોડી પોતાની બીમારી વિશે અને વધુ પોતાની મનોદશા, મન-મસ્તિષ્કમાં ચાલી રહેલા વિચારો વિશે વાત કરી. ઇરફાન કોઈ સાહિત્યકાર નથી પણ આ લેટર વાંચીને સમજાય છે કે, તેનું વાંચન ભયંકર વિશાળ છે. એ તેના અભિનયમાં ઝળકે જ છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેની જિંદગીમાં આવેલા તોફાનને કારણે વિચારોમાં કેવો પલટો આવ્યો તે અહીં દેખાય છે.
ઇરફાન વાતની શરૂઆત કરતા કહે છેઃ ‘થોડા સમય પહેલા મને ખબર પડી કે હું ન્યુરો એન્ડોક્રાઇન કૅન્સરથી ગ્રસ્ત છું. મેં ત્યારે પહેલી વખત આ શબ્દ સાંભળ્યો. તપાસ કરતા ખબર પડી કે મારી આ બીમારી અંગે વધારે રિસર્ચ નથી થયું. કેમ કે મને થયેલો રોગ રૅર પ્રકારનો છે. તેની ટ્રીટમેન્ટની અસર શું થશે એ નિશ્ચિત નથી, માત્ર કેટલાક સ્ટડી કેસ છે અને તેથી હું પણ ટ્રાયલ એન્ડ એરર ગેમનો હિસ્સો માત્ર છું.’ (‘ટ્રાયલ એન્ડ એરર’ ગેમનો હિસ્સો હોવું એટલે શું તે જોવા હોસ્પિટલના ક્રિટીકલ કે કેન્સર કે કૉમા વોર્ડમાં એક વખત આંટો મારી આવવો.)
ઇરફાન આગળ કહે છેઃ ‘મને એવું લાગે છે કે જાણે હું એક ઝડપથી ભાગી રહેલી ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. મારી કને મારી યોજનાઓ, આકાંક્ષાઓ અને મારા સપનાઓ હતા અને આ બધું પૂરું કરવામાં, મંઝિલ સુધી પહોંચવા માટે હું મચી પડ્યો હતો. પણ એકાએક ટીસીએ મારો ખભો થપથપાવ્યો. મને કહ્યું: ‘તમારું સ્ટેશન આવી રહ્યું છે. પ્લીઝ ઉતરી જાઓ.’
હું સમજી ન શક્યો. મેં કહ્યું, ‘ના, ના. મારુ સ્ટેશન હજુ નથી આવ્યું.’ જવાબ મળ્યોઃ ‘આગળના કોઈપણ સ્ટોપ પર તમને ઉતરવું પડશે. તમારું ગંતવ્ય સ્થાન આવી ગયું છે…’

ઇરફાન ખાન આટલું લખીને લાઇફની અંતિમ ફિલોસોફી સમવજાવતો હોય તેમ કહે છે કે, ‘અચાનક એવો અહેસાસ થયો કે તમે કોઈ બોટલના ઢાંકણાની જેમ અજાણ્યા સમંદરની અણધારી લહેરો પર વહી રહ્યા છો.’ ઇરફાન મુજબ તે લહેરો આપણા કાબુમાં છે તેવો ભ્રમ પાડી બેઠા છીએ, તેવી ગેરસમજનો શિકાર છીએ આપણે સૌ!
આ સ્થિતિનો ઉલ્લેખ કરીને ઇરફાન પોતાના પુત્રને કહે છે કે, હું આવી હાલતમાં જીવવા નથી માગતો. મને મારા પગ પર ઊભા થવું છે અને આ પરિસ્થિતિને તટસ્થ રહીને જોવી છે. પરંતુ, આવો ઇરફાનનો ઇરાદો હતો, તેની ઇચ્છા હતી. થોડા સપ્તાહમાં તે એક હૉસ્પિટલમાં ભરતી થાય છે. તેને અતિશય પીડા થઈ રહી છે. તે કહે છે કે, ‘એ તો ખબર જ હતી કે પીડા થશે. પણ આટલું દર્દ! હવે દર્દની તીવ્રતા સમજાઈ રહી છે… સાંત્વના કે દિલાસો, કંઈ જ કામ નથી આવતું. સંપૂર્ણ દુનિયા આ પીડાની પળમાં લપેટાઈ ગઈ છે. પીડા ખુદાથી પણ વધારે અને વિશાળ અનુભવાઈ રહી છે.’
ઈરફાન આગળ લખે છે: ‘હું જે હૉસ્પિટલમાં દાખલ છું તેમાં બાલ્કની પણ છે. તેમાંથી બહારનો નઝારો દેખાય છે. કૉમા વૉર્ડ બરાબર મારી ઉપર છે. રસ્તાની એક બાજુ હૉસ્પિટલ અને બીજી બાજુ લોર્ડ્સ સ્ટેડિયમ છે. ત્યાં વિવિયન રિચડર્સનું હસતા ચહેરાવાળું પોસ્ટર છે.’

ઉલ્લેખનીય છે કે, લોર્ડ્સ સ્ટેડિયમ ક્રિકેટનું ‘મક્કા’ ગણાય છે. ઇરફાનના નાનપણના સપનાઓનું આ મક્કા છે. તે કહે છે, ‘મારું બચપણના સપનાઓનું આ મક્કા, તેને જોઇને પહેલી નજરમાં મને કંઈ અનુભવ જ ન થયો. જાણે કે એ મારી દુનિયા ક્યારેય હતી જ નહીં..’ અહીં ક્યાંક સ્મશાન વૈરાગ્યની સુગંધ આવી રહી છે દોસ્તો! પોતાની તીવ્ર માંદગી કે સ્વજનની આખરી પળો હોય ત્યારે બેશકિમતી વસ્તુઓ પણ તુચ્છ લાગતી હોય છે. જે જોવાની, પામવાની વર્ષોથી ઇચ્છા હોય તે સામે આવી જાય તો પણ કંઈ લાગણી થતી નથી. એ આપણી દુનિયા જ નથી લાગતી. ઇરફાન આપણને સમજાવે છે કે, ‘આપણે કોઈ એવી સિસ્ટમનો ભાગ નથી જે નિશ્ચિત હોવાનો દાવો કરતી હોય.’ તે લખે છેઃ ‘મારા દિલે મને કહ્યું, માત્ર અનિશ્ચિતતા જ નિશ્ચત છે!’
ઇરફાન: ‘આ અનુભવે મને સમર્પણ અને ભરોસા માટે તૈયાર કર્યો. હવે હું જિંદગીને ખૂબ જ નજીકથી અનુભવી રહ્યો છું. સારવારના ત્રણ મહિના થયા છે. આજથી ચાર કે આઠ મહિના બાદ કે પછી બે વરસ બાદ, જે થવાનું હોય તે. ચિંતા દૂર થઈ છે અને મારા મગજમાંથી જીવવા-મરવાનો હિસાબ નીકળી ગયો છે. પહેલી વખત મને સાચા અર્થમાં ‘આઝાદી’ શબ્દનો અનુભવ થયો. આ કાયનાતની રચનામાં મારો વિશ્વાસ જ પૂર્ણ સત્ય બની ગયો. ત્યાર બાદ લાગ્યું કે તે વિશ્વાસ મારી એક એક કોશિકામાં ફેલાઈ ગયો છે.’

‘હાલ હું અનુભવ કરી રહ્યો છું કે, આ સફરમાં સમગ્ર દુનિયાના લોકો હું જલ્દી સાજો થાઉં તેની દુઆ, પ્રાર્થના કરે છે. જે લોકોને હું ઓળખું છું અને જેને નથી ઓળખતો, તે બધા લોકો અલગ અલગ જગ્યા અને ટાઇમ ઝોનથી મારા માટે પ્રાર્થના કરે છે. મને લાગે છે કે તે તમામ લોકોની પ્રાર્થના મળીને એક થઈ ગઈ છે, એક વિશાળ શક્તિ તીવ્ર જીવનધારા બનીને મારા સ્પાઇન મારફતે પ્રવેશ કરી માથાથી ઉપર કપાળમાં અંકુરિત થઈ રહી છે. અકુંરિત થઈને તે તમામ ક્યારેક કળી, ક્યારેક પાંદડાં અને ડાળીઓ તો ક્યારેક શાખાઓ બની જાય છે. હું ખુશ થઈને તેને જોઉં છું. લોકોની સામૂહિક પ્રાર્થનાથી ઉપજેલી દરેક ડાળી, દરેક પાંદડું, દરેક ફૂલ મને એક નવી દુનિયામાં લઈ જાય છે.’
આટલું કહ્યા બાદ આખરી નોટ પર ઇરફાન એક વાક્ય લખે છેઃ ‘જરૂરી નથી કે લહેરો પર ઢાંકણાનું નિયંત્રણ હોય.’ આ વાક્યમાં મોરારી બાપુ કહે છે તે સ્વીકાર અને સમર્પણની વાત છે. આપણે માત્ર કઠપૂતળીઓ છીએ જેની દોર ઉપરવાળાના હાથમાં છે. તે નચાવે છે, ક્યારેક ખેંચે છે. પાછી ઢિલ દે છે અને એક દિવસ…
*જે બાત!*
આપણે સૌ કુદરતના પારણે (પેલા ઢાંકણાની જેમ) ઝૂલી રહ્યા છીએ…
– ઇરફાન ખાન
@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)
Date: 27-06-2018


Irrfaan vina abhinay pan adhuro chhe…Acting 🎭 ki jaan Irrfan…
સહી બાત હૈ. 🙂