Literature

તને ફકીરી મફતમાં મળી લાગે છે..!

સૂફી શબ્દના અઢળક અર્થો છે. ડિક્ષનરીમાં સૂફી શબ્દ સામે ફકરાઓ ખૂલે છે! સૂફીઓ ઊનમાંથી બનાવેલા ચોલો અને કાનટોપી પહેરે છે.

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

fit_800_533_1b77291be3acf70e5b942f191ccd602d‘પતા હૈ… યહાં સે બહોત દૂર, ગલત ઔર સહિ કે પાર એક મેદાન હૈ. મેં વહાં મિલુંગા તુજે.’ ઇમ્તિઆઝ અલીની વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘રોકસ્ટાર’ની શરૂઆત અને અંતમાં આ ડાયલૉગ આવે છે. પ્રેમી પોતાની પ્રેમિકાને કહે છે, કે સાચા અને ખોટાની પેલે પાર મળીશું આપણે, જ્યાં આ દુનિયાની ઝંઝટ નહીં હોય, કોઈ સારું-ખરાબ નહીં હોય.’ આજે વાત ફિલ્મ કે ડાયલૉગની નથી કરવી, તે ડાયલૉગ લખનારની કરવી છે. નામ છે: રુમી.

આજે જીવતા-જાગતા દિગ્દર્શકોમાં ખરેખરા કાબેલ અને અવ્વલ દરજ્જાના દિગ્દર્શક ઇમ્તિઆઝ અલી પર રુમીનો ગહેરો પ્રભાવ છે. ‘તમાશા’ની ‘વ્હાય ઑલ્વેઝ સેમ સ્ટોરીઝ’ની વાત હોય કે સદંતર નિષ્ફળ ગયેલી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ની ટેગલાઇન હોયઃ ‘તમે જે પણ વસ્તુ કે બાબત મેળવવાની ઇચ્છા રાખો છો, તેના માટે ઝંખો છો, એ વસ્તુ કે બાબત પણ તમને મેળવવાની ઇચ્છા(ઝંખના) રાખે છે જ.’ આ અદભૂત થોટ રુમીનો હતો.

રમજાન મહિનો પૂરો થયો છે. હું ગયા મહિને રેવતુભા રાયજાદાનું મજાનું પુસ્તક ‘મહાન સૂફી સંતો’ વાંચી રહ્યો હતો.images તેમાં સાઠથી વધારે સૂફી સંતો-સાધકો, ફકીરો વિશે રેવતુભાજીએ વાતો કરી છે. તેમના વિશે માહિતી આપી છે. તે વાંચતા વાંચતા મને એવા સૂફી સંત વિશે વાંચવાનું મન થયું જેણે સેકંડો વર્ષો પહેલા શાયરી, સંગીત અને નૃત્યને ધાર્મિક પરંપરા સાથે જોડવાનું કામ કર્યું છે. જી હાં, રુમી વિશે! અલબત્ત, તે પુસ્તકમાં તેમના વિશે એક શબ્દ નથી!

રુમીનો જન્મ 30 સપ્ટેમ્બર, ૧૨૦૭ના રોજ તાજિકિસ્તાનના એક ગામમાં થયો હતો. તેમની જિંદગી વિશે લખનાર લેખક બ્રેડ ગૂચ કહે છે કે, ‘રુમીનું જીવન ૨૫૦૦ માઈલ વિસ્તારમાં ફેલાયેલું છે. તેમનો જન્મ તાજિકિસ્તાનના વખ્શ ગામમાં થયો. તેના પછી ઉજ્બેકિસ્તાનમાં સમરકંદ, પછી ઈરાન અને સીરિયા ગયા. ત્યાં તેમણે અભ્યાસ પૂરો કર્યો.’ રૂમી જ્યારે અધ્યાત્મમાં ખોવાયેલા રહેતા ત્યારે કાં તો શાયરી બોલતા કાં તો ઝૂમતા રહેતા! રુમીએ કવિતા અને આધ્યાત્મિકતાને સાથે લાવી દીધા છે. તેમના વિશે તથા તેમણે લખેલી ઘણી વાતો છે. એમાની એક આજે કરવી છે. રુમી એક વખત પોતાની પ્રેમિકાના દરવાજે ગયા. દરવાજો ખટખટાવ્યો. અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. ‘કોણ છે?’ રુમીએ જવાબ આપ્યોઃ ‘હું રુમી. તારો પ્રેમી.’ પછી કોઈ અવાજ ન આવ્યો. રુમીએ રોઈને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો ન ખુલ્યો. આ રીતે કેટલાય દિવસો સુધી દરવાજો ખોલવાના પ્રયત્નો કરતો રહ્યો, પરંતુ ક્યારેય ન ખુલ્યો. રુમી ઊંડી નિરાશામાં ધકેલાઈ ગયો. તેણે પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો અને પહાડો પર ચાલ્યો ગયો. ત્યાં તેણે એક-બે મહિના પસાર કર્યા. થોડા સમય બાદ ત્યાંથી પાછો આવ્યો પરંતુ હવે તે બિલકુલ અલગ અવસ્થામાં હતો. એક વાર ફરી તે પોતાની પ્રેમિકાના દરવાજા પર ગયો અને દરવાજો ખટખટાવ્યો. અંદરથી અવાજ આવ્યોઃ -‘કોણ છે?’ આ વખતે રુમીએ કહ્યું, ‘તું, માત્ર તું! રુમી હવે ક્યાંય નથી.’ દરવાજો ખુલી ગયો અને રુમીને અંદર બોલાવી લેવામાં આવ્યો. સર્વવિદીત છીએ કે સૂફી પરંપરામાં ઈશ્વરને હંમેશા પ્રેમીના રૂપમાં જોવામાં આવ્યા છે. દરવાજો માત્ર એ લોકો માટે જ ખૂલે છે, જે ખુદને ખોઈ ચૂક્યા હોય છે. થોરામાં ઘનું સમજવું.

સૂફી પરંપરા શું છે? તેમાં ઇશ્કના બે રૂપો છેઃ ઇશ્કે હકીકી અને ઇશ્કે મીજાજી.  ઇશ્કે હકીકી ઈશ્વરીય પ્રેમ છે તો ઈશ્કે મીજાજી માનવીય પ્રેમ છે. આ સાધનામાં ઈશ્કનું મહત્વ વિશેષ છે. એક માન્યતા એવી છે કે આ સાધના મહંમદ પયગંબરસાહેબે અલ્લાહ પાસેથી જાણી અને તેનાં ગૂઢ રહસ્યો સમજ્યા. આ સાધનાનાં રહસ્યો તેમણે તેમના જમાઈ હજરત અલીસાહેબને કૃપાસ્વરુપે આપ્યા ત્યારથી આ સાધનાની પરંપરા યોગ્ય લોકોને અપાતી રહી છે. એક મત એમ પણ પ્રવર્તે છે કે સૂફી સાધનાની શરૂઆત ઈ.સ.ની આઠમી સદી પહેલા થઈ. અબુ હાશિમે સૂફી સંપ્રદાયની સ્થાપના પેલેસ્ટાઈનમાં કરી. અબુ હાશિમને પ્રથમ સૂફી સાધન માનવામાં આવે છે. (સોર્સઃમહાન સૂફી સંતો)

સૂફી શબ્દના અઢળક અર્થો છે. ડિક્ષનરીમાં સૂફી શબ્દ સામે ફકરાઓ ખૂલે છે! સૂફીઓ ઊનમાંથી બનાવેલા ચોલો SUFI1અને કાનટોપી પહેરે છે. અરબીમાં ઊનને ‘સૂફ’ કહે છે, તેથી તેઓ ‘સૂફી’ કહેવાયા. આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’માં ‘ખ્વાજા મેરે ખ્વાજા’ ગીતમાં અદભૂત સૂફી ડાન્સ દર્શાવાયો છે. તે ગીત જાણીતા સૂફી સંત મૌઇનુદ્દીન ચિસ્તીને અર્પણ છે. એક અન્ય મત પ્રમાણે સૂફીનો અર્થ પ્રેમનો સાધક થાય છે. અરબી ભાષાનો એક શબ્દ ‘સૂફ’ છે, જેનો અર્થ પવિત્ર થાય છે. સૂફીઓ પણ પવિત્રતા અને સાદગીના આગ્રહી હોવાથી સૂફ પરથી સૂફી કહેવાયા હોય એવું બની શકે. સૂફીમત એવું માને છે કે કમાયતના પ્રથમ દિવસે જે પ્રથમ હરોળમાં હશે એ સૂફીઓ હશે. અરબી શબ્દ ‘સફ્ફ’નો અર્થ હરોળ, પંક્તિ થાય છે, તેથી તેઓ સૂફી કહેવાયા. એક અર્થ પ્રમાણે આરબો જ્યારે અજ્ઞાનતામાં ગરકાવ હતા ત્યારે ‘સૂફ્ફા’ નામની જાતિ મક્કાની સેવામાં લીન હતી. આ જાતિમાં જે જન્મ્યા તે ‘સૂમ્’ કહેવાયા. મક્કા પાસે એક ‘સફા’ નામનો નાનો ડુંગર આવેલો છે. કેટલાક લોકોએ ડુંગર પર બેસી બંદગી કરતા તેથી તે બધા સૂફી કહેવાયા. સૂફીઓ ખુદા સિવાયની તમામ ચીજો તરફથી મોઢું ફેરવી લેવામાં માને છે. અરબીમાં ‘સૌફ’નો અર્થ ‘મોઢું ફેરવી લેવું’ એવો થાય છે, તેથી ‘સૌફ’ પરથી સૂફી એવો અર્થ પણ કરવામાં આવે છે. વળી કેટલાક એવું માને છે કે સૂફી શબ્દ ગ્રીક શબ્દ ‘સોફાઈ’માંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે અક્કલ, જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. આ જ્ઞાનને લીધે ‘સૂફી’ કહેવાયા.

***

crash-course-sufism-entity-1320x720
Not only the thirsty seek the water, the water as well seeks the thirsty.  -Rumi  

એક વખત રુમી મક્કા જઈ રહ્યા હતા. તેમની સાથે એક અન્ય દરવિશ એટલે કે સુફી સંત યાત્રા કરી રહ્યા હતા.(સૂફી ચૈતન્ય ધારામાં ‘દરવિશ’નો અર્થ દરવાજો ખોલીને ઊભો રહેનાર એવો થાય.) દરરોજ રાતના તે બંને જ્યારે આરામ કરવા અને સુવા માટે જમીન પર આડા પડતા ત્યારે તે સંત ઉઠીને બેસી જતો અને પ્રાર્થના કરવા લાગતો.

એક દિવસ રુમીએ એ જોવાનું નક્કી કર્યું કે આ ફકીર કઈ વસ્તુ માટે પ્રાર્થના કરી રહ્યો છે? કેમ કે પ્રાર્થના દરમિયાન તેના ચહેરા પર એક પ્રકારની બેચેની દેખાતી હતી. રુમીએ સાંભળ્યું કે, આ માણસ અલ્લાહ પાસે પ્રાર્થના કરી રહ્યો હતો કે, ‘એક દિવસ હું આ દેશનો રાજા બની જાઉં!’ રુમીને આ સાંભળીને આંચકો લાગ્યો. તેમણે પ્રાર્થના વચ્ચે જ પોતાના સાથીને રોક્યો અને કહ્યું, ‘બેવકૂફ, તું આ શું કરી રહ્યો છે? એવું લાગે છે કે તારી ગરીબી તને મફતમાં મળી છે. એટલે તું એકવાર ફરી રાજા બનવા માટે આજીજી કરી રહ્યો છે! હું પોતે એક રાજા હતો. ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષ બાદ હવે મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, માટે મેં ફકીર બનવાનું નક્કી કર્યું. પરંતુ લાગે છે કે તને આ ગરીબી અને ફકીરી મફત મળી ગઈ છે. એટલે જ તું એક વાર ફરી રાજા બનવા માટે ભીખ માગી રહ્યો છે!’

મફતમાં મળેલી ફકીરી પણ કોઈ કામની નહીં. રુમીના આવા ઘણા પ્રસંગો મૌજૂદ છે. કમાલની વાત એ છે કે, ૮૦૦ વર્ષો પહેલા થઈ ગયેલો આ ઓલિયો ફકિર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. યંગસ્ટર્સ તેને વધાવે છે. વૉટ્સએપ સ્ટેટસ અને ટ્વિટર પર રુમીના વાક્યો પોસ્ટ થાય છે. ફિલ્મોમાં તેના વિચારો રજૂ થાય છે અને લોકોને તે પોતાની વાત લાગે છે. રુમી તરત જ લોકો સાથે સાયુજ્ય સાંધી લે છે.

***

જે બાત!

પરમ તત્વ તો અવ્યાખ્યેય અને અપરિભાષ્ય જ છે. કદાચ, મૂર્તિપૂજાનો વિરોધ પણ એટલે જ થતો હશે કે તેમાં સમસ્તતા-સમગ્રતા સમાવી શકાતી નથી. અંતિમ વાસ્તવિકતાને વ્યાખ્યાઓની ટાંચણીએ ટાંગી શકાય નહીં, શબ્દોની ફ્રેમમાં મઢી શકાય નહીં, દ્દષ્ટિબિંદુના ખોખામાં ગોઠવી શકાય નહીં, ભાષ્યોની કેદમાં બાંધી શકાય નહીં. નિરપેક્ષ સત્યને સમાવવા માટે એક શાસ્ત્ર, સંપ્રદાય, શબ્દ, સિધ્ધાંત, સંત નાનો પડે છે. તેથી જ સૂફી ફકીર કે ઝેન ગુરુ, નાથ સિધ્ધ કોઈ પામેલ-પહોંચેલ સંત-સ્વામી-સાધુનો મુખ્ય આશય શબ્દ-અર્થ-શાસ્ત્રની રઢ અને નિદ્રા તોડવાનો હોય છે. -સુભાષ ભટ્ટ(‘અનહદ બાની’માંથી)

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 20-06-2018

 

Tane fakiri mafat ma... 20-06 Edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6. તા. 20-06-2018

 

 

 

 

 

5 comments on “તને ફકીરી મફતમાં મળી લાગે છે..!

 1. એકટીશ જીવાયોલો લેખ…
  અનહદ…
  વાહ…
  ગમ્યું…

  “મહાન સૂફી સંતો” મેળવવાનો કોઈ સ્ત્રોત્ર?
  અને રુમીના જીવનચરિત્ર અંગેની અને સાહિત્ય પરની શ્રેષ્ઠ રજુઆતી પુસ્તક કયું?

  • ખૂબ ખૂબ આભાર ભાઈ.

   ‘મહાન સૂફી સંતો’ આઈ થિંક, લાયબ્રેરી, ક્રોસવર્ડ પર મળી શકશે. મેં ભુજના સહજાનંદન રુરલ ટ્રસ્ટમાંથી લીધેલી. રુમીના જીવનચરિત્ર માટે નેટ પર સારી અને ઘણી માહિતી છે. શ્રેષ્ઠ તો… ‘અસ્મિતા પર્વ’માં મોરારી બાપુની સમક્ષ સુભાષ ભટ્ટસાહેબે રુમી વિશે અદભૂત વાતો કરી હતી, તે સાંભળજો. એમના વિશે પુસ્તકો અઢળક છે વિવિધ ભાષાઓમાં.

   Thank you again dost!

 2. ડોલી

  થોરામાં ઘનું સમજવું એઉ તુ કેસ પન તે તો ઘનુ કિધુ સ. એમા થોરુ ક્યાં સે કાંય 😉 btw really nice article. Rumi aaj pn relevant che. spirituality ne saral banavnar darek soul nu contribution eternal rahevanu j. moj padi gai yara ! lakhto reje

  • થોરામાં ઘનું સમજવું ઇટ મિન્સ કે ડેપ્થમાં સમજવું. એ વાર્તા તો પૂરી થઈ ગઈ પણ તેનો ભાવાર્થ સમજવો. વિચારવો. હું નહીં રહે ત્યારે તે મળશે એ ખુદ્દા મેળવવાવાળી વાત છે, તે એક આર્ટિકલમાં થોડી સમજાય. એ રીતે મેં લખ્યું, થોરામાં ઘનું સમજવું.

   Thank You So Much…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: