Movies Review

રેસ 3

મૈંને યે રેસ ક્યૂં દેખી?

Rating: 0.8 Star

રેસ સિરીઝના અગાઉના બે ભાગ કરતા નબળી ફિલ્મ છે. થ્રિલરના નામે જૂનાપુરાણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. એક્શનના નામે ગાડીઓ, બાઈકો અને માણસોને ફંગોળ્યા છે. સલમાન સાથે બોબી દેઓલની બોડી બતાવી છે. ફૅન્સ લોકોએ અપેક્ષા ઓછી રાખીને જોવી. બાકીનાએ દૂર રહેવું. હાસ્યાસ્પદ ફિલ્મ.

નોંધઃ સલમાન ખાનના ફૅન્સના સ્વાસ્થ્ય માટે આ રિવ્યુ હાનિકારક છે. છેટા રહે.

race-3   ફિલ્મ ખૂલ્લે છે અબુ ધાબીના લીવા ડેઝર્ટના ડ્રોન શૉટ્સથી. ક્રડિટ્સમાં પહેલું નામ સિનિયર એક્ટર અનિલ કપૂરનું આવે છે, ત્યાર બાદ સલમાન ખાન એન્ડ મંડળીનું. રેગિસ્તાન વચ્ચે ક્યાંક શમશેર સિંઘ(અનિલ કપૂર) હેલિકૉપ્ટરમાંથી સ્વૅગ સાથે ઉતરે છે અને કોઈક ગેસ્ટ અપિરિયન્સ ગુંડો તેનું સ્વાગત કરે છે. શમશેર સિંઘ હથિયારોની હેરાફેરી કરતો હોય છે અને તેના ગલ્ફ કન્ટ્રીમાં આર્મ્સ એમ્પાયર પણ છે. આ ભાઈ ગુંડાને ‘સરખો’ જવાબ આપીને પોતાની તાકાતનો પરચો આપણને બતાવે છે.(‘હું પહેલા નિર્ણય લઉં પછી ગુસ્સે થાંઉ’ વાળો વાહિયાત ડાયલૉગ આવે છે.) આ શમશેર સિંઘના ઑફિશિયલ બે પોયરા સુરજ(શાકિબ સલિમ) અને સંજના(ડેઈઝી શાહ). બેઉ એકબીજાને ‘બ્રો’ કહીને બોલાવે!(ત્યારે બહુ જ ખરાબ લાગે) અનિલ કપૂરના લાઉડ એન્ટ્રી સિન સાથે આપણે સેટ થઈએ ત્યાં જ તેનો(શમશેર સિંહનો) હરિફ અર્થાત દુશ્મન રાણા(ફ્રેડી દારુવાલા) તેના પર હુમલો બોલાવી દે છે. તેને બચાવા બુદ્ધિ વગરના પેલા બેઉ સંતાનો પહોંચી જાય છે. કાર્સ ફુંકાય છે અને મોટરસાઇકલ બળે છે અને સ્કાય-લાઇનના ડ્રોન તથા લેન્ડસ્કેપ શૉટ્સ ચાલુ થઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં ‘રેસ’ થીમ સંભળાય છે. આ બેઉ ભેગા થઈને કેટલાયને ઠિકઠાક કોરિયોગ્રાફ્ડ એક્શન સીક્વન્સો સહારો લઈને મારે છે, પણ તોય પાછા પડે છે. સુરજ-સંજના ફસાય છે ત્યાં જ શમશેર સિંઘનો ઓરમાન દિકરો સિકંદર(હા ભાઈ હા, સલમાન ખાન!)સૂટેડ- બૂટેડ થઈને આવે છે. (વેરી મિસ યુ, સૈફ અલી ખાન!) એકચ્યુઅલી તમારું ધીરજ ખુટી જાય એટલો આરામથી તે ઊડતો ઊડતો આવે છે. હવે આ ત્રણેય જાણે ઓછા પડતા હોય તેમ સિકંદરનો બૉડિગાર્ડ(બોલો! ‘બૉડિગાર્ડ’નો પણ બૉડિગાર્ડ) યશ(બોબી દેઓલ) આવે છે! અને એ પણ બાઇક ઉડાડીને એના ભાગમાં આવેલા સ્ટન્ટ અને જેવા આવડે એવા સ્વૅગ સાથે લોકોને ફટકારે છે. શમશેર સિંઘ ફૅમિલીનો વડો છે. વર્ષોથી તેની સાથે રહેલો એક ખાસ માણસ(શરત સક્સેના) છે. 2008 અને 2013માં અનુક્રમે આવેલી રેસ સિરીઝની બેઉ  ફિલ્મોની જેમ આ ફિલ્મની ફૅમિલીમાં પણ અંદરોઅંદર ડખો છે. શમશેરને સિકંદર વહાલો છે. સુરજ-સંજનાને સિંકદર દીઠો નથી ગમતો. યશની એક પ્રેમિકા છે જે મળવા આવવાની છે. સિકંદરની એક પ્રેમિકા જેસિકા(જૅકલિન ફર્નાન્ડિસ) હતી જે મળ્યા બાદ છોડીને ચાલી ગઈ છે. અગાઉની બે ફિલ્મો જોનાર કોઈપણ સામાન્ય બુદ્ધિવાન મનુષ્ય સમજી જ જાય કે આ આખા પરિવારના સંબંધોની, તરફદારીની પોઝિશન સરખી નથી રહેવાની. બદલતી રહેવાની છે. એને રેમો ડિસોઝા સાહેબે ‘ટ્વિસ્ટ’ નામ આપ્યું છે!

ડાયરેક્શન, સ્ક્રિપ્ટ

તમને એમ થતું હશે કે કેટલી વાર્તા કહી દીધી! તો આ તો કંઈ નથી. આટલી વાર્તામાં હજુ તો  એક પૉલિટિકલ સ્કૅમ અને બે ફ્લૅશબૅક છે. એક અનિલ કપૂરનું અને બીજું સલમાન ભાઈની લવસ્ટોરીનું. જેમાં એક ચિત્ર-વિચિત્ર સૉન્ગ ‘આઈ ફાઉન્ડ લવ’ આવે છે. એ ગીત ખરાબ કે પેલું ટ્રોલ થયેલું ‘સેલ્ફીશ’, ખરેખરી રેસ તો આ બે સૉન્ગ વચ્ચે જામી છે. બેઉ ગીત ગીતકાર સલીમ ખાનના પુત્ર સલમાન ખાને લખ્યા છે, તે જાણ ખાતર. ગીતમાં સલમાન બરફ વચ્ચે કાળા ગંજી અને ટર્કાઇઝ બ્રેશલેટ તથા જેક્વેલિન લાલ કલરની સાડીમાં ધી-મે ધી-મે પોઝ આપે છે. રેસ 3નીટીમે વિચાર્યું હશે કે આપણું થઇ ગયું આ ‘પહેલી નજર ને કૈસા જાદુ કર દીયા’! તો આ ફ્લૅશબૅક છે એમ સૂચવવા માટે સલમાન ફૅક ફ્રેન્ચ દાઢી ચોંટાડે છે, જે ફની લાગે છે!

કોરિયોગ્રાફરમાંથી ડાયરેક્ટર બનેલા રેમો ડિસોઝાએ રેસ સિરીઝની ફૉર્મ્યુલાને બરાબર કૉપી કરી છે. ગુડ-લુકિંગ કાર્સ, બાઇક, સ્ટાઇલીશ માણસો, લૅન્ડસ્કેપ શૉટ્સ, લાઉડ મ્યુઝિક, હાઇ-ઑક્ટેન એક્શન સિકવન્સિસ, વગેરે બધું જ છે. પાછા અહીં તો વધારામાં સાક્ષાત સલમાન ખાન છે. પરંતુ રેમોભાઈ(અને રાઇટર શિરાઝ અહમદ) એ ભૂલી ગયા કે અગાઉની બે ફિલ્મોમાં, ખાસ તો પહેલીમાં પ્રૉપર સ્ટોરી હતી. 1999માં આવેલી અમરીકન ફિલ્મ ‘ગુડબાય લવર’નું પ્રૉપર એડોપ્ટેશન અને એક્ઝિક્યુશન હતું. બીજી ફિલ્મની વાર્તા શિરાઝ અહમદે ખુદ લખી હતી, માટે તેના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સમાં રિપિટેશન વધારે હતું. તે સીક્વલ કરતા રિમેક જેવી વધારે લાગતી હતી! અને અહીં તો વાર્તામાં જ કંઈ નથી! એ ખરું કે આખી ફિલ્મ સ્ટાઇલિશ શૂટ થઈ છે, ગન્સ ઉપરાંત મિસાઇલ લૉન્ચર અને મોંઘીદાટ ગાડીઓ, હેલિકૉપ્ટર લઈ આવ્યા છે, VFXનો ભરપૂર ઉપયોગ કરાયો છે પરંતુ અસરકારક વારતા જ નથી.(સ્ટન્ટ સિન્સમાં પણ સલમાન નથી બોડી ડબલ છે એ સહેલાઇથી કળી શકાય છે.) એટલે જ જ્યારે બોબી અને સલમાન શર્ટ ઉતારીને સ્લો-મોશનમાં બાઝવા માંડે છે ત્યારે તમને તેઓ ઇન્ટેન્સના બદલે સૌમ્ય અને વિનમ્ર લાગે છે! તમને કંઈ ફિલ જ નથી થતું!

લૉજિક: એ શું હોય?

      ફિલ્મો એ કલ્પનાની દુનિયા છે. એમાં કશું જ સાચું નથી પરંતુ દર્શાવાય એ રીતે કે બધું જ સાચું લાગે. પણ ‘રેસ 3’માં બધું એ રીતે દર્શાવાય છે કે તમને બધા ગપગોળા જ લાગે. અહીં એટલા બધા કથિત ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવે છે કે તમને એમ થાય કે શિરાઝ અહમદભાઈએ પહેલા વળાંકો લખી નાખ્યા હશે પછી સ્ક્રિપ્ટ લખી હશે. એમાં પણ ભાઈનો ડાયલૉગ, ભાઈની સ્ટાઈલ, ભાઈના બાવડા અને ફાઇટ; ભાઈ-એક્શન ભાઈ-એક્શન…- આટલું તો ફિક્ષ હશે! નેતાઓના સ્કૅમની સીડી ચોરવાની હોય છે તે કામ (ઑબ્વિયસલી)સલમાનની આગેવાનીમાં કમ્બોડીયા ખાતે થાય છે.(સ્પૉઇલર-બોઇલર કાંઈ નથી, વાંચો તમતમારે.)  પાછા આવતી વખતે સલમાનની લાર્જર ધેન લાઇફ ક્ષમતા દર્શાવવા માટે જાણે અચાનક મિલિટરી વૉર શરૂ થઈ ગયું હોય એવું લાગે છે. એક સિનમાં હેલિકોપ્ટરો હોવા છતાં ભાઈ અલ શિફાહની ઉપર ઉડે છે. AK47 ન ફાવતા ભાઈ બઝુકા લૉન્ચ કરી નાખે છે. આ ફિલ્મમાં કંઈ જ માપનું  નથી. અધુરામાં પૂરું રેમોએ અહીં બધા પાસે સૌથી ખરાબ ડાન્સ કરાવ્યો છે.(વેરી સ્ટ્રેન્જ!) રેસનું ટાઇટલ સૉન્ગ પણ નબળું કોરિયોગ્રાફ અને કમ્પોઝ થયું છે. સૈફની જેમ સ્લો-મોશનમાં સલમાનને ઠેકડો મરાવ્યો છે તે કૉમેડી લાગે છે.

ફિલ્મના મોટાભાગના વળાંકો આપણને કૃત્રિમ અને હાસ્યાસ્પદ લાગે છે. અંત સુધી પહોંચતા તો ટ્વિસ્ટ આવે ત્યારે આશ્ચર્ય થવાના બદલે હસવું આવે છે. શિરાઝ અહમદ અને કિરણ કોતરીયાલે લખેલા ડાયલૉગ્સ પણ લૉજિક અને ઢંગધડા વગરના છે. ‘અમારા-તમારા બિઝનેસ’ વાળો ડાયલોગ તો ઠિક, અહીં બાકીના પણ એવા જ હાસ્યાસ્પદ લખાયા છે. જેમ કે, કમ્ય્યુટરની એક બ્રૅન્ડ જાહેરાત કરતો ડાયલૉગ છે તેમાં ડેઈઝી કહે છે, ‘દિલ નહીં ડેલ ખોલ કે દિખાઓ!’ (બોલો! પાછા ડેઈઝીના ખાતામાં જ આવા ડાયલૉગ આવ્યા છે. ટ્ચ ટ્ચ)

એક્ટિંગ: એટલે શું વળી?

સલમાન ખાનના મસલ્સે આ ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગ કરી છે. એમાં પણ તે 3ડીમાં કેવા દેખાતા હશે તે વિચારીને જ ફૅન્સ લોકોને ગુઝબમ્પ્સના અટૅક આવી જતા હશે. બોબી દેઓલે પણ મસલ્સ દર્શાવ્યા છે. તો પછી શાકિબ સલીમ શા માટે રહી જાય? પણ તેણે એક જ વખત તે લાભ આપ્યો છે. તે અને ડેઈઝી ઑલમોસ્ટ ડાયલૉગ ઓવર કૉન્ફિડન્સમાં બોલે છે. તેનું કોઈ સાંભળતું તો છે નહીં, એટલે શેમ્પેઇન પાર્ટી આપતા રહે છે. ડેઈઝી અને જેકલિનના ફાળે સારા લાગવા સિવાય કોઈ કામ આવ્યું નથી. એક્શન સીક્વન્સ છે પણ ઠિકઠાક. તમારી નજર એક જગ્યાએ ચોંટે એવા એક્શન સિન્સ રૅર છે. ફિલ્મના અંતિમ ચરણમાં એક સિનમાં જેકલિન અને ડેઈઝી એકબીજાને માથા, પગ અને હાથથી ફટકારે છે. એ ફટકાર કસમથી, આપણને લાગે છે દોસ્તો! ફ્રેડી દારુવાલા વિલનના પાત્રમાં છે પણ આ 160 મિનિટની ફિલ્મમાં તેના ખાતે કંઈ જ નથી આવ્યું.(ફિલ્મના એડિટર રામેશ્વર એસ. ભગત છે, પણ તેમનો કોઈ વાંક નથી. કેમ કે ફિલ્મમાંથી ડલ સિન્સ કાપવા બેસત તો આખી ફિલ્મ કપાઈ જાત.) બોબી દેઓલ મિસફિટ છે. ઘણી જગ્યાએ આખી ફિલ્મની જેમ તે પણ વિચિત્ર લાગે છે. અન્ય ‘ઇશ્કિયા’ ફેમ દાદુ કલાકાર રાજેશ શર્મા, અનીલ કપૂરનો જમણો, ડાબો, વૉટેવર હાથ બનતો શરત સક્સેના, સ્વર્ગસ્થ નરેન્દ્ર જ્હા, આમના ખાતામાં બહુ ઓછી સ્ક્રિન પ્રેઝન્સ આવી છે.(ભાઈ કી ફિલ્મ હૈ!) સલમાન ખાન સ્ટાઇલીશ અને સારો લાગે છે પણ તેને ઇચ્છા ન હોય અને કામ કરતો હોય તેવી એક્ટિંગ કરી છે. એક્સપ્રેશન આપવાના સિન્સમાં દેખાઈ આવે છે કે તે પ્રયત્ન કરી રહ્યો છે.(બજરંગી ભાઈજાન અને સુલ્તાનમાં સ-રસ એક્ટિંગ હતી. અહીં કમને કરી હોય તેવું લાગે છે.) સ્ટ્રેચ્ડ સ્ક્રિપ્ટ અને વિક કેરેક્ટરાઇઝેશન હોવા છતાંય અનિલ કપૂરે સારું કામ કર્યું છે. એટલિસ્ટ, એ એક્ટિંગ કરે છે તેવું બહુ જ ઓછું લાગે છે. બાકીના બધા પોતપોતાનો ‘બિઝનેસ’ કરે છે. જેમા આપણને ચંચુપાત કરવાની છૂટ નથી!

એક બાર બેબી..

આ ફિલ્મનું સલીમ સુલેમાને આપેલું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક અને છએક જણાએ ભેગા મળીને કમ્પોઝ કરેલા ગીતો કેટલા ખરાબ છે એ વિશે અલાયદો આર્ટિકલ લખવો પડે. ફિલ્મની ક્રેડિટ્સમાં પણ 10 નામો તો ગીતકારોના આવે છે! કંટાળાને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માટે આપણને 6 ગીતો જોવા-સાંભળવા પડે છે.

જોવી કે નહીં?

એક સ્ટાઇલીશ એક્શન-થ્રિલર ફિલ્મ સિરીઝનો કચ્ચરધાણ કઈ રીતે વળાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ‘રેસ 3’ છે. જેમને માત્ર ને માત્ર સલમાન ખાનને જોવામાં રસ હોય એટલે કે તેમના ડાય હાર્ડ ચાહકો હોય તેમને આ ફિલ્મ, અપેક્ષા ઓછી રાખીને જોવા જશે, તો ગમશે. મસાલા અને થ્રિલરના નામે આ ફિલ્મ ધબ્બો છે. પોસ્ટ-ઇન્ટરવલના અમુક દ્રશ્યોમાં તમને એવો પ્રશ્ન થાય છે કે, આ વ્યક્તિ આ તરફ છે કે પેલી? તમે માથુ ખંજવાળો છો. એ એકાદ-બે વાર ખંજવાળેલું માથું આ ફિલ્મનો એકમાત્ર પ્લસ પૉઇન્ટ છે.

ચેતવણીઃ ‘રેસ 3’ની સીક્વલ પણ આવશે.

@Parth Dave

(Review for Mid-day, Mumbai: 16 June 2018)

Race 16-06
Mid-day, Mumbai. Page No. 24, Date: 16-06-2018

 

0 comments on “રેસ 3

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: