ગુજરાતી સિનેમા

ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

Internation gujarati film festival

-‘મધ્યાંતર’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

યુએસના ન્યુ જર્સી ખાતે યોજાનારા ત્રણ દિવસીય ગ્લોબલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં રેવા, ચલ મન જીતવા જઈએ, ઑક્સિજન, લવની ભવાઈ સહિત કુલ ૨૨ ફિલ્મો દર્શાવવામાં આવશે. ‘ધાડ અને ‘ઢ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું છે.

‘ઓહ માય ગોડ’ અને ‘૧૦૨ નોટ આઉટ’ના ડાયરેક્ટર ઉમેશ શુક્લા ફેસ્ટિવલ ડાયરેક્ટર છે.

સૌ જાણે છે તેમ ગુજરાતી ફિલ્મો હવે ધમધમાટ બની રહી છે. દર ત્રણ અઠવાડિયે સરેરાશ એકાદ ગુજરાતી ફિલ્મનું બદલતું પોસ્ટર આપણને થિએટરની બહાર જોવા મળે છે. ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા ઇન્ટરનેશનલ લેવલના ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

તા. ૩ થી ૫ ઓગસ્ટ દરમિયાન અમેરિકાના ન્યુ જર્સી ખાતે ‘ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કરાયું છે, જેમાં ૧૫ ફૂલ ફિચર ફિલ્મ(જેમાંથી ૩ ફિલ્મ સ્પર્ધાની બહાર રહેશે, તેનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રખાયું છે), ૩ ડૉક્યુમેન્ટ્રીઝ અને ૪ શૉર્ટ્ ફિલ્મ્સ દર્શાવવામાં આવશે. (કુલ ૪૩ ફિલ્મો મોકલવામાં આવી હતી.) આ તમામ ફિલ્મોની પસંદગી ફેસ્ટિવલ ડાયરેક્ટર તથા જ્યુરી મેમ્બર્સ દ્વારા કરાઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર ‘ઓહ માય ગોડ’ અને ‘૧૦૨ નોટ આઉટ’ જેવી ફિલ્મો બનાવનારા બોલિવૂડના ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. જ્યુરી મેમ્બર્સમાં હિન્દી તથા ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેત્રી અરુણા ઇરાની, નવલકથાકાર, નાટ્યલેખક અને સાહિત્યકાર મધુરાય, લોસ એન્જલીસ સ્થિત ફિલ્મ નિર્માતા અનુરાગ મહેતા અને લેખક અને વક્તા જય વસાવડા છે.

IGFF Team
ડાયરેક્ટર ઉમેશ શુક્લા સાથે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ટીમ

આ ફેસ્ટિવલનો વિચાર જેમને સ્ફુર્યો એવા કૌશલ આચાર્યે જણાવ્યું હતું કે, ‘આ ફેસ્ટિવલનો સૌથી મોટો ફાયદો એ થશે કે આપણી ગુજરાતી ફિલ્મો એકીસાથે ગુજરાત-ભારત સિવાય અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ શકશે, જ્યાં ગુજરાતીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. મોટાભાગે એવું જોવા મળે છે કે ગુજરાતી ફિલ્મ ખૂબ સારી હોય તો જ અન્ય દેશમાં પાછળથી રિલીઝ થાય છે. ત્યાં સુધી તેની પાયરેટેડ કૉપીઝ જોવાઈ ચૂકી હોય છે. માટે આપણે ગ્લોબલ લેવલ પર એકીસાથે ફિલ્મ રિલીઝ કરી શકીશું. અને તે માટે ગુજરાતી ફિલ્મો માટેનું નેટવર્કિંગ, ડિસ્ટ્રિબ્યુશન તથા ફન્ડ આ ત્રણેય આ ફેસ્ટિવલ થકી ઊભા કરી શકીશું.’ ફેસ્ટિવલના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘તમિલ, તેલુગુ, મલયાલમ કે મરાઠી ભાષાની જેમ આપણી ફિલ્મો પણ એકીસાથે રાષ્ટ્રીય સ્તરે અપીલ કરે તેવા વાતાવરણનું આયોજન આ ફેસ્ટીવલ થકી ઊભું થશે. ઘણી હિન્દી ફિલ્મો એવી બની છે જે ભારતમાં ઓછી ચાલી હોય પણ અન્ય દેશમાં ખૂબ જોવાઈ હોય, લોકોને ગમી હોય. બીજું એ કે, ચીન માટે ગુજરાતી એટલી જ ફોરેઇન લેન્ગવેજ છે જેટલી હિન્દી છે. માટે તેમના માટે સબ ટાઇટલ સાથે ફિલ્મ જોવી તે કોઈપણ ભાષાની હોય, સરખું જ છે.’

લોકપ્રિય લેખક અને વક્તા જય વસાવડાએ વાતનું અનુસંધાન સાધતા કહ્યું હતું કે, ‘આ માટે આપણી ઇન્ડસ્ટ્રીએ પણ ગ્લોબલ લેવલે કામ કરવું પડશે. આપણી ફિલ્મના થિમ અને મેકિંગ ગ્લોબલ હશે, જેમાં વિઝ્યુઅલ વધારે અને વર્બોઝ ઓછું હશે તો તે ઇન્ટરનેશનલ લેવલે વધુ અપિલ કરશે. ’

ઉલ્લેખનીય છે કે, આ માત્ર ફિલ્મ એવોર્ડ્ સેરેમની નથી બલ્કે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે. એટલે કે અહીં ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી અને શૉર્ટ ફિલ્મોમાંથી જે સિલેક્ટર કરાશે તેને એવોર્ડ આપવા ઉપરાંત અમેરિકામાં વસતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માગલા લોકોને પ્લેટફૉર્મ પણ પૂરું પાડવામાં આવશે. તા. ૫થી ૮ ઓગસ્ટ દરમિયાન બપોરે ૧૨થી રાતના ૧૨ વાગ્યા સુધી ચાલનારા આ ફેસ્ટિવલ દરમિયાન ફિલ્મ મેકિંગના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

IMG_9939
પોતાનો અભિપ્રાય રજૂ કરતા ‘રેવા’ ફિલ્મના મુખ્ય અભિનેતા અને સહ-પટકથા લેખક ચેતન ધાનાણી

અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પસંદગી પામેલી ફિલ્મના કલાકાર કસબીઓએ હાજરી આપી હતી. મૂળ નખત્રાણાના એવા ‘રેવા’ ફિલ્મના મુખ્ય અભિનેતા અને સહ-પટકથા લેખક ચેતન ધાનાણીએ ખૂબ સરત વાત કરી હતી કે, ‘આ ફેસ્ટિવલ થકી જૂદા-જૂદા શહેરમાંથી આવેલા અમે પણ અન્ય ગુજરાતી ફિલ્મો બનાવી રહેલી ટીમને મળી શકીશું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એકબીજાને ઓળખી શકશે. ઇન્ડસ્ટ્રીને જે સૌથી વધારે જરૂર છે તે ‘એકતા’ આના થકી જ આવશે.’ તાજેતરમાં જેને નેશનલ એવોર્ડ મળ્યો છે તે ‘ઢ’ ફિલ્મના ડાયરેક્ટર મનીષ સૈનીએ કહ્યું કે, ‘મેં ‘ઢ’ ફિલ્મ બહાર ઘણા ફેસ્ટિવલ્સમાં મોકલી. લોકોએ જોઈ. લોકો મને પૂછી રહ્યા હતા કે તારી ફિલ્મ ગુજરાતીઓને ક્યારે જોવા મળશે? હવે ‘ઢ’ ગુજરાતી ફેસ્ટિવલમાં પણ રજૂ થશે એ સારી બાબત છે.’

પેક અપઃ જૂદા-જૂદા દેશોમાં વિવિધ ફિલ્મ એવોર્ડ્સ યોજાય છે. ભારતમાં પણ દર વર્ષે ઢગલો ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થાય છે. જેમાં ઓડિશા, રાજેસ્થાન, તમિલનાડુ, વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે થતા રિજનલ ફિલ્મ એવોર્ડ્સનો સમાવેશ પણ થઈ જાય. માત્ર ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની અત્યાર સુધી કમી હતી જે પૂરી થવા જઈ રહી છે. સો, ગુજરાતી ચિત્રપટનો ડંકો વાગશે દુનિયામાં, જય ગુજરાતી સિને-મા!

  • ફેસ્ટિવલમાં ધ્વનિત ઠાકરની સર્વપ્રથમ ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘શૉર્ટ સર્કિટ’નું વર્લ્ડ પ્રિમિયર યોજાશે.
  • ફેસ્ટિવલમાં પસંદગી પામેલી ફિલ્મ ‘ઢ’ અને ‘શરતો લાગૂ’ સિનેમાઘરોમાં હવે રિલીઝ થશે.

 

ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી ફિલ્મો

સ્પર્ધા માટે પસંદ થયેલી ફિચર ફિલ્મ

ભંવર

ચલ મન જીતવા જઈએ

ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ

હેરાફેરી ફેરાફેરી

કરસનદાસ પે એન્ડ યુઝ

લવની ભવાઈ

ઑક્સિજન

પપ્પા તમને નહીં સમજાય

રતનપુર

રેવા

સુપરસ્ટાર

શરતો લાગૂ

ચિત્કાર

સ્પેશિયલ સ્ક્રિનિંગ

કલર ઑફ ડાર્કનેસ

ધાડ

ડૉક્યુમેન્ટ્રીઝ

ખમ્મા ગીરને

બહેરૂપી

મહાગામીત સુનીતા

શૉર્ટ ફિલ્મ્સ

રમ્મત ગમ્મત

90 સેકન્ડ્સ

ડાયરી

સેલ્ફી ઇન પર સે

@Parth Dave (Janmbhoomi Group- Kutchmitra)

Date: 15-06-2018

Ineter. Gujarti film festivel 15-06.jpg
“મધ્યાંતર”, જન્મભૂમિ ગ્રુપ-કચ્છમિત્ર, પાના નં. 4; તારિખઃ 15-06-2018

0 comments on “ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: