Movies Review

Jurassic World: Fallen Kingdom

‘ડાઇનાસૉર બચાવો અભિયાન’

Rating: 2.7 Star

જ્યુરાસિક પાર્ક સિરિઝની અગાઉની ફિલ્મો જેટલી દમદાર નથી. ત્રણ વર્ષ પહેલા આવેલી જ્યુરાસિક વર્લ્ડ કરતા ચપટીક સારી છે. રોમાંચક અને આશ્ચર્યજનક છે, પરંતુ અપેક્ષા મુજબની નથી. ‘જ્યુરાસિક સિરિઝ’ના ફૅન લોકો એકીસાથે પ્રકાર-પ્રકારના ઘણા બધા ડાઇનાસૉર્સને દોડતા-કૂદતા જોવા જઈ શકે છે. અપેક્ષા 1ઓછી, તો મજા વધુ.

ગાઢ અંધકારમાં, વરસતા વરસાદમાં એક માણસ દરિયાની અંદર ગયેલા તેના સાથીદારોની રાહ જોઈ રહ્યો છે. તેના સાથીદારો હાથીદાંત જેવો કોઈ મહાકાય પ્રાણીનો દાંત કે એવુ કંઈક તોડીને બહાર આવી રહ્યા છે. ત્યાં જ એક રાક્ષસી મોં ખૂલે છે ને તે તમામ કાળનો કોળિયો થઈ જાય છે. પહેલો માણસ વૉકીટૉકીમાં ચિલ્લાયા કરે છે. ત્યાં જ તેની પાછળ વીજળી દ્વારા રચાતા પડછાયામાં વિશાળકાય આકૃતિ દેખાય છે. કદાવર પ્રાણી ડાઇનાસૉરના આપણને દર્શન થાય છે.

યસ. હૉલિવૂડિયન ફિલ્મોની પ્રણાલી પ્રમાણે પહેલા આફત આવે છે અને પછી ટાઇટલ આવે છે! વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ ડાઇનાસૉર! ફિલ્મ વિશે વિગતે વાત કરતા પહેલા થોડા ફ્લૅશબૅકમાં ચક્કર મારી આવીએ.

જ્યુરાસિક પાર્ક સિરિઝ

માઇકલ ક્રિક્ટોને વર્ષ 1990માં એક સાયન્સ ફિક્શન નૉવેલ લખી, નામઃ ‘જ્યુરાસિક પાર્ક’. જેમાં મહાકાય જંગલી પ્રાણી ડાઇનાસૉર, એમ્યુઝમેન્ટ પાર્ક, તેનું જિનેટિકલી રિ-ક્રિએશન, વગેરે વાતો સાત ભાગમાં પથરાયેલી હતી. માઇકલ ભાઈએ નૉવેલની સિક્વલ લખી જેને નામ આપ્યુઃ ‘ધ લાસ્ટ વર્લ્ડ’, જે 1995માં પબ્લિશ થઈ. પણ એ પહેલા, વર્ષ 1993માં મહાન ડિરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગે પહેલી નૉવેલને એડોપ્ટ કરીને એજ નામે એક અફલાતૂન ફિલ્મ સર્જી નાખી હતી. ‘જ્યુરાસિક પાર્ક’. 4 વર્ષ પછી સ્પીલબર્ગે ‘ધ લાસ્ટ વર્લ્ડ’ પરથી બીજી ફિલ્મ બનાવી. નામઃ ‘ધ લાસ્ટ વર્લ્ડઃજ્યુરાસિક પાર્ક’.  એ પછી 2001માં પ્રમાણમાં નબળી ‘જ્યુરાસિક પાર્ક 3’ કરીને ફિલ્મ આવી જે જૉય જ્હોનસ્ટોને બનાવી હતી.

ત્રણ વર્ષ પહેલા કોલિન ટ્રેવરોએ ‘જ્યુરાસિક વર્લ્ડ’ નામથી અલાયદા જ્યુરાસિક વર્લ્ડ ટ્રાયોલૉજીના પગરણ માંડ્યા. તેનો બીજો ભાગ અને જ્યુરાસિક પાર્ક ઇન્સ્ટોલમેન્ટનો પાંચમો મણકો એટલે ‘જ્યુરાસિક પાર્કઃફૉલન કિંગ્ડમ’. આ ફિલ્મના ડાયરેક્ટર ફરી બદલાયા છે. ‘ધ ઓર્ફનેજ’ અને ‘અ મોન્સ્ટર કૉલ’ ફેમ ડાયરેક્ટર જે.એ. બાયોના છે.

ફિલ્મ સ્ટીવલ સ્પિલબર્ગના પૂરાણા સ્પાર્કથી ઓબ્વિઅસ્લી જોજનો દૂર છે. અગાઉની ‘જ્યુરાસિક વર્લ્ડ’ પણ એવરેજથી થોડી સારી હતી. આ પણ…

આવો ને જ્વાળામુખીના પર્વત પર લટાર મારીએ!

ચપટીક વારતા

‘જ્યુરાસિક વર્લ્ડ’ ફિલ્મ પૂરી થઇ તેના થોડા વર્ષો બાદ આ ફિલ્મ શરૂ થાય છે. જ્યાં એમ્યુઝમેન્ટ પાર્ક આવેલું છે તે ઇસ્લા નુબ્લાર પર્વત સુષુપ્ત જ્વાળામુખી પર બેઠું છે. તે ગમે ત્યારે ફાટી શકે છે. અને તેમ થતા ત્યાં વસતા તમામ ડાઇનાસૉર ખથખતમખતમ થઈ જાય તેમ છે. અને તેમ થતા માંડ બચેલી તેમની જાતિ લુપ્ત થઈ જાય, નામશેષ થઈ જાય. આ અચાનક આવી પડેલા નેચરલ ડિઝાસ્ટરથી ડાઇનાસૉરને બચાવવા થીમ પાર્કની બોસમાંથી એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ બનેલી ક્લેર ડિયરીંગ(બ્રાઇસ ડેલાસ હાવર્ડ) અને તેના એક્સ બોયફ્રેન્ડ ઑવન ગ્રેડી(ક્રિસ પ્રેટ)ની મદદ લેવાય છે. નોંધનીય છે કે, ઑવન ગ્રેડી ડાઇનાસૉર વર્લ્ડનો ફૉર્મર ટ્રેઇનર રહી ચૂક્યો છે. મોટાભાગના ડાયનાસૉર્સ તેના પાળીતા છે. આ બેઉ ઉપરાંત હેકર અને આઈટી ટેક્નિશિયન ફ્રેન્કલિન વેબ તથા ડૉ. ઝિઆ રોડ્રીગેઝ(ડેનિયલ પિનેડા) તેની સાથે જોડાય છે.

બહુ ઊંડા નથી ઉતરવું પણ એક્ચ્યુલી બિલ્યોનર દાનેશ્વરી બેન્જામીન લૂકવર્ડ(જેમ્સ ક્રોમવેલ) માટે કામ કરતા એલી મિલ્સે(રેફ સ્પેલ) ક્લેર ડિયરિંગને અપ્રોચ કરી હોય છે. અને તેણે જ બ્લ્યુ નામની પ્રજાતિના એક ડાઇનાસૉરને લઈ આવવા માટે તેના બોયફ્રેન્ડની મદદ લેવાનું સજેસ્ટ કર્યું હોય છે. બેન્જામીન લૂકવર્ડ પોતે ખરેખર જ્યુરાસિક પાર્કના ક્રિએટર જ્હોન હેમોન્ડ(સ્વર્ગસ્થ રિચાર્ડ એટનબરો)માટે કામ કરતા હોય છે. (આ પાછી બેકસ્ટોરી છે અને થોડી ગૂંચવણવાળી છે. માટે અગાઉની ફિલ્મો જોઈ લેવી.)

ડાયરેક્શન, સ્ક્રિપ્ટ, બધું જ..

સ્ટાર્ટિંગના વાયૉલેટ પ્રોલૉગ બાદ ફિલ્મ કેરેક્ટર ઇન્ટરેક્શન અને પ્લોટ સેટ-અપ માટે ગોઠવાય છે. જેમાં આપણને વેરી શોર્ટ કેમિયોમાં જેફ ગોલ્ડમેન(ડૉ. ઇયાન મેલ્કોમના પાત્રમાં) પણ દેખાય છે. છોકરી છોકરાને ડાઇનાસૉરને બચાવવા માટે મનાવે છે અને ફરી તેમની ટુકડી નીકળી પડે છે જ્યુરાસિક પાર્ક સિરિઝના ફિક્શનલ આઇલેન્ડ ઇસ્લા નુબ્લા પર. એટલે ફરી અગાઉની જેમ આપણને ડાઇનાસૉર સાથેની માનવીની ચણભણ, ડાઇનાસૉરની આગળ દોડવું, તેમનાથી બચવું, વગેરે દ્રશ્યો જોવા મળે છે. 128 મિનિટની ફિલ્મમાં 30 મિનિટ કોઈ કારણથી આઇલેન્ડ જવામાં અને ત્યાંથી પાછા આવવામાં વપરાય છે.(આ જૂની રેસિપી છે.) ત્યાર બાદ ફિલ્મ ધી-મે-કથી પોતાના ગિઅર બદલે છે. વધુ વારતા ન ખોલતા એટલું કહી શકાય કે, આપણો હિરો શરૂઆતમાં સર્વાઇવ માટે ઝઝુમે છે અને ત્યાર બાદ શેતાની શક્તિ-ડાઇનાસૉરને મિટાવવામાં. 2

‘જ્યુરાસિક વર્લ્ડ’ ફિલ્મથી આગળ અહીં ડાઇનાસૉરની હાઇબ્રિડ નસલ બનાવવાની વાત છે. માણસ દ્વારા પોતાના સ્વાર્થ માટે તેમના પર દમન કરવાની, તેમની વેચી મારવાની વાત છે. કોલિન ટ્રેવેરો અને ડેરેક કોન્નોલીએ અમુક સિન્સ સ-રસ લખ્યા છે. ફિલ્મમાં એજ ઑફ ધ સીટ થ્રિલ છૂટુછવાયું અનુભવાય છે. ‘આ ડાઇનાસૉર દ્વારા આ માણહના કેવા હાલ થશે’ એ વિચારીને અમુક સિન્સમાં આપણી કંપારી છૂટી જાય છે. ડાઇનાસૉર અને માણસોની સંતાકૂકડી જોવાની મજા પડે છે. આવા અમુકતમુક એન્ટરટેઇનિંગ અને ઇન્ટરસ્ટિંગ સિન્સ અને સેટ પિસિસ સિવાય બાકીના રિપિટેટિવ અને ટાયર્ડ લાગે છે. એક પૉઇન્ટ પછી CGI દ્વારા બનેલા ડાઇનાસૉર તમારામાં ભય પેદા નથી કરતા. ઇટ મિન્સ, ઇમ્પૅક્ટ ઘટી જાય છે.

ફિલ્મના અંત તરફ જતા ડાયનાસોરની કહ્યું તેમ હરાજી થાય છે તે સિનમાં ક્યાંક કિંગ કોંગ યાદ આવી જાય છે. ડાયરેક્ટ. જે. એ. બાયોનાએ અહીં સુપર્બલી ટેન્શન બિલ્ડ-અપ કર્યું છે, જેના પર તેની હથરોટી છે. ઘણા લેવલે અહીં હોરર-મૂવી ઇફેક્ટ દેખાય છે. અહીં આઇલેન્ડના ખૂલ્લા અને વિશાળ લેન્ડસ્કેપથી વધારે ઇન-હાઉસ દ્રશ્યો છે. એટલે ઘણી જગ્યાએ હોન્ટેડ હાઉસની ફિલ પણ આવે છે! બાકી જ્યુરાસિક ફિલ્મોમાં હોય છે તેમ અહીં પણ એક બાજુ ડાઇનાસૉરને માણસોથી હેરાનપરેશાન થતા-વિક્ટિમ બતાવ્યા છે તો બીજી બાજુ રાક્ષસી દાંતવાળા લૂંટફાટ કરનારા-શિકારી બતાવ્યા છે. ‘જ્યુરાસિક વર્લ્ડઃફૉલન કિંગ્ડમ’ આ બે મોડ વચ્ચે અંત સુધી ફર્યા કરે છે. અને પુનરાવર્તન થયા કરે છે. બે ડાઇનાસૉર સામસામે લડે એ સિન્સ હવે નવાઈ નથી પમાડતા. સાથે તમને એ પણ ખ્યાલ આવી જાય છે કે જે નઠારા માણસો છે, જેઓ સામાજિક જવાબદારી નથી ઉપાડતા તેમને આ ડાઇનાસૉર પતાવી દેવાના છે! પોઝિટિવ એન્ડિગ, યૂ નો!

ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ, અફ કોર્સ VFX ઇફેક્ટ છે!( જબરદસ્ત સ્પેશિયલ ઇફેક્ટ્સ રચનારા આર્ટિસ્ટ-સુપરવાઝરનું નામ નિલ સ્કેલમ છે, એ જસ્ટ ઇન્ફો માટે) અદભૂત સેટ્સ, રોમાંચક પકડદાવના દ્રશ્યો, તહેસનહેસ, ડાઇનાસૉરની  ત્રાડ, વગેરે બધું જ મનોરંજક છે. હા, બૅકગ્રાઉન્ડમાં વરસતા વરસાદ અને વીજળીના ચમકારા સાથે ધ્રુજવી નાખતી ત્રાડ પાડતા ડાઇનોનો ‘જ્યુરાસિક સિરિઝ’નો સિગ્નેચર સિન અહીં પણ છે. અલબત્ત, એકાધિક વાર છે!  ઑસ્કાર ફઉરાની સિનેમેટોગ્રાફી લા-જવાબ છે. ‘ગાર્ડિયન ઑફ ગેલેક્સી’ અને તાજેતરમાં ‘એવેન્જર્સ’માં ચમકી ચૂકેલો ક્રિશ પેટ અહીં ફાઇન છે. એક્ટ્રેસ બ્રાઇસ ડેલાસ હાવર્ડ તથા બાકીના કલાકારોનો અભિનય ધાસુ છે. બ્રાઇસ ડેલાસ અને ક્રિશ પેટની કેમેસ્ટ્રી અહીં કેમેસ્ટ્રીમુક્ત છે! તમના વચ્ચેનો માત્ર એક સિન રોમેન્ટિક ફિલ્માવાયો છે. એક્ચ્યુલી હોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ અને પ્રોડક્શન લેવલે સમાધાન કરવું પડે તેવું ભાગ્યેજ બને છે. અને આ તો મૉસ્ટ સક્સેફૂલ પૈકીની એક અમરીકન સિરિઝ છે. જોકે, ‘જ્યુરાસિક વર્લ્ડઃ ફૉલન કિંગ્ડમ’ અમેરીકામાં બે સપ્તાહ બાદ, 22 જૂને રિલીઝ થવાની છે. ભારતમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે.

ફિલ્મનું હિન્દી ટ્રાન્સક્રિએશન પ્રમાણમાં સારું છે. હા, ફિલ્મ લાંબી જરૂર લાગે છે. એક્ચ્યુલી ડાનયાસૉરને બચાવવાના નોબેલ મિશનથી શરૂ થયેલી ફિલ્મ ચાલીસેક મિનિટ બાદ ગોથા ખાવા માંડે છે. જિનેટિકલી હાઇબ્રિડ ડાઇનાસૉર અને ક્લૉનના સબપ્લોટ્સની ભેળસેળ થવા માંડે છે. તમને એવો વિચાર પણ આવી જાય કે હવે ફરી ડાઇનાસૉરની ત્રાડ સાંભળવા મળે તો સારું, એટલી ઠંડી થઈ જાય છે. ઘણી જગ્યાએ લોજિકને ટપી જવામાં આવ્યું છે.

જોવી કે નહીં?

વેલ, ‘જ્યુરાસિક વર્લ્ડ’ એ ‘જ્યુરાસિક પાર્ક’થી ખાસ્સું અલગ છે. ‘જ્યુરાસિક વર્લ્ડ’ ક્વાઇટ સિમ્પલ હતી. ‘ફૉલન કિંગ્ડમ’ તેનાથી એક સ્ટેપ આગળ છે. રોમાંચક અને આશ્ચર્યજનક છે પરંતુ જેટલી ધારી હતી એટલી સારી નથી જ નથી. સો ‘જ્યુરાસિક સિરિઝ’ના ફૅન હોવ, એક રોલર કોસ્ટર નહીં પરંતુ ઠીકઠાક રાઇડ જોવાની અને એકીસાથે પ્રકાર-પ્રકારના ઘણા બધા ડાઇનાસૉર્સને દોડતા-કૂદવાની જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ તમારા માટે છે. અપેક્ષા ઓછી, તો મજા વધુ. અસ્તુ.

છેલ્લી વાતઃ ફિક્શનલ કેરેક્ટર બેઝ્ડ હોલિવૂડિયન ફિલ્મ પૂરી થાય, પોસ્ટ ક્રેડિટ્સ સિન જોઈએ એટલે પહેલી લાગણી એવી થાય કે આના પછીનો ભાગ વધુ સારો હશે! જ્યુરાસિક વર્લ્ડ સિરિઝનો ત્રીજો ભાગ 11મી જૂન, 2021ના રોજ આવવાનો છે!

@Parth Dave

(Date: 12-06-2018)

CGI: Computer Generated imaginary

DSC_9783
ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ, અફ કોર્સ VFX ઇફેક્ટ છે!( જબરદસ્ત સ્પેશિયલ ઇફેક્ટ્સ રચનારા આર્ટિસ્ટ-સુપરવાઝરનું નામ નિલ સ્કેલમ છે, એ જસ્ટ ઇન્ફો માટે)  ‘જ્યુરાસિક પાર્કઃફૉલન કિંગ્ડમ’ ફિલ્મની VFX ટીમ. 

0 comments on “Jurassic World: Fallen Kingdom

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: